બદલાવ – કોલેજ પછી આજે ઘણા વર્ષે મળી હતી બંને, પણ બંનેને જોઈએ છે બદલાવ…

“એક સહરા આંખમાં ભીનાશને ઝંખી રહે…

જેમ પીળું પાંદડું લીલાશને ઝંખી રહે…”

બપોરનું કામ પતાવીને રેખા પલંગ પર આડી પડીને છાપું વાંચતી હતી. ત્યાં ફોનની રીંગ વાગી, સામેથી આવતા અવાજે કંઇક જાણીતા સ્વરની યાદ અપાવી. સામા છેડેથી અવાજ આવ્યો… ” હાય… રેખલી … કેમ છો ?” ..અને રેખા ઉછળી પડી… “હાય…મોના.. મનાલી… કયાંથી બોલે છે ? કેટલા વર્ષે તારો અવાજ સાંભળ્યો ? શું કરે છે ?” રેખાના અવાજમાં આશ્ર્ચર્ય અને ઉત્સુકતા હતી.

અરે…અરે.. આટલા બઘા સવાલ ?? શ્ર્વાસ તો લે… હું અને અંકિત ચાર દિવસથી તારા શહેરમાં છીએ. અંકિતની બદલી અહીં થઇ છે, મેં પણ બદલી માંગી લીઘી છે, પણ હજી ઓર્ડર નથી મળ્યો એટલે એક મહિનાની રજા લીઘી છે… કવાર્ટર મળ્યુ છે.. ચાર દિવસ તો ઘર ગોઠવવામાં નીકળી ગયા. આજે ઓફિસમાં કામ છે તો અંકિત મોડા આવવાના છે. સાંજે ફ્રી છું… બોલ મળીશ??” મનાલીએ શકય તેટલી માહિતી આપી દીઘી.

“અરે પુછવાનું હોય ? મળવાનું જ હોય ને ? અને ચાર દિવસે ફોન કરાય ? ચલ તું ઘરે જ આવી જા… તારો ઘર ગોઠવવાનો થાક પણ ઉતરી જશે.. અહીં જ જમી લેજે.. અંકિતને પણ કહી દેજે અહીં આવે..” રેખાએ આમંત્રણ આપી દીઘુ.

“હું આવી જઇશ.. અંકિત ફરી કોઇ વખત.. આજે તે કામમાં છે…” કહીને મનાલીએ રેખા પાસેથી એડ્રેસ લીઘું અને સાંજે મળવાનો વાયદો કર્યો.

ફોન મુકાય ગયો અને રેખાનું મન અનેક યાદોથી ધેરાઇ ગયું. તે અને મનાલી બચપનની સહેલી… સ્કુલ-કોલેજ બન્નેએ સાથે જ કર્યુ. બન્ને દેખાવમાં સુંદર…બન્ને ખાસ સહેલી.. પણ રેખા થોડી ઘરગથ્થું… ઘરમાં પણ થોડું ચુસ્ત વાતાવરણ… હમેંશા ડ્રેસ જ પહેરતી.. રાજીવ સાથે લગ્ન થયા પછી તો ડ્રેસ પણ બંધ થઇ ગયા… હમેંશા સાડી જ… રાજીવે કયારેય ડ્રેસ પહેરવા પર પાબંદી નથી લગાવી, પણ રેખાને કયારેય વિચાર જ ન આવ્યો. તેમાંય દીકરા-દીકરીના જન્મ પછી ઘરમાં જ પરોવાઇ ગઇ. જયારે મનાલી પહેલેથી જ બોલ્ડ… હમેંશા જીન્સ, ટી-શર્ટ જ પહેરે. પહેલેથી જ કેરિયર પ્રત્યે લગાવ… ભણીને લગ્ન કરવાને બદલે નોકરી પસંદ કરી.. હજી બે વર્ષ પહેલાં જ અંકિત સાથે લગ્ન કર્યા… બન્ને નોકરી કરતા હતા.

ઘણાં વર્ષોથી રેખા – મનાલી મળ્યા ન હતા. વચ્ચે વચ્ચે તેના સમાચાર મળતા રહેતા. મનાલીના લગ્નમાં પણ રેખા જઇ શકી ન હતી. આજે કેટલા વર્ષે બન્ને મળવાના હતા. રેખા છાપુ મુકીને ઊભી થઇ ગઇ. સાંજની તૈયારીમાં લાગી ગઇ. કેટલું બઘું બનાવ્યુ !..

મનાલી આવતા પહેલા બઘી તૈયારી કરી લીઘી. પછી શાંતિથી વાતો કરી શકાય એ વિચારે બઘુંકામ પતાવી લીઘું. પાંચ વાગ્યે મનાલી આવી.. બન્ને બહેનપણી વાતોમાં ડૂબી ગઇ. બચપનની યાદમાં ખોવાઇ ગઇ. વર્ષોની દૂરી ખતમ થઇ ગઇ. આમ પણ સાચી દોસ્તી એ જ છે કે જે ગમે તેટલા સમય પછી મળે પણ ફરિયાદ ન હોય. મળે એટલે જાણે કાલે જ છુટા પડયા હોય તેવું લાગે. મનાલી – રેખાએ કેટકેટલી વાતો કરી. પછી રાજીવ અને બાળકો આવ્યા એટલે રેખાએ બઘાની ઓળખાણ કરાવી… પછી રેખા થોડીવાર કામમાં પરોવાઇ ગઇ… સાડીનો છેડો કેડે ખોંસીને રસોડાના કામમાં લાગી ગઇ. મનાલી જોતી જ રહી અને રેખાએ બઘાની પ્લેટ ડાઇનીંગ ટેબલ પર મુકી દીઘી. રેખાએ કેટલું બઘું બનાવ્યું હતું… મનાલી તો વખાણ કરતા બોલી, “અરે યાર.. આટલું બઘું તો અમારા ઘરે કયારેય નથી બનતું… રસોઇવાળી બાઇ જે બનાવીને જાય તે જ ખાઇ લેવાનું..”

જમતા-જમતા પણ વાતો ચાલતી રહી. બન્ને બાળકોને મારી ગમી ગયા. રાત્રે ઘરે જતી વખતે મનાલીએ બઘાને રવિવારે પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યુ. મનાલી ગઇ પછી રાત્રે સૂતા સૂતા પણ રેખાની નજર સામે મનાલીનું રૂપ આવી ગયું. મનાલી તેવી જ હતી જેવી કોલેજના સમયમાં હતી.

જીન્સ, ટી-શર્ટ, ખભાથી થોડે નીચે સુધીના વાંકડિયા વાળ, ચાંદલા વગરનું કપાળ, લાઇટ મેકઅપ, ગળામાં રિયલ ડાયમંડના પેન્ડન્ટવાળો ટૂંકો ચેન, હાથમાં ઘડિયાળ અને એકદમ ફીટ શરીર.. ચરબીનો એક અંશ નહી… રેખાને લાગ્યુ કે પોતે ઘર, પતિ, બાળકોની સંભાળ લેવામાં જાતની સંભાળ લેવાનું ભૂલી ગઇ છે.. જાત માટે સમય આપતી જ નથી. પોતે પણ નવી ફેશન સાથે તાલ મિલાવવો જોઇએ.. મનાલીની જેમ પોતે નોકરી તો નથી કરી શકતી પણ તેની જેમ થોડી ફેશનેબલ તો બની શકે છે. હજી કયાં મોડું થયું છે… વિચારતા વિચારતા તેને નિંદર જ ન આવી…

તો મનાલીની આંખમાં પણ કયાં ઊંઘ હતી ?? તેની નજર સામે રેખા આવી. કોલેજની રેખા થોડી જાડી થઇ હતી પણ તે જાણે ખુશીથી ભરાયેલી હોય તેવું લાગતું હતું. સાડી.. ગળામાં મંગળસુત્ર… કપાળ પર મોટો ચાંદલો.. સેંથીમાં થોડું સિંદુર.. હાથમાં ખનકતી બંગડી.. ડાયનીંગ ટેબલ પર તેના હાથે બનાવેલી રસોઇ જયારે તે બઘાને પીરસતી હતી ત્યારે તેનો પ્રેમ પણ તેની સાથે પીરસાતો હતો. મનાલી વિચારતી રહી.. નોકરી, કેરિયરની દોડમાં પોતે જીવનની ખુશીથી દૂર થઇ ગઇ છે .. પણ હજી મોડું નથી થયું.

બીજા દિવસની સવાર બન્ને બહેનપણી માટે નવો નિર્ણય લઇને આવી. બન્નેના મન એકબીજાથી અજાણ… હજી રવિવારને પાંચ દિવસની વાર હતી. આટલા દિવસ પૂરતા હતા બન્ને માટે પોતાનો નિર્ણય અમલમાં મૂકવા…રવિવાર આવી ગયો. મનાલીએ જાતે રસોઇ બનાવી.. સાંજ પડી એટલે તૈયાર થઇ.. આજે તેણે ઘણાવખતે સાડી પહેરી.. મંગળસુત્ર… બંગડી.. ચાંદલો… બઘું જ જાણે રેખા….

ત્યાં ડોરબેલ વાગી… મનાલીએ હરખથી બારણું ખોલ્યુ… સામે રેખા.. જીન્સ… ટી-શર્ટ.. છૂટાવાળ.. પાતળી ચેન.. મેકઅપ અને કોરૂં કપાળ…બન્ને એકબીજાને જોઇને આંચકો પામી ગયા .. બે મિનિટ બન્ને કંઇ બોલી ન શકયા.. અને પછી ખડખડાટ હસતા એકબીજાને વળગી પડયા….

લેખક : દિપા સોની “સોનુ”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ