આસોપાલવના તોરણે. – સાસરેથી મહેંદી આવવાની રાહ જોઈ રહી હતી એ યુવતી ત્યાં તો આવ્યા તેના સાસુ…

પીઠી ચોળેલા ચહેરા સાથે, નયનને ઢાળીને, મીઠી મુસ્કાન ધરીને, પીળા રંગના વસ્ત્રોમાં સજ્જ હિરણાક્ષી આતુરતાપૂર્વક પોતાના સાસરેથી આવનારી મહેંદીની રાહ જોઈ રહી હતી. ચારેતરફ હસીખુશીની છોળો ઊડતી હતી.. ઠક્કર પરિવારની એકની એક દીકરી હિરણાક્ષીના લગ્ન એ કઈ નાનીસૂની વાત તો નહોતી જ ને.. સમગ્ર દેશમાં સીરામીક ઉદ્યોગના કિંગ કહેવાતા સુમંતરાયની એકની એક દીકરી અને ચાર ભાઈઓની એકની એક બહેન હિરણાક્ષી બાળપણથી જ માઁની મમતાથી વંચિત રહેલી… હિરણાક્ષીના શ્વાશ શરૂ થયા અને તેની માતાના શ્વાસ થંભી ગયા.. બસ ત્યારથી તેને બધાનો અનહદ પ્રેમ મળેલો. પિતાજી હોય કે ભાઈ અને હવે તો ચારેય ભાભીઓ પણ હિરણાક્ષીને રાજકુમારીની જેમ જ રાખતા.. બાજોઠ પર બેસીને વિચારોના વમળમાં ખોવાઈ ગયેલી હિરણાક્ષીની આંખોએ દ્વાર પર આવેલા સાસુમાને જોયા અને તે હરખાઈ ઉઠી..

ને અનાયાસે જ દરવાજે લગાવેલું આસોપાલવનું તોરણ જોરદાર પવનના વેગથી આમથીતેમ હલવા લાગ્યું.

“અરે આવો આવો અનુ આંટી. બસ જો તમારા કોઈની જ રાહ જોવાઈ રહી હતી. હીરુએ પીઠી ચોળી લીધી એટલે હવે મહેંદીનો વારો હતો. પણ એમ નહિ આંટી, તમે કેમ ધક્કો ખાધો વળી?? કોઈ જુવાનિયાઓને કે કુમારના ભાઈ-બહેનને જ મોકલી દીધા હોત તો સારું રહેત ને..!” હિરણાક્ષીના સૌથી મોટા ભાભીએ બારણે આવેલા હિરણાક્ષીના સાસુને સંબોધીને કહ્યું.

“અરે ના ના હારવીવહુ એ તો કઈ વાંધો નહિ.. આમ પણ મને હરખ હતો હિરણાક્ષીને જોવાનો. સારું થયું હું આવી તો મને મારી વહુને જોવાની તક મળી..” કહીને અનુરાધાબહેન મર્માળુ હસ્યાં, હિરણાક્ષીની નજીક ગયા અને તેને કહ્યું, “કેટલી સુંદર લાગે છે મારી હીરુ.. હંમેશાથી દીકરી ના હોવાનો મને અફસોસ હતો.. કાશ તું મારી દીકરી હોત તો તારા લગ્ન કરીને ક્યારેય તને મારાથી દૂર જ ના થવા દીધી હોત… તારા વરને ઘરજમાઈ બનાવીને રાખત હું તો હો દીકરી..!!”

સાસુમાની વાત સાંભળી હિરણાક્ષીની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. હંમેશા તેના કાના પાસે તે પ્રાર્થના કરતી કે તેને માઁ ફરી મળી જાય.. આજે કાનુડાએ તેની એ ઈચ્છા પુરી કરી હોય તેવું તેને લાગ્યું. હાર્દ સાથે લગ્ન નક્કી થયા ત્યારે તે બહુ ગભરાયેલી હતી. પપ્પાએ જ બધું નક્કી કરેલું. દીકરીને લાડ હંમેશાથી પપ્પાએ બહુ લડાવેલા પરંતુ શિસ્તની બાબતમાં પપ્પા બહુ કડક.. કોલેજના કોઈ પણ છોકરા સાથે મિત્રતા કેળવવી તેને અલાઉડ નહોતી. અને આમ પણ હિરણાક્ષીને પોતાને તે પસંદ નહોતું. તે તો હંમેશા પોતાના લાલાનું બાળ સ્વરૂપ લઈને તેની સાથે વાતો કર્યા કરે.. કોઈ સાંભળે ના સાંભળે લાલો તેની વાત અચૂક સાંભળે. હાર્દ જ્યારે જોવા આવ્યો હતો ત્યારે પણ તરત તેને ત્રાંસી આંખે ઓરડામાંથી જોઈને કાના પાસે ચાલી ગયેલી.

“હે કાનું, આ હાર્દ મને સાચવશે ને પપ્પાની જેમ? અને પેલુ..?? ચાલ ને કઈ નહિ છોડ.. એ વાતનું ઉચ્ચારણ આજે નથી કરવું. વળી બધાનો મૂડ બગડી જશે..મને કહે જો હું કેવી લાગુ છું..”

કાના સાથે વાતો કરતી હિરણાક્ષીને ભાભી બોલાવવા આવ્યા કે તરત જ મોં પર મધુરતાસભર મુસ્કાન ધરી લીધી. રમતિયાળપણાને ઓઝપાવીને ઠાવકી થઈને હિરણાક્ષી હોલમાં ગઈ.. હાર્દ તેના મમી-પપ્પાનો એકનો એક જ દીકરો હતો.. તેના પિતાજી શેરબજારના કિંગ હતા અને તેના મમીને જોઈને તો તે અંજાઈ જ ગયેલી.. હાર્દ કરતા વધુ તો તો હિરણાક્ષી તેના મમી તરફ ખેંચાઈ ગયેલી. મમત્વની ઉણપના કારણે થયેલી આસક્તિ હોય કે પછી સ્ત્રીત્વની લાગણી. ખબર ના પડી કે શું હતું.. પરંતુ હિરણાક્ષી જઈને તેમને પગે લાગી. પ્રારંભિક વાતચીત બાદ બંને થોડો સમય અરેન્જ મેરેજની પ્રથા પ્રમાણે એકલા પણ બેઠા. હાર્દનો સ્વભાવ પણ સાલસ હતો.. હિરણાક્ષિએ લગ્ન માટે હા કહી દીધી અને બે મહિના પછીની તારીખ પણ નક્કી થઇ ગઈ.. બસ આજે બે દિવસની વાર હતી લગ્નને અને મહેંદી મુકાવવા બેઠેલી હિરણાક્ષી સાસુમાના મીઠાશભર્યા શબ્દો સાંભળી રડી પડી હતી.. કે અનુરાધાબહેને હિરણાક્ષીનો હાથ પકડી લીધો અને તેના આંસુ લૂછતાં બોલ્યા,

“અરે ના ના દીકરી. રડવાની શું જરૂર છે.. આજે તો ખુશીનો પ્રસંગ છે.. શુભ અવસર છે.. આજના દિવસે આ રીતે તું રડે એ મને નહિ ગમે.. તારે તો હંમેશા ખુશ જ રહેવાનું છે. તું બસ આમ હસ્તી-કૂદતી રહે એ જ મારે જોઈએ છે. ચાલ અહીં આવ, મારે તને એક વાત કહેવી છે.. સાંભળ જો..

તને ખબર છે હીરુ?? આ આસોપાલવનું જે તોરણ છે દરવાજે લગાવેલુ, ફક્ત એક જ દરવાજે જ નહિ ઘરના દરેક ઓરડાના દરવાજે લગાવેલું આસોપાલવનું તોરણ એ કેટલું શુભ છે. શુભતાની નિશાની સમું, પવિત્રતાની પરિભાષા જેવું આ તોરણ અહીં લગાવેલું છે એટલે આજે તારી સાથે કશુંક શુભ જ થશે દીકરી. થશે શું થવાનું છે.. એક નવી રાહ પર તારે ફરી ચાલવાનું છે.!”

ત્યાં હાજર હિર્ણાક્ષીની ભાભીઓની સમજમાં કઈ જ નહોતું આવી રહ્યું. પુરુષો આ વિધિમાં હાજર નહોતા એટલે કોઈને કઈ ખ્યાલ જ નહોતો… સાસુમાની વાત સાંભળી રહેલી હિરણાક્ષી અસમંજસમાં પડી ગયેલી. તેમની ગોળ-ગોળ વાતોથી તેને કઈ જ સમજાય નહોતું રહ્યું. ચહેરા પર પ્રશ્નાર્થચિન્હ સાથે તેણે અનુરાધાબહેનને પૂછ્યું, “મમી… તમે શું કહો છો મને કઈ જ સમજ નથી પડતી. જરા ફોડ પાડીને વાત કરો ને..!”

વાતાવરણમાં અચાનક ભેજ છવાઈ ગયો.. આથમી રહેલો સૂરજ પણ સંતાકૂકડી રમવા માગતો હોય તેમ ઘડીક પ્રકાશની ચરમસીમાએ પહોંચે તો ઘડીકમાં ચંદ્રને આવકાર આપતો હોય તેમ સાવ ઓઝપાઈ જાય.. આસોપાલવનું તોરણ પણ સૂરજને સાથ આપતું હોય તેમ પરાવર્તિત થતા કિરણોથી ઝળહળી ઉઠ્યું. “દીકરી, આ શું છે?? અને શું કોઈને ખબર છે તારા ઘરમાં તેના વિશે??? તને યોગ્ય પણ ના લાગ્યું મને આ બાબત જણાવવી?? આટલી મોટી વાત તે મારાથી છુપાવી રાખી. હાર્દથી પણ છુપાવી રાખી. કેમ બેટા??”

અનુરાધાબહેનના ફોનમાં ડિસ્પ્લે થતા ફોટોઝને જોઈને હિરણાક્ષી ચોંકી ઉઠી.. બે વર્ષ પહેલા જયારે પોતે કોલેજ તરફથી નેશનલ લેવલની “નૃત્ય સ્પર્ધા” માં ભાગ લેવા ગયેલી ત્યારના પોતાના ઇનામ સ્વીકારતા ફોટોઝ હતા.. પ્રતિભા પાટીલજીના હાથે પોતાને મળી રહેલી એ ટ્રોફી અને તે ફોટોની ફ્રેમમાં એક ચમક હતી..

કથકમાં પારંગત હિરણાક્ષી નાનપણથી આવી જાતજાતની સ્પર્ધામાં ભાગ લેતી હતી.. પહેલા તો સ્કૂલમાં ને સ્કૂલમાં જ સ્પર્ધા હોય એટલે ઘરે ખબર ના પડતી. બિઝનેસમાં વ્યસ્ત પિતાજીને તો પોતે શું કરે છે એ ધ્યાન પણ ના રહેતું. થોડા વર્ષો પછી જયારે પહેલી નેશનલ કોમ્પિટિશન માટે શ્રીનગર જવાનું થયેલું ત્યારે પપ્પા પાસે પરમિશન માગી હતી.. જીવનમાં પહેલી વખત ગુસ્સે થયેલા પિતાજીએ તેને ચોખ્ખા શબ્દોમાં મનાઈ કરી દીધી હતી.. અને ઉમેરેલું પણ ખરું કે,

“આ તારી માઁના રસ્તે ચાલવાનું બંધ કરી દે.. હિર્ણાક્ષી, મને આ નૃત્ય/કથક જરા પણ પસંદ નથી.. “નચણીયા” બનીને લોકોનું મનોરંજન કરનારી સ્ત્રીઓની ઘરમાં જગ્યા નથી એ સમજી લેજે. તારી માઁએ પણ લગ્ન કર્યા પછી આ બંધ કરી દેવું પડ્યું હતું. તેને પણ બહુ મૉટે ઉપાડે કથક શીખેલું ને કરવાનોય શોખ હતો ઘણો…પણ બંધ થઇ ગયું ને.. બસ એમ જ તારે પણ બંધ કરવું પડશે…!”

બસ એ ઘડી ને આજનો દિવસ પપ્પા પાસે તેણે કથક વિશે ઉચ્ચારણ પણ નથી કર્યું.. કોલેજ ટ્રીપના બહાને કોમ્પિટિશનમાં ભાગ લેતી રહેતી. અને આજ સુધી મળેલી દરેક ટ્રોફી સ્ટોર રૂમમાં એક સૂટકેસમાં બંધ કરીને રાખી હતી.. દેશના દરેક સન્માનીય વ્યક્તિ પાસેથી પોતાને પ્રોત્સાહન મળ્યું હતું. પરંતુ પોતાના પિતાજી પાસેથી ક્યારેય તેણે પ્રશંશાનો શબ્દ પણ નહોતો સાંભળ્યો. જ્યારે નવ વર્ષની હતી ત્યારે મમીના સામાનમાંથી કથકના ચણિયાચોળી મળ્યા હતા.. એ પછી પોતાની જાતે જ તપાસ કરીને કથક જોઈન કરેલું. પપ્પાને ખબર પડ્યા પછી પણ છાના ખૂણે કથક કરતી રહી..

આજે પોતાની સફળતાનાં એ જ ફોટોઝ જોઈને તેને એ બધી વાતો ફરી યાદ આવી ગઈ.. ને આંખમાંથી આંસુ સરી પડ્યા. તેને થયું કાશ આજે માઁ જીવતી હોત તો આવું ના થયું હોત.. અનુરાધાબહેન તેના મનમાં ચાલી ગડમથલ પામી ગયા હોય તેમ તેની નજીક આવ્યા અને કહ્યું,

“મારી વહુ કથકમાં પારંગત જ નહિ પરંતુ સર્વશ્રેષ્ઠ છે તે જાણી મને અત્યંત ગર્વ થયો.. સારું થયું કે મેં મારી બહેનને જયારે તારો ફોટો બતાવ્યો ત્યારે તેણે કહ્યું કે આ રીતે કોઈ નૃત્ય કાર્યક્રમમાં એણે તને જોયેલી જ્યાં તને આટલું મોટું સન્માન મળેલું. એ પછી મેં સઘળી તપાસ કરી અને મને તારા કથક પ્રેમ વિશે જાણવા મળ્યું.

દીકરી.. લગ્ન કરવા માટે આખી જિંદગી છે… નૃત્ય તારા માટે આરાધના છે.. અને જો તું તારા આરાધ્યને છોડીને કોઈ બીજી બાબતને પામવાનો પ્રયત્ન કરશે તો એ તારા આરાધ્ય પ્રત્યને વફાદારીમાં ખોટ કહેવાશે.

શુભતાના આ દિવસે લે આ જ મહેંદી તું હાથમાં મુકાવ.. પરંતુ હાર્દના નામની નહિ.. કથકના નામની… અને આસોપાલવના તોરણેથી આગળ વધીને ઉંબરાની બહાર પગ મૂક.. વિશાળ દુનિયામાં તારું સ્વાગત છે.. કથક હવે તું રોજ કરશે. ખુબ જ આગળ વધશે. અને હું તારી સાથે છું.. હંમેશ રહીશ. બસ લગ્નની ઉતાવળ નથી કરવી. અત્યારે તારો”વહુ” નહિ પરંતુ “નૃત્યાંગના” બનવાનો સમય છે.. હું હવે પહેલા તારી માઁ છું..”

અનુરાધાબહેનની વાત સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો પહોળી થઇ ગઈ.. સાસુ થઈને એક માઁની ફરજ નિભાવનારી તે સ્ત્રીને સૌએ વધાવી લીધી. હિરણાક્ષીની આંખો ફરી ભરાઈ આવી… પણ આ વખતે હર્ષના આંસુઓ વડે….! દરવાજે લગાવેલું એ આસોપાલવનું તોરણ પણ એ આનંદને અનુસરી રહ્યું હોય તેમ જોરદાર થપાટ સાથે આથમી રહેલા સૂરજના ગુલાબી-કેસરી પ્રકાશમાં ફરી ઝળહળાં થઇ ઉઠ્યું….!!!

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ