બૈરાંની ખાણ – જો તું ફક્ત આટલું કર એટલે હું તને બૈરાની ખાણ પાસે લઇ જઈશ…

*બૈરાંની ખાણ*

શામજીકાકાનુ અને નાથીયાનું ખેતર એક જ શેઢે. શામજીકાકો ચલમ પીવાના ડેર બંધાણી, ખાવા એક ટાણું ના હોય તો ચાલે પણ જો એ સાબર છાપ તમાકુ ભરેલી ચલમ ના પીવે તો એમના પગ ધ્રુજવા લાગે, ને ધોળે દિવસે આંખે રાચુંદો આવે. એક વખત એવું બન્યું કે આ શામજીકાકો ઉતાવળમાં ઘેર ચલમ-તમાકુ ભૂલીને ખેતર આવી ગયેલા. એમને ચલમ પીવાની તલપ બરાબરની ઉપડી. નાથિયો એના ખેતરની વાડનાં છીંડા આડે કાંટા નાખતો હતો. હજુ હમાણાં એ ઘરેથી આવ્યો હતો. શામજીકાકા તો આ નાથિયા પાસેથી કામ કઢાવવાની કળ જાણતા હતા. એતો ગયા એની પાસે.

image source

” અલ્યા નાથા બટી, આ શું ભૂંડા ! તું તો સાવ ભોળો જ રહ્યો. કાલ આપણે ત્યાં મેમાન આવવાના છે, ઓલ્યા આથમણા વાહના વસા ચેલાના છોકરાને જોવા. કદાચ એમને એ મુરતીઓ નજરમાં ના આવે તો તારો મેળ પડી જાય. તું કાલે રોટલા ટાણે આપણા ઘરે આંટો મારજે. ” ” હે શામજીબા હાચુ કો’શો ?” નાથિયો હાથમાં પકડેલો સલાંથો (કાંટા ને પકડમાં લેવાનું સાધન) બાજુએ મૂકતાં શરમાઈ ને બોલ્યો. ” મને માતાના બસ ! પણ એક કામ કરજે, તું સવારે ઓલ્યા રતીયાના ઘરે જઈને વતું(હજામત) કરાવી આવજે ને ધોયેલાં હોય ઇ લુઘડાં ઠઠાડ જે, પછી જોજે આ ભાયડાના ભડાકા.”

કાકા એવા લ્હેકાથી બોલ્યા કે નાથો મીણની જેમ ઓગળી ગયો. એ તો પછી પહેરણના ખિસ્સામાં હાથ નાખી કાંઈ શોધતા હોય એવો ડોળ કરવા લાગ્યા. ” શું ગોતો સો શામજીબા ?” નાથાએ પૂછ્યું. ” હાલે લે…! આ સલમ-તમાકુ તો હું ઘરે ભૂલી ગયો. જબરી થઈ, મારે ધરમનો ધક્કો પડશે !” એમ બોલી એમણે નિસાસો નાખી નાથા સામે જોયું. ” સલમ ને તમાકુ ઘરે ભૂલી ગયા ? ચીયા ઠેકાણે મેલ્યાં સે મને કહો ને હું લઈ આવું.”

image source

” તારી કાચી (કાકી)ને કહેજે એ તને ગોતી આપશે ” ને નાથો ઉપડ્યો ગામમાં તે ઘડીકમાં તો એ ચલમ -તમાકુ લઈને ખોટા રૂપિયાની જેમ હાંફતો હાંફતો પાછો આવી ગયો.

આમ નાથિયો કામનો ભારે. એની પાસે કામ કઢાવવા એનાં થોડાં વખાણ કરવાં પડે. એમાંય વળી એના લગ્નની વાત કોઈ કરે તો એની આખી બોડી લેંગ્વેજ ફરી જાય.પોતાના શરીરને વાંકુચૂંકુ વાળીને ચહેરા પર થોડી જાણે શરમ આવતી હોય એવા ભાવ વહેતા કરે. એના પરથી આપણને એવું લાગે કે વહુ લાવવાની વાત નીકળે એટલે નાથીયાના મનમાં ગલગલિયાં ઉપડતાં હશે. ગમે તે થતું હોય પણ લાલ લુઘડાની વાત આવે એટલે એ પાણી પાણી થઈ જાય ને સામેવાળાનું કામ દોડતો જઇ કરી આવે.

image source

આમ ગામના કેટલાય માણસોને નાથીયાની આ નબળી નસની જાણકરી મળી ગયેલી. કોઈને જ્યારે નાથીયાની જરૂર પડે ત્યારે તેનો બેફામ ઉપયોગ કરી લેતા, ને બિચારા નાથીયાની કુણીએ, સગપણ કરાવી આપવાનું ગોળનું એક દડબૂં ચોંટાડી દેતા.

એકતો એના સમાજમાં કન્યાની અછત ને પાછો નાથિયો નાની ઉંમરે માબાપ વગરનો થઈ ગયેલો. માબાપ વગરનું છોકરું એટલે ખાવાપીવાના બોકાહા, લુખે લુખ્ખું ખાવાનું. તેથી નાથિયો બિચારો સૂકા સાંઠા જેવો થઈ ગયેલો. રંગે જરા ભીને વાને ને બોલે ત્યારે જાણે નાકમાંથી બોલતો હોય એવો અવાજ આવે. સગપણ ના થવામાં આવાં કેટલાંક પરિબળો કામ કરી ગયેલાં. પણ એણે હજુ આશા છોડી ના હતી, કારણકે ગજુ સરપંચે એને કહેલું કે, ” નાથા તું બે રાતો જીરામાં પાણી વળવા મારે ખેતર દાળિયે (મજૂરીએ) આવે તો હું તને ઠેઠ બૈરાંની ખાણ ઉપર લઈ જઈ ને ઊભો કરી દઉં, પછી તારે જુવે એવું બૈરું કાઢી લેજે. ” આવી લાલચથી પછી એ માત્ર જલેબી-ગાંઠિયાના સાટે રાત્રે કડકડતી ટાઢમાં પાંણત કરવા ગયેલો. જ્યારે એને બૈરાની ખાણ યાદ આવે ત્યારે ઘડીક વાર પૈણ ચડી જતું, ધીમે ધીમે પછી જેમ ચા નો ઊભરો બેસે એમ બેસી જતું.

image source

” તે હેં ગજાનંદભઇ, આ બૈરાંની ખાણ ક્યાં આવી ?” એક વખત એણે ગજુને પૂછેલું. પોતાનું કામ કઢાવવું હતું એટલે ગજુએ એની કુંણીએ ગોળ ચોંટાડેલો, ” આ જોતો નથી, ગામમાં તારી ઉંમરના બધા કોઢમાં (બંધ ઘરમાં) સુતા થઈ ગયા, એ બધાને બૈરાંની ખાણ સુધી હું મૂકી આવેલો અને તું તો હજુ રાતે એકઢાળીયામાં સૂતો સૂતો મચ્છર કરડાવે છે. ” ” પણ એ ખાણ આવી કઈ બાજુ ?” નાથીયે ઘણી અધીરાઈથી પૂછેલું. ” આમ વડોદરા સુરત બાજુ ” ગજાનંદે ગપ્પુ મારી દીધેલું.બસ ત્યારથી આ નાથીયાને આ બૈરાંની ખાણ ઉપર જવું હતું પણ ભાડાનો વેંત થતો નહીં એટલે એની મનની મનમાં જ રહી જાતી.

દિવસ-રાત મહેનત કરતો હોવાથી ભાઈભાભીને ભારે પડતો નહીં. પણ એના મનમાંથી અજબગજબની ખાણ ભુલાતી ના હતી. એને એક દિવસ થયું કે ‘ આ ગામ વાળાં મને રોજ રોજ આંબા-આંબલી દેખાડે છે એના કરતાં લાવ ને હૂંજ એકલો એ બૈરાંની ખાણે જઇ ને જોઈ આવું. એસટી બસનાં બોડ તો મને વાંચતાં આવડે જ છે.’

image source

એતો એક દિવસ રતિલાલ પાસે ગયો ને બોલ્યો, ” રતાભઇ મને ઓલ્યા શેરવાળા સોકરા જેવા બાલ કાપી આલો ને દાઢી ચકાચક કરી આલો” ” તે ચમ ભઇ નાથા તારું કોઈ હગુ કરવા આવવાના સે ?” રતીલાલે દાઢી ઉપર કેરી છાપ સાબુ લગાડતાં પૂછ્યું. ” વાત ખાનજી રાખજો રતાભઇ આ થોડા પૈસાનો વેંત થયો સે તે એક કન્યા જોવા જાવાનું સે.” ” કર કંકુના તું તારે, જોજે ઘઘરીને આવે તો મારી શીખ આલવાનું ભૂલતો નહીં. ” રતિલાલ એનો સરંજામ સંકેલતો બોલ્યો.

— ** — ** — ** — **

દિવાળીએ પહેરવા માટે સિવડાવેલાં નવાં કપડાં પહેરીને એતો ઉપડ્યો, તે વહેલું આવે વિરમગામ. વિરમગામથી સુરતની બસનું બોર્ડ વાંચી ને એતો બેસી ગયો. ભરભાંખરામાં એ સુરતના વરાછા રોડ પર ધીમે ધીમે ચાલતો ચાલતો જતો હતો.

image source

રસ્તાઓ હજુ સુના હતા. ક્યારેક કોઈ કૂતરું કે એકાદ વાહન નીકળતું હતું. નાથાને પોતાને ખબર ના હતી કે એ ક્યાં જઈ રહ્યો છે. બસ એના મનમાં એક *બૈરાંની ખાણ* યાદ હતી. એટલામાં સુમસામ રસ્તાની શાંતિનો ભંગ કરીને ઝુઉ…ઝુંઉ…કરતી એક રીક્ષા તેની બાજુમાંથી ઝડપથી પસાર થઈને થોડે આગળ જઇને એક વળાંક લીધો. રિક્ષાએ જેવો વળાંક લીધો કે અંદરથી કોઈક વસ્તુ બહાર પડી ગઈ તે નાથાએ જોયું. એણે નજીક જઇ ને જોયું તો એક પર્સ હતી એ એને ઉપાડી લીધી.

આગળ જતાં એને ચા પીવાની ઈચ્છા થઈ. હોટલમાં જઇને બેઠો. હોટલ હમણાં જ ખોલી હતી. આખી હોટલમાં એ એકજ ગ્રાહક.ચા આવે એ પહેલા એણે એ વજનદાર પર્સ ખોલીને જોયું તો એની આંખો ફાટી ગઈ. પર્સ આખી સોનાના દાગીનાથી ભરેલી અને અંદર એક ડાયરી પણ ખરી. પણ ડાયરીમાં એવા અક્ષર લખેલા કે એ વાંચી શક્યો નહીં. એને તો પર્સ નાખ્યું થેલીમાં ડાયરી રાખી હાથમાં. અડધી ચા પીને આગળ ચાલતો થયો.

image source

બપોર ચડી ગયા. એક લારી પર પુરી-શાક મળતું ત્યાં ખાઈ લીધા પછી લારીવાળાને એણે ડાયરીનું લખાણ વાંચી આપવા કહ્યું. લારીવાળો ડાયરી જોઈને બોલ્યો, ” ભાઈ આતો અંગ્રેચી લખેલું હોય તેમ લાગે છે, ને મને અંગ્રેચી આવડતું નથી.” એતો બજાર જોતો જાય ને ચાલ્યો જાય. એમ કરતાં કરતાં રાત પડવા આવી. રેલવે સ્ટેશન આવ્યું ફરી પાછી ભૂખ લાગી. એતો સિંગ-ચણા ખાઈને એક ખૂણામાં થેલીનું મથાનીયુ કરીને થયો લાંબો, તે સવારે ઉઠ્યો.

સવારે ઉઠીને વળી એક સુટેડબુટેડ ભાઈને પેલી ડાયરી પરનું લખાણ વાંચી આપવાનું કહ્યું. શ્રી ભરત ધડુક . એસ.આર. જવેલર્સ વરાછા. ગંગાસાગર એપર્ટમેન્ટ સુરત. એણે તો ગુજરાતીમાં આ સરનામું લખાવી લીધું. નળપર હાથ મોં ધોઈ, ખભે થેલી ભરાવી ને થયો ચાલતો. વળી એક ગામડિયા જેવો કાકો મળ્યો તો તને ઊભો રાખી પૂછ્યું, ” કાકા આ વારાસા ચેટલું સેટુ થાય ?”

image source

” અલ્યા ભઈ તારે વરાછા જાવું છે ?” ” હોવે કાકા” ” ચોં કણિયાં, વરાછામાં ઈતો બહુ મોટું સે ” ” કાંઈક ગંગા હાગર કે એવું નામ સે.” ” પેલો વહેલો જ અયો લાગસ, તું ઊભો ઇ જ તે વરાછા, ગંગા સાગર એપાર્ટમેન્ટ ને ?” ” હોવે હોવે કાકા ચ્યાં આયુ ઇ સાગર ?” નાથાએ ખુશ થઈને પૂછ્યું. ” જો, નાકની ડોંડિયે સીધો હેંડયો જા ને જમણે હાથે ઓચું ઉંચું એક મકાન આવશે ઇ જ તારું ગંગા સાગર, જોજે હાચવીને જાજે, નઇ તો ભટકાઈ જઈશ ને તો દિયોરના આ સુરતીઓ કોઈ પાણી પાવાય નઇ આવે . ” ” એ હારુ..હારુ કાકા.” ગોતતો, ગોતતો ને બોર્ડ વાંચતો એતો પહોંચ્યો અસલ ઠેકાણે.

” જો ને અલ્યા ઓલો ગામડિયો શું જુએ છે ક્યારનો, કાઢ એને.” બંધ કાચમાંથી શેઠ બોલ્યા. ” કોનું કામ છે એય બુડથલ , શું વાંચે છે આમ ?” નોકરે પૂછ્યું. ” તે આ એસલજવેલ છે ?” નાથીયે બીતાં બીતાં પૂછ્યું. ” હાલતીનો થા ને આ શેઠ મારી પત્તર રગડે છે ને તું વળી..” , નાથીયે અધ વચ્ચે જ પૂછ્યું, આ ભરતભઈનું કામ સે મારે.” “શેઠ, એ તો એમ કહે છે કે મારે ભરતભઇ ને મળવું છે.” નોકરે શેઠને જણાવ્યું. ભરત ઘદૂકને વહેમ ગયો કે આ કોઈ ગામડેથી લપ આવી પાછી પૈસા ઉછીના લેવાવાળી. ” બોલાય જા એક તો કાલે પચાસ લાખની ઊઠી સે ને ખાતર ઉપર દિવેલ કરવા આવી ગયો કોઈ અમરેલી બાજુથી ”

image source

” ભારતભઈ કોણ ?” ” ભારતભઈ તો કોઈ નથી પણ હું ભરતભાઇ, બોલો ભોરીંગળેથી આવ્યા ? ” શેઠે કંટાળાથી પૂછ્યું. શેઠ મૂળ તો અમરેલી જિલ્લાના ભોરીંગળા ગામના. બંધ સો રૂમમાં આ ગામડિયો આવ્યો ને આખો સો રુમ એના પરસેવાની ગંધથી ભરાઈ ગયો. ભરત ધડુક મનમાં બોલ્યા, ” નક્કી હવે પેઢીનું દેવાળું ફૂંકાઈ જશે.”

” બોલો વડીલ આપની શું સેવા કરું ?” એ આવેલા મહેમાનને જલ્દી રવાના કરવા માંગતા હતા. ત્યાં તો નાથીયે પેલી ડાયરી ભરતભાઇ સામે ધરી. ડાયરી જોઈ ભરતભાઇ કાઉન્ટર પરથી ઊભા થઈ ગયા. ” તમેને…!! ક્યાંથી…મળી આ..” એ પૂરું બોલ્યા ના હતા, ત્યાં તો નાથીયે થેલીમાંથી કાળી પર્સ કાઢીને કાચ પર મૂકી. શો રૂમના બધા નોકરોને ભરત ખુદ સ્તબ્ધ થઈ ગયા. કોઈને માન્યામાં નહોતું આવતું કે અડધા કરોડનો આ દલ્લો પાછો આવશે.

image source

” જોઈ લો શેઠ, તમારું જ સે ને આ ? કાંઈ ખૂટતું તો નથી ને?” ” શો રૂમમા ભરાયેલી ગામડિયાના પરસેવાની ગંધે ખુશીઓ ભરી દીધી. ભરતભાઇ ઊઠીને નાથીયાના પગે પડયા. પર્સના દાગીના જોઈ લીધા. એ પછી તો *બૈરાંની ખાણ* વાળી વાત નાથિયો થોડા વરસ ભૂલી ગયો. કારણ આ ભરતભાઇ રૂપી વાડના સહારે નાથા નામનો વેલો ખુબજ ઝડપથી આગળ વધી રહ્યો હતો.

— — — — —

નાથિયો ગામમાંથી ગાયબ થઈ ગયો. એથી ગામમાં દેકારો બોલી ગયો. એના ભાઈએ ખૂબ તપાસ કરાવી. ગજૂ સરપંચ તાલુકે જઇ પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ લખાવી આવ્યો. પણ આજની ઘડી ને કાલનો દાડો, ધરતીએ સમાવી લીધો કે આકાશ ગળી ગયું. નાથીયાનો કોઈ પત્તો લાગ્યો નહીં. કોઈ કહે ,” એ તો કાશીએ જઇ બાવો બની ગયો છે.” તો કોઈ વળી વાતો કરતા, ” કે ઓલ્યા કચ્છી રબારીઓના ઘેટાં ચારવા એતો રહી ગયો.” એક વખત સમીની કેનાલમાંથી કોઈ પુરુષની બીન વરસી લાસ મળી આવી તો ગામના જીપ ભરીને એ લાશ ઓળખવા ગયેલા. ગામમાં આ નાથાનું રહસ્ય એક માત્ર રતિલાલ ડાવર જાણતો હતો. પણ એની વાત માનવા કોઈ તૈયાર ના હતું. આમને આમ સમય વીતતો ગયો. અડધું ગામ તો નાથીયાને ભૂલી પણ ગયું.

બે હજાર સોળની સાલ પુરી થવા આવી. ને નોટબંધી લાગુ પડી એના થોડા દિવસ પછી એક સફેદ ઇનોવા ગાડી ગામમાં આવીને ગજૂ સરપંચના ઘર પાસે ઊભી રહી. ગજૂ દોડતો બહાર આવ્યો. ત્યાં તો બગલાની પાંખ જેવાં ધોળાં કપડાં પહેરેલો એક માણસ ગાડીમાંથી ઉતર્યો. આંખો પર કાળાં ગોગલ્સ, હાથે સોનેરી પટા વાળી ઘડિયાળ,ને ગાળામાં લચકા જેવી સોનાની ચેઇન, પગમાં લાલ બુટ જોઈ ગજૂ તો ઘડીક વિચારમાં પડી ગયો. નાથો ગામમાંથી ગયો ત્યારે સુકાઈ ગયેલા સાંઠા જેવો હતો અને હવે એ રાતી રાયણ જેવો થઈને આવ્યો હતો. તે ગજૂ ક્યાંથી ઓળખે ? આમેય ઢાંક્યાં કરમની કોઈને ખબર ના પડે.

image source

” ચમ ગિજુભાઈ ના ઓળખ્યો ?” ” ઓહો… ! નાથા તું, ઘણા વરસે દેખાણો ! આવ આવ મારા વાલીડા આવ.” ” ચમ તે તમે તો મને *બૈરાની ખાણ* ઉપર મોકલવાની લાલચ આપી હતી ને એટલે તો હું ગયો હતો. જુઓ આ ઊભી તેને હું ખાણમાંથી ખેંચી લાવ્યો.” નાથો પોતાની ઘરવાળી સામી આંગળી ચીંધીને બોલ્યો. નાથાની વહુને પછી ભાભી ઘરે લઈ ગઈને કંકુનાં પગલાં કરાવ્યાં. નાથાને જોવા પછી તો અડધું ગામ ભેગું થઈ ગયું.

બન્યું એવું કે ભરતભાઈના ટેકાથી અલગ ધંધો કરીને એ ખૂબ કમાણો. એના નસીબ આડેથી પાંદડું ખસી ગયું. લગ્ન પણ થઈ ગયાં ને ખૂબ નોટો ભેગી કરી. નોટબંધી આવી તેથી લાખો કરોડોની પાંચસો ને હજારની નોટો મુકવી ક્યાં ? એને તો ગામ યાદ આવી ગયું. કુણીએ ગોળ ચોંટાડનારા બધા યાદ આવી ગયા. સરકાર લઈ જશે એના કરતાં ગામવાળા શું ખોટા એવું એણે વિચાર્યું. આથી એ કોથળો ભરીને હજાર-પાંચસોની નોટો લઈ આવ્યો હતો. ગામમાં કોણ તાણવાળું છે. કેટલી વિધવાએ છે.કોણ આધાર વગરનું છે. કોને માથે દેવું વધારે છે.આવી વિગતો ધ્યાને રાખી ,બીજા દિવસે ગામમાં નોટો વહેંચાણી. કોઈને દસ હજાર તો કોઈને ત્રીસ હજાર. ગરીબોને અને દેવું થઈ ગયેલું હતું તેમને તો ટીસકારા પડી ગયા. ગામમાં નાથો ને ગજૂ સરપંચ બધાને નોટો વહેંચતા હતાં ને એવામાં શામજીકાકો આવી ને બોલ્યા , ” અલ્યા નાથીયા, મારી ચલમ ને તમાકુનો વેંત કરજે ભૈલા ભૂલતો નઇ ”

image source

ત્યાં તો વ્યવસ્થામાં ઊભેલો રતિલાલ ડાવર બોલ્યો, ” બધાની હાલત પરમાણે રૂપિયા આલવાના સે. શામજી કાકા, પણ જરા સભ્યતાથી બોલો, ખબર સે તમને આ કાંઈ દહ-પન્નર વરહ પહેલાં નો નાથો નથી. ‘ *નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ* ઇતો હમજો જરા.”

લેખક : સરદારખાન મલેક

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ