જલ્સા કરોને જેંતીલાલ

બાફેલી ગોળકેરી – સીઝન પુરી થઇ જાય એની પહેલા એકવાર જરૂર બનાવી લેજો, ઘરમાં બધાને પસંદ આવશે..

બાફેલી ગોળકેરી :

અત્યારે સરસ, મોટી રાજાપુરી કેરી અથાણા બનાવવા માટે માર્કેટમાં મળવા લાગી છે. તેમાંથી ખાટા અને મીઠા એમ બન્ને પ્રકારના અથાણા બનાવવામાં આવે છે. ખાટા અથાણામાં રાઈ-મેથીના કુરીયા સાથે થોડાં રોજિંદા સ્પાઈસ અને કેરી સાથે ગુંદા, ગાજર, કરમદા વગેરે ઉમેરીને મિક્ષ પિકલ પણ બનાવવામાં આવતું હોય છે. માત્ર કેરી અને ગુંદાનુ મિક્સ કે આખી મેથી અને કેરીનું મિક્ષ એવું ખાટું અથાણું પણ બનાવવામાં આવે છે. તો સાથે કેરીના ગળ્યા અથાણા પણ ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે.

જેમકે ખમણેલી કેરીનો છુંદો કે કેરીના નાના નાના પીસ કરીને બનાવવામાં આવતી કટકી કેરી પણ ખૂબજ ટેસ્ટી બનતી હોય છે. તો ગોળ ઉમેરીને કેરીના નાના ટુકડાં સાથે બાફેલા સૂકા ગુંદા, સુકા ગાજર અને ખારેક મિક્ષ કરીને, સાથે થોડાં રાઇ અને ધાણાના કુરીયા અને થોડા રેગ્યુલર સ્પાઇસ સાથે મીઠું ગોળકેરીનું અથાણું બનાવવામાં આવે છે. આમ કેરીના ઘણા પ્રકારના અથાણાઓ અને કેરીની ચટણીઓ પણ બનતી હોય છે,

હું અહીં ખૂબજ સરળ રીત સાથે સ્વાદિષ્ટ બાફેલી કેરીનું ગોળવાળુ અથાણું ( કે ચટણી) ની રેસિપિ આપી રહી છું. આ બાફેલી ગોળ કેરીમાં કોઇપણ જાતના કુરીયાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને તડકામાં મૂક્યા વગર જ ગેસ પર બાફીને બનાવવાની હોવાથી જલ્દી બની જાય છે. સરસ રસાદાર હોવાથી તેનો સ્વાદિષ્ટ ચટણી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ગાંઠિયા, થેપલા, પુરી, પરોઠા વગેરે સાથે આ ખાટી મીઠી, સ્મુધ બાફેલી ગોળકેરી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.

તો તમે પણ આ સિઝનમાં બાફેલી ગોળકેરીનું અથાણું બનાવવાની ટ્રાય ચોક્કસથી કરજો.

બાફેલી ગોળકેરી ગોળકેરી બનાવવા માટેની સામગ્રી :

સૌ પ્રથમ કેરીને થોડી જાડી છાલ ઉતારી લ્યો. ત્યારબાદ પાણીથી ધોઈ લ્યો. હવે તેના મિડિયમ સાઈઝના ટુકડા કરી લ્યો. તેને પણ એક વાર ચોખ્ખા પાણીથી ધોઈ પાણી નિતારી લ્યો.

મોટા વાસણમાં ભરીને તેમાં 2 ટેબલ સ્પુન મીઠું અને 1 ટેબલ સ્પુન હળદર ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેને 6-7 કલાક તેમાં મીઠું ચડવા માટે ઢાંકીને રાખી મૂકો. જેથી આખું વર્ષ અથાણુ સારું રહેશે. એકદ કલાકે કેરીના ટુકડા ચમચાથી ફેરવીને ઉપર નીચે કર્યા કરો. જેથી બધા ટુકડામાં હળદર-મીઠું સરસ થી ચડી જાય.

6-7 ક્લાક બાદ એક ચાળણીમાં કાઢીને કેરીના ટુકડામાંથી પાણી ½ કલાક નિતરવા દ્યો. (નીતારેલું હળદર મીઠાનું પાણી એક કાચની બોટલમાં ભરીને બીજા અથાણામાં ઉપયોગમાં લેવા માટે રેફ્રીઝરેટરમાં સ્ટોર કરવું. હવે નિતારેલા કેરીના ટૂકડાને 2-3 વખત ચોખ્ખા સાદા પાણીથી ધોઈ લ્યો. જેથી વધારે પડતી ખારાશ હશે તે નીકળી જશે, કેમકે આમાંથી મીઠું અથાણું બનાવવાનું છે.

હવે એક મોટા તપેલામાં પાણી મૂકી મિડિયમ ફ્લૈમ પર ગરમ કરો. ઉકળે એવું ગરમ થવા આવે એટલે તેમાં કેરીના ટુકડા ઉમેરીને બરાબર બાફી લ્યો. ( બાફેલા બટેટા કરતા થોડાજ ઓછા એવા બાફો. દબાવાથી તૂટી જાય તેવા બાફો. કેમેકે આ બાફેલી ગોળકેરી થોડી ચટણી જેવી અને થોડા કેરીના ટુકડા હોય તેવી ઘટ્ટ રસાવાળી બનાવવાની છે)

હવે કેરીના ટુકડા બફાઈ જાય એટલે તેને એક ચાળણીમાં નાખી 10 મિનિટ નીતારી લ્યો.

બાફેલી ગોળકેરીમાં વઘાર કરવાની રીત:

2 કપ ઓઇલ અથાણુ બની જાય પછી તેમાં મિક્સ કરવા માટે ઓઇલ બરાબર ગરમ કરીને 2 કલાક સુધી ઠરવા દેવું, હવે એક મોટા વાસણમાં દોઢ કપ ઓઇલ મુકી ગરમ કરો.

ઓઇલ ગરમ થાય એટલે તેમાં 2 ચમચા ફાડા કરેલા ધાણા ઉમેરી જરા સાંતળી લ્યો. હવે તેમાં સૂકા લાલ મરચાના મોટા ટુકડા કરીને ઉમેરી જરા મિક્ષ કરી લ્યો. ( મરચા બળી ના જાય તેનું ધ્યાન રાખવુ ). ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન હિંગ અને ½ ટી સ્પુન હળદર પાવડર ઉમેરો.

હવે તરતજ તેમાં બાફેલા કેરીના ટુકડા ઉમેરી વઘાર સાથે મિક્ષ કરી લ્યો. હવે તને 5 મિનિટ વઘાર સાથે હલાવતા રહો.

ત્યારબાદ તેમાં 750 ગ્રામ ભૂકો કરીને ગોળ ઉમેરો. કેરીના ટુકડામાં બરાબર હલાવતા જઈ મિક્સ કરી લ્યો.

સતત ચમચા વડે ગોળ અને કેરીના ટુકડા ઉપર નીચે કરી હલાવતા રહો, જેથી ગોળ બરાબર મેલ્ટ થઈને કેરીના ટુકડામાં ચડવા લાગે. બધું મિશ્રણ એકરસ થઈ ઘટ્ટ થવા લાગે અને ઉકળીને તેમાંથી છાંટા ઉડવા લાગે એટલે ફ્લૈમ બંધ કરી દ્યો. વધારે ઉકાળવાથી તેમાં ગોળની સ્ટ્રોન્ગ ચાસણી થઈ જશે. તેથી વધારે ઉકાળવું નહી. બાફેલી ગોળકેરીને 3-4 કલાક ઠરવા દ્યો.

બરાબર ઠરે એટલે તેમાં ગરમ કરીને ઠરેલા 2 કપ ઓઇલમાં દોઢ મોટો ચમચો કાશ્મીરી ચટણી ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે આ ઓઇલ અને કાશ્મીરી ચટણીના મિશ્રણને ઠરેલી બાફેલી ગોળકેરીમાં બરાબર મિક્ષ કરી લ્યો.

થોડી થોડીવારે 3-4 વાર હલાવી લ્યો. બાફેલી ગોળકેરીમાં સરસ લાલ કલર આવી જશે.

તો હવે બાફેલી ગોળકેરી પરોઠા, થેપલા, પુરી સાથે સર્વ કરવા માટે રેડી છે. ત્યારબાદ તડકામાં તપાવેલી કાચની બરણીમાં બાફેલી ગોળકેરી ભરી લ્યો.

બરણીમાં અથાણાની ઉપર ¾ ઇંચ જેટલું ઓઇલ રહેવું જોઇએ. તે રીતે તેમાં ના હોય તો ગરમ કરીને બીલ્કુલ ઠરેલું ઓઇલ ઉમેરો. જેથી બાફેલી ગોળકેરીનું અથાણું 1 વર્ષ સુધી સરસ રહેશે. આ આથાણાની બરણીને રેફ્રીઝરેટરમાં રાખો. ખૂબજ ફ્રેશ અને સ્વાદિષ્ટ રહેશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version