કેવીરીતે એક સૈનિકે મૃત્યુ બાદ પણ બચાવ્યો પોતાની સૈન્ય ટુકડીનો જીવ…

આસામ રેજીમેન્ટ – ‘બદલૂરામ કા બદન’

લોહીયાળ યુદ્ધમેદાનોમાંથી ઘણીવાર રોમાંચક કિસ્સાઓ અને કહાનીઓનો જન્મ થતો હોય છે. એવી જ એક વાત છે, આસામ રેજીમેન્ટના બદલુરામ નામના જવાનની. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાન સામે લડતાં વીરગતિને પ્રાપ્ત થયેલો બદલુરામ નામે જવાન તેના મૃત્યુ બાદ પણ પોતાના સાથીઓની મદદ કરતો રહ્યો !

બીજા વિશ્વયુદ્ધનાં એક મોરચે બ્રિટીશ ઇન્ડિયન આર્મીની આસામ રેજીમેન્ટ તરફથી લડતા સિપાઈ બદલુરામ ઘવાયાં અને મૃત્યુ પામ્યા. બદલુરામનાં મૃત્યુ બાદ તેના કંપની ક્વાર્ટર માસ્ટરે એના નામનું રાશન લેવાનું ચાલુ રાખ્યું. વિશ્વયુદ્ધના સમયે યુદ્ધક્ષેત્રે રાશન-પાણીની ભારે તંગી પ્રવર્તતી હતી. અડધું પેટ ભરીને સૈનિકો દિવસો અને મહિનાઓ સુધી લડતા રહેતા. રેજીમેન્ટ માટે આવતું રાશન અને પીવાનું પાણી પ્રત્યેક સૈનિકના નામ પ્રમાણે જોખીને આપવામાં આવતું. આ તરફ, કેટલાય મહિના સુધી ક્વાર્ટર માસ્ટરે બદલુરામના નામે આવતું રાશન-પાણી એકઠું કર્યું. આ દરમિયાન જાપાની સૈનિકોએ આસામ રેજીમેન્ટને ઘેરો ઘાલી, તેમનો રાશન પુરવઠો લાંબા સમય સુધી કાપી નાખ્યો. આ કટોકટીના સમયે બદલુરામના નામે સંઘરેલા રાશને આસામ રેજીમેન્ટના જવાનોનો જીવ બચાવ્યો.

બદલુરામના રાશનને સહારે જ આસામ રેજીમેન્ટ ટકી ગઈ. રાશન મળતું બંધ થઇ ગયું ત્યારે મૃત જવાન બદલુરામ એમની સહાયે આવ્યો. ભૂખ્યા તરસ્યા આસામના ઘણા જવાનો મોતને ભેટી ગયા હોત, જો એમની પાસે બદલુરામનું રાશન સંગ્રહ કરી રાખેલ ન હોત તો. ત્યારથી આસામ રેજીમેન્ટ બદલુરામનો આભાર કંઈક અનોખી રીતે મનાવે છે; એના માનમાં એક ગીત ગાઈને. ગીતના શબ્દો છે:
“એક ખુબસુરત લડકીથી.. ઉસકો દેખ રાઈફલમેન ચિંદી ખીંચના ભૂલ ગયા.. વાલદાર મેજર દેખ લિયા… ઉસકો પીઠ્ઠુ લગાયા.. બદલુરામ એક સિપાહી થા… જાપાન વોરમે મર ગયા… ક્વાર્ટર માસ્ટર સ્માર્ટ થા, ઉસને રાશન નિકાલા… બદલુરામ કા બદન ઝમીન કે નીચે હૈ… ‘બદલુરામ કા બદન જમીન કે નીચે હૈ… ઔર હમકો ઉસકા રાશન મિલતા હૈ.’શાબાશ… હલેલુયા… શાબાશ… હલેલુયા… ઔર હમકો ઉસકા રાશન મિલતા હૈ.’

‘બદલુરામ કા બદન’ હવે આસામ રેજીમેન્ટનું રેજીમેન્ટલ ગીત બની ગયું છે. દરેક પાસીંગ આઉટ પરેડ વખતે શિલોંગની હેપ્પી વેલીમાં નવા નિયુક્ત જવાનો ‘બદલુરામ કા બદન’ જોશ અને સ્ફૂર્તિ સાથે ગાઈને પ્રસ્તુત કરે છે. આસામી ‘ગેંડાઓ’ (સૈનિકો) પોતાના જવાનને યાદ કરીને એના માનમાં આનંદ અને ગર્વથી ગીત ગાઈને અદભૂત રીતે એ પળની ઉજવણી કરે છે. બીટિંગ ધ રીટ્રીટ : આસામ રેજીમેન્ટનું સ્લોગન: ‘તગડા રહો.’

લેખન સંકલન : મનન ભટ્ટ

કોમેન્ટમાં સલામ બદલુરામ જરૂર લખજો.