સ્લીવલેસ બ્લાઉઝ – સાસુ વહુના સંબંધો અને જનરેશન ગેપનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે તેવી અદભૂત વાર્તા….

‘અત્યારે આવા શોખ રાખો છો.. પછી બહુ તકલીફ થશે બેટા જોઈ લેજે.. તારા સાસુ કંઈ આ બધું નહીં ચલાવી લે..’

‘કમ ઓન મોમ.. હું બેસ્ટ સાસુ શોધીશ.. જે મને મારી રીતે સ્લીવલેસ બ્લાઉઝ પહેરવા દે.. યાર નવરાત્રીમાં હોય ગણીને નવ દિવસ.. તને તો ખબર છે હું દર વર્ષે પ્રિન્સેસ બનું છું.. ને મોસ્ટલી દરેક વખતે બેસ્ટ કોસ્ચ્યુમ પણ મારો હોય છે.. એ ક્યારે??? જ્યારે હું આવા ડીફરન્ટ સ્ટાઈલનાં બ્લાઉઝ ડીઝાઈન કરીને સીવડાવું છું.. ટ્રેન્ડ અને ફેશન સાથે ચાલવું તો પડે ને..!!’

‘સાસરિયામાં તોર-તરીકા અને રીતભાત સાથે ચાલવું પડશે.’

‘ત્યારે જોયું જશે.. અત્યારે પ્લીઝ હો મારું સ્લીવલેસ બ્લાઉઝ કરાવું?’

ને હસીને રેણુકાબહેને તિતિક્ષાને હા કહી દીધી ને પછી કપાળ ચૂમી લીધેલું..

એ ઘટના યાદ કરીને અત્યારે તિતિક્ષાની આંખમાં આંસુ આવી ગયા.. બપોરના ચાર વાગ્યાનો સમય હતો. અડધી કલાક પહેલા જ હજુ રસોડાનું બધું કામ પતાવીને તિતિક્ષા નવરી થયેલી. તુલિક સાથે લગ્ન થયા ત્યારે કેટલાય શમણા જોયેલા તેણે.. જો કે મોટાભાગના સપના એના સાકાર પણ થયેલા એ ખરું.. પરંતુ ગઈકાલે જે થયું એ પછી તેને ઘડી ઘડી તેની માની યાદ આવતી હતી.. ખાસ કરીને એણે કહેલી બધી વાતો તેના મનમાં ઘુમરાયા કરતી હતી.

ગઈકાલે સાંજે તેની કોલેજની બહેનપણી યાચના તેને મળવા ઘરે આવેલી..

‘વહુ બેટા.. તમારી કોઈ ફ્રેન્ડ આવી છે..’

હોલમાં બેસીને સ્ત્રી મેગેઝીન વાંચી રહેલા સાસુમાએ ચશ્માં સહેજ નીચા ઉતારીને રસોડામાં રહેલી તિતિક્ષાને કહ્યું..

‘હા મા.. આવી..’

કહેતી હાથ લુછતી લુછતી તિતિક્ષા બહાર આવી.

‘આવ આવ યાચના.. આ મારા સાસુ છે.. બેસ ને..’

સાડીમાં સજ્જ તિતિક્ષાને જોઇને બે ઘડી તો યાચના ચોંકી ગયેલી. શોર્ટ્સ-સ્કર્ટ પહેરીને કોલેજ આવતી તિતિક્ષા સાડીમાં બેશક સુંદર લાગતી હતી, પરંતુ આ તેનું પહેરણ તો નહોતું જ..

‘ચલ ને તારા રૂમમાં બેસીએ.. મને બતાવ તો સહી તારો રૂમ..’

યાચનાએ કહ્યું.. સાંભળતા જ એક અછડતી નજર સાસુ પર નાખીને તિતિક્ષા બોલી,

‘અરે હા ચલ.. તને મારો રૂમ બતાવું.. પણ હા પછી નિરાંતે અહીં આવીને જ બેસીએ..’

સહેજ દુર જતા જ યાચના બોલવા લાગી,

‘આ બધું શું છે તિતિ? તારા સાસુ આટલા જબરા છે? તને કંઈ નથી કરવા દેતા તારી જાતે? આ રીતે તું મને તારા રૂમમાં પણ ના લઇ જઈ શકે વાતો કરવા?’

‘અરે માં.. એવું નથી.. એ બહુ જ સારા છે સાચે જ.. મારું બહુ ધ્યાન રાખે છે.. બસ ખાલી થોડા જુનવાણી મગજના છે.. એટલે એમના પ્રમાણે અનુસરવું પડે..’

‘જબરું હો.. આંટીના ગયા પછી એક જ વરસમાં કોલેજ પૂરી થતા જ તે લગ્ન કરી લીધા ત્યારે એક્ચુલી મને તો એમ થયું હતું કે તને બહુ સારો પરિવાર મળ્યો હશે.. બદનસીબે હું અમેરિકા હતી એટલે લગ્નમાં કે એ પહેલા તારી વાત ચાલતી હતી ત્યારે અહીં નહોતી.. બાકી આવા ઘરમાં તને પરણવા જ ના દેત..’

‘લે આ મારો રૂમ આવી ગયો.. જો કેવો છે? અને હા ડાર્લિંગ.. મારું સાસરું સરસ જ છે.. બસ થોડા જુનવાણી લોકો છે.. તુલિક નથી હો પણ એટલે ચિંતા નથી મારે.. તું એ બધું છોડ.. રૂમ જોઈ લે અને પાછી ચલ..’

‘હા બાપા.. સરસ છે રૂમ.. ને આ લે તારા ચણિયાચોળી.. પાંચ લીધા છે.. બાકીના તું જોડે આવજે હવે શોપિંગ કરવા.. છેક છેલ્લી ઘડીએ છટકી ગઈ ને એવું ના કરતી..’

‘હા હા હા.. હા હવે.. બાય ધ વે.. શું પ્લાન છે આ વખતે નવરાત્રીનો? હું પણ હવે તો કપલ પાસ લઇ શકીશ.. હા.. હા.. જો કે તુલિકને શોખ નથી પણ એને કહીશ ને કે મને શોખ છે ને મારે જવું છે એટલે એ માની જશે ને આવશે જ..’

ઓરડામાં એ ચણિયાચોળીની થેલી મુકીને ચાલતા ચાલતા બંને ફરી હોલમાં આવી ગયા.. યાચનાનું ધ્યાન સવિતાબહેન તરફ ગયું.. તો તેણે જોયું કે ત્રાંસી આંખે તેઓ પોતાને જોઈ રહ્યા હતા..

‘અમમ.. ચલ ને હું હવે નીકળું તિતિ.. પછી ફોન કર તું મને એટલે આપણે વાત કરીએ..’

કહેતી યાચના જવા માટે ઉતાવળી થઇ કે તિતિક્ષા બોલી,

‘અરે પણ કંઇક ખાઈને તો જા.. તારા માટે સ્પેશિયલી લસ્સી બનાવીને રાખી છે.. એ તો પી લે..’

‘બીજી વાર આવીશ.. અત્યારે મોડું થાય છે..’

કહેતા જ યાચના ઘરની બહાર નીકળી ગઈ.. તિતિક્ષાને જો કે આમ એનું ભાગી જવું નવાઈભર્યું લાગ્યું.. સાસુ સાથે નજર મળતા જ તેણે અજાણપણે મુસ્કાન કરી અને રસોડા તરફ જવા લાગી..

‘વહુ, એ છોકરી લાવી હતી એ થેલી ક્યાં??’

‘અરે મમી એ મારા માટે જ હતી.. મારા ચણિયાચોળી હતા તેમાં..’

તિતિક્ષાએ નિખાલસતાથી સાસુને જવાબ આપ્યો..

ચશ્માં સહેજ નીચે ઉતારીને સવિતાબહેન બોલ્યા,

‘જાવ લઇ આવો એ.. મને બતાવો જોઈએ કે કેવા ચણિયાચોળી લાવી છે એ છોકરી તમારા માટે..’

‘અરે હા હા મમી.. હું તમને બતાવવાની જ હતી.. મારા મગજમાં એમ કે રાત્રે નિરાંતે બધા બેઠા હોઈશું ને ત્યારે બતાવીશ..’

‘અત્યારે બતાવી દો એટલે નક્કી કરીએ કે રાત્રે તમારા પતિને કે સસરાને બતાવવા જેવા છે કે નહિ..’

સાસુમાનો આવો જવાબ સાંભળી તિતિક્ષા જરા ચોંકી ગઈ.. લગ્ન પછી આમ તો એ સાડી જ પહેરતી, હનીમૂનમાં ગયેલી ત્યારે પિયરેથી લાવેલી શોર્ટ્સ અને વનપીસ પહેર્યા હતા.. એ પણ સાસુને તો ખબર નહોતી જ.. એ પછી ક્યારેય જીન્સ પહેરવાનો અવસર જ નહોતો આવ્યો.. અને ડ્રેસ કરતા તેને સાડી પહેરવાનો વધુ શોખ એટલે એમાં તેને કંઈ અજુગતું પણ ના લાગતું.. આજે જ્યારે સાસુમાએ આવું કહ્યું તો એ સાભળીને તેને સહેજ નવાઈ તો લાગી જ.. અંદરથી ચણિયાચોળીની થેલી લઈને આવી અને સાસુમાને બતાવ્યા.. હજુ તો પહેલા ચણિયાચોળી કાઢ્યા કે સવિતાબહેનની આંખ ફરી ગઈ..

‘આ શું છે વહુ???? આવા બાંય વગરના બ્લાઉઝ પહેરવાના છો હે તમે??? તમારા આ બાવડા કોને બતાવવા છે તમારે??? જરાક શરમ જેવું કરો..’

ને એટલું બોલતા બોલતા જ તેમણે થેલીમાંથી એક પછી એક એમ બધા જ ચણિયાચોળી કાઢ્યા.. કોઈ ઓફશોલ્ડર તો કોઈ ઓલ્ટર નેક વાળું, તો કોઈ કોલ્ડ શોલ્ડર તો કોઈ ડિઝાયનર બેકલેસ બ્લાઉઝ જ હતા.. બાકીના એકાદ બે સ્લીવલેસ બ્લાઉઝ.. જો કે સવિતાબહેન જેવા જુનવાણી મગજના સ્ત્રી માટે તો આ બધા એકસરખા જ બ્લાઉઝ હતા. બાંય વગરના એટલે કે સ્લીવલેસ બ્લાઉઝ..!!!

બધા જ બ્લાઉઝ એક તરફ ઘા કરીને સવિતાબહેન મોટા અવાજે તાડૂક્યા..

‘આ ઘરમાં, આ પરિવારની વહુ બનીને રહેવું હોય તો રીતભાત અને સંસ્કાર પહેલા જોઇશે.. આ બધા બ્લાઉઝ કચરાની ટોપલીમાં જઈને ફેંકી આવો એ પછી આ ઘરમાં પગ મુકજો બરાબર..’

તાડૂકીને સવિતાબહેન તેમના ઓરડામાં ચાલ્યા ગયા.. ભીની આંખે આંસુ સાથે ઉભેલી તિતિક્ષા એ બ્લાઉઝ તરફ જોઈ રહી.. આવો પ્રતિભાવ તેણે કલ્પ્યો નહોતો પરંતુ છતાંય તે ચુપચાપ જઈને એ મોંઘા અને ખાસ તો તેને મનગમતા બ્લાઉઝ બહાર ફેંકી આવી..

એ રાત્રે તુલિક આવ્યો ત્યારે તિતિક્ષાએ તેને જરા સરખી જાણ પણ ના થવા દીધી કે સાંજે શું બન્યું હતું.. પોતાની ખાનદાની અને સંસ્કાર દર્શાવીને તિતિક્ષા બિલકુલ ચુપ રહી.. ના તેણે સાસુએ કહેલા વેણનું ખોટું લગાડ્યું કે ના તેના પતિને કોઈ ફરિયાદ કરી.. સવિતાબહેન તો જાણે કંઈ બન્યું જ ના હોય તેમ પોતાના લહેકાથી અને અકડથી વર્તી રહ્યા હતા..
જમતા જમતા તુલિક બોલ્યો

‘અરે તિતું, યાચનાનો ફોન આવ્યો હતો. એણે કહ્યું કે આપણા માટે નીલ્સનો કપલ પાસ તેણે લઇ રાખ્યો છે.. આપણે નવે નવ દિવસ જોડે જ જઈશું હો.. મને ખબર છે તને રમવાનો કેટલો શોખ છે.. મારા ફ્રેન્ડસ પણ એમની વાઈફ સાથે આપણને જોઈન કરશે.. બહુ મોટું ગ્રુપ થશે.. મજા આવશે..’

તિતિક્ષા ચુપચાપ હા-હોંકારો દેતી રહી..

આખરે એ દિવસ પણ આવી ગયો.. નવરાત્રીનો પહેલો દિવસ..

‘તારા વિના શ્યામ મને એકલડું લાગે.. રાસ રમવાનો વહેલો આવજે.. સાંકડી શેરીમાં મારા સસરાજી વળ્યા મુને.. હું તો ગઈ’તી મેળે.. રમતો ભમતો જાય.. આજ માનો ગરબો.. સોનલ ગરબો શિરે…’

ના હોય એટલા ઓછા ગરબા અને એ પણ રિમિક્ષમાં ડીજેનાં તાલ પર ચારેકોરથી કાનમાં ને દરેકના હ્રદયમાં ગુંજી રહ્યા હતા. તિતિક્ષાના સાસુએ ઘરમાં માનો ગરબો લીધો હતો.. એટલે સાત વાગ્યે પૂજા-આરતી કરીને સાસુ-સસરા માટે જમવાનું બનાવીને તે આઠ વાગ્યે તૈયાર થવા ગઈ..

તે લોકો ગરબા ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે સવા નવ ઉપર થઇ ગયેલા.. સાડા સાતે તો ગ્રાઉન્ડ પર પહોંચી જતી તિતિક્ષાને અત્યારે ફરીથી લગ્ન પહેલાનાં એ નોરતા સાંભરી ગયા.. મનમાંથી બધું કાઢી તે ગ્રાઉન્ડમાં હાજર પોતાના ગ્રુપ પાસે ગઈ.. યાચનાની નજર સૌથી પહેલા તેના પર પડી,

સાવ બેઝીક બ્લાઉઝ અને ઘાઘરો પહેરીને આવેલી તિતિક્ષાની કમર જરા સરખી પણ નહોતી દેખાતી.. તેણે ફૂલ સ્લીવ્સનું બ્લાઉઝ અને એ પણ છેક કમરની નીચેના ભાગ સુધી આવે એટલું લાંબુ પહેર્યું હતું. તેમાય ચણિયો સાવ સાદો..

‘આં શું છે??? મારી ફેશન ક્વીન આજે દેશી સ્ટાઈલમાં કેમ આવી છે?? આઈ હોપ આ પણ તારો એક્સ્પરીમેન્ટ જ હશે.. પણ તિતિ આ ટ્રેન્ડી નથી લાગતું હોં..’

ઉતાવળે યાચના બોલી ગઈ.. ત્યાં હાજર તેની બીજી બહેનપણીઓએ પણ યાચનાની વાતમાં સુર પુરાવ્યો..

‘અરે ડાર્લિંગ.. હું જે પહેરું એ ટ્રેન્ડ બની જાય.. ચાલો છોડો મારા કપડાનું ડિસ્કશન.. મને આ વખતના નવા સ્ટેપ્સ શીખડાવો…’

કહીને તિતિક્ષા રમવામાં મશગુલ થઇ ગઈ..

ને એક પછી એક એમ બે, ત્રણ અને એમ કરતા કરતા નવરાત્રીના આઠ દિવસ વીતી ગયા..

એ રાત્રે તિતિક્ષા તૈયાર થઈને ગ્રાઉન્ડ પર જવા માટે નીકળતી જ હતી કે તેના સાસુએ સાદ દીધો..

‘તુલિકને કહેજો આજે તમારે રશ્મીકાકીના દીકરો-વહુને તેડતા જાવાનું છે. એ બંને પણ આજે તામારી સાથે રમવા આવશે..’

‘ભલે મમી..’

તિતિક્ષાએ સાસુને જવાબ આપ્યો અને બહાર ગાડીમાં રાહ જોઈ રહેલા, ને હોર્ન વગાડતા તુલિક તરફ જવા નીકળી ગઈ..

આઠમની એ રાત્રે ગ્રાઉન્ડ પર રેઇન ડાન્સ પણ હતો.. મોજ-મજા કરીને તિતિક્ષા-તુલિક રાત્રે ત્રણ વાગ્યે ઘરે પાછા ફર્યા..

નોમની સવાર જરા જુદી ઉગી હતી.. એ દિવસની સવાર પણ જાણે નવરાત્રીના છેલ્લા દિવસનો વસવસો હોય એમ સાવ નિરસ ખીલી હતી.

આઠ વાગ્યે તિતિક્ષા નીચે ઉતરી ત્યારે હોલમાં બેઠેલા સવિતાબહેન ફોન પર વાત કરી રહ્યા હતા.. તેમના ખોળામાં સવારનું ‘જયહિન્દ’ પડ્યું હતું..

‘પણ રશ્મી.. તને ભાન ના પડે વહુના લક્ષણથી?? મારી વહુને જો.. કેટલી વ્યવસ્થિત લાગે છે.. છે ક્યાય છોછ કે ખરાબી કપડામાં? અને આ મેં જોયું એમ આખા કુટુંબે છાપામાં જોયું હશે.. સાવ નાક કપાવી નાખ્યું એ છોકરીએ તો..!!’

કહેતાંકને સવિતાબહેને ફોન મૂકી દીધો.. પાછળ આવીને ઉભેલી તિતિક્ષા તરફ નજર જતા જ એ બોલ્યા,

‘વહુ.. આ રશ્મિની વહુએ આવા વેશ કાઢ્યા હતા??? આ બ્લાઉઝની બાંય તો નથી.. પાછળ પણ કંઈ નથી.. ને ખાલી દુપટ્ટા વગરના ચણિયાચોળી પહેર્યા તા એ છોકરીએ??? ને બ્લાઉઝ ને ચણિયા વચ્ચેની કમર તો જો દેખાય એ…..’

તિતિક્ષાની નજર તરત જયહિન્દમાં ગઈ.. એમાં ગઈકાલના ફોટા છપાયા હતા.. પોતે પણ એમાં દેખાતી હતી…

‘અરે મમી.. મને આધ્યાએ એમ કહ્યું કે કાકીને ખબર છે એ આવું પહેરે છે..’

‘અરે રશ્મિએ અમુક હદ સુધીની છૂટ આપી એમાં તો આ છોકરીએ બધી છૂટ લઇ લીધી.. ઘરેથી સાવ જુદાં કપડા પહેરીને નીકળી હતી એ એવું કહે છે રશ્મી તો.. સાવ કેવી અસંસ્કારી પાકે છે આજની છોકરીઓ તો..’

બોલતા બોલતા સવિતાબહેનની આંખમાં પોતાની પરફેક્ટ અને સંસ્કારી વહુ માટે આદરભાવ પ્રગટી ગયો.. પણ એને દેખાવા ના દઈને અંદરના ઓરડામાં જતા રહ્યા..

એ રાત્રે આમ જોવા જાવ તો નવરાત્રીનો છેલ્લો દિવસ હતો.. દશેરાનું રમવાનું ખરું પણ કોમ્પીટીશન નહીં. આ વખતે હજુ સુધી એકપણ વખત તિતિક્ષા પ્રિન્સેસ નહોતી બની..

સાંજના સાડા સાત વાગ્યા હતા.. દીવા કરીને તે બસ રસોડામાં જવાની તૈયારી કરતી હતી કે સવિતાબહેનનો સાદ સંભળાયો..

‘વહુ.. અહીં આવજો તો જરા મારા ઓરડામાં..’

સવિતાબહેન છેલ્લી અડધી કલાકથી તેમના ઓરડામાં હતા એ તિતિક્ષાને ખબર હતી..

‘આવી મમી..’

કહેતા જ તિતિક્ષા તરત જ દોડીને સાસુના ઓરડામાં ગઈ.. જેવી દરવાજે પહોંચી કે ચોંકી ગઈ..

સ્લીવલેસ બ્લાઉઝ અને ડિઝાયનર ડીજીટલ પ્રિન્ટના ચણિયામાં સજ્જ સવિતાબહેન દુપટ્ટો નાખવા તિતિક્ષાને સાદ દઈ રહ્યા હતા..

પાંસઠ વર્ષની ઉમરે પણ વજન ફક્ત સાઈઠ કિલો હોવાથી તેઓ ચુસ્ત લાગતા હતા.. એમાય આ પ્રકારે ચણિયાચોળી પહેર્યા બાદ તો વધુ નાના દેખાતા હતા..

‘ચાલો વહુ.. જલ્દી આ દુપટ્ટો નાખી આપો.. તમારી લેટેસ્ટ સ્ટાઈલમાં હોં.. ને હા ડ્રેસિંગ ટેબલ પાસે પડેલી થેલી લઇ જજો.. એમાં તમારા માટે ચણિયાચોળી લાવી છું.. જલ્દી એ પહેરીને તૈયાર થઇ જાવ.. આપણે જમવાનું બહાર પતાવી લઈશું.. ગ્રાઉન્ડ પર વહેલા પહોંચીએ તો તમે પ્રિન્સેસ પણ બની જાવ કદાચ..’

‘પણ મમી.. આ બધું શું? કેમ આમ અચાનક?”

આ સવાલ સાંભળતા જ સવિતાબહેન તિતિક્ષાની નજીક આવ્યા અને બોલ્યા,

‘વહુ.. બહુ કહ્યાગરા અને સંસ્કારી છો હોં તમે તો.. મેં ના કહી સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાની તો માની ગયા અને મારા દીકરાને કમ્પ્લેઇન પણ ના કરી.. સાચે જ તમારી ખાનદાનીને સલામ.. મારી જે દેરાણીએ એની વહુને પુરતી છૂટ આપી એનો કેવો દુરુપયોગ કર્યો એ છોકરીએ એ મેં જોયું.. તમે ભલે ના કહ્યું પણ મને તુલિકે કહ્યું એ કે એ છોકરીએ એક જગ્યાએ ગાડી ઉભી રખાવીને આવા કપડા પહેર્યા હતા.. ઘરેથી તો એ જુદાં જ પહેરીને નીકળી હતી.. જે છોકરીને છૂટ મળી હતી એણે કેટલો ગેરલાભ લીધો એ છૂટનો અને જે છોકરીને કોઈ સ્વતંત્રતા નહોતી તેણે કેટલો સંયમ રાખ્યો, શરમ રાખી સંબંધની અને સગપણની.. કહેણની.. વેણની..!!

મને મારી ભૂલ સમજાય.. તમને મેં ખોટા બંધનમાં બાંધ્યા હતા..હસતા મોંએ તમે એ સ્વીકાર્યું પણ ખરું.. પરંતુ મને મારી ભૂલનો અહેસાસ થયો.. હું આજે સવારે રાજભોગના દર્શન કરવા નહોતી ગઈ.. યાચના સાથે તમારા અને મારા માટે આ સ્લીવલેસ બ્લાઉઝવાળા ચણિયાચોળી લેવા ગઈ હતી..’

આટલું કહીને સવિતાબહેને તરત જ તિતિક્ષાને બાથમાં લેતા કહ્યું,

‘મારી દીકરી.. બહુ અન્યાય કર્યો મેં તમને.. જો હું તમારી મા હોત તો આ શોખ સમજી શકી હોત.. પણ મેં સાસુપણું દાખવ્યું.. મને માફ કરજો વહુ..’

‘અરે મમી.. પ્લીઝ આમ ના કહો.. તમે કહેશો એ બધું મને મંજુર છે.. હસતા મોઢે..’

કહીને તિતિક્ષાએ ભીની આંખે સાસુમાને વધુ જોરથી ભેટી લીધું..

એ રાત્રે એકસરખા ચણિયાચોળી પહેરીને ‘ટ્વિનિંગ’ કરીને ઘરની બહાર નીકળેલી સાસુ-વહુને જોઇને તુલિક અને સુહાસભાઈ પણ આનંદાશ્ચર્ય પામી ગયેલા..

લાસ્ટ ડે પ્રિન્સેસ બનીને તિતિક્ષાએ પોતાની પરંપરા જાળવી રાખી.. આ સાથે જ સવિતાબહેનને બેસ્ટ કોસ્ચ્યુમનું ટેગ આપવામાં આવ્યું..

‘ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ.. નવી તે વહુના હાથમાં રૂમાલ’ ગરબાના બોલ કાનમાં ગુંજતા હતા અને તિતિક્ષા ને સવિતાબહેન હસતા હસતા ગરબે ઘૂમી રહ્યા હતા..!!! એ નવરાત્રી તિતિક્ષાના જીવનની આજ સુધીની ઉત્તમ નવરાત્રી બનીને રહી ગઈ.. એને ખરા અર્થમાં ‘બેસ્ટ સાસુ’ મળ્યા હતા..!!!

લેખિકા :આયુષી સેલાણી