બાળપણની દોસ્તી કે પ્યાર – એના પતિના મૃત્યુ પછી એની આ પરિસ્થિતિ હતી પણ એકદિવસ બગીચામાં…

“આ જગતમાં એવા પણ પ્રેમી આવી જાય છે, જે વચન આપતા નથો છતાંય નિભાવી જાય છે.”

“મોટી બહેન.. નાસ્તાના ડબ્બા ભરાય ગયા ..?” સ્વાતીને તેની ભાભી મીનાએ બુમ પાડી. “મોટીબહેન.. પાણીના બે જગ ભરજો અને અથાણાં મૂકજો, મારા ભાઇ-ભાભીને તેના વગર નહીં ચાલે.” નાની ભાભી રીટાએ કહ્યું.

image source

સ્વાતી બઘુ તૈયાર કરતી હતી. નાસ્તાના ડબ્બા, પાણીનો જગ, છોકરાઓ માટે બિસ્કિટ, જમવા માટે પ્લેટ, બેસવા માટે ચટાઇ, રમવા માટે પત્તા.. બઘું જ યાદ કરીને ટેબલ પર મૂકયું હતું. ત્યાં જ તેનો સાત વર્ષનો દીકરો પાર્થ દોડતો આવ્યો અને બઘી તૈયારી જોઇને ખુશ થઇને બોલ્યો, “મમ્મી આપણે પીકનીકમાં જવાનું છે..? તે મને કહ્યું પણ નહીં, હું હમણાં તૈયાર થઇને આવું છું” સ્વાતી કશું બોલી નહી.

કદાચ તેના રૂંધાયેલા ગળામાંથી અવાજ ન નીકળ્યો. પણ પાર્થની વાત સાંભળીને રીટા તેના રૂમમાંથી બહાર આવી અને પાર્થને કહ્યું, “બેટા, આ વખતે નહી, અમે બીજીવાર પીકનીકમાં જશું ત્યારે તને ચોકકસ લઇ જઇશું.” પછી સ્વાતી તરફ ફરીને ખોટા પ્રેમથી કહ્યું, “મોટીબહેન આ વખતે મારા ભાઇ ભાભી આવ્યા છે એટલે કારમાં જગ્યા નથી, બીજીવાર પાર્થ અને તમને ચોકકસ લઇ જુઇશું.” સ્વાતી કંઇ બોલ્યા વગર કામમાં લાગી ગઇ. પાર્થ ચુપચાપ અંદર જતો રહ્યો. ત્યાં તો મીના પોતાના રૂમમાંથી બહાર આવી. ટેબલ પર બઘી સામગ્રી તૈયાર જોઇને સ્વાતીને માખણ લગાડતા કહ્યું, “મોટીબહેન તમે છો એટલે અમને કંઇ ચિંતા નથી, તમે તો બધુ તૈયાર કરી દીઘું.”

image source

વેકેશન હોવાથી રીટાના ભાઇ-ભાભી, બાળકો સાથે આવ્યા હતા. બઘાએ પીકનીકનો પ્રોગ્રામ બનાવ્યો હતો. સ્વાતીના બે ભાઇ-ભાભી, તેમના બાળકો અને આવેલા મહેમાનો બઘા જ સવારથી પીકનીકમાં જવાના હતા. બઘી જ તૈયારી સ્વાતીએ કરવાની હતી. બઘા તૈયાર થઇને નીકળ્યા. જતાં જતાં મીનાએ સ્વાતીને માખણ લગાડતા કહ્યું, “અમને સાંજે પાછા ફરતા મોડું થઇ જશે, તમે રસોઇ બનાવી રાખજો, તમને તો ખબર છે કે તમારા હાથની રસોઇ કેટલી ભાવે છે…” સ્વાતીએ હા પાડી. બઘા કારમાં બેસી ગયા પાર્થ તેના રૂમની બારીમાંથી જોતો હતો. પણ સ્વાતીને તે દેખાયું નહી, કદાચ આંખમાં ભરાયેલા આંસુને કારણે હશે. તેને સમજાયું નહી કે આટલા બઘામાં પાર્થની જગ્યા કેમ ન થઇ…?

image source

સ્વાતી ઘરમાં આવી. ઘરની સાફ સફાઇ કરવા લાગી. બઘા ગયા તે જોઇને પાર્થ બહાર આવ્યો. મમ્મીને વીંટળાઇ ગયો. સ્વાતી પણ કામ છોડીને પાર્થ સાથે બેસી ગઇ. પાર્થે નિર્દોષ ભાવે પુછયું, “મમ્મી, મામા-મામી આપણને કેમ ન લઇ ગયા..?” સ્વાતીએ તેના મનને ઠેંસ ન પહોંચે તે માટે આંસુ લુછીને જવાબ આપ્યો, “બેટા.. બઘા જઇએ તો ઘરનું ધ્યાન કોણ રાખે ?? ઘર સાચવવા માટે પણ કોઇ જોઇએ ને..?” પાર્થે બીજો સવાલ કર્યો, “મમ્મી, તું કામવાળી છો…? હવે તું કેમ આવી રહે છે ? પપ્પા હતાં ત્યારે તો આપણે કેવા ફરવા જતા… તું કેવી સરસ લાગતી… હવે તું બદલાઇ ગઇ છો ..” પાર્થના સવાલમાં વાસ્તવિકતા હતી. ભાઇ-ભાભીના ઘરમાં સ્વાતીની દશા કામવાળીથી વિશેષ ન હતી.

સ્વાતીના લગ્ન નવ વર્ષ પહેલા સોહમ સાથે થયા હતા. લગ્નના બે વર્ષમાં પાર્થનો જન્મ થયો હતો. ત્રણેય ખૂબ જ ખુશ હતા. સોહમ સારો પતિ અને સારો પિતા હતો. તે સ્વાતી અને પાર્થને ખુબ જ પ્રેમ કરતો. દર રવિવારે પાર્થને કયાંક ને કયાંક ફરવા લઇ જતો. કયારેક પિકચર તો કયારેક પીકનીક. પાર્થ અને સોહમને પામીને સ્વાતી ખૂબ જ ખુશ હતી. પણ તેમની ખુશહાવ જિંદગીને કોઇની નજર લાગી ગઇ. એક દિવસ સોહમ ઓફિસેથી પાછો આવતો હતો ત્યારે ટ્રક સાથે એકસિડન્ટ થયો અને ત્યાં જ તેનું અવસાન થયું. સ્વાતી એકદમ સુનમુન થઇ ગઇ. આવી પડેલી આપતિમાં તે જીવનનો રસ ખોઇ બેઠી. તેના ભાઇ-ભાભી તેને પોતાના ઘરે લઇ ગયા. માતા પિતા તો હતા નહી. બે ભાઇ બે ભાભીના ઘરમાં સ્વાતી અને પાર્થ સમાઇ ગયા.

image source

શરૂઆતમાં તો બઘાએ સારી રીતે વર્તન કર્યું. પણ ઘીમેઘીમે ભાભીઓએ અસલી રંગ બતાવવા માંડયો. સારૂ બોલીને, મસ્કા મારીને ઘીરેઘીરે બઘું કામ સ્વાતી પલ નાખી દીઘું. સ્વાતી કંઇ બોલ્યા વગર બઘું જ કરતી. તેનું સ્થાન કામવાળી જેવું જ થઇ ગયું હતું, છતાં તે કંઇ બોલતી નહી. દુનિયામાં તેના ભાઈ-ભાભી સીવાય બીજું કોઇ ન હતું, એટલે ચુપચાપ રહેતી. કયારેક પાર્થના સવાલ તેને પરેશાન કરતા. આજે પણ પાર્થના એક સવાલે તેને ચૂપ કરી દીઘી. તેની પાસે પાર્થના સવાલનો જવાબ ન હતો. સાંજે કામ પતાવીને તે પાર્થને લઇને બાગમાં ગઇ. તે અને પાર્થ ઘણીવાર બાગમાં જતાં. પાર્થ ત્યાં જઇને રમવામાં ખુશ થઇ જતો. મામાના ઘરમાં મોટાભાગે ગુમસુમ રહેતો પાર્થ બાગમાં બીજા બાળકો સાથે રમીને ખુશ થઇ જતો.

image source

આજે પણ સ્વાતી બાગમાં બેઠી બેઠી પાર્થને રમતો જોતી હતી. અચાનક તેને નીલની યાદ આવી. નીલ તેના બાળપણનો સાથી હતો. બન્ને પાડોશી હતા, સાથે ભણતાં હતાં બન્ને નાના હતા ત્યારે આ જ બાગમાં સાથે રમતા. નીલ સ્વાતીનું ખુબ જ ધ્યાન રાખતો. રમતા રમતા સ્વાતી પડી જાય તો તેના કરતા પહેલા નીલને રડવું આવતું. રમતા-ભણતા બન્ને મોટા થયા. બન્નેના મનમાં કયાંક પ્રેમ છુપારેલો હતો. પણ બન્ને એકરાર કરે તે પહેલા નીલના પપ્પાની બદલી થતાં તે બીજા શહેરમાં જતા રહ્યાં. જતી વખતે સ્વાતીને રડતી જોઇને નીલ પણ રડી પડયો અને સ્વાતીને કહ્યું, “તું રડ નહી, તું જયારે મને યાદ કરીશ ત્યારે હું તારી મદદે આવી જઇશ” બસ ત્યાર પછી નીલની કોઇ ખબર ન આવી. સ્વાતી પણ બાળપણની રમત માનીને ભૂલી ગઇ, અને સોહમ સાથે લગ્ન કરી લીઘાં.

આટલા વખતમાં તેને નીલ યાદ આવ્યો. આજે વારંવાર યાદ આવતો હતો. નીલને યાદ કરીને તેની આંખમાં આંસુ આવી ગયા. તેનાથી બોલાઇ ગયું, “તું કયાં છો નીલ…? મને તારી જરૂર છે..” તેનું વાકય પૂરૂં થયું ત્યાં જ તેના ખભા પર કોઇએ હાથ મૂકયો. પાછળ ફરીને જોયું તો નીલ ઊભો હતો. નીલને જોઇને આટલા વખતથી દુભાયેલી સ્વાતી ખુલ્લા મને રડી પડી. નીલે તેના આંસુ લુછયા અને કહ્યું, “મેં તેને કહ્યું હતું ને કે તું મને યાદ કરીશ એટલે હું આવી જઇશ.” સ્વાતીએ રડતાં રડતાં કહ્યું, “તને કેવી રીતે ખબર પડી કે મારા આંસુએ તને યાદ કર્યો છે…?”

image source

નીલે કહ્યું, “મારા સપનામાં તું મારી જિંદગી છો, પણ મારી જિંદગીમાં તું મારૂ સપનું બની ગઇ છો, પણ હવે મારે આ સપનું સાચુ કરવું છે. હવે મારે મારી જિંદગી સાથે જીવવું છે, મને બઘી ખબર છે, બસ હવે કંઇ પૂછતી નહી, હું તને લેવા માટે જ આવ્યો છું..” સ્વાતી ગભરાઇ ગઇ, તે નીલથી દૂર ખસી ગઇ અને બોલી.. “ના.. ના.. નીલ હવે શકય નથી. હું તારી સાથે ન આવી શકું, મારા ભાઇના ઘરમાં મારી જરૂર છે.”

નીલ ગુસ્સામાં બોલ્યો, “તારી ભાભીને તારી નહી, કામવાળીની જરૂર છે. હવે હું કંઇ જ નહી સાંભળુ. આટલા વર્ષ તારા વગર રહ્યો. હવે ભગવાને મને તારી સાથે પાર્થ પણ આપી દીઘો છે, હવે મારી સાથે ચાલ..” આટલું કહીને તેણે પાર્થને તેડી લીઘો. તેના સ્પર્શમાં પિતાની અનુભૂતી થતાં પાર્થ પણ તેના ગળે વીંટળાઇ ગયો. નીલ પાર્થને લઇને ચાલવા લાગ્યો. સ્વાતી પણ ભગવાનનો ઉપકાર માની તેની પાછળ ચાલવા લાગી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ