ટેસ્ટફૂલ પૂડલા – બહાર ફરીને આવ્યા હોવ અને શું બનાવું એ સમજાતું ના હોય ત્યારે બનાવો આ પુડલા…

મિત્રો,પૂડલા એ આપણી ટ્રેડિશનલ કાઠિયાવાડી અને સૌની માનીતી એવી ડીશ છે. જેને લોકો વરસાદ તેમજ ઠંડી ની સીઝનમાં ખાવાનું ખુબ પસંદ કરે છે. તો આજે હું બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા અને પોલા એવા પૂડલા કઈ રીતે બનાવવા તે બતાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ ટેસ્ટફૂલ પૂડલા

સામગ્રી :


Ø 300 ગ્રામ બેસન ( ઘરે દળેલો ચણાનો લોટ પણ ચાલે )

Ø 1/2 કપ ઝીણા સમારેલા પાલક

Ø 1/2 કપ ઝીણી સમારેલ કોથમીર

Ø 1/2 કપ ઝીણા સમારેલા કાંદા

Ø 1/2 કપ તેલ

Ø 1 ટેબલ સ્પૂન મીઠું

Ø 2 ટેબલ સ્પૂન આદુ, લસણ અને મરચાની પેસ્ટ

Ø ચપટી હળદર

Ø 1 ટેબલ સ્પૂન ધાણાજીરું

Ø ચપટી અજમા

રીત :


1) પૂડલા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. ચણાનો લોટ હંમેશા ચાળીને જ વાપરવાનો આગ્રહ રાખવો. તેમાં આદુ-મરચાની પેસ્ટ, પાલક, કોથમીર, મીઠું, હળદર, ધાણાજીરું અને અજમા નાખો. ત્યારપછી તેમાં કાંદા ઉમેરો, કાંદાને ઝીણા ખામણીમાં ખમણીને ઉમેરવા. પૂડલા બનાવવા માટે કાંદાની ગ્રેવી ના બનાવવી, ખમણથી નાખવાથી પૂડલા અંદરથી સરસ પોચા અને પોલા બને છે. તેમજ આદુ, મરચા અને લસણની પેસ્ટ પણ સાવ સ્મૂથ, ઝીણી ના વાટવી.


2) બધું જ બરાબર મિક્સ કરી લો. અને થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લો. પાલક, કોથમીર અને કાંદામાંથી પાણી છૂટે છે માટે પાણી નાખતી વખતે પાણી વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવું. 300 ગ્રામ બેસન સાથે મેં 400 મિલી પાણી યુઝ કર્યું છે.


3) હલાવીને સ્મૂથ બેટર તૈયાર કરી લો, લમ્પસ બિલકુલ ના રહેવા જોઈએ. બેટર ઘટ્ટ રાખવાનું છે. જો અજમાનો સ્વાદ પસંદ ના હોય તો તેને સ્કિપ કરી શકાય.


4) હવે આપણે પૂડલા ઉતારી લઈએ, પૂડલા ઉતારવા લોખંડની અથવા નોન-સ્ટિકની કોઈપણ ફ્રાય પેન લઈ શકાય. મિડિયમથી થોડી વધુ ફ્લેમ રાખીને ફ્રાય-પેનને ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેના પર તેલ લગાવો.


5) ત્યારબાદ તવા પર બેટર નાખીને આખા તવા પર સ્પ્રેડ કરો, ઢોસાની જેમ જ બેટરને સ્પ્રેડ કરવાનું છે. હાથ વડે અથવા તો ચમચાની મદદથી સ્પ્રેડ કરી શકાય.


6) પૂડલાની ફરતે થોડું થોડું તેલ નાખો તેમજ પૂડલાની ઉપર પણ તેલ નાખીને હળવા હાથે સ્પ્રેડ કરો. જો તવી મોટી હોય તો ગેસની ફ્લેમ હાઈ રાખવી જેથી પૂડલાની કોર કાચી ના રહે.


7) હવે તાવીથાની મદદથી પૂડલાની કોર ઉથલાવી જુઓ, ફરતી સાઇડથી તાવીથો આસાનીથી નીકળી જાય પછી જ ફેરવો, જો પૂડલુ મોટું બનાવ્યું હોય તો ફેરવવા માટે બે તાવીથા યુઝ કરવા. હવે ઉપરની બાજુ પણ જરા-જરા તેલ લગાવો અને ફરી ફેરવી લો. બંને બાજુ શેકાય જાય એટલે પ્લેટમાં લઇ બાકીના બેટરમાંથી પણ પૂડલા બનાવી લો.


8) ફ્રેન્ડ્સ, તો તૈયાર છે ટેસ્ટફૂલ પૂડલા જેને ચટપટ્ટી ગ્રીન ચટણી તેમજ મીઠી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. પૂડલા સાથે દહીંનું પણ સારું કોમ્બિનેશન છે, સાથે લીલી ડુંગળી સર્વ કરવાથી ખાવાની ખુબ મજા પડી જશે.


મિત્રો, ચોમાચાની સીઝન છે, તો અચૂક આ રીતે પૂડલા બનાવજો. ખુબ જ સરસ બને છે, હું તો અવારનવાર આ રીતે જ બનાવું છું સૌને ખુબ જ પસંદ પડે છે. ક્યારેક નાસ્તામાં તો ક્યારેક બાળકોને ટિફિન બોક્સમાં, તો વળી ક્યારેક સાંજના વાળુમાં પણ સર્વ કરી શકાય.

નોંધ :

v એક પૂડલુ ઉતાર્યા બાદ તવો વધારે ગરમ થઈ ગયો તો સહેજ ઠંડો પડવા દેવો જેથી બીજા પૂડલા માટે બેટર સ્પ્રેડ કરતી વખતે હાથ દાજે નહિ તેમજ પૂડલુ વધારે પાતળું બનાવી શકાય.

v ટેસ્ટ વેરિયેશન માટે આપણા મનપસંદ શાક બારીક ખમણીને અથવા ઝીણા સમારીને નાખી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :