બ્રેકફાસ્ટ અને ટીફીન બોક્ષ ની ખાસ વાનગી ! “બાજરીના વડા”

વ્યક્તિ : ૫
સમય : ૪૫ મિનિટ

સામગ્રી :

૪ કપ બાજરીનો લોટ
૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ ખાટું દહીં
૧/૨ કપ મોળું દહીં
૧૦ નંગ મોળાં લીલા મરચાં
૧૫-૨૦ નંગ લસણની કળી
૧.૫ ઇંચ આદું
૨ ટે.સ્પૂ. તલ
૨ ટી.સ્પૂ. અજમો
૨-૩ ટે.સ્પૂ. તેલ (મોવણ માટે)
૧ ટે.સ્પૂ. લાલ મરચું પાવડર
૧/૪ ટી.સ્પૂ. હળદર
૧/૨ કપ ખાંડ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ

રીત :

૧) સૌ પ્રથમ આદું-મરચાં-લસણને વાટીને પેસ્ટ બનાવો.
૨) હવે એક વાસણમાં બાજરીનો લોટ અને ઘઉંનો લોટ ભેગો કરીને તેલ ઉમેરી મસળી લો. તેમાં દહીં, વાટેલો મસાલો, લાલ મરચું, હળદર, તલ, અજમો, મીઠું, ખાંડ અને થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો.
૩) બાંધેલા લોટને ઢાંકીને ૧૫ મિનિટ મૂકી રાખો. જરૂર લાગે તો થોડુંક પાણી ઉમેરીને સહેજ ઢીલો લોટ તૈયાર કરો. ૧ ટી.સ્પૂ. જેટલું તેલ ઉમેરીને લોટને બરાબર મસળી લો અને એકસરખા લુઆ તૈયાર કરી લો.
૪) એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો. આડણી અથવા થાળી ઉપર પ્લાસ્ટીક પાથરીને સહેજ તેલ લગાડી દો. ૫-૬ નંગ લુઆને દબાવીને તેના પર થોડા તલ લગાડીને હાથ વડે થેપીને ૫-૭ મિમી જાડાઈના વડા તૈયાર કરી લો.
૫) તેલ ગરમ થાય એટલે ધીમી મધ્યમ આંચ પર થેપેલા વડાને બંને તરફ ફેરવીને આછા લાલ રંગના થાય ત્યાં સુધી તળી લો. વડા તળાય ત્યાં સુધી બીજા વડા થેપીને તૈયાર કરી લો.
૬) આ રીતે બધા જ વડા તૈયાર કરી લો. ગરમાગરમ બાજરીના વડા ચા, સૉસ, ચટણી, તળેલાં મરચાં કે સંભારા સાથે પીરસો…

નોંધ :

★ સ્વાદ મુજબ ખાંડ વધુ-ઓછી ઉમેરી શકાય.
★ લોટ બાંધીને મૂકી રાખ્યા બાદ સહેજ ઢીલો થશે આથી કઠણ લોટ બાંધવો.
★ તેલ વાળો હાથ કરીને હથેળીમાં થેપીને પણ વડા તૈયાર કરી શકાય.
★ ૧/૨ કપ મેથીની ભાજી અથવા લીલા ધાણા અથવા છીણેલી દૂધી ઉમેરીને પણ વડા બનાવી શકાય.
★ વડાને તેલમાં મુકતી વખતે તેલ હાથ પર ઉડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો !!

ટીપ્પણી