બહેન તો આવી હોય – બહેનને તેનો પ્રેમ ના મળી શક્યો તો શું તેના ભાઈ સાથે પણ તે આવું થવા દેશે…

*”દુ:ખ, ફરિયાદ, ગુસ્સો, નારાજગી એકપણ શબ્દ..*

*બહેનની ડીક્ષનેરીમાં ભાઇ માટે હોતા નથી”*

17 વર્ષની મહેક તેના 11 વર્ષના ભાઇ સોહમ સાથે બહાર નીકળી. સામેથી આવતા દેવાંશુને જોઇને તેની આંખમાં ચમક આવી, હોઠ પર મીઠુ સ્મિત આવી ગયું અને નજર ઝુકી ગઇ. સોહમે આ નોંઘ્યુ. દેવાંશુએ પાસે આવીને એક બે વાત કરી અને નીકળી ગયો. સોહમે મહેકને પૂછયુ, તો તે મારી સાથે ભણે છે એમ કહીને મહેકે વાત ઉડાડી દીઘી. થોડા દિવસ પછી ફરીથી આવું થયું. દેવાંશુએ એક બુક આપી. ફરી સોહમનો સવાલ, અને ફરી મહેકનો તે જ જવાબ… બે – ચાર વાર આવું થયું, પછી સોહમે સવાલ વધારી દીઘા.

‘ બેન… આપણે જયારે બહાર જઇએ ત્યારે આ કેમ મળે છે ? કંઇ કામ હોય તો કલાસમાં કેમ નથી કહેતો ? રસ્તા પર વાત શું કામ કરવી જોઇએ ?’ જેવા સવાલ શરૂ થયા મહેક પાસે તેના જવાબ ન હતાં. દેવાંશુને પ્રેમ કરે છે એ વાત સોહમને સમજાવી શકે તેમ ન હતી પોતે સોની અને દેવાંશુ બ્રાહ્મણ… ઘરમાં પપ્પા આ વાત સ્વીકારે જ નહી તેવી તેને ખાત્રી હતી. પણ આ તો પ્રેમ છે..

તે કયાં નાતજાત જોવે છે ? બસ બે આંખનું ખેંચાણ અને બે દિલની સહમતી.. બસ થઇ જાય છે…. મહેકને પણ દેવાંશુ સાથે પ્રેમ થઇ ગયો. બન્ને મળતા, ભવિષ્યના સપના ગુંથતા… પોતાના પ્રેમને બધાથી છુપાવવાની કોશિષ કરતા.. પણ સોહમને ખબર પડી ગઇ.

ભાઇ-બહેનનો સંબંધ બહુ જ પાકકો હોય છે. ભાઇ-બહેન એકબીજા માટે પરમ મિત્ર હોય છે. મા-બાપના ગુસ્સાથી એકબીજાને બચાવે છે પણ કયારેક મા-બાપને વહાલા થવાની હોડમાં એકબીજાની ફરિયાદ પણ કરી દેતા હોય છે. સોહમે પણ ફરિયાદ કરી દીઘી પપ્પાને કહી દીધુ કે, ” બેનને દેવાંશુ સાથે કંઇક લાગે છે. અમે જયારે બહાર જઇએ ત્યારે તે મળે જ છે…” અને….

મહેક પર જાપ્તો લાગી ગયો પ્રેમ નામનો શબ્દ પપ્પાના શબ્દકોષમાં હતો જ નહી. સામેની વ્યકિત સારી છે કે ખોટી . પોતાની દીકરી માટે યોગ્ય છે કે નહી… મહેકની મરજી શું છે…? તે જાણવાની તેમને જરૂર ન લાગી. બસ એક જ વટહુકમ… પ્રેમ નહી… અને મહેકનું દિલ તૂટી ગયુ જાનથી પ્યારા ભાઇની ફરિયાદને કારણે તેનો પ્રેમ જાહેર થઇ ગયો અને દેવાંશુને છોડવો પડયો.

પપ્પાની ના સામે મહેક હારી ગઇ. પપ્પાની વાત માની લીઘી. દેવાંશુ સાથે સંબંધ તોડી નાખ્યો બે-ચાર વર્ષ પછી પપ્પાએ બતાવેલા છોકરા સાથે લગ્ન પણ કરી લીઘા ભાઇ સામે કયારેય ફરિયાદ ન કરી ભાઇ બહેનના સંબંધમાં જરાય કડવાશ ન આવી ભાઇ માટે દિલમાં કયાંય ખટકો ન આવ્યો લગ્નજીવનમાં સુખી રહેવાની કોશીશ કરવા લાગી, પણ કયારેક દેવાંશુને જોઇને મનમાં ટીસ ઊઠતી

વર્ષો વીતી ગયાં. સોહમ 25 વર્ષનો થયો. એમ.બી.એ થઇને બહારગામ નોકરીએ લાગી ગયો. દર રવિવારે ઘરૈ આવતો. મહેક પણ દર રવિવારે ભાઇને મળવા પિયર જતી ઉંમરલાયક થતાં ઘરમાં સોહમના લગ્ન માટે ચર્ચા શરૂ થઇ. સોહમ લગ્ન માટે કોઇ કારણ વગર મનાઇ કરતો હતો અને એક રવિવારે…

સોહમે મહેકેને કહ્યું, “બેન… ઘરમાં લગ્ન માટે છોકરી જોવાનું કહે છે.. પણ મને ચાંદની પસંદ છે, તું તો ચાંદનીને ઓળખે છે.. આપણી નાતની નથી, પણ મારી સાથે ભણતી હતી.. અમે સાત વર્ષથી પ્રેમમાં છીએ ઘરમાં કહેવાની હિંમત નથી. ચાંદનીના ઘરમાં પણ લગ્નની વાત ચાલે છે.

હું શું કરૂ ..??? લગ્ન તો ચાંદની સાથે જ કરીશ.. જો નહી મળે તો હું લગ્ન જ નહી કરૂ.. બસ થશે ત્યાં સુઘી મમ્મી-પપ્પાની સેવા કરીશ અને 40 વર્ષનો થઇશ ત્યાં સુઘો ચાંદની ન મળી તે દુ:ખમાં તૂટી તૂટીને મરી જઇશ..” મહેક સ્તબ્ધ થઇ ગઇ, ” ભાઇ આ શું બોલે છે ??? એમ કંઇ કોઇ વગર થોડું મરી જવાય ??” સોહમ રડતાં રડતાં બોલ્યો, ” હા.. બેન.. ચાંદની વગર નહી રહી શકું. પ્રેમ કર્યો છે.. પછી તેના વગર જીવવું કેટલું અઘરૂં છે તેની તને કયાંથી ખબર હોય ..?”

“ભાઇ મને ખબર છે” એવા શબ્દો મહેકના ગળામાં અટકી ગયા, “તું ચિંતા ન કર.. હું ઘરમાં વાત કરીશ..” એમ કહીને સોહમને હિંમત આપી સોહમ તો સોમવારે ગયો. મહેકે બે દિવસ વિચાર કર્યા પછી મમ્મી – પપ્પાને બધી વાત કરી. ચાંદનીને બધા જ ઓળખતા હતા એટલે દેખીતો વાંધો કોઇને ન હતો બસ, પપ્પાએ એક જ સવાલ પુછયો, ” મહેક તને વાંઘો નથી ને ? તને ના પાડી હતી એટલે હવે સોહમને પ્રેમલગ્ન માટે હા પાડીને તેને અન્યાય કરવા નથી માંગતો, તું હા પાડીશ તો જ આ લગ્ન થશે…” મહેક શું બોલે ?..

પોતાના પ્રેમની સામે ભાઇની લાગણી જીતી ગઇ. પ્રેમ ન મળવાથી મનમાં થતું દુ:ખ તે ભાઇના જીવનમાં જોવા માંગતી ન હતી. પોતાની સાથે જે થયું તે નસીબ સમજીને સ્વીકારી લીઘું. પણ પોતાના કારણે ભાઇના જીવનમાં દુ:ખ આવે તે મહેક કયારેય ન સ્વીકારે. તેણે હા પાડી દીઘી સોહમ અને ચાંદનીના લગ્ન થઇ ગયા. તેના લગ્નમાં સૌથી વધારે ખુશ તો મહેક જ દેખાતી હતી એક બેન માટે ભાઇની ખુશીથી વધારે શું હોય… ??? બેન તો આવી જ હોય…

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ