રામ મોરી દ્વારા લખાયેલી મમ્મી અને દિકરાના લાગણીસભર સંબંધની વાર્તા… અંત સુધી વાંચજો…

“BAA”

નાનપણમાં ગામડામાં રસોડામાં રસોઈ બનાવતી બાની બાજુમાં ચૂલા પાસે પગ લંબાવીને બેસવાની ટેવ. બા રોટલા બનાવતી હોય અને ચૂલાની આગમાં હું લાકડા નાખ્યા કરતો. બા પાસે બેસીને હું નિશાળની વાતો કરતો. બા પણ હોંશેથી બધું પૂછતી. બા ભણી નહોતી પણ મારી નિશાળમાં આજે અમને શું ભણાવ્યું કે શીખવ્યું એ સતત પૂછતી. હું અમારી કવિતામાં આવતી ડુગડુગીયાવાળી, લોકગીતો અને વાર્તાઓની વાતો કરતો અને એ રસપૂર્વક સાંભળતી. ચોમાસામાં રસોડામાં ચૂલો સળગાવવો એ ઘણી મુશ્કેલીનું કામ. વરસાદથી લાકડા ભીંજાય જતાં એટલે ચૂલો સળગાવતા સળગાવતા અને ફૂંકણીથી ફૂંકો મારતા મારતા બાની આંખમાં પાણી આવી જતા. જોઈ રહેતો ધૂમાડાના જાળામાં પરસેવે નીતરતો બાનો ચહેરો.ધીમે ધીમે રસોડામાં ધૂમાડો એટલો બધો વધી જતો કે હું અને બા બંને ખાંસવા લાગતા. રસોડામાં બેઠા બેઠા આંખોમાં બળતરા થવા લાગતી અને ધૂમાડો આંખોમાં પેસી જતા આંખોમાંથી પાણી નીકળતું.બા પોતાની સાડીના છેડાથી મારું મોઢું ઢાંકીને મને કે’તી કે,

“લાલા, તું બાર્ય વીયો જા. તાપ થાહે ત્યારે તને બોલાવીશ હોં ” અને હું ટીશર્ટની બાંયથી આંખો લૂંછતો રસોડાની બહાર નીકળી જતો. એ ક્ષણે લાગતું કે કાળી ફૂંકણીથી ફૂંક મારી મારીને આગ પેટાવવા મથતી બા જાણે કે આખ્ખેઆખ્ખી રસોડામાં ફૂંકાઈ ગઈ છે. એ પછી ખબર નહીં કેવી રીતે પણ દિવાસળી બગાડ્યા વિના જ ફૂંકણીથી ફૂંક મારી મારીને બા ચૂલો પેટાવતી. જેવો ચૂલો સળગતો કે એ બૂમ પાડતી,

“લાલા, આંયા આવતો રે…તાપ થઈ ગ્યો હાલ્ય ! ”
અને હું, હવે આંખો નહીં બળે કે ઉધરસ નહીં આવે એ હરખથી રસોડામાં બા પાસે દોડી જતો.

આજે વર્ષો વીતી ગયા. મારા લગ્ન થયા. બાળકો થયા. મારે માથે પણ થોડા ધોળા આવ્યા અને બા વધારે ઘરડી થઈ. હું બેંગ્લોર શીફટ થઈ ગયો. બા નાના ભાઈઓ સાથે ગામડે જ રહી. ગામડે જવાનું ધીમે ધીમે ઓછું થયું અને પછી જાણે કે સાવ જ બંધ થઈ ગયું. એ સાથે જ બાના કાન ગયા. ભાઈઓએ કાનનું મશીન અપાવ્યું પણ બાને બહું ફાવ્યું નહીં કદાચ.ભાઈઓએ ઘર તોડીને નવું ઘર બનાવ્યું. ગારમાટીનું ઘર પાક્કી સિમેન્ટનું બન્યું. નાના ભાઈએ મોબાઈલમાં ફોટોસ પાડીને મોકલ્યા. બધું નવું નવું અને અજાણ્યું લાગતું હતું. નાની વહુઓએ બા જેમાં રોટલા બનાવતી એ દેશી રસોડાના બદલે પ્લેટફોર્મવાળા કિચન બનાવ્યા. લાકડા સળગાવવાનું તો જાણે કે બધા ભૂલી ગયા હોય એમ ગેસ અને સગડીનું સામ્રાજ્ય. એક ફોટોસમાં કાથીના વાણવાળા ખાટલા પર બેસીને માળા ફેરવતી બા દેખાઈ. ઘણા સમયે બાને જોઈ, થયું કે નાના ભાઈઓના બાળકો બાને નિશાળની વાતો કરતા હશે ?

અને એક દિવસ અચાનક વહેલી સવારે નાનકાનો ફોન આવ્યો કે, “મોટાભાઈ, બા હવે નથી. તમે આવી જાઓ.” એક ધબકારો ચુકી ગયો. તાત્કાલીક ટ્રેન પકડી. આખા રસ્તે ટ્રેનની બારીની બહાર અને મારી આંખોમાંથી વરસાદ ઝરમર ઝરમર. બા પાસે પહોંચ્યો. બાએ આંખ, કાન અને નાક રૂના પૂમડાંથી બંધ રાખ્યા હતા. લગભગ સાંજ ઢળવા આવી હતી એટલે ડાઘુઓ ઝડપથી સ્મશાન તરફ ચાલ્યા. હું માટલી લઈને બાની આગળ ચાલી રહ્યો હતો.આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા. ક્યાંક ક્યાંક વાદળમાં વીજળીનો ચમકારો થતો હતો. ઝીણા ઝીણા ધીમા ઝરમર છાંટા પડતા હતા. સ્મશાનમાં લાકડાઓ ગોઠવાયા. બા હંમેશાની જેમ અહીંયા પણ જાણે કે ગોઠવાઈ ગઈ. બાને અગ્નિદાહ અપાયો.

વરસાદ વધવા લાગ્યો. અગ્નિદાહ માટેના લાકડાઓને વરસાદનો ભેજ લાગ્યો હતો એટલે એ ઝડપથી સળગી નહોતાં રહ્યા. કેટલાક લોકો છાણા અને સુકાયેલાં ઘાસના પૂળાઓ ચિતામાં ઉમેરી લાકડા સળગતા રહે એ માટે પ્રયત્ન કરવા લાગ્યા. સરવાળે આખા સ્મશાનમાં ધૂમાડો થયો. બધાની આંખોમાં ધૂમાડો પેસી ગયો. બધાની આંખોમાં બળતરા થવા લાગી અને ચોતરફ ઉધરસના અવાજો વધવા લાગ્યા. નાના ભાઈને ખબર હતી કે મને ધૂમાડાની એલર્જી એટલે એણે મારા ખભા પર હાથ મૂક્યો કે,

“મોટાભાઈ, તમે થોડા દૂર ઉભા રહો. ચિતાને સળગતા કદાચ વાર લાગશે.”

સફેદ કૂર્તાની બાંયથી આંખો લૂંછતો હું ચિતાથી દૂર ઉભો રહ્યો. આંખોમાં બળતરા થતી હતી અને કોરી ઉધરસ ચડી હતી. મેં ચશ્મા કાઢીને ફરી આંખો સાફ કરી અને ઉંડા શ્વાસ લીધા. અચાનક મારું ધ્યાન ઉપર ગયું તો કાળા વાદળાઓ આકાશમાંથી જાણે કે અમારી ઉપર એકદમ ઢળી પડ્યા અને પવન આવ્યો. મેં પાછળ ફરીને બાને જેના પર સૂવડાવી હતી એ ચિતા તરફ જોયું. મહામહેનતે ચિતા સળગી. બધાને હાશકારો થયો. અંધારું થવા આવ્યું અને મને લાગ્યું કે બા ત્યાંથી સૂતાં સૂતાં બોલી.

“લાલા, આંયા આવતો રે…તાપ થઈ ગ્યો હાલ્ય ! ”

લેખક : રામ મોરી

ખુબ લાગણીસભર વાર્તા, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી