સાસુમમી – ખરેખર હું બહુ જ ભાગ્યશાળી છું કે તમારા જેવા સાસુમમી મળ્યા

‘અરે વહુ બેટા.. જરા લાપસી તો પીરસો અહીં…તમે તો એમનું ધ્યાન જ નથી રાખતા.. તમારા મમી-પપ્પાને જરા આગ્રહ તો કરો…!!’

કિનારીએ સહેજ કટાણું મોં કરીને તેના મમી-પપ્પાને લાપસી પીરસી ને ત્યાંથી સસરાજીની ખુરશી તરફ ગઈ.. એમની થાળીમાં પ્રેમથી ચાર વાર આગ્રહ કરીને લાપસી મૂકી ને પછી રસોડામાં જતી રહી.

લતાબહેન અને લોકેશભાઈ આ જોતા રહી ગયા. સગી દીકરીને મા-બાપના આવવાથી કંઈ ઉમળકો થયો નહોતો કે ના કોઈ ઉષ્મા તેણે બતાવેલી. કિનારીના સાસુ પંક્તિબહેને વાતાવરણને જરા હળવું બનાવવાનો પ્રયત્ન કર્યો..

‘અરે, લતાબહેન પેંડા વહેચવાનો અવસર હવે જલ્દી જ આવવાનો છે.. વહુ કહેતી હતી કે તે અને કિમિત ફેમિલી પ્લાન કરવાનું વિચારે છે.. જો હું તો કહી દઉં છું કે તમે સાતમાં મહીને જ અહીં આવી જજો.. આપણે બંને મળીને દીકરીની સંભાળ રાખીશું અને ડિલીવરી સાથે જ કરાવીશું.’

લતાબહેન આ વાત સાંભળીને સહેજ ફિક્કું હસ્યાં. કિનારીએ કરેલા વર્તન બાદ તેમને બહુ જ દુખ થયેલું એ સ્વાભાવિક હતું. જમવાનું જેમતેમ પતાવીને બંને તરત જ નીકળી ગયા. કિનારી તેમને દરવાજા સુધી વળાવવા પણ ના આવી.

કિનારી અને કિમીતના લવ મેરેજ હતા. એક જ ઓફિસમાં કામ કરતા કરતા બંનેને પ્રેમ થઇ ગયેલો. કિનારી તો ઘણી વખત કિમીતનાં મા-બાપને પણ મળી હતી તેમની સાથે બહાર ફરવા પણ જતી. બંનેએ લગ્ન કર્યા એ પહેલાથી જ પંક્તિબહેન તો કિનારીને વહુ માનવા લાગેલ. વારે-તહેવારે ક્યાય બહાર જવું હોય કે ઘરની કોઇપણ વસ્તુ લેવી હોય કિનારીને લઈને જ પંક્તિબહેન જતા. તેમને સંતાનમાં એક જ દીકરો. એટલે કિનારી તેમના માટે દીકરી સમાન હતી. દીકરી ને વહુનું દાયિત્વ એકસાથે બજાવતી કિનારી પંક્તિબહેનની બહુ જ નજીક હતી. પરેશભાઈને ઇલેક્ટ્રોનીક્સનો શોરૂમ હતો અને કિમીત સોફ્ટવેર એન્જીનીયરીંગ કંપનીમાં સીઈઓ હતો. એ જ કંપનીમાં કિનારી તેની આસિસટન્ટ હતી. ને એમ જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયેલો.

મહિનાઓ પહેલાના એ દિવસે રવિવાર હતો. કિમીત પહેલી વખત કિનારીને તેના મમી-પપ્પા સાથે મળાવવા લઇ ગયેલો. બધા સાથે એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં ડિનર લેવા માટે ગયેલા. લાલ રંગની કુર્તીમાં સજ્જ કિનારી ફક્ત લાલ બિંદી કરીને આવેલી તે સિવાય મોં પર કોઈ જ મેકઅપ નહીં. તે દિવસે તે સૌથી વધુ સોહામણી લાગતી હતી.

‘મમી.. પપ્પા… આ રહી તમારી ભાવિ વધુ છે.. થોડી ગાંડી છે પણ મને સંભાળી લે એટલે ઘણું કાં?’

આવતાવેત સીધા કિમીતે આ પ્રકારે જ કિનારીની ઓળખાણ તેના મા-બાપ સાથે કરાવી. ને પરેશભાઈ અને પંક્તિબહેન હસી પડ્યા.. કિનારી શરમાઈ ગઈ ને મનમાં ને મનમાં ગુસ્સે પણ થઇ ગઈ કિમીત પર..

‘આંટી.. એ તો એમ જ બોલે છે.. હું કંઈ..’

કિનારી તેનું વાક્ય પુરુ કરે તે પહેલા જ પંક્તિબહેન બોલ્યા,

‘એય.. એ શું બોલી છોકરી?’

કિનારીને પંક્તિબહેનનો આવો ટોન સાંભળી ડર લાગ્યો..

‘અમમ.. કંઈ નહીં આંટી.. આ તો..’

‘અરે ફરી આંટી કહ્યું?? દીકરી, આંટી કહેવાતું હશે?? તારે મને અત્યારથી જ મમી કહેવાનું શરુ કરી દેવાનું છે.. બરાબર ને?’

ને કિમીત અને પરેશભાઈ આ સાંભળીને હસી પડ્યા. પંક્તિબહેન પહેલા સહેજ હસ્યાં ને પછી તરત કિનારીને બાથમાં લઇ લીધી. આ ઉમળકો જોઇને કિનારી ગદગદ થઇ ગઈ.. તેની આંખ ભીની થઇ ગઈ..

ભીની થયેલી આંખે કિનારી થોડી વાર સુધી તો એમ જ પંક્તિબહેનને વળગી રહી.. પંક્તિબહેનને ખયાલ આવ્યો કે એ રડે છે એટલે તરત તેનું મોં ઊંચું કરીને પૂછ્યું,

‘અરે વહાલા.. શુ થયું? કેમ રડે છે દીકરા?’

‘મમી.. થેંક્યું… થેંક્યું સો મચ.. મને ક્યારેય મારી માએ આમ ગળે વળગાડીને પ્રેમ નથી કર્યો. હું કેટલા વર્ષથી આ પ્રેમને અને હેતને ઝંખતી હતી.’

પંક્તિબહેન ચૂપચાપ કિનારીને સાંભળી રહ્યા. પરેશભાઈ અને કિમીત પણ એમ જ બેઠા હતા. જો કે કિમીતને ખબર હતી કે આ ક્ષણ આવશે પરંતુ આટલી જલ્દી આવી જશે એ નહોતી ખબર..

‘બેસ અહીં.. તારું દિલ ખોલીને બધી વાત કરી દે.. શુ થયું?’

‘મમી.. અમારી નાત એટલે માન મોભો ને મર્યાદા.. લાજ અને શરમથી ઢંકાયેલી જિંદગી.. એવું નથી કે મને મારી નાતના સંસ્કારો કે રિવાજો નથી પસંદ.. પરંતુ આ માન અને મોભાના કારણે મારી મા ક્યારેય મારી પાસે પ્રેમથી બેઠી પણ નથી.

મારા પર જાતજાતના બંધનો લાદવામાં આવતા. આમ કપડાં પહેરવાના.. દુપટ્ટો આમ ઓઢવાનો ને સાડી પહેરીએ ત્યારે કમર ના દેખાય તેમ જ પહેરવાની. મારા મમી મારી રુલ બુક બની ગયેલા. પપ્પાનું સમાજમાં સ્ટેટ્સ ઊંચું એટલે હું પણ જાહેરમાં નીકળું ત્યારે વ્યવસ્થિત જ તૈયાર થયેલી હોવી જોઈએ એવો માનો આગ્રહ..

એ મારા માટે મા નહીં મેન્ટર બની ગયેલા. શિસ્ત પાલનના આગ્રહી હોય તેવા મેન્ટર..

હું તેનામાં હૂંફ, મમતા અને મિત્રતા શોધતી રહી અને તે મને શિસ્ત, વ્યવહાર અને મેનર્સમા ઢાળતા રહ્યા સતત જ..

મારે એને મારા પ્રેમ વિશે કહેવું હતું.. અમારા સંબંધ વિશે કહેવું હતું. મા નાત તો તમારી ને મારી એક જ છે.. અને તમારું ખાનદાન પણ બધી રીતે વ્યવસ્થિત જ છે.. લગ્નમાં કોઈ અડચણ નહીં આવે એ મને ખાતરી છે.. પણ તો ય અડચણ છે..

હું પેટછુટ્ટી વાત કોઈને નથી કરી સકતી એ ઘરમાં.. માને નહીં કે નહીં પપ્પાને.. ભાઈ તો જાણે દિવસો સુધી મળે જ નહીં..’

વાત કહેતા કહેતા જ કિનારી અચાનક રડી પડી.. પંક્તિબહેન તેને આશ્વાસન આપતા રહ્યા. તેના મમી વિશે અને તેમના સ્વભાવ વિશે તો તે પણ અજાણ હતા એટલે તેની તરફેણમાં ના બોલ્યા પરંતુ તેમણે બસ કિનારીને ધરપત આપી કે બધું સરખું થઈ જશે.

એ પછીના દિવસો બહુ આનંદમાં વીત્યા.. કિમીતને છ મહિના સુધી અમેરિકાની ટ્રેનિંગ આવી એટલે કિનારીને ઘરે વાત કરવાનું થોડા સમય પછીનું નક્કી કરાયું.. પરંતુ એ છ મહિના દરમિયાન પંક્તિબહેન અને કિનારી એકબીજાની બહુ નજીક આવી ગયા.. શોપિંગ હોય કે સત્સંગ બંને સાથે જ જાય.. દર રવિવારે બંને થનારી સાસુ-વહુ આઉટિંગમાં પણ જાય.. ત્યાં સુધી કે કિનારી તેના ફિટ સાસુમાને શોર્ટ્સ પહેરાવીને ક્લબમાં પણ સાથે લઇ જતી.

એ દિવસે એરપોર્ટ પર પણ બંને સાસુ વહુ જ ગયા કિમીતને લેવા.. છ મહિના બાદ પરત ફરી રહેલો કિમીત બંનેના સંબંધને અને મમત્વને જોઈને ખુશ થઈ ગયો..

એ રાત્રે ચારેય સાથે ડિનરમાં ગયા અને પછીના રવિવારે કિનારીનાં મમી-પપ્પાને મળવા જવાનું નક્કી થયું..

જ્યારથી કિનારી પંક્તિબહેનને મળી હતી ત્યારથી તેનામાં એક બદલાવ આવ્યો હતો. સાસુની નજીક જઇ રહેલી કિનારી માથી અને તેના પિતાથી એકદમ દૂર થઈ રહી હતી. આમ તો ક્યારેય લતાબહેનને કિનારીની વાતો સાંભળવાનો સમય જ ના હોય. પરંતુ કિનારી કામમાં હોય કે રસોડામાં એમની પાસે જઈને એ સાંભળે કે ના સાંભળે પોતે બોલ્યા કરે.. પરંતુ હવે આખો દિવસ પંક્તિબહેનની સાથે ફરતી અને તેમનામાં જ માની છવિ નિહાળીને તેમની સાથે બોન્ડ શેર કરતી કિનારી માટે પોતાની સગી મા સાથે કઈં શેર કરવાની જરૂર જ ના રહી..

જો કે લતાબહેનને આ ફેરફાર નોંધવાનો પણ સમય નહોતો.

કિનારીએ તે દિવસે બપોરે મમી-પપ્પા અને ભાઈની હાજરીમાં કહ્યું..

‘પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું.. એ છે તો આપણી નાતના જ.. અને સાથે સાથે સમૃદ્ધ અને ખાનદાની પરિવાર પણ છે… એ લોકો કાલે સાંજે આપણા ઘરે આવવાના છે.. તમારી સાથે મારા અને કિમીતના સગપણની વાત કરવા..

લોકેશભાઈ માટે આ અણધારી પરિસ્થિતિ હતી. પ્રેમલગ્ન કરવાની દીકરીની વાત તેમને જરા પણ ના ગમી. લતાબહેન પણ આંખો કાઢીને કિનારીને જોઈ રહ્યા.. એમની નજરને ખાળીને કિનારી બોલી,

‘તમે એક વખત મળી લો.. તમને ગમશે જ એનો પરિવાર.. અને ના ગમે તો પણ હું ભાગી જઈશ એટલે તમારી પાસે કોઈ છૂટકો નથી હા કહ્યા સિવાય. એના કરતા એક જ નાત છે તો પ્રેમથી સંબંધને વધાવી લેજો..’

દીકરીનું આ સ્વરૂપ લોકેશભાઈ અને લતાબહેન માટે નવું હતું.. કલય તેની બહેનને જોતો રહી ગયો.. ને કિનારી પોતાની વાત કરીને ચાલતી થઈ ગઈ..

બીજા દિવસે પરેશભાઈ અને પંક્તિબહેનને મળ્યા પછી કિનારીનાં મમી-પપ્પાને કુટુંબમા કઈં વાંધો ના આવ્યો ને કિમીત અને કિનારીના લગ્ન નક્કી થયા. તોય લતાબહેન અને લોકેશભાઈના મનમાં ખટકો તો રહી જ ગયેલો કે દીકરીએ ઠેકાણું પોતાની જાતે પસંદ કર્યું..

ત્યાં સુધી કે લગ્નની બધી શોપિંગ કિનારીએ મા નહીં પરંતુ સાસુ સાથે મળીને જ કરી..

લગ્નના દિવસે મા-બાપ પાસેથી વિદાય લેતા લેતા પણ કિનારી એક રીતે તો ખુશ જ હતી..

સાસરે આવ્યા પછી પિયર સાથેના સંબંધ પુરા થઈ ગયા એવું તો નહોતું પરંતુ તે સામેથી કામ સિવાય ત્યાં ક્યારેય ફોન ના કરતી કે ના મળવા જતી..

તેનું પિયર તરફનું આ વલણ અને વર્તન પંક્તિબહેન જાણતા હતા.. શરૂઆતમાં તેમણે કિનારીને સમજાવવા પ્રયત્ન કર્યા પણ પછી તેઓએ પણ એ બધું છોડી દીધુ અને પોતાના વહુ-દીકરાને હેત કરવામાં પરોવાઇ ગયા..

લગ્ન બાદના ત્રણ વરસ વીતી ગયેલા..

આખા વર્ષમાં એક જ વાર લોકેશભાઈ અને લતાબહેન વ્યવહાર સાચવવાના નાતે બેસતા વર્ષે દીકરીના ઘરે આવતા..

આ વખતે પણ તેઓ આવ્યા હતા મળવા દીકરીને.. પરંતુ કિનારીએ તોછડું વલણ દાખવીને પોતાની પ્રાયોરિટી તેના મા-બાપને બતાવી દીધેલી.

લતાબહેન અને લોકેશભાઈ દીકરીના ઇગનોરન્સથી હવે ટેવાઈ ગયેલા. પરંતુ પંક્તિબહેન છેલ્લા ત્રણ વર્ષથી આ મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા..

ને આ ફેમિલી પ્લાનીંગની વાત ઉચ્ચારીને તેઓએ પોતાની દ્રઢતા પણ બતાવી દીધી.. મા-દીકરી અને બાપ વચ્ચેના સંબંધોને સુધારવાની દ્રઢતા.

દિવાળીએ મળ્યા બાદ ચાર મહિના પછી અચાનક લતાબહેનને પંક્તિબહેનનો ફોન આવ્યો..

‘બેન વધાઈ હો… તમે નાની અને હું દાદી બનવાની છું. અત્યારે જ ઘરે ડૉકટર રેખા આવીને દીકરીને જોઈ ગયા.. એ તો અત્યારે આરામ કરે છે.. પણ મારાથી ના રહેવાયું તો તમને આ સમાચાર આપી દીધા.. કિનારી પણ ફોન તો કરશે જ હો..’

સામે છેડે લતાબહેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા..

છેલ્લા ઘણા સમયથી તેઓ કિનારીના વર્તનથી મૂંઝવણ અનુભવતા હતા. સમાજના કામ ઓછા થઈ ગયા હતા. હવે તેમને સમય મળતો હતો પોતાના માટે. જ્યારે પોતાની આજુ-બાજુ ક્યાંય મા-દીકરીના સંબંધને નિહાળતા તો રડી પડાતું.

અત્યારે પંક્તિબહેનનો ફોન આવ્યો તો કિનારીની અચાનક યાદ આવવા લાગી. તેમના મગજમાં તેમણે કિનારી સાથે કરેલા વર્તન બદલ પસ્તાવો થવા લાગેલો. પરંતુ હવે તેનો કોઈ મતલબ નહોતો.. જે થઇ ગયું એ બદલાવવાનું નહોતું. કિનારી જિંદગીભર પોતાનાથી આ રીતે દુર જ રહેવાની હતી. શારીરિક રીતે તો હતી જ.. માનસિક રીતે ક્યારેય નજીક આવી જ નહોતી.. હવે જ્યારે લતાબહેન ઈચ્છતા હતા કે તેને નજીક લાવે ત્યારે એ છોકરી બહુ દુર થઇ ગયેલી.. તેના સાસુની થઇ ગયેલી.. પંક્તિબહેનને જ તે મા સમજવા લાગી હતી..

લતાબહેનને પસ્તાવો તો થયો જ સાથે પંક્તિબહેન પર સહેજ ગુસ્સો પણ આવવા લાગ્યો. આખરે પોતાની જગ્યા તેમણે પચાવી પાડેલી.

વિચારમાં ખોવાયેલા લતાબહેન માટે એ દિવસ બહુ મૂંઝવણમાં વીત્યો.. બીજા દિવસે કિનારીનો બસ એક ફોન આવેલો. ના તે મળવા આવી કે ના તે સમાચાર મા સાથે વહેચતી વખતે તેને ઉમળકો થયો..

મહિનાઓ એમને એમ વિતતા ગયા..

કિનારીની ડીલીવરીનો સમય આખરે આવી ગયો..

હોસ્પિટલમાં સહુ ઉચાટ જીવે બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા. લતાબહેન, લોકેશભાઈ, પરેશભાઈ, પંક્તિબહેન અને કિમીત એકબીજાની સામે જોતા હતા તો ઘડીક બંધ આઈસીયુના દરવાજા પાછળ શું થતું હશે તે વિચાર કરતા હતા..

ને બાળકના રડવાનો અવાજ આવતા જ સહુના ચહેરા પર મુસ્કાન છવાઈ ગઈ..

‘વધામણા ભાઈ વધામણા.. લક્ષ્મીજી પધાર્યા છે..’

ડોકટરે બહાર નીકળતા જ બધાને સમાચાર આપ્યા.. ને આ સાંભળતા જ સહુ ઓરડાની દિશા તરફ ભાગ્યા..

પંક્તિબહેન અને લતાબહેન સહુ પહેલા જ અંદર જતા રહેલા. કિનારીને જોઇને પંક્તિબહેન એને વળગી પડ્યા.. પરેશભાઈ દીકરીને હાથમાં લઈને ઉભા હતા અને કિમીત કિનારીના માથા પર હાથ ફેરવતો હતો. લતાબહેન અને લોકેશભાઈ ઓઝપાઈ ગયા.. આ ફેમીલી ફ્રેમમાં તેઓ ક્યાય ફીટ નથી બેસતા એ સમજણ આવતા જ લતાબહેનની આંખ ભીની થઇ ગઈ..

પંક્તિબહેને ત્રાંસી નજરે એ જોયું કે તરત જ કિનારીને ઉદેશીને બોલ્યા,

‘વહુ બેટા.. દીકરી પધારી છે હું તો એટલી ખુશ છું કે વાત ના પૂછો… કેવી સરસ ફૂલ જેવી દેખાય છે નહીં??? હું તો વિચારું છું કે એને હિરોઈન જ બનાવીશું..’

હજુ તો આગળ પંક્તિબહેન કંઈ બોલે તે પહેલા જ કિનારી ગુસ્સાથી તમતમી ગઈ..

‘મમી.. પ્લીઝ.. એવું કંઈ મારી છોકરીને હું બનાવવાની નથી હોં. એવા છીછરાવેળા મને નથી પસંદ.. હું એના ફ્રેન્ડસ ને બધા પર ચાંપતી નજર રાખવાની છું હા.. ખોટી આઝાદી બિલકુલ નહીં મળે એને.. જમાનો તો જો..’

ને આ સાંભળતા જ પંક્તિબહેન હસી પડ્યા..

કિનારી સહિતના સહુને આશ્ચર્ય થયું કે આમાં હસવા જેવું શું હતું.. વાતનો ફોડ પાડતા પંક્તિબહેન બોલ્યાં,

‘દીકરી મારી.. હજુ તો આ તારી ઢીંગલી આ દુનિયામાં આવી જ છે ને તે અત્યારથી એની રુલ બુક બનાવી દીધી.. તું ચોખવટ પાડીશ ને કહીશ કે એ તો તને ચિંતા થાય ને તને એના માટે હેત છે એટલે.. તો દીકરા મારા, મારા વહાલ. તારી માને પણ તારા માટે એવો પ્રેમ ના હોય?

માન્યું કે એમનાથી અમુક ભૂલ થઇ.. એ મિત્ર તો ના બની શક્ય તારા.. પણ મા પણ ના બની શક્યા.. પણ એનો મતલબ એ નથી કે એ તને પ્રેમ નહોતા કરતા.. ક્યાં સુધી એમને સજા આપીશ? તારા પપ્પાને આમ તડપાવીશ.. ચલ દીકરા હવે બધું ભૂલી જા..

આપણી આ નવી ઢીંગલીના જનમ સાથે તું પણ મારી દીકરી, મારી ઢીંગલી નવી શરૂઆત કર.. તારા મમી-પપ્પાને ગળે વળગાડીને વહાલ કર..’

ને આ સાંભળતા જ કિનારી રડી પડી.. ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી કિનારી પાસે લતાબહેન જઈ પહોચ્યા અને તેને બથમાં લઇ લીધી. લતાબહેને મુક શબ્દોથી આંખો વડે વેવાણનો આભાર માંની લીધો. એમના વિશે જે ધાર્યું હતું એ બદલ પસ્તાવો પણ કરી લીધો. લોકેશભાઈની આંખ પણ ભીની થઇ ગયેલી.. આ મમત્વ જોઇને તે પણ રડી પડ્યા.. કિમીત અને પરેશભાઈ અહોભાવથી પંક્તિબહેન સામે જોઈ રહ્યા..

લતાબહેનથી સહેજ અળગી થયા બાદ પંક્તિબહેનને ભેટીને કિનારી બોલી,

‘મમી. તમે ગ્રેટ છો.. ક્યાં શબ્દોમાં વખાણ કરું એ જ નથી સમજાતું.. તમે મારા મા-દીકરીના ઝગડાનો ફાયદો ઉઠાવવાને બદલે મને સમજાવી અને અમને નજીક લાવવા પ્રયાસ કર્યો.. ખરેખર હું બહુ જ ભાગ્યશાળી છું કે તમારા જેવા સાસુમમી મળ્યા છે મને.. થેંક્યું મમી..

આઈ લવ યુ સો મચ.. હું તમને અને અહીં હાજર બધાને બહુ જ પ્રેમ કરું છું..’

ને કિનારી પોતાના વહાલસોયા પરફેક્ટ ફેમિલીને નીરખી રહી.

લેખિકા : આયુષી સેલાણી