અવતાર – એક દિકરાને સમજાઈ પોતાની ભૂલ, પણ ત્યારે થઇ ગયું હતું ઘણું મોડું…

“ બા! તમારી પરિસ્થિતિ ની મને સારી રીતે જાણ છે! આ કેસ ફી હું નહિ લઉં, ને લો, આ કેટલીક દવા છે, તમારી તબિયત એકદમ સારી થઇ જશે હવે! ને ગમે ત્યારે જરૂર હોય આવી જજો. તમારો દીકરો તમારી સેવા માટે હંમેશા તૈયાર જ હશે.” તપાસ પૂરી કરતાં જ ડૉ. હરેકૃષ્ણએ સ્નેહ સભર સ્વર સાથે બા ને ટેકો આપી ઊભા કર્યાં.

બા ની આંખો માં ડૉ. હરેકૃષ્ણ માટેએક પુત્ર તુલ્ય પ્રેમ નીતરી રહ્યો હતો. બે હાથ ઊંચા કરી એકપણ શબ્દ બોલ્યા વગર બા એ આંખો વડે જ આશીર્વાદ આપી ને જેવી વિદાય લીધી કે સામે રહેલા ડૉ. હરેકૃષ્ણ ના દીકરા અનુજીત ની આંખો માં એક અણગમો ઊભરી આવ્યો.

MBBS નો અભ્યાસ ક્રમ પૂર્ણ કરી ઇન્ટર્નશીપ કરી રહેલો અનુજીત જયારે સમય મળે ત્યારે પોતાના પિતાના ક્લિનિક માં કલીનીકલવર્ક શીખવા આવી જતો. પોતાના હોસ્ટેલના સમયગાળા દરમિયાન એક મોંઘુ બાઈક, સારો ફોન અને સારા એવા પોકેટ મનીનાં મળ્યા એની પાછળ અનુજીત પોતાના પિતાના આવા સેવાભાવી સ્વભાવ ને કારણભૂત માનતો. કેટલાક દર્દી ની તો બિલકૂલ કેસ ફી ડૉ. હરેકૃષ્ણ લેતાં જ નહિ. આ જોઈ ને અનુજીત અકળાઈ ઉઠતો.

જેવું ક્લિનિક બંધ કરી ને પિતા પુત્ર કાર માં ઘરે પાછા ફરી રહ્યા હતા કે તરત અનુજીત રોષપૂર્વક એના પિતા ને ફરિયાદ કરવા લાગ્યો, “ પપ્પા! આમ ક્યાં સુધી આવી રીતે સેવા કરતાં રહેશો ? હજુ મારે અનુસ્નાતક નો અભ્યાસક્રમ કરવાનો બાકી છે અને પેમેન્ટ સીટ પર પણ કદાચ એડમિશન લેવું પડે, નાની બહેન ના લગ્ન પણ બાકી છે હજુ.”

“ જો બેટા ! ઉપરવાળો બધું જ જોવે છે. એ બધીજ વ્યવસ્થા કરી લેશે, તું ચિંતા ના કર! નેદર્દી ઓ ની આંખો માં ઉભરી આવતી આભાર અને પ્રેમ ની મિશ્ર લાગણી એ જ આપનું વળતર છે. એક ડોકટર તરીકે સમાજ ને તંદુરસ્ત રાખવો એ આપણી સામાજિક જવાબદારી છે. બેટા કાલે ઉઠી ને તારે જ આપણું ક્લિનિક અને મારી બેઠક સંભાળવાની થશે. સૌ ની તારી પાસે પણ આવી જ અપેક્ષા હશે, બેટા! એમની અપેક્ષા માં ખરો ઊતરજે.” ડૉ. હરેકૃષ્ણ પોતાના પુત્ર માં સેવા ની સદ્ભાવના નું બીજ રોપવા પ્રયાસ કરી રહ્યા હતા.

“ હુંપપ્પા! હું તમારી જેમ નથી બનવાનો, દુનિયાદારી ની મને પણ સમજ છે, હું કોઈ ની પણ કેસ ફી આમ માફ નહિ કરું! “ અનુજીતે પોતાના પપ્પા ની આંખો માં આંખો પરોવ્યા વગર જ જવાબ આપી દીધો.

ડૉ. હરેકૃષ્ણ ના ચહેરા પર ઉદાસી ના ભાવ ઉપસી આવ્યા. તેમનો દીકરો હવે મોટો થઈ રહ્યો હતો, નિર્ણય જાતે લેવા લાગ્યો હતો પણ ડૉ. હરેકૃષ્ણ ના મન માં ને મન ઊંડે એક આશા છુપાયેલી હતી કે અનુજીત પણ પોતાના બનાવેલા રસ્તા પર જ ચાલશે.

************************
એક અઠવાડીયા થી અનરાધાર વર્ષી રહેલા વરસાદે આજે વિરામ લીધો હતો, પણ આકાશ માં વાદળો હજુ ય દોડાદોડ કરી રહ્યા હતા.વાતાવરણ માં પ્રસરેલી ભીની માટી ને સુગંધ વાતાવરણ ને આહ્લાદક બનાવી રહી હતી, પણ આવા આહ્લાદક વાતાવરણ માં ય હાથ માં કોફી નો કપ લઈ ને ગૅલૅરી માં ઊભો રહેલો અનુજીત પોતાના પપ્પા ના નિર્ણય ને લઈ ને ખુશ નહોતો. પોતાની લાખ મનાઈ છતાં બનાસકાંઠા માં આવેલા પૂર માં પૂર પીડિતો ની સહાય માટે ડૉ. હરેકૃષ્ણ પોતાનું પ્રાઇવેટ ક્લિનિક બંધ કરી ને છેલ્લા દસ દિવસ થી ધાનેરા માં હતા. એટલા માં અનુજીત નો ફોન રણક્યો અને ફોન માં પોતાના પપ્પા નું નામ જોતાં જ એણે ગુસ્સા માં ફોન કટ કરી નાખ્યો. છેલ્લા દસ દિવસ થી અનુજીત આ જ ઘટના નું પુનરાવર્તન કરી રહ્યો હતો, જેવો પોતાના પપ્પાનો કોલ આવે કે તરત જ ફોન કટ કરી નાખતો.

“ બેટા, લે તારા પપ્પા નો ફોન છે, તારી સાથે વાત કરવા માંગે છે.” અનુજીત ની મમ્મી એ ઘર માંથી મોટા સાદે કહ્યું.

“ મમ્મી મારે પપ્પા જોડે વાત જ નથી કરવી, મેં એમને ના પડી હતી જવાની, તોય ગયા, શહેર માં 25 ડોક્ટર્સ છે, એમાંથી ખાલી પપ્પા જ બનાસકાંઠા ગયા, શું જરૂર હતી આમ આપણું ક્લિનિક બંધ કરી ને જવાની ? ને હજુ ય ખબર નહીં ક્યારે આવશે ?” અનુજીત ના મન માં રહેલો ગુસ્સા નો ઊભરો બહાર આવી રહ્યો હતો.

***************************
કોલેજ થી પાછા ફરી રહેલા અનુજીત ના મોબાઇલ પર એક દિવસ એક અજાણ્યો નંબર ઝબક્યો.

“ હેલ્લો મિસ્ટર અનુજીત, આ તમે જ ? હું પાલનપૂર થી પોલિસ ઇન્સ્પેક્ટર વાત કરું છું, આ ડૉ. હરેકૃષ્ણ તમારા શું થાય ? છેલ્લા ડાયલ્ડ કોલ માં તમારો જ નંબર હતો તો તમને કોલ લગાવ્યો.” પોલિસ ઇન્સ્પેક્ટરે વાત ની ખરાઈ કરતાં હોય એમ કહ્યુ.

“ હા, સર હું જ અનુજીત અને ડૉ. હરેક્રુષ્ણ મારા પપ્પા થાય. એનિથિંગ સિરિયસ સર ?” અનુજીત ના સ્વર માં એક અગમ્ય ઉચાટ વરતતો હતો. “યસ, મિસ્ટર અનુજીત, તમારા માટે બહુ દુઃખદ સમાચાર છે, તમારા પિતાશ્રી નું અહી એક કાર અકસ્માત માં મૃત્યુ થયું છે.” પોલિસ ઇન્સ્પેક્ટરે ખેદ વ્યકત કરતાં કહ્યું.

“ પપ્પા ………………” અનુજીત આંખ માં અનરાધાર આંસુ સાથે રસ્તા પર જ ફસડાઈ પડ્યો.

*****************************************
“સાહેબ સફરજન લેશો ? 120 રૂપિયા ના કિલો.” ફેરિયા એ રસ્તા પર ચાલી રહેલા અનુજીત સમક્ષ એક સફરજન ધરતાં કહ્યું.

“ 100 રૂપિયે ….” અનુજીત માં મુખ માં થી નીકળેલા શબ્દો મુખ માં દબાઈ ગયા અને એના પપ્પા ની એકવાત યાદ આવી ગઈ.

“બેટા, તું મોલ માં કોઈ વસ્તુ ના કે મૂવી થિએટર માં ટિકિટ ના પોપકોર્ન ની જેટલી કિંમત હોય એટલા જ ચૂકવે છે ને ! તો બેટા આ ફેરિયા પણ આખો દિવસ મજૂરી કરે છે, તડકો માથે લે છે એના બદલા માં એમને પણ એમની વસ્તુ ની એક કિંમત નક્કી કરી હોય છે, બેટા એટ્લે એમના ભાવ માં શું રકઝક કરવાની ? બેટા ! તારા ખિસ્સા માં થી જો 10 કે 20 રૂપિયા વધારે જશે તો આ ફેરિયા ના બાળ બચ્ચાં ની સાંજ ની થાળી માં એક વસ્તુ વધારે હશે.!” અનુજીત સમક્ષ પોતાના પપ્પા નો પ્રેમાળ ચહેરો આવી ગયો. ને ભીની આંખે અનુજીતે કશી રકઝક વગર સફરજન ખરીદી લીધાં. હજુ તો રસ્તા પર જતો જ હતો કે ફરી પાછી પપ્પા ની યાદ આવી. એ જ રસ્તો હતો જ્યાં અનુજીત અને એના પપ્પા સાઇકલ શીખવા આવતાં હતા.

“પપ્પા સાઇકલ છોડતાં નહીં હોં…!”

“બેટા, નહીં છોડું, તું સાઇકલ ચલાવ!” ને અનુજીતે પાછળ જોયું. રસ્તો એ જ હતો પણ પપ્પા આજે નહોતા.

“પપ્પા, કાલે વહેલા ઉઠાડજો, કાલે ઇન્ટર્નશીપ નો છેલ્લો દિવસ છે.” પથારી માં જતાં પહેલા અનુજીત ના મોં માંથી શબ્દો એમ જ નીકળી પડ્યા, ને ભૂલી ગયો કે પપ્પા હવે ઘર માં નથી, એ જે ખુરશી પર બેસતાં ત્યાં જઈ ને અનુજીત ભીની આંખે ખુરશી ને સ્પર્શ કરી ને પોતાના પપ્પા ને અનુભવ્યા. ઘર માં મમ્મી અને નાની બહેન ને હિંમત આપવા અનુજીત પરાણે પોતાની આંખો માં થી અશ્રુધારા ને કાબૂ કરી રહ્યો હતો.

અનુજીત ની ભગવાન ને એક જ ફરિયાદ હતી, કે છેલ્લે પપ્પા જોડે એક વાર પણ ફોન પર વાત ના થઈ. શું ખબર હતી કે પપ્પા જોડે આવું થશે? દસ દસ દિવસ થી આવતાં પપ્પા ના ફોન કટ કર્યા હતા, ને આજે એ ફોન માં હજુય રાહ જોતો હતો કે ક્યાંક પપ્પા નો ફોન આવી જાય, એમનો પ્રેમ ભર્યો આવાજ સાંભળવા મળી જાય. છેલ્લી વાર પપ્પા ને ભેટવું હતું ને કહેવું હતું કે પપ્પા આઇ લવ યૂ. ભગવાને એવો મોકો પણ ના આપ્યો કે વાત થઈ શકે.

અનુજીત પોતાના પપ્પા ની છબી આગળ શૂન્યમનસ્ક થઈ ને ભીની આંખે ઊભો હતો. હ્રદય ભારે હતું. નાનપણ માં પપ્પા મારે આ જોઈએ અને પપ્પા મારે તે જોઈએ એવી દરેક જીદ પપ્પા એ પોષી હતી. આજે પપ્પા જોડે એક જ જીદ હતી, પપ્પા તમે પાછા આવી જાઓ. હોસ્ટેલ માંથી સૌ કોઈ ખુશ થઈ ને પાછા ફરી રહ્યા હતા, અનુજીત ભારે હ્રદયે પોતાની રૂમ માંથી પોતાનો સામાન પૅક કરી રહ્યો હતો. ને પોતાના પપ્પા ના શબ્દો યાદ આવી ગયા,

“ બેટા સરસ ભણજે, ટાઇમસર જામી લેજે, સમય ક્યાં જશે ખબર નહીં પડે, હમણાં તારું એમબીબીએસ પૂરું થઈ જશે ને હું તને લેવા માટે આવીશ.” ને અનુજીત પોતાના પપ્પા ને શોધવા લાગ્યો, ક્યાંક પપ્પા આવી જાય. હાથ માં એમબીબીએસ ની ડિગ્રી હતી, પણ પીઠ પર શાબાશી આપવા વાળો આજે હાથ નહોતો. અનુજીત સૂનમૂન હતો, પપ્પા ની બહુ જ યાદ આવી ગઈ, પોતાનું રડવું એ રોકી ના શક્યો એટ્લે દોડતો હોસ્ટેલ ની અગાશી માં જતો રહ્યો. રડતી આંખો એ અનુજીતે આકાશ તરફ મીટ માંડી ને જોર થી બૂમ મારી.

“પપ્પા, માફ કરજો, હું ક્ષણિક જ તમારા થી રિસાયેલો હતો, પપ્પા. તમારી તબિયત પણ ચિંતા હતી પપ્પા મને એટલે ! પપ્પા ક્યાં જતાં રહ્યા તમે, સદાય મારા પથદર્શક- માર્ગદર્શક બની રહ્યાં,આમ હવે એકલો મૂકી ને જતાં રહ્યાં! છેલ્લી વાર પણ મળવા ના આવ્યા. હું રાહ જોતો હતો પપ્પા! તમારી રોજ. પપ્પા તમારી બહુ જ યાદ સતાવે છે. પપ્પા …………..આ લવ યૂ…..”

ને અનુજીત પોતાના ઢીંચણ પર બે હાથ જોડી ને રડી રહ્યો હતો. અનુજીત ની આંખો ધારા ની માફક વહી રહી હતી કેમ કે આજે છાતી માં કેટલાય દિવસ થી ભરાયેલો ડૂમો નીકળી રહ્યો હતો.

*******************************
“ બા! તમારી પરિસ્થિતિ ની મને સારી રીતે જાણ છે! આ કેસ ફી હું નહિ લઉં, ને લો, આ કેટલીક દવા છે, તમારી તબિયત એકદમ સારી થઇ જશે હવે! ને ગમે ત્યારે જરૂર હોય આવી જજો. તમારો દીકરો તમારી સેવા માટે હંમેશા તૈયાર જ હશે.” તપાસ પૂરી કરી ને અનુજીતે બા ના આશીર્વાદ લીધાં.

ક્લિનિક માં સામે રહેલા ડૉ. હરેકૃષ્ણ ફોટા માં ગર્વ સાથે મંદ મંદ મલકાઈ રહ્યાં હતા. ક્લિનિક માં હાજર સૌ કોઈ દર્દી ડૉ. હરેકૃષ્ણ ના અવતાર માં એમના દીકરા અનુજીત ને જોઈ ને હરખાઈ રહ્યા હતા.

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”