ભૂતકાળ ના દુઃખો ભુલાવી ને ધીરજ ઉભી કરતી કૃષ્ણ અર્જુન ની એક વાર્તા…

મહાભારત નું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. ત્યારે એક વખત કૃષ્ણ અને અર્જુન સાધારણ વસ્ત્રો માં નગર નો ચક્કર મારી ને નગર ની બહાર નદી કિનારે બેઠા હતા. અર્જુન વારંવાર પોતાના વહાલા પુત્ર અભિમન્યુ ના મૃત્યુ ને યાદ કરી ને ઉદાસ થઈ જતો, તેમ આજે પણ અચાનક તેને યાદ કરી ને ખિન્ન બની ગયો.  કૃષ્ણ આ વાત સારી રીતે જાણતા હતા અને કૃષ્ણ તો કાંઈ પણ લીલા કરવા માટે સક્ષમ હતા.

ત્યારે કૃષ્ણેઅર્જુનને કહ્યું કે સામે જો કોઈ યુવક ફૂલો ચૂંટી રહ્યો છે. એ લોકો બેઠા હતા ત્યાં સામે જ થોડું દૂર સરસ ફૂલો ના છોડ હતા. જ્યાં કોઈ યુવક ફૂલો ને ચૂંટી ને ભેગા કરી રહ્યો હતો. ત્યારે અચાનક ક્યાંકથી એક સર્પ નીકળ્યો અને પેલા યુવાનને પગમાં ડંખ માર્યો! આ જોઈને કૃષ્ણ તથા અર્જુન બન્ને ઉભા થઇ ગયા અને દોડતા પેલા યુવાન પાસે પહોંચ્યા. અને તે યુવાન ઢળી પડ્યો, અર્જુને પેલા યુવાન નું માથું પોતાના ખોળામાં મૂકી અને તેને આશ્વાસન આપવા લાગ્યા અને અર્જુને કહ્યું કે “હમણાં જ વૈદ્ય ને બોલવા માં આવશે અને તું સ્વસ્થ થઈ જશે” આ બંને લોકો સાધારણ વસ્ત્રો માં હોવાથી યુવક તેમને ઓળખી ન શક્યો અને બોલ્યો કે “હું હવે નહિ બચુ, હું તમને ઓળખતો નથી પરંતુ તમને એક વિનંતી કરું છું, તમે ફક્ત મારું એક કામ કરશો, મારી અંતિમવિધિ અહીં હસ્તિનાપુર માં જ કરાવી આપશો તથા અહીંથી ૪ કોષ દૂર મારા ગામ માં તળાવ ની સામે મારું ઘર છે, ત્યાં મારા માતા-પિતા રહે છે એમને જઈને મારા મૃત્યુના સમાચાર આપી દેશો આટલું કરશો? મને વચન આપો”

અર્જુને કહ્યું “હું તને વચન આપું છું કે તારું જો મૃત્યુ થશે તો અવશ્ય આવું હું કરીશ, પરંતુ તારું મૃત્યુ નહીં થાય અમે હમણાં જ વૈદ્ય ની વ્યવસ્થા કરશું” અર્જુન આટલું બોલ્યા ત્યાં તો એ યુવાનનું પ્રાણ પંખેરુ ઊડી ગયું. કૃષ્ણ અને અર્જુન જોતા જ રહી ગયા.

અર્જુને પોતાના સૈનિકો બોલાવી ને આ યુવાનની અંતિમક્રિયા કરવા ની આજ્ઞા કરી.

ત્યારે કૃષ્ણ એ કહ્યું કે આ યુવક ના માતા પિતાના ઘેર પણ આપણે સંદેશો મોકલી આપીએ.

ત્યારે અર્જુને કહ્યું કે “ના સંદેશો બીજા કોઈ સાથે નહીં મોકલીએ, મારે રૂબરૂ જ જાવું જોઈએ, કેમ કે મેં એને વચન આપેલું છે કે હું જ તારા માતા-પિતાને જઈને આ દુખદ સમાચાર આપીશ, અને તમને પણ હું વિનંતી કરું છું કે તમે મારી સાથે ચાલો”

આવી રીતે કૃષ્ણ અને અર્જુન યુવક ના માતાપિતા ને આ દુઃખદ સમાચાર તથા આશ્વાસન આપવા પેલા યુવાનને ગામ જવા માટે નીકળ્યા.

ગામની બહાર, તળાવ ની સામે એક નાનકડું ઘર હતું. ત્યાં બહાર જ એક વૃદ્ધ બેઠો હતો. ત્યાં જઈને પૂછવાથી ખબર પડી કે એ જ યુવાનનો પિતા છે.

પરંતુ કૃષ્ણ અને અર્જુન સાધારણ વસ્ત્રોમાં હોવાથી એ વૃદ્ધ તેમને ઓળખી ન શક્યો. હવે અર્જુન, જે પોતે પુત્ર ના મૃત્યુ ના દુઃખ ને જાણતો હતો, એટલે આવો દુઃખદ સંદેશ કેમ આપવો એ વિચારી ને મનોમન મૂંઝાવા લાગ્યો. એટલે તેણે કૃષ્ણ ને ઈશારા થી વિનંતી કરી, કે ‘તમે સંદેશો જણાવો.’ પરંતુ આ તો કૃષ્ણ..! કૃષ્ણ એ પણ  ઇશારાથી કહ્યું ‘આ તો તારું કામ છે, કેમકે સંદેશો પહોંચાડવાનો વચન તો તેં આપ્યું હતું’

નાછૂટકે અર્જુને તે વૃદ્ધ પિતાને તેમના પુત્રના મ્રુત્યુની દુઃખદ ઘટના કહી સંભળાવી.

એક ક્ષણ માટે વિચાર કર્યા પછી એ વૃદ્ધ પિતાએ કહ્યું “જે ભગવાનને મંજૂર હોય તે થાય” ત્યારે અર્જુન આવક બની ગયો! આટલી જલ્દી સ્વસ્થતા? એ વૃદ્ધ ના મન માં શું ચાલી રહ્યું છે એ જાણવા  અર્જુને કહ્યું “તમને તમારા પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું હશે, અમે પણ બહુ દિલગીર છીએ”

ત્યારે એ વૃદ્ધ પિતાએ જવાબ આપ્યો કે “આ બધું તો હરી ઈચ્છા થી થાય, અમે તો સામાન્ય લોકો છીએ,  તમને ખબર છે? હમણાં જ કુરુકક્ષેત્ર માં મહાન ધનુર્ધારી અર્જુન પુત્ર મૃત્યુ પામ્યો, અર્જુનને પણ જો વિધાતા ના લેખમાં થી પસાર થવું પડતું હોય તો અમે તો શું છીએ? અત્યારે પણ અર્જુન ધીરજ રાખીને રાજ કાર્ય કરી રહ્યો છે અને ત્યારે પણ મતિ સ્થિર રાખીને એણે યુદ્ધ સમાપ્ત કર્યું”

આ સાંભળીને અર્જુન એકદમ ચોંકી ગયો!

ત્યારબાદ આ વૃદ્ધ પિતા એ કહ્યું કે “હું તો ઉભો થવા માટે અસક્ષમ છું, અંદર એના માતા છે એને પણ તમે જ સમાચાર આપો”

અને કૃષ્ણ અને અર્જુન એ ઘરની અંદર ગયા. આંગણું વટાવી ને અંદરના ઓરડા માં ગયા. ત્યાં એ વૃદ્ધ માતા કાંઈ ઘર કામ કરી રહ્યા હતા. ત્યારે ફરીથી અર્જુન ખચકાટ  અનુભવવા લાગ્યો. કેમ કે એક માં ને એકના એક પુત્ર ના મૃત્યુ ના સમાચાર કેવી રીતે કહેવા?

અને તેણે ફરીથી કૃષ્ણ ને ઈશારો કર્યો કે ‘આમને તો તમે સમાચાર જણાવો’ પરંતુ ફરીથી કૃષ્ણએ નનૈયો ભણ્યો.

અર્જુન જેમતેમ હિંમત ભેગી કરી અને એ વૃદ્ધ સ્ત્રીને એના પુત્ર  ના મૃત્યુના સમાચાર જણાવ્યા. બે ક્ષણ માટે એ સ્ત્રી પણ સ્તબ્ધ બની. પરંતુ તરત જ સ્વસ્થતા પાછી મેળવી અને બોલી “હરી ઈચ્છા”

અર્જુન આ સ્વસ્થતા જોઈ અને અચંબિત થઈ ગયો!

ત્યારે તેણે એ વૃદ્ધ માં ના મન માં શું છે એ જાણવા માટે એ કહ્યું કે “આ દુઃખદ ઘટના માટે અમને પણ બહુ દુઃખ છે, અમે ત્યાં હાજર હોવા છતાંય કાંઈ કરી ન શક્યા”

ત્યારે તે વૃદ્ધ માતાએ કહ્યું કે “તમે મન પર ગ્લાનિ ના લાવો, તમારો તો હું આભાર વ્યક્ત કરું છું, તમે આટલો દૂર આવીને આપનું કાર્ય પૂરું કર્યું, નહીંતર હું એની રાહ જોયા રાખત, બાકી તો બધું હરી ઈચ્છા મુજબ થાય, આપણે તો સામાન્ય લોકો છીએ, તમે તો  સાંભળ્યું હશે કે હમણાં જ  કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું,  એમાં અર્જુનનો પુત્ર પણ શહીદ બની ગયો, છતાયઅર્જુને ધૈર્ય રાખીને યુદ્ધ સમાપ્ત કર્યું, અને અત્યારે પણ ધીરજપૂર્વકરાજકાર્ય કરે છે!” આ વાત સાંભળીને અર્જુનના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.

ત્યારબાદ કૃષ્ણ અને અર્જુન ત્યાંથી નીકળ્યા, પરંતુ હવે અર્જુન બદલી ચૂક્યો હતો એના મનમાંથીવ્યથાનાવાદળોવિખેરાઇ ગયા હતા. આ જોઈને કૃષ્ણા મન માં મુસ્કુરાઈ રહ્યા હતા.

લેખન : આનંદ ઠક્કર

આપના વિચારો કોમેન્ટમાંજણાવો,દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી