આ ઉપાયોથી કરી દો મોંમાથી આવતી વાસને દૂર, અને રહો રિફ્રેશ…

ધારો કે તમે કોઈ મહત્વના ઈન્ટરવ્યૂની કતારમાં તમારો વારો આવવાની રાહમાં બેઠાં છો. કે પછી કોઈ ખાસ પ્રેઝન્ટેશન કે વક્તવ્ય આપવાનું છે તમારે. તમને લગ્નઈચ્છુક મુરતિયો મળવા આવવાનો છે. એ બધું રહેવા દો એક તરફ, તમારા મિત્ર સાથે ફિલ્મ જોવા જવાનું છે, અથવા તો તમે જેને પ્રેમ કરો છો એની સાથે એક સાંજ વિતાવવા લોંગ ડ્રાઈવ પર જવાનું છે.

image source

સંજોગો કોઈ પણ હોઈ શકે. વાત એક જ છે કે તમારે સ્વજનની નજીક જઈને વાત કરવાની છે. તમારા શબ્દો અને હાવભાવ થકી સામેના પક્ષને તમારી તરફેણમાં કરવાના છે. એવા સમયે જો તમારાં મુખેથી અસહ્ય દુર્ગંધ આવતી જણાય તો?

તમે તમારી મહત્વની વાત તમારી સામે બેઠેલ વ્યક્તિને કરતાં હોવ અને એ અનાયાસે જ શિષ્ટાચાર ગૂમાવીને નાક આગળ હાથ મૂકી દે અથવા સહેજ ઉબકો આવવા જેવી ચેષ્ટા કરે તો? શું તમને અપમાનજનક નહીં લાગે? શું તમને પણ એજ ક્ષણે ત્યાંથી ઊભા થઈને જતાં રહેવાનું મન નહીં થાય?
ચોક્કસ થશે જ.

તો? ઉપાય શું? અને ઉપાય તો એનો હોય કે જેની સમસ્યા ખ્યાલ હોય. આ સમસ્યાને ખરેખર કેટલી ગંભીર લેવી એ પણ એક સવાલ છે.

image source

જી હા, મોંમાંથી આવતી દુર્ગંધ ખરેખર એક એવી તકલીફ છે જેનું નિવારણ ચોક્કસ થવું જોઈએ. એ ફકત તમારી શારીરિક સમસ્યા નથી, એનાંથી તમારી સામાજિક છાપ અને કારર્કિદી પર અસર ચોક્કસ પાડી શકે છે.

“અરે, એની બાજુમાં બેસવાનુંય મન ન થાય…” “એની વાતો આમ બહુ સમજદારીની હોય છે પણ…”

વગેરે વાતો લોકો એકબીજાં સાથે તમારા વિશે કહે તો તમને ગમશે ખરું? નહીં ને?

તો જાણો, મોઢાંમાંથી આવતી દુર્ગંધના કારણો અને એને દૂર કરવાના ઘરેલુ ઉપાયોઃ

image source

ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાય જ્યારે તમારાં મોંમાંથી આવતી વાસ બીજાંને પરેશાન કરે છે એવું જણાય ત્યારે. ત્યારે શું કરવું અને આવું શાથી થાય છે એની જાણકારી મેળવીએ.

મોંમાંથી વાસ આવવાની સૌથી સામાન્ય બાબતને અંગ્રેજીમાં હિલિટોસીસ કહે છે. આ પરિસ્થિતિ ખૂબ આપત્તિજનક નથી હોતી પરંતુ આપના સ્વજનો એને લીધે આપનાથી દૂર બેસવાનું ઇચ્છે છે. આ એક કુદરતી રીતે થતી તકલીફ છે. આપના મુખમાં દાંતની વચ્ચે કે પેઢાંમાં ભરાઈ ગયેલ ખોરાકમાંથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. જો સામાન્ય સંજોગોમાં એની સફાઈ યોગ્ય રીતે ન થતાં એ ગંધ મારે છે અને આપનાં મોંમાં બોલતી વખતે કે ઉચ્છ્વાસ લેતી વખતે વાસ આપની નજીક રહેલ વ્યક્તિને પણ અનુભવાય છે.

image source

બીજું કારણ એ પણ હોઈ શકે કે આપનાં દાંત જે પેઢાં વડે ઝકડાયેલ છે એ પેઢાં નબળાં પડતાં જાય અને એની સાથે એમાં સદો ઉદ્ભવે. આ સ્થિતિમાં પેઢાં ખોરાક ચાવતી વખતે દુખાવો કરે અથવા એમાં કળતર થાય અને દાંત અને પેઢાં વચ્ચે લોહી નીકળે. આ સમસ્યા હોય તો દાકતરી સલાહ લઈને ઘરેલુ ઉપાયો પણ અજમાવી શકાય જેથી મોંની દુર્ગંધનો નિકાલ થાય અને સ્વસ્થતા અનુભવાય. માથાનો દુખાવો, શરદી કે સાઈનસ થવાને લીધે પણ આપનાં મોંમાંથી વાસ આવે એવું બને.

image source

અન્ય કારણ પૈકીનું એક એ પણ હોઈ શકે કે આપને કૈફી પદાર્થોનું સેવન કરવાનું વ્યસન હોય. જેમ કે તમાકુ કે પછી ધુમ્રપાન કરવાની આદત હોય. આ સિવાય દારૂ કે અન્ય નશીલા પીણા પીવાની ટેવવશ આપના મોંમાંથી સતત તિવ્ર વાસ આવવાની ફરિયાદ રહેતી હોય છે.

આ બધી તકલીફો નિવારવાનો ઈલાજ જો આપનાં રસોડામાંથી જ મળી આવે તો? વિવિધ ઉપાયો અને કાળજી લેવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે અને આપના પોતાના લોકો સામે તમે આત્મવિશ્વાસ સાથે વાતચીત કરી શકો છો.

૧ વરિયાળી કે પીળાં ફૂલવાળો વરિયાળીનો છોડઃ

image source

વરિયાળી, મુખવાસ તરીકે જાણીતું એક સ્વાદિષ્ઠ બી જેવું કરિયાણું છે. જેનાં દાણાં ચાવવાથી તેનાં પાચક રસો પેટમાં જવાથી તે સુપાચ્ય રહે છે. આના છોડનાં ફૂલને ચાની જેમ પાણીમાં ૧૦ મિનિટસ ઉકાળીને ગાળીને પીવાથી આનંદદાયક પીણું બને છે. જે મોંમાંથી આવતી દુર થાય છે અને ફ્રેશ ફિલ થાય છે. વરિયાળીમાં રહેળ ગુણકારી સત્વો, મુખમાં ઉત્પન્ન થતા માઈક્રોબેક્ટેરિયાને નાબૂદ કરે છે. જો આપને મોંમાં વાસ આવવાની ફરિયાદ વધુ રહેતી હોય તો આપે દિવસમાં બેથી ત્રણ વખત વરિયાળીનો મુખવાસ ચાવવો જોઈએ અને એક કે બે વખત વરિયાળીનાં કૂંણાં છોડનાં પીળાં ફૂલનું ઉકાળેલ પાણીથી કોગળા કરવા જોઈએ. આ પીળાં ફૂલવાળો અને ખાસ સ્વાદવાળો વરિયાળીનો છોડ, જેનો ઉપયોગ રસોઈની વાનગીઓ બનાવવામાં થાય છે. અંગ્રેજીમાં જેને ફેનલ કહે છે.

૨ તજઃ

image source

તજ એ તેજાનાઓમાં સૌથી વધુ ગુણકારી મસાલામાંથી એક છે. જેમાં રહેલું તત્વ એલ્ડીહાઈડ્રાઈડ છે. જે મુખમાં ઉત્પન્ન થતા સુક્ષ્મ જીવાણુંઓને નાબૂદ કરવા સક્ષમ છે. આ તેજાનો એટલો અક્સીર છે કે એનો ભૂકો પાણીમાં ઉકાળીને પી શકો છે જેનાંથી અન્ય અનેકો રોગો સામે પણ પ્રતિકાર મળે છે. દરરોજ સવારે એક ચમચી તજનો પાઉડર પાણીમાં ઉકાળીને પીવાથી અથવા એના કોગળા કરવાથી મોંમાં રહેલી ચીકાશ દૂર થાય છે અને તાજગી ભર્યો શ્વાસ લઈ શકાય છે. આ ઉપાય કાયમી ધોરણે પણ કરી શકાય છે જેની કોઈ આડઅસર નથી.

૩ મેથી દાણાઃ

image source

સામાન્ય રીતે મેથીનાં દાણાં પેટની ચયાપચયની ક્રિયાઓને વધુ સરળ બનાવવા ઉપયોગી છે. પરંતુ મુખમાંથી આવતી દુર્ગંધ પણ એક એવી સમસ્યા છે જેનું મૂળ પેટમાં અયોગ્ય રીતે પચેલો ખોરાક કે પછી દાંતમાં કે પેઢાંમાં ભરાઈને સડી રહેલો ખોરાકને લીધે થાય છે. મેથીના દાણાં સ્વાદે તૂરા કે મહદ અંશે કડવા હોય છે જેથી એને સીધે સીધા ખાઈ જવું કે ચાવી જવું કદાચ સૌને ન ગમે. પરંતુ એ રસોઈના લગભગ દરેક દાળ કે શાકમાં વપરાય છે. મેથીના દાણાં રાતે પલાળીને સવારે નરણે કોઠે ચાવી શકાય છે અથવા તો તેને પણ ગ્રીન ટીની જેમ પાણીમાં એક ચમચી નાખીને ઉકાળી – ગાળીને ગરમ ગરમ પીવાથી શ્વાસમાં અનુભવાતી દુર્ગંધની તકલીફને નીવારી શકાય છે.

4 લવિંગઃ

image source

આ સૌથી અક્સિર કુદરતી માઉથ ફ્રેશનર છે. તે પણ રસોઈની ઘણાંખરી વાનગીઓમાં મુખ્યત્વે ઉમેરાય છે. લવિંગનો સ્વાદ ખૂબ જ જલદ હોય છે પરંતુ મોંમાં એકાદ લવિંગનો દાણો મૂકી રાખવાથી શરદી અને સાઈનસ જેવી તકલીફોથી અને પેઢાંમાં થતા દુખાવા કે સોજા કે પછી લોહી નીકળવાની ફરિયાદથી રાહત થાય છે. તેનાથી મુખમાં ઉત્પન્ન થતા બિનઆરોગ્યપ્રદ જૈવિક કિટાણુંઓનો નાશ થાય છે. લવિંગની એક કળીને દાંતોની વચ્ચે બરાબર દબાવીને ચાવવું. એમાંથી નીકળતા તૈલિય પદાર્થને લીધે મોંમાંથી આવતી તિવ્ર વાસની તકલીફ નીવારી શકાય છે.

૫ લીંબુનો રસઃ

image source

લીંબુના રસમાં રહેલ એસિડિક જલદ સત્વ મોંમાં રહેલાં બેક્ટેરિયાને અટકાવી શકવા સક્ષમ છે. આ ગુણધર્મ સિવાય તેમાં વિટામિન સી રહેલ છે જે દાંત અને પેઢાંના સ્વાસ્થય માટે ખૂબ જ લાભદાયી છે. અવાળુ ફૂલવું કે સ્કર્વી, પાયોરિયા જેવા મુળભૂત દાંતનાં રોગને લીંબુના રસને પાણીમાં ભેળવીને કોગળા કરવાથી કે પછી સરબત બનાવીને પીવાથી ઘણી રાહત મળે છે. મીઠું નાખીને પણ લીંબુના રસનો ઉપયોગ મુખની દુર્ગંધ નિવારવા માટે સલાહભર્યો છે.

૬ એલચીઃ

image source

મોંમાંથી આવતી દુર્ગંધનું એક કારણ આપણે જોયું કે ચયાપચયની ક્રિયાનું અનિયમિતપણું પણ હોઈ શકે. જમ્યા બાદ એસિડિટિ કે પછી ગેસની તકલીફ પણ થતી હોય છે. આ સમયે મોંમાં એક એલચીની કળી મમળાવવાથી આવતા ઉબકા કે એસિડિટિના ઓડકારથી રાહત મળે છે અને દુર્ગંધથી પણ બચી શકાય છે. એલચી સામાન્ય રીતે દરેક રસોડાંમાં ઉપલ્બધ હોય છે. એલચીનાં છોતરાં પણ દાંતમાં બરોબર ચવાઈ જવાથી અંદર ફસાઈને સડવાને બદલે બહાર નીકળી જાય છે અને લાળગ્રંથી વડે મોંમાં સરળતાથી ગળાઈ જાય છે.

image source

વધુ મસાલેદાર ખોરાક કે પછી લસણ – ડૂંગળીવાળા તામસી ખોરાકને ખાધા પછી પણ મોંમાંથી એક ખાસ પ્રકારની ગંધ આવે છે. આવા સમયે જો મિટિંગ કે કોઈ સામાજિક પ્રસંગે જવાનું હોય તો વાતચીત કરતી સમયે સામા પક્ષે જરા ખટકો આવે તો આપણો અત્મવિશ્વાસ ડગે છે. ઘરની બહાર નીકળી વખતે કે કોઈ પ્રાસંગિક કે પછી અગત્યની મિટિંગ હોય ત્યારે આપનાં મુખમાંથી દુર્ગંધ નહીં પરંતુ સૌને ઇમ્પ્રેસ કરી દે તેવા વિશ્વાસની ઝલક દેખાવવી જોઈએ. જે તમારા વ્યક્તિત્વને એક નવો જ ઓપ આપે અને તમારી પ્રતિભાની સોડમ ચારેકોર ફેલાવે.

લેખ સંકલન – કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ