વર્તમાન પરિસ્થિતિમાં મહિલાનું કર્તવ્ય શું હોઈ શકે ? વાંચો.. અને જાણો..

“યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંશ્રિત,
નમસ્તત્સૈય, નમસ્તત્સૈય, નમસ્તત્સૈય નમોનમ:||”

પ્રાચીનકાળથી જ સ્ત્રીઓમાં સત્, તમસ્ અને રજસ્ જેવા પોતાના મૂળભૂત ગુણોનો સુંદર સમન્વય થયેલ છે. એક સ્ત્રી એના જીવનકાળ દરમ્યાન પુત્રી, બહેન, પત્નિ અને માતા તરીકેના સર્વોપરી કર્તવ્યો તો સુપેરે નિભાવે જ છે સાથે સાથે પોતાની મમતા, લાગણી, કોઠાસૂઝ, શાલીનતા અને સહનશીલતાના બળે સ્ત્રીઓ પોતાને ફાળે આવેલા કર્તવ્યોને પૂરા કરીને પોતાનું સ્થાન સમાજમાં મૂઠી ઊંચેરું પ્રસ્થાપિત કરી શકી છે. પરંતુ સીંતેરના દશકમાં આપણાં દેશને ઈંદિરાગાંધી સ્વરૂપે પ્રથમ મહિલા વડાપ્રધાન મળ્યા ત્યારબાદ આજ સુધીમાં સ્ત્રીસશક્તિકરણને પોતાનું પરમ કર્તવ્ય સમજીને એનું દિન-પ્રતિદિન વિસ્તરણ કરવામાં પાછું વાળીને નથી જોયું એમ કહીએ તો એમાં કોઈ અતિશ્યોક્તિ નહીં કહેવાય.

પરસેવાને પ્રબળ થઈને રેલાવું પડશે, ભલે
ભાગ્યરેખા હોય વ્રજસમ એને પણ ભુંસાવું પડશે……

આજના સમયની વાત કરીએ તો, આજની સ્ત્રી પ્રાચીન સમય કરતાં વધારે શક્તિશાળી ભાસેછે. એનું ફલક વધારે વિસ્તરેલું જોવા મળેછે. આજનો યુગ વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ અને તકનીકીક્ષેત્રે આગળ પડતો યુગ છે. આજની સ્ત્રી ઉચ્ચ શિક્ષણથી વધુ સશક્ત, આધુનિક ઉપકરણોથી સુસજ્જ અને નિર્ણયો લેવા માટે તો સ્વતંત્ર છે. સાથે-સાથે વર્તમાન સમયમાં મોંઘવારીએ પણ માઝા મૂકી છે એટલે ઘરની મુખ્ય વ્યક્તિને ખભ્ભે ખભ્ભા મિલાવીને ચાલવું એ નારીની ફરજનો મુખ્ય ભાગ બની રહે છે. એ ફરજ એક નારી તરીકે તમે ઘરની બહાર જઈને નોકરી કરીને પૂરી કરી શકો, સ્વતંત્ર અથવા ભાગીદારીમાં ધંધા દ્વારા આર્થિક બોજ હળવો કરી શકો અથવા ઘરમાં રહીને કોઈ લઘુ ઉદ્યોગ દ્વારા નાણાંભીડમાંથી તમારા કુંટુંબને બહાર લાવી શકો. અને આજના સમયમાં એવું કોઈ ક્ષેત્ર નથી જે સ્ત્રીઓથી વણસ્પર્શ્યુ રહ્યું હોય. આજના સમયમાં સ્ત્રીઓએ જાગૃતતા, કઠોર પરિશ્રમ, ધ્યેયપ્રાપ્તિની લગન અને સમાજના હકારાત્મક અભિગમ દ્વારા પુરૂષોના આધિપત્ય ધરાવતાં ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ અને સ્થાન પ્રાપ્ત કરવામાં સફળતા હાંસિલ કરી લીધી છે.

જો કે, પુરાતનકાળથી આજ સુધી આપણો સમાજ હમેંશાથી પુરૂષ પ્રધાન જ રહ્યો છે. તેમછતાં એ કાળથી જ મહિલાઓએ પોતાની કર્તવ્યપરાયણતાના સમાજને સુપેરે દર્શન કરાવ્યા જ છે ને!!! પછી એ અગ્નિપરીક્ષા પાર કરતી સીતા હોય કે, કૌરવો સામે પડકાર ફેંકતી દ્રોપદી, યમરાજાને પણ હરાવતી સાવિત્રી હોય કે, અંગ્રેજોને હંફાવતી રાણી લક્ષ્મીબાઈ… તમામે તમામ મહિલાઓએ પોતાના કર્તવ્યો નિભાવીને ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કરી દીધું છે, તો વર્તમાન સમયની મહિલાઓ પણ કાંઈ ઊણી ઉતરે એમ નથી. સાંપ્રત સમયમાં રમત-ગમત થી રાજકારણ, કારીગરથી કંડકટર, રિક્ષાચાલકથી રાષ્ટ્રપતિ, પાપડઉદ્યોગથી પૉલીસ ઑફિસર, એવરૅસ્ટથી અવકાશયાન, પરિચારિકાથી પાઈલૉટ તેમજ લઘુઉદ્યોગક્ષેત્ર, ફિલ્મક્ષેત્ર, ટીવીક્ષેત્ર, સાહિત્યક્ષેત્ર, સંગીતક્ષેત્ર, કોર્પૉરેટક્ષેત્ર, શિક્ષણક્ષેત્ર, તબીબીક્ષેત્ર, વૈજ્ઞાનિકક્ષેત્ર, સામાજિકક્ષેત્ર વગેરે વગેરે ક્ષેત્રે પોતાની કોઠાસૂઝ, મહેનત, કર્તવ્યપરાયણતા અને મહત્વકાંક્ષાના બળે મહત્વના હોદ્દા ધારણ કરીને પોતાનું અદકેરું સ્થાન પ્રાપ્ત કરીને ઉત્તરોતર પ્રગતિના પંથે હરણફાળ ભરી સફળતાનાં ઉચ્ચત્તમ શિખરો નીડરતાથી સર કરીને ખરાં અર્થમાં પોતાને “સબળા” પૂરવાર કરી છે.

“વત્સલ જનનીની લાગણી નીતરતી પાંખ; ને તે
ક્ષણે તમને લાગ્યું હશે આપણે બંદા નથી રે રાંક!!”

ઈશ્વરે તરફથી ફક્ત નારીને માં બનવાનું અને જીવનું સર્જન કરવાનું વરદાન પ્રાપ્ત થયેલ છે. એ મુજબ બાળકનું પોતાની કૂખમાં નવ-નવ મહિના સુધી પાલન-પોષણ કરીને તેને જન્મ આપવો એ નારીનું પરમ કર્તવ્ય બની રહે છે. પરંતુ આજના યુગમાં સોનોગ્રાફી જેવા આધુનિક સાધનોની મદદથી ગર્ભની જાતિ ઓળખવી સહેલી બની જતાં દીકરીને જન્મ લેતાં પહેલાં જ મૃત્યુની અંધારી ખાઈમાં ધકેલી દેવાય છે. જો કે સદીઓ પહેલા પણ દીકરીને દૂધ પીતી કરવાનો ક્રુર રિવાજ અમલમાં હતો જ ને!!!

પણ ત્યારની સ્ત્રી સમાજ સામે અવાજ ઉપાડવા અસક્ષમ હતી પરંતુ આજની મહિલા પોતાની મરજી, પોતાના નિર્ણયો અને પોતાના મંતવ્યો સમાજ સમક્ષ મૂકવા પૂરી રીતે સક્ષમ છે ત્યારે એની કૂખમાં આકાર લઈ રહેલા ગર્ભનું જાતિ પરિક્ષણ ન કરાવાય અથવા જાતિ પરિક્ષણ બાદ સ્ત્રીભ્રુણ હત્યાના કારસાને પોતાની હિંમત અને યોગ્ય દલીલોના સહારે વિફળ બનાવીને ખરાં અર્થમાં વિધાતા બનવું એ પણ આજની નારીનું પરમ કર્તવ્ય બની રહે છે. સાથે-સાથે આજના સાયન્સ અને ટેકનોલોજીથી ભરપૂર એવા યુગમાં પોતાના સંતાનોની લાગણી અને માંગણીને બરાબર રીતે સમજીને એને યોગ્ય રીતે પૂર્ણ થાયછે કે નહીં એ જોવાનું કર્તવ્ય એક માતાને, એક મહિલાને ફાળે જ આવે છે. જે સંતાનને જન્મ આપ્યો છે એને સારા સંસ્કાર અને સાચી દિશાએ દોરવું, એના યોગ્ય નિર્ણયમાં ટેકો આપવો અને અયોગ્ય નિર્ણયને સુધારવા એ પણ એક નારીની જ ફરજનો એક ભાગ બની રહે છે.

આજના યુગમાં સમાજના દરેકે દરેક ઉંમરની વ્યક્તિનું જીવન ટેલિવિઝન, મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ અને ઈન્ટરનેટની આસપાસ સીમિત થઈને રહી ગયું છે. દરરોજ અઢળક સાઈટોનો મારો ચલાવાય છે. જેમાંથી અમૂક જ જ્ઞાનવર્ધક હોયછે બાકીની મોટાભાગની સાઈટોમાં અશ્ર્લિલતા અને નગ્નતા પીરસાતી હોય છે. ફેસબુક જેવી સાઈટ ઉપર તો પોતાની નકલી ઓળખાણ દ્વારા સંબંધો પ્રસ્થાપિત કરાતા હોય છે. આજની જાગૃત મહિલાએ પોતાની તર્કબુધ્ધિનો સુપેરે ઉપયોગ કરીને પોતાને અથવા પોતાના સંતાનોને આ માયાજાળમાં ફસાતા રોકી શકેછે.

“કોઈ એકની નજર ફરી અને,
આ આખુંયે અસ્તિત્વ બદલાયું છે….”

પાશ્ર્ચર્યાત સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણા સમાજને પતન તરફ દોરી જાય છે. આજે ફેશનના નામે પહેરાતા કપડામાં એક મહિલા મોર્ડન તો જરૂર દેખાય છે પણ એના મૂળભૂત સંસ્કારો હાંસિયામાં ધકેલાઈ જાય છે. સ્વતંત્રતા ક્યાંક સ્વછંદતામાં ફેરવાઈ ન જાય એ જોવું એ પણ આજની મહિલાનું જ કર્તવ્ય છે. મર્યાદા, લાજ, શરમ અને શીલતા એક મહિલાના અમૂલ્ય આભૂષણો છે જેને સંભાળવા એ પણ નારીની ફરજ છે. પોતાના ચારિત્ર્યના ભોગે કંઈક નવું પામવાની ઘેલછા ન સંતોષાય, મર્યાદાના માનભંગ દ્વારા સપનાઓના મહેલ ન બંધાય એની તકેદારી રાખવી એ પણ મહિલાઓનું જ કર્તવ્ય છે.

આજની પરિસ્થિતિમાં પોતાના તન-મન-ધનની સાથે-સાથે પોતાની આસપાસના પર્યાવરણનો વિચાર કરવો એ પણ એક મહિલાના કર્તવ્યનો જ એક ભાગછે. પોતાના ઘરનો કચરો બહાર ઠાલવીને આસપાસમાં ગંદકી ન ફેલાય એ જોવાની જવાબદારી પણ રસોડાની રાણીને શિરે આવેછે. મહિલામંડળોની રચના, અવનવા અભિયાનો, સ્પર્ધાઓ યોજીને અને સરકારને પોતાનું યોગદાન આપીને સ્વચ્છતા પરત્વે જાગૃતાતા ફેલાવી શકેછે અને એ રીતે આજની મહિલા પોતાના પરિવાર અને સમાજને જીવલેણ રોગોથી ગ્રસ્ત થતાં બચાવી પણ શકેછે.

“શાના દુ:ખ ને શાની નિરાશા…??
મુકેલે મુકેલે છે મુખરિત આશા….”

એક મહિલા પોતાના જીવનકાળ દરમ્યાન જેમ પુત્રી, બહેન, પત્નિ અને માતાની બહુરૂપી ભૂમિકા સુપેરે અદા કરે છે, એવી જ રીતે આજની પરિસ્થિતિમાં પોતાના સપનાઓના સરવાળા કરવામાં પોતાના સ્વભાવગત બહુમૂલ્યોની બાદબાકી ન થઈ જાય અને લાગણી, મમતા, સહનશીલતા અને નીડરતા જેવા ગુણોનો ગુણાકાર કરવામાં પોતાના જન્મજાત સંસ્કારોનો ભાગાકાર ન થઈ જાય એની સુપેરે કાળજી દાખવી આજની બહુમુખી પ્રતિભા અને કર્તવ્યનિષ્ઠા ધરાવતી મહિલા સુસંસ્કૃત સમાજનું સર્જન સુપેરે કરી શકશે એ વાતમાં કોઈ જ બે મત નથી.

પરંતુ……… હક્ક અને ફરજ એક સિક્કાની બે બાજુઓ છે. જો આજની પરિસ્થિતિમાં મહિલાઓ પાસેથી વિપુલ પ્રમાણમાં અપેક્ષાઓ રખાય તો સામે એમની લાગણીઓને સમજીને એમને યોગ્ય હક્કો આપવા પણ એટલા જ જરૂરી છે. મહિલાઓને શારીરિક હિંસા તો નહીં જ પરંતુ શાબ્દિક હિંસાથી પણ દૂર રાખીને એમને એમના સ્વાભાવિક કર્તવ્યો સંપૂર્ણ કરવા માટે મોકળું મેદાન આપીએ તો કેવું…?? દીકરીઓ તરફ દ્રષ્ટિ નહિં પરંતુ દ્રષ્ટિકોણ બદલીએ તો કેવું..?? આત્મજા ઉપર અત્યાચારને બદલે અપ્રતિમ સ્નેહ વરસાવીએ તો કેવું..??

અને જો એવું થાય તો…. આજની વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓએ પોતાને મળેલા સ્વભાવગત ગુણો, આધુનિક સાધનો અને વિચાર-વાણી સ્વાતંત્ર્યના સદુપયોગ દ્વારા પોતાના કર્તવ્યોને સુપેરે નિભાવી જ શકશે એ વાતમાં પણ કોઈ જ બે મત નથી. કેમ ખરું ને…..!!!!

લેખક : આશા શાહ

દરરોજ અલગ અલગ વિષય પર વાર્તા વાંચવા માટે લાઇક કરો.

ટીપ્પણી