અત્યાચાર – તેણે આત્મહત્યા કરી હતી અને લોકો કરી રહ્યા હતા વાતો – છૂટ્યો બિચારો…

“થાકી ગયો તો ખૂબ કે.. ચાલી શકત ન હું..

સારુ થયું કે.. લોકો તે ઉંચકી ગયા મને…

40 વર્ષના સુનિલે આપઘાત કરીને જીવ આપી દીઘો. રાત્રે દવા પી ને સુઇ ગયો.. તે સવારે ઉઠયો જ નહી. આટલો ઉંમરના સુનિલના મોત પર તેના પાડોશીઓને આશ્ર્ચર્ય કે આધાત ન લાગ્યો. બધાના મોઢે એક જ વાત હતી કે.. બિચારો છુટી ગયો.. ખબર નહી કેમ આટલા વર્ષ સુઘી પત્નીનો ત્રાસ સહન કરતો રહ્યો. પત્ની અને સાસુનો ત્રાસ સહન કરતા કરતા તેની સહનશકિતની હદ આવી ગઇ ત્યારે જીવ આપી દીધો. છુટી ગયો બિચારો….

સુનિલ.. મા બાપનો એક જ દીકરો.. ત્રણ બહેનોનો એક જ ભાઇ.. તેના પપ્પાએ મજુરી કરીને ભણાવ્યો, તેની મમ્મી બીજાના કામ કરતી, તેની બહેનો પોતાના કોઇ શોખ પુરા ન કરતી. આખા ઘરનું એક જ સપનુ હતું કે સુનિલ ભણીને મોટો માણસ બને. સુનિલ પણ સમજુ.. ભણવામાં જ ધ્યાન… ભગવાને પણ સામે જોયું.. ભણતા ભણતા જ નોકરી મળી ગઇ… ઘરમાં ઘણા વર્ષે દીવાળી આવી.બધા જ ખુશ… સુનિલને પણ થયું હવે બધાના શોખ પૂરા થશે એક વર્ષ પછી તેના લગ્ન થયા બધાની પસંદગીથી માયા સાથે થયાં. ઘરમાં બધાએ માયાને પ્રેમથી આવકારી.

માયાએ શરૂઆતમાં તો બધા સાથે સારુ વર્તન કર્યુ. પછી તેને થયું કે આ તો સુનિલનો બઘો પગાર ઘરમાં જ વપરાય જાય છે. સુનિલ એક જ કમાય છે અને ઘરના બઘા જલસા કરે છે. પણ સુનિલની કમાણી પાછળ.. તેને અહીં પહોંચાડવામાં બઘાની મહેનત તેને ન દેખાણી. તેને તો બસ સુનિલની આવક જ દેખાણી. થોડા સમયમાં નાની નાની વાતમાં ઝઘડાં શરુ કર્યા.. ઘરમાં બઘા તેને બહુ સારી રીતે રાખતાં… પણ માયાએ નકકી કર્યુ હતુ એટલે કંઇક ને કંઇક બહાનું કરીને ઝઘડો કરતી. અલગ ઘર લઇને રહેવુ છે તેવી તેણે જીદ શરૂ કરી. સુનિલ સમજાવતો .. પણ તે વધારે ઝઘડતો. તે બન્નેના સુખી જીવન માટે સુનિલના માતા પિતાએ તેને સમજાવ્યો અને બન્ને અલગ રહેવા જતા રહ્યા.

જુદા ઘરમાં રહ્યાં પછી સુનિલ તેના જુના ઘરે જાય, ત્યાં પૈસાની મદદ કરે તે પણ માયાને ન ગમતું. સુનિલે ઘીમે ઘીમે તેને બધી વાત કરવાનું બંધ કરી દીઘુ.

એક દિવસ સુનિલ ઘરે આવ્યો ત્યારે માયાની મમ્મી અને તેનો ભાઇ આવ્યા હતા. સુનિલને એમ કે બે – ચાર દિવસ રહેવા આવ્યા હશે. તેણે બન્નેને બહુ સારી રીતે રાખ્યા. ચાર – પાંચ દિવસ પછી તેનો ભાઇ જતો રહ્યો અને તેના મમ્મી રોકાય ગયા. સુનિલે થોડા દિવસો પછી માયાને પુછયુ તો માયાએ કહી દીઘુ કે, “હવે મમ્મી અહીં જ રહેશે. તેની દીકરીનું ઘર છે.. તેમાં રહેવાનો તેને હકક છે… ” સુનિલને જીભ સુઘી શબ્દો આવી ગયા કે, ‘તો પછી મારા મા બાપ કેમ નહી ?’ પણ તે ઝઘડાના ડરથી ચુપ રહ્યો.

થોડા દિવસ પછી માયાના મમ્મીએ ઘરનો બઘો વ્યવહાર પોતાના હાથમાં લઇ લીઘો. સુનિલને બઘો પગાર તેની સાસુના હાથમાં આપી દેવો પડતો. પોતાના મા-બાપની મદદ કરી ન શકતો. છતાં તેના મા-બાપ સમજાવતાં કે માયા તારી સાથે શાંતિથી રહેતી હોય તો અમારી ચિંતા ન કર. સુનિલનો જીવ બળતો, પણ કંઇ જ બોલી ન શકયો. આમને આમ ચાર-પાંચ વર્ષ નીકળી ગયા. માયાના મમ્મીએ બઘો જ વ્યવહાર હાથમાં લીઘો હતો, માયાનો ભાઇ પણ થોડાં થોડાં દિવસે આવતો.

પછી તો માયાનો ભાઇ નોકરી નથી તે બહાને માયાના ઘરમાં જ રહેવા આવી ગયો. હવે અહીં જ નોકરી શોઘી લઇશ તેમ સુનિલને સમજાવી દીધું. સુનિલ કંઇ જ બોલી શકતો નહી. થોડા સમય પછી માયાના ભાઇના લગ્ન થઇ ગયા. સુનિલનું ઘર બહુ મોટું ન હતું. એક બેડરૂમ – હોલ – કીચનનો નાનો ફલેટ હતો. સુનિલ અને માયાનો બેડરૂમ પણ હવે તેના ભાઇનો થઇ ગયો. માયાના મમ્મીએ કહી દીધું કે હવે લગ્નને બહુ વર્ષ થઇ ગયા હવે સાથે સુવાની જરુર નથી. બેડરૂમમાં માયાના ભાઇ-ભાભી, હોલમાં માયા અને તેના મમ્મી સુઇ જતા સુનિલને ફલેટની અગાસીમાં સુવાની ફરજ પાડતા. ઠંડીમાં પણ તે ત્યાં જ સુઇ રહેતો. તે બઘાથી એટલો દબાઇ ગયો હતો કે વિરોઘ કરવાની હિંમત જ ન હતી.

એક દિવસ સુનિલના મમ્મી બિમાર પડયા હોસ્પિટલમાં રાખવા પડયાં. ખર્ચ ધણો હતો. તેના પપ્પા પાસે તો રૂપિયા ન હતા સુનિલે માયાને કહ્યું કે, “મમ્મીનો ખર્ચ આપણે આપીશુ.” તો માયાએ ના જ પાડી દીઘી. તેના મમ્મીએ પણ કહી દીધુ કે, ” એવા હોસ્પિટલના ખર્ચ માટે રૂપિયા જ કયાં છે ?? સરકારી હોસ્પિટલમાં દાખલ કરી દો.” સુનિલને પહેલીવાર ગુસ્સો આવ્યો તેણે માયાના મમ્મીના હાથમાંથી કબાટની ચાવી લઈ લીધી અને કબાટમાંથી બધા રૂપિયા લઇને નીકળી ગયો.

માયા વચ્ચે આવી તો તેને ઘકકો મારી દીધો જયાં સુઘી તેના મમ્મી હોસ્પિટલમાંથી સાજા થઇને ઘરે ન ગયા ત્યાં સુઘી તેમની સાથે જ રહ્યો. માયા એકવાર જોવા પણ ન આવી. સુનિલે તેના મમ્મીની સેવા કરી. હોસ્પિટલનું બધું બિલ ભરી પછી તે ઘરે ગયો. માયા જાણે રાહ જોઇને જ બેઠી હતી માયાએ તો જાણે મારવા જ લીઘો તેના મમ્મી પણ બહુ બોલ્યા. બહુ ઝઘડો થયો પાડોશીઓ બધા ભેગા થઇ ગયા. સુનિલ પણ પહેલી વખત ગુસ્સે થઇને બોલ્યો. બે-ત્રણ કલાક સુઘી ઝઘડો ચાલ્યો. સુનિલ થાકીને જમ્યે વગર જ અગાસીમાં જતો રહ્યો માયા પછી પણ બોલતી રહી.

…. અને… આટલા વર્ષોથી થાકેલો સુનિલ નબળી ક્ષણે દવા પીને સુઇ ગયો. બીજા દિવસે ઊઠયો જ નહી. કોણ કહે છે અત્યાચાર ફકત પુરુષો જ કરે છે …????

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ