આજે વાંચો ત્રણ લાગણીસભર વાર્તા ફક્ત એક ક્લિક કરીને…

1. “મિલન હેતનું”

એના માથામાં હવે ટોલા પડી ગયા હતા.. કારણકે કેટલાય દિવસથી તેણે વાળ ઓળ્યા કે ધોયા પણ નહોતા.. બોખા મોંમાં રહેલી જીભ જાણે સ્વાદને તરસતી હતી.. કેટલાય દિવસથી ભાખરી સિવાય કંઈ ખાધું જ નહોતું. વર્ષો પહેલાની લીધેલી લીલી બાંધણી પહેરીને એ તૈયાર થઇ. આજે સાત વર્ષે તે પોતાના ઓરડાની, પોતાના ઘરની બહાર નીકળતી હતી. પાંસઠની ઉંમરે તે આમ તો પંચાણુની લાગતી હતી. આજે બહાર જવા માટે તેણે પોતાના સફેદ લાંબા, જાડા વાળને શેમ્પૂના પાઉચથી ધોયા હતા. વાળ ધોઈને સુકાયા પછી કોપરેલનું તેલ નાખી લાંબો ચોટલો પણ ગૂંથ્યો. હંમેશા જે વાળને ઓળ્યા વગર જ નાહીને તેને અંબોડામાં ગુંથી લેતી એ જ કેશને આજે વ્યવસ્થિત ઓળ્યા બાદ તેને સારું લાગી રહ્યું હતું.. પોતાના સાત બાય સાતના ઓરડામાંથી બહાર નીકળીને તેણે વરંડામાં જઈ સૂરજને જોયો. આંખ પણ આટલો પ્રકાશ સહન ના કરી શકતી હોય તેમ જરાક વાર માટે મીંચાઈ ગઈ…!

આખરે એ ક્ષણ આવી જ ગઈ.. જેના માટે તે આટલી મહેનત કરીને તૈયાર થઇ હતી તે વ્યક્તિનું આગમન ઘરના દરવાજે થયું ને તે દોડીને તેને વળગી પડી…!

“અરે મારા દીકરા.. બહુ વર્ષો લગાવ્યા તે આવવામાં. ચાલ હવે મને તારી સાથે ક્યાંક લઇ જા… મન ભરીને રડવું છે..!”

સાત વર્ષ પહેલા અમુક રૂપરડી માટે દારૂડિયા પિતાને માઁનું ગળું દબાવતા જોઈ તેમનું ખૂન કરીને જેલમાં ગયેલો તે જમકુ ડોશીનો દીકરો પોતાની માઁને જોઈ તેને વળગી પડ્યો.

આજે એ માઁ-દીકરાની “સ્પેશિયલ ડેટ” હતી…!

2. “વસમો ઘા”

સરરરર….કરતી શારદાબેનના હાથમાંની લોટી પડી ગઈ અને તેમાં રહેલું પાણી જમીન પર ઢોળાઈ ગયું…

ચાર દિવસથી ઉકરડા જેવા ભરેલા ઘરને સાફ કરીને દેવકી હમણાં જ નવરી થઇ હતી…! ઠેરઠેર વિખરાયેલા સફેદ ગુચ્છા જેવા વાળ, ધોયા વગરના પડી રહેલા ચાર દિવસના ખાલી વાસણ અને રસોડામાં ઢોળાઈ ગયેલા મસાલાના ડબ્બા… એક સ્ત્રીની ગેરહાજરી દર્શાવતા હતા.. શારદાબાના પતિ વીસ વર્ષ પહેલા અવસાન પામ્યા હતા.. એકની એક દીકરી દેવકીને પરણાવીને દસ વર્ષ પહેલા સાસરે વિદાય કરી હતી.. તે પછી આ એક ઓરડીમાં રહેતા શારદાબા છેલ્લા મહિનાથી આ જીવલેણ બીમારીનો ભોગ બન્યા હતા.. એક મહિનાથી માઁની સારવાર કરતી દીકરી હવે કંટાળી ગઈ હતી.. વચ્ચે ચાર દિવસ કામસર પિયરે જઈને આવેલી દીકરી માઁના ઉકરડા જેવા ઘરને જોઈને ગુસ્સામાં હતી.. ને આમેય સાસરવાયું ઘર મૂકીને આવેલી દેવકીને હવે જાણે પિયરની માયા નહોતી રહી.. પતિનું ટિફિન, સસરાજીની સવારની ચા, સાસુમા સાથે થતી બપોરની ગોષ્ઠી ને સાથે મળીને જોવાતો રસોઈ શો, દીકરા માટે રોજ રાતના બનાવાતી ગરમ બિસ્કિટ જેવી ભાખરી અને દીકરીને રોજ ગુંથી આપતી તે બે ચોટલા…. આ બધું જ હવે જાણે તેને સાદ કરી રહ્યું હોય તેવું તેને લાગતું હતું..

ને એમાંય કમરના કટકા કરીને ચોખ્ખુંચણાક બનાવેલા ઘરમાં જયારે માઁએ અશક્તિના કારણે પાણી ઢોળ્યું ત્યારે દેવકીનો મગજ તપી ગયો…

માઁની પાસે જઈને તેને હલબલાવીને કહ્યું,

“કેમ માઁ??? કેમ બાળક જેવું વર્તન કરે છે તું??? તારી આ છોકરમત હવે મારાથી નથી સહેવાતી…!”

શારદાબહેન આંખો પટપટાવતા દીકરીને જોઈ રહ્યા કે ત્યાં જ વાચા ગુમાવી બેસેલા શારદાબહેનની વહારે નાનકડી નાતિન આવી હોય તેમ અચાનક દરવાજામાંથી દાખલ થઈને દેવકીની દીકરી બોલી,

“માઁ તું કેમ નાનીમાને સાચવીને એક મહિનામાં જ કંટાળી ગઈ?? મને તો કેટલાય વર્ષથી આમ જ સાચવે છે ને?? હું કઈ ઢોળું તો પ્રેમથી પસવારીને વહાલ કરે છે..! આ નાનીમાએ તો તને કેટલાય વર્ષ સાચવી છે.. તું જ કહેતી હતી ને?

તો શું નાનીમા જેવડા થઈએ તો કોઈ આપણને સાચવે નહિ હે??

તો તો હું મોટી જ નહિ થઉં… તું મને સાચવે ને એટલે નાનકડી જ રહીશ…!”

નાનકડી દીકરીની મોટી વાત સાંભળી દેવકી બાળપણમાં આવેલી ઓચિંતી પરિપક્વતા અને ઘડપણમાં તેની માઁને આવેલા અનિચ્છનિય બાળપણને મૂક બનીને નિહાળી રહી..!!

3. “વાછરડી”

ધરમપુર ગામમાં માંડ પાંચસો લોકો રહેતા હશે ને એમાંય કાંતિનું ખોરડું એટલે ગામના સૌથી ધનવાન જણનું ઘર. કાંતીને ત્યાં વીસ-વીસ ગાયું ઉછેરાતી ને દૂધ આજુબાજુના પાંચ શહેરમાં વેચાતું. ગાયોને ઉછેરવાનું કામ કાંતિની માં જીવી ડોશી કરતા। કાંતિને લગન થયે દસ વરસ થઇ ગયા હતા ને બે-બે પારણાય બંધાયા હતા. બેય દીકરીઓ હતી. ને એટલે જ જીવી ડોશી પોતાની વહુ ગોમતીથી નાકનું ટેરવું ચઢાવીને જ ફરતા। કાંતિ માટે બીજી છોકરી શોધવાનું ચાલુ કરી દીધું હતું ડોશીએ ત્યાં તો ગોમતીએ સમાચાર આપ્યા કે પોતે ગર્ભવતી છે. ડોશીએ છેલ્લી વાર વહુને “અજમાવવવાનું” વિચાર્યું।

એક દિવસ સવારે ગાયોનું ધણ ચારો ચરીને આવ્યું ત્યાં તો એક ગાય જોર જોર થી ભાંભરવા લાગી।

“એ ગોમતી, આ ઝરા આયઁખું માંડ તો, હુણ આ ગૌરી ભાંભરી કે નૈં?” જીવી ડોશી પોતાની વહુને બરકયા।

“એ હોવે બા, હું ઝોય આવું સુ. પયણ ઈ ગૌરી નેય દાડા પુરા થવા આવ્યા સે તી હમય હાચવવો પડહે। કયેં વાછરડું આવી ઝાય નક્કી નેહી।”

“એ વહુ, “વાસરડી” બોલો। હુણ આમની કોરે વાસરડો આઈ જ્યો તો પસી એ બળદિયો દૂધ નૈ આલે, ને પસી ધંધો નૈ થાય.”

“એ ખોડિયાર માઁ, આમની કોર તો સારેય આંગળી ઘી માં ઝબોળી સે. ગૌરીનેય ઘાસ તો વિલાયત થી લાઈને ખવડાવ્યું સ. બસ તું કિરપા કરઝે ને વાસરડી આવે એવું કરઝે એટલે મારા કાન્તિને પરગતિ થયા કરે.”

જીવી ડોશી ખોડિયાર માઁ ના ફોટા પાસે ઉભા રહીને બોલ્યા।

ત્યાં તો ગોમતીએ રાડ પાડીને ડોશીને કહ્યું,

“બા, લાગે સે મનેય પ્રસવ પીડા ઉપડી સે.”

“એ ધમલી ખેતરે થી તારા બાપાને બોલાવતી આય ને. ને પસી દાયણને બોલાવાય ઝાઝે।”

જીવી ડોશીએ પોતાની પોયત્રી ધમલીને હોંકારો દેતા કહ્યું.

એક બાજુ ગાય વિયાણી ને બીજી બાજુ ગોમતીને પીડા ઉપડી. વહુને મૂકીને જીવી ડોશી ગાય પાસે દોડી ગયા. ગાયની આંખ માં આંસુ જોઈને જીવી ડોશીએ નિસાસો નાખ્યો.

“અરરરર, મારો હાળો બળદિયો વિયાયો સે.”

ડોશીએ હવે ઝટ ગોમતીના ઓરડા તરફ દોટ મૂકી.

ઓરડાની બહાર ઉભા રહીને ખોડિયાર માઁ ને પ્રાર્થના કરતા બોલ્યા,

“હે માઁ, દીકરીઓ ઝોતી નોતી તોય બબ્બે આલી સે હવે તો પોયરો દેવાની કિરપા કરઝે..!”

નિર્દોષ ધમલીએ આ સાંભળ્યું ને બા ને પૂછ્યું,

“હેં બા, તી હમણાં તો ગાયને “વાસરડી” વિયાય એવું કેતા તા. હવે મારી માઁ ને “દીકરો” આવે એવી પુઝા કરો સો.

આવો ભેદભાવ સા હારું?”

ને એ બાની આંખો આ વાત સાંભળી પહોળી રહી ગઈ.

(*** જયારે પણ ગાયની આંખમાં વિયાયા બાદ આંસુ આવે ત્યારે તેને બળદ થયો હોય. કારણકે ગાય રડતી હોય કે પોતાના દીકરાને હળે જોતરાવું પડશે ને ઘાંચી પણ તેને ઘાણીમાં તેલ પીલવા જોતરશે।)

લેખક : આયુષી સેલાણી

દરરોજ આવી અનેક વાર્તા વાંચવા માંગો છો તો લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી