બાળકોના ભણતરે રંગીન અને બોજામુક્ત બનાવવા આ સરકારી શિક્ષિકાએ અપનાવ્યો જોરદાર આઇડિયા, જોઇ લો તસવીરોમાં

બાળકોના ભણતરને રંગીન અને બોજામુક્ત બનાવતી સરકારી શિક્ષિકા દીપિકા રાઠોડ

આજે બાળકો માત્ર બે વર્ષના નથી થયા હોતા અને તેમના પર ટોપલો ભરીને ભણતરનો ભાર મૂકી દેવામાં આવે છે. હજુ તો જીભ આવી ન આવી ત્યાં તો તેને પ્લે ગૃપમાં મુકી દેવામાં આવે છે. પ્લે ગૃપમાં જ તેની પાસે પ્રાણીઓ, પક્ષીઓ, રંગો, આકારો, એકથી દસના આંકડાઓ વિગેરે ઓળખી કાઢવાનું પ્રેશર મુકી દેવામાં આવે છે. તેવા સમયે જ્યાં માતાપિતા બાળકોનો વિચાર નથી કરતાં ત્યાં તમે શિક્ષકો પાસે તો કેવી રીતે અપેક્ષા રાખી શકો ?

પણ આ શિક્ષિકાએ પોતાના શિક્ષિકા તરીકેના કામને ખુબ જ ગંભીરતાથી લીધું છે અને એમ કહો કે પોતાના નાનકડા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા સમર્પિત કરી દીધી છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે નાના બાળકોને કલરફૂલ વસ્તુઓ બહુ ગમતી હોય છે અને માટે જ તેમને રંગોથી ભરપૂર કાર્ટૂન્સ જોવા ખૂબ પસંદ હોય છે.

અને દીપિકાબેન રાઠોડે બાળકોને અનુરૂપ જ પોતાના વર્ગખંડને પણ રંગીન ચિત્રોથી સજાવ્યો છે. જેથી કરીને બાળકને પોતાના વર્ગખંડમાં આવતાં જ ભણવાનો ઉત્સાહ આવે અને બાળકો ઘરે રહેવાનું વેન નહીં કરીને શાળાએ ભણવા આવવાનું વેન પકડે.

દીપિકાબેન છેલ્લા નવ વર્ષથી છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં ધનપરી પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2માં બાળકોને ભણાવે છે. તેઓ બીએ પીટીસી થયેલા છે. તેમણે ઘણીવાર જોયું છે કે પ્રાઇવેટ પ્રી સ્કૂલ્સમાં કેજીના વર્ગખંડોને આ રીતે સજાવવામાં આવ્યા હોય છે જે બાળકોને ખૂબ પસંદ આવતા હોય છે. માટે તેમને પણ વિચાર આવ્યો કે તેમણે પણ પોતાના વર્ગખંડને આ રીતે સજાવવો જોઈએ જેથી કરીને બાળકોમાં ભણવાનો ઉત્સાહ જાગે. અને ખરેખર વર્ગખંડને સજાવ્યા બાદ બાળકો અભ્યાસમાં રસલેવા લાગ્યા છે.

પ્રાઇવેટ શાળાઓના કીન્ડર ગાર્ડનના વર્ગ ખંડો જોઈને માતાપિતા તેમજે બાળકો તેના તરફ આકર્ષાઈ જાય છે. તો પછી સરકારી શાળાના વર્ગને પણ કેમ તેવી રીતે સજાવવામાં ન આવે ? દીપિકાબેનને પણ આ જ વિચારે પોતાનો વર્ગખંડ સજાવવાની પ્રેરણા આપી છે. દીપિકાબેનને આ વર્ગખંડને સજાવતા 20-25 દીવસનો સમય લાગ્યો હતો.

તમે તસ્વીરોમાં જોઈ શકો છો કે બાળકોના વર્ગખંડની દીવાલોને રંગીન રંગોથી સુંદર ચિત્રકામ કરીને સજાવવામાં આવી છે. સિલિંગ પર વાદળા દોરી સૂરજ પણ બનાવવામાં આવ્યો છે. તો દીવાલ પર હોટ એર બલૂનમાં બેઠેલા ભૂલકાઓ પણ દોરવામાં આવ્યા છે.

તો વળી બાળકો કક્કો રમતા રમતા શીખી જાય તે માટે કક્કાની રેલગાડી દોરવામાં આવી છે. જેમાં વિવિધ જાતના પ્રાણીઓને દોરવામાં આવ્યા છે. તો વળી બારાખડીને રંગીન બલૂન્સ દોરીને તેમાં લખવામાં આવી છે.

તો વળી એક દીવાલ પર સુંદર મજાનું વૃક્ષ દોરવામાં આવ્યું છે જેના પર વારનસેના મસ્તી કરતી દર્શાવવામાં આવી છે. બાળકોને અભ્યાસ પ્રત્યે રસ જગાડવાનો દીપિકા બેનનો આ પ્રયાસ ખરેખર વખાણવા લાયક છે. જો ખરેખર દરેક શિક્ષક બાળકોને ભણાવવા માટે આટલી તકલીફ લેતા થશે તો બાળકો માટે ભણવું પણ રમતની વાત થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ