ગુજરાતી સાહિત્યને કલાપી જેવા દિગ્ગજ ગઝલકાર ભેટ આપ્યા એવા બાલાશંકર કંથારીયા વિષે જાણો….

? આજનો દિવસ :- ફાધર ઓફ ગઝલ બાલાશંકર કંથારીયા

(જેમણે ગુજરાતી સાહિત્ય ને કલાપી આપ્યા)

જન્મ :-  ૧૭ મે, ૧૮૫૮, નડીઆદ

મૃત્યુ :–  ૧ એપ્રિલ, ૧૮૯૮, ( ૪૦ વર્ષ, પ્લેગ ને કારણે) વડોદરા

પિતા :- ઉલ્લાસરામ

માતા :- રેવાબા

વ્યવસાય :-  સર્જક, અનુવાદક, કવિ

ભાષા :-  ગુજરાતી ભાષા,  સંસ્કૃત ભાષા, ફારસી,  અરબી ભાષા, વ્રજ ભાષા

? The Father Of Gujarati Gazal

બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા નો એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદના ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલ આજાદ પોળ પાસે સઠોદર નાગર કુળમાં થયો હતો. અરબી-ફારસી ભાષામાં થી સહુ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં ઉતાર્યો હતો તેમજ કલાન્ત,કવિ,બાલ,નિજાનંદ,મસ્ત વગેરે તેમના તખલલુસો છે તેમના વતનમાં આવેલ તેમનું મકાનમાં આજે પણ કેટલાય હયાતી ના પુરાવા છે.

? અભ્યાસ

તેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો.(અભ્યાસ અધૂરો રહ્યો હતો) ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.

? જીવન

અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી

(ઇ.સ. ૧૮૮૦માં આમોદ તથા ઘોઘાની કસ્‍ટમ ઓફિસમાં કલાર્ક, ઇ.સ. ૧૮૮૧-૮૨માં ભરૂચમાં રેવન્‍યુ ખાતામાં.) પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. પિતા ઉલ્લાસરામને આ અંગે ચિંતા હોવાથી તેમને કિશોરાવસ્થામાં જ પરણાવી દિધેલા. ભારતી ભૂષણ (ઇ.સ. ૧૮૮૯ – ત્રિમાસિક), ઇતિહાસ માળા (ઇ.સ. ૧૮૯૬ – અગિયાર અંક સુધી જ ચાલુ રહ્યું), કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય ‘બુધ્ધિપ્રકાશ’ના સંપાદક પણ રહ્યા.

અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા કારણ કે તેમની પાસે થી જ કાવ્ય શાસ્ત્ર શીખ્યા હતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી. એમ કહેવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.

તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે વડોદરા ખાતે અવસાન પામ્યા.

? સાહિત્ય-સર્જન

‘ક્લાન્ત કવિ’, ‘બાલ’ જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે. તેમણે ક્લાન્ત કવિ (૧૮૮૫), હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે. તેમણે કુલ ત્રણ સામયિકો શરૂ કર્યા હતા, ‘ભારતી ભૂષણ’, ‘કૃષ્ણ મહોદય’ અને ‘ઈતિહાસ માલા’. એ ઉપરાંત વર્નાક્યુલર સોસાયટીમાં હતા ત્યારે ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન સંભાળ્યુ હતુ.

‘ગુજારે જે શિરે તારે’ તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે.

? ગુજરાતની પ્રથમ ગઝલ

બલિહારી તારા અંગની, ચંબેલિમાં દીઠી નહીં,

સખ્તાઈ તારા દિલની, મે વજ્રમાં દીઠી નહીં.

મન માહરું એવું કુણું, પુષ્પ પ્રહાર સહે નહીં

પણ હાય ! તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં.

એક દિન તે અલકાવલીમાં, દીઠી‘તી મુખની છબી,

પણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.

એ ! કંઈ જરા કર શોચ કે, મારી ઉપર શાને ગુમાન ?

મેં દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં.

ગુમ્માની નુખરાબાજ ગોરી, સુંદરીઓ મન હરે;

પણ કોઈ એ ! યાર સમ તુજ સુન્દરી દીઠી નહીં.

એ ! વીર ! વિરહી ખોળવા, તુજને જગત કંઈ કંઈ ભમ્યો;

ગિરિવર ગુહા કે કુંજે કુંજે, તોય મેં દીઠી નહીં.

બાગમાં અનુરાગમાં, કે પુષ્પનાં મેદાનમાં;

ખોળી તને આતુર આંખે, તોય મેં દીઠી નહીં.

સરખાવી તારું તન મેં, ખોળી ચમેલી વનમાં;

પણ હાય ! ખૂબી આજની કરમાઈ ! કાલ દીઠી નહીં.

તું તો સદા નૂતન અને, આખું જગત નિત્યે જૂનું;

મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું ! તેથી મેં દીઠી નહીં.

તું તો ખરી જ્યાં પ્રેમ પૂરણ, પ્રેમીના કાળજ બળે;

એવી દયા તો એ ગુમાની ! મેં કહીં દીઠી નહીં.

મુખચંદ્રમાં મેં દીઠી છે, આખી છબી આ જગતની;

પણ આંખડી મુજમાં વસી તું, તેથી મુજ દીઠી નહીં.

એ કાળજાની કોર કાં, કાપે હવે તો થઈ ચૂકી;

મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં.

કોઈ દેવ આવી કાનમાં, દે છે શિખામણ પાંશરી;

આ જગતની જંજાળમાં, ચતુરાઈ તો દીઠી નહીં.

જ્યાં પ્રેમ મારો જળહળે, ત્યાં તેં દીધો બદલો ખરો !!

તો આ જગત છોડ્યા વિના, યુક્તિ બીજી દીઠી નહીં.

એક દિન મળશે તે અધર-સૂધા સબૂરી બાલ ! ધર;

હાં ! એ બધું એ છે ખરું; પણ હાલ તો દીઠી નહીં.

? બાલાશંકર કંથારિયાની ઉપરોક્ત ગઝલ ભારતીભૂષણ માર્ચ ૧૮૮૭માં છપાયેલી.

(ગઝલ સ્રોત – ‘ગુણવંત ઉપાધ્યાય’ સંપાદિત ‘ગઝલગ્રાફ’ પુસ્તકના પાન નંબર ૮૯ ઉપરથી સાભાર )

(પ્રકાશક – ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન – પ્રકાશન વર્ષ – જુલાઈ ૨૦૦૮, પૃષ્ઠ સંખ્યા – ૩૧૫, મૂલ્ય રૂ. – ૧૫૦)

(પ્રાપ્તિસ્થાન – ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, ૨૨ ડોલી કોમ્પલેક્ષ, નવરંગપુરા )

(સંપર્ક – ૦૭૯-૨૬૪૨૩૯૩૯ )

? અન્ય પ્રસિદ્ધ રચનાઓ

જિગરનો યાર જુદો તો, બધો સંસાર જુદો છે,
બધા સંસારથી એ યાર, બેદરકાર જુદો છે…
અરે શું જાણશે લજ્જત, પવિત્રીમાં પડી રહેતાં,
પ્રિયાની પ્યાલીની મસ્તી તણો, કંઈ બહાર જુદો છે…
ગણું ના રાવ રાયાને, ગણું ના આખી દુનિયાને,
પરંતુ જાન આ પર પ્યારીનો, અખત્યાર જુદો છે…
હજારો બોધ મંદિરો મહીં નિત્યે ભલે થાજો,
અમો મસ્તાનના ઉત્સાદનો, દરબાર જુદો છે…
નથી તુજ બાપ માર્યો મેં, અરે મૂર્ખા કહાં નિંદે,
સમજ રે બેસમજ કે, પ્રેમીનો આચાર જુદો છે…
બધા પરકાર તોફાને થઈ ચંચળ ચૂકે નિશાન,
અમારા ચિત્તનો ચારુ અચળ, પરકાર જુદો છે…
લીધો જે પંથ તે હું કેમ ત્યાગું છો ભર્યો દુ:ખે,
પ્રિયાનો માહરી ગરદન ઉપર તો, આ ભાર જુદો છે…
ઘડીભર બેશ બતલાવું શિખાવું પ્રેમનો જાદુ,
અમો જાદુગરોનો યાર, જો બાઝાર જુદો છે…
શીખે જો પ્રેમ પૂરો તો જ અચળ અભેદ પામે તું,
નથી ત્યાં પ્રેમ જ્યાં છે ભેદ, એ વ્યવહાર જુદો છે…
થશે શ્રીમંત ઈન્દ્રાદિ થકી, મુજ પંથ પર જાશે,
અરે એ કીમિયાનો યાર, જો કંઈ બહાર જુદો છે…
કરું શું મોતીમાલા હું, અનુપમ મારી પ્યારીએ,
કર્યો નક્ષત્રનો મારે ગળે, શણગાર જુદો છે…
ભલે છો માહરા પંથે બધા એ દુ:ખને દેખે,
મને તો સુખસાગર લહેરીનો, કંઈ બ્હાર જુદો છે…
થયો જે પ્રેમમાં પૂરો, થયો છે મુક્ત સર્વેથી,
મહા મસ્તાન જ્ઞાનીના મગજમાં, તાર જુદો છે…
નજર મારી પ્રિયા વિના, ન દેખે જગત આખે,
બીજાના બંધકારી પ્રેમનો તો જાર જુદો છે…
ગુરુઆદેશ છે અમને, અવળ પંથે પળ્યા જઈએ,
દુનિયાથી પછી આ બાલ બેદરકાર જુદો છે…

– બાલાશંકર કંથારિયા

? ખબર લે

રાગ પહાડી – ગઝલ- તાલ દાદરો
(‘મારતા હું તેરે હિજ્ર્મે અય યાર ખબર ળે – એ રાહ’)

ઊતારના કંઈ પ્યાર એ દિલદાર ખબર લે,
ગમખ્વાર જીગરખ્વારની કંઈ યાર ખબર લે.

મસ્તાન ગુલેસ્તાનમાં હેરાન છે બુલબુલ,
ભર પ્યાર નથી યાર વફાદાર ખબર લે.

સમશાન સમું ભાન જગત ધ્યાન છૂટિયું,
હુશિયાર છું હુશિયાર સમજદાર ખબર લે.

તુજ વાન ગોરે ધ્યાન છે મન માનમાં હવે,
પરકાર છે દિલ યાર ખબરદાર ખબર લે.

કરૂ ગાન ગોરું વાન ઘુંઘટમાં ન રાખિયે,
પુરવાર કરું પ્યાર નિગહદાર ખબર લે.

મન માનતું નથિ માનતું નથિ ભાનમાં નહીં,
ગુલઝાર અલક તારમાં સરદાર ખબર લે.

મહેમાન કર્યો માનથિ અહેસાન છે દિલે,
તુજ પ્યારનો છું યાર કરઝદાર ખબર લે.

નિશિ માન અર્ધ વાન તારું ગાન ગાઈને,
વહિ ધાર આંસુ સાર વારવાર ખબર લે.

પટ અંચળે મુખ ચંચળે સુદગંચલેથિ છું,
દિલદાર ગિરફતાર ગિરફતાર ખબર લે.

રહે સ્વાર્થના પરાર્થનિ બળજો જુગારિ પ્રીત,
સહુ જાર છે સહુ જાર વખ્ત હઝાર ખબર લે.

કરી પ્રેમ કશો નેમ ઉરે કેમ ધારિયે,
કરનાર સુગમ પ્યાર બેશુમાર ખબર લે.

પિયુને સુખે સુખને દુખે દુખને ન જે ગણે,
નથી પ્યાર કુલાચાર સમજનાર ખબર લે.

મુજ ઊરનાં ભરપૂર આંસુ પૂરને હસે,
સરદાર પુર ગમારના સરદાર ખબર લે.

રસનો વિજોગિ ભોગિ રોગિ પ્રેમપંથનો,
રસસારના રમનાર પ્રાણાધાર ખબર લે.

ગતિ ન્યારિથી વિહારી ! રહ્યો હારિ હારિ बाल,
લાચાર છું લાચાર જુલમગાર ખબર લે.

–> ‘હરિપ્રેમપંચદશી’ કાવ્યસંગ્રહમાંથી

? ગુજારે જે શિરે

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે

રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ કહેજે

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલ્રક્ષ્મી ગણી લેજે

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લેજે
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે

કટુ વાણી જો તું સુણે વાણી મીઠી તું કહેજે
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે

અહો શું પ્રેમમાં રાચે? નહિ ત્યાં સત્ય તું પામે!
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી
વફાદારી બતાવા ત્યાં નહિ કોઈ પળે જાજે

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે

કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે

– બાલાશંકર કંથારિયા

? કચેરી માંહી

કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો
કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત-કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો,
ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે!
કવિ રાજા થયો છે,- શી પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં ‘બાલ‘-મસ્તીમાં મઝા લેજે !

બાલાશંકર કંથારીયા

લેખન.સંકલન : વસીમ લાંડા 

ગર્વીલા ગુજરાતીઓનો અને ગુજરાતી સાહિત્યકારોનો ઈતિહાસ વાંચો ફકત અમારા પેજ પર

ટીપ્પણી