**પરિવર્તન** – આતો દરેક માં-બાપની ફરજ હોય છે….

મેઘરાજાએ તોફાની ઈનિંગ્સ બાદ હમણાં જ પોરો ખાધો હતો. પણ ભાવિનના મનમાં ઊઠતાં વિચારો કેમે કરીને શાંત થવાનું નામ જ નહોતા લેતા.
“આજે તો આ પાર યા પેલે પાર, ફેંસલો તો કરીને જ રહેવું છે. આવું તો કેટલા દિવસ હાલે યાર ????” પોતાના પિતાની રાહમાં આંટા મારતા ભાવિન સ્વગત બબડયો.
“વહુ બેટા, પાણી આલજો ને જરા.” હરિયાભાઈ ઘરમાં પ્રવેશતા બોલ્યા.

“બા…….પુજી હવે તો તમારે નિર્ણય લેવો જ પડશે, બહોત ગઈને થોડી રહી છતાં પણ તમારા સ્વભાવ, આદત કે વ્યવહારમાં કોઈ જાતનું પરિવર્તન રત્તિભર જેટલું એ દેખાતું નથી.” ઉશ્કેરાટમાં ભાવિન બોલી ગયો.
“બેટા, મારી કઈ વાત તને આટલી બધી ખટકે છે? મારે ક્યાં પરિવર્તન કરવાનું છે? કહે જોઉં” હરિયાભાઈ ચશ્માં ઉતારતાં બોલ્યા.
“એવી કઈ વાત નથી એમ પૂછો…હં…જ્યારથી આ દુનિયાને સમજતો થયો છું ત્યારથી તમારા સ્વભાવ, વર્તન, વહેવાર, આદત અને સિધ્ધાંતોને કારણે કઈં કેટલુંયે સહન કર્યું છે. બટ, નાઉ ઈનફ ઈઝ ઈનફ.” ભાવવિહીન અવાજે ભાવિન બોલ્યો.

“પણ બેટા, મારો સ્વભાવ કે સિધ્ધાંત તારી આડે ક્યારે આવ્યા? મેં મારી પરસેવાની કમાણીની પાઈએ પાઈ તારા અને તારી બહેન ઊર્મિના ઉછેરમાં સ્વાહા કરી દીધી. આજ સુધી મેં કે તારી માં એ ક્યારે કોઈ નવું કપડું…….પણ તારી માં એ કોઈ દી’ ફરીયાદ કરી નો’તી ને આજે મારી સાથે હોતને તો પણ મને વિશ્વાસ છે કે ન જ કરતી હો’ત….” ગળે આવેલા ડૂમાને કારણે હરિયાભાઈની આંખો છલકાઈ ગઈ.

“ઉછેરમાં સ્વાહા કરી દીધી….. હં….. માય ફૂટ…..તો એમાં ક્યો મોટો મીર મારી નાખ્યો. આતો દરેક માં-બાપની ફરજ હોય છે અને ઉછેરની વાત કાઢી છે તો સાંભળી લ્યો કે, વર્ષો સુધી સરકારી ખાતામાં નોકરી કર્યા છતાં પણ કોરાધાકોર જ રહ્યા…..”
“કોરાધાકોર… એ…ટલે…???”

“એટલે એમ કે, ઉપરની કમાણી ન ખાવાના તમારા આ ઘટિયા સિધ્ધાંતે અમને અત્યાર સુધી આપ્યું જ શું….??? બે ટંકનો સૂકો રોટલો, વર્ષે બે જોડી નવા કપડાં, સરકારી સ્કૂલ-કૉલેજનું ભણતર અને ચાલશે, ફાવશે ને ગમશેનો જીવન મંત્ર.. હં…!! બસ, હવે બહુ થયું હવે તો તમારે તમારા સિધ્ધાંતવાદી સ્વભાવમાં પરિવર્તન લાવવું જ પડશે. તમારા પ્રોવિડેન્ટ ફંડના રૂપિયા બેંકમાંથી ઉપાડીને મને આપી દ્યો એટલે મને જલ્દી થી જલ્દી પ્રમોશન મળી જાય.” ભાવિન જોશભેર બોલ્યો.
“દીકરા, આજે શું નથી તારી પાસે…??? સુંદર પત્નિ, પાંચ આંકડાનો પગાર, ગાડી, નોકર-ચાકર, આવું સુંદર ઘર અને ભાવિ સંતાનની એંધાણી…!!! બધું જ તો છે, તો પછી શાના માટે નું આટલો બધો અસંતોષ કરે છે બેટા ભવલા..??”

“બ…સ… પહેલા તો મને આ ભવલા ભવલા કહેવાનું બંધ કરો. પોતાના તો નામના ઠેકાણા નથી ને મારું નામ બગાડવા હાલી નીકળ્યા છો…??? ક્યારેક ક્યારેક તો મને મારા નામની પાછળ તમારું નામ લખતાં કે બોલતાં એ શરમ આવે છે, ‘ભાવિન હરિયા…..’ હં… સારા એવા એજ્યુકૅટેડમાંથી ગામડિયા બની જવાય છે. લોકો તો જાણે ગંવારની જેમ જોવા લાગે છે. હ….રિ….યા…. શૅટ……”

હરિયાભાઈ સજળ નયને ભાવિનને તાકતા રહી ગયા. આટલું ઓછું હોય તેમ, ભાવિનની પત્નિ વેણુ પતિના પદ્ ચિહ્નોને અનુસરીને બોલવા લાગી, “હાં… ને પપ્પાજી, આ વાત નીકળી જ છે તો કહી દઉં કે, ગઈકાલે ઊર્મિબહેનનો ફોન આવ્યો’તો. બિચારા બઉ રડતા’તા ને કેતા’તા કે, બાપુજીને કહી દેજો કે બીજી વખત આવા ફન્ની પહેરવેશ સાથે મારા સાસરે ન આવે. તેમને જોઈને મારા સાસરામાં બધા મારી મજાક ઉડાવે છે એનાથી બૅટર એ છે કે, હું સમજી લઈશ કે માં ની સાથે-સાથે બાપુજી પણ……”

“બ….સ…., વહુ બેટા…. બસ…” વેણુની વાતને અધ વચ્ચેથી કાપતા હરિયાભાઈ બોલ્યા.

“લો, બોલો…!!! હવે એમાં બિચારી વેણુનો શો વાંક છે…??? ફૅકટ ઈઝ ફૅકટ નો…?? ઓ.કે. નાઉ કમ ટુ ધી પોંઈટ… બાપુજી, જુઓ આમ પણ તમારા ગયા પછી તમારી આ બધી મિલ્કત અને પી.એફ.ના પૈસા તો મારા જ છે ને..?? તો પછી કલ કરે સો આજ કર….. શો ફરક પડે છે..??? તમે તમારા હાથે જ આ પુણ્યશાળી કામ કરી નાખો તો એનાથી રૂડું બીજું શું હોય..???” હરિયાભાઈ અનમનશ્યક બનીને ભાવિનને તાકી રહ્યા.

“ આ તમારી લમણાંજીકમાં મને ઑફિસે જવાનું પણ મોડું થઈ ગયું. અત્યારે તો હું જાઉં છું પણ આજે સાંજ સુધીમાં તમારા વિચારોમાં પરિવર્તન લાવવું ઈઝ મસ્ટ…!! ચલ વેણુ, તને તારા પિયરે મૂકીને હું ઑફિસે નીકળી જાઈશ.” હરિયાભાઈને વિચારાધીન અવસ્થામાં મૂકીને ભાવિન અને વેણુ સડસડાટ ઘરની બહાર નીકળી ગયા.

“મારે કંઈક તો કરવું જ પડશે. કંઈક પરિવર્તન તો લાવવું જ પડશે. પણ… શું…?? કેવું…??? શું કરવું…?? અને શું ન કરવું…??” કલાકેક જેટલા સમય સુધીના આત્મ મનોમંથન બાદ હરિયાભાઈ આંખોમાં એક અનેરી ચમક સાથે ઘરનો ઊંબરો વળોટી ગયા.

****************************

“ક્યાં ગ્યા હશે આ બાપુજી….??? ભાઈ, હવે તો મને ચિંતા થાયછે. કંઈ ન કરવાનું….” બબ્બે દિવસ સુધી ઘરથી બહાર રહેનાર હરિયાભાઈની ચિંતામાં ડૂબેલી ઊર્મિ બોલી અને એની વાણીને હોંકારો આપતી ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

ઉતાવળે ટેલિફોન ઉપાડતાં ભાવિન બોલ્યો, “હલ્લો… હાં… કોણ..??? ઓ… બાપુજી…. ક્યાં..યાં છો..?? કાંઈ ખબર બબર પડે છે કે નહીં..?? અહિંયા હું, વેણુ અને ઊર્મિ……”
ભાવિનને અધવારતા હરિયાભાઈ તટસ્થ સ્વરે બોલ્યા, “જો ભાવિન, મેં તારા પરિવર્તન અંગેના નિર્ણય પર અમલ કરવાનું નક્કી કરી લીધું છે….”

“અંતે બુઢાઉને જ્ઞાન આવ્યું ખરું……..?? મને તો પહેલેથી જ….”
“મારી વાત પૂરી થાવા દે. ડોન્ટ ટૉક ઈન બિટવીન.. સાંભળ… મારું સૌથી પહેલું પરિવર્તન એ છે કે, આજે હું બોલીશ અને તું સાંભળીશ. બીજું, તને મારા નામ અને ઊર્મિને મારા પહેરવેશથી તકલીફ છે તો બેટા, તેના પરિવર્તન રૂપે આજથી બલ્કે અબઘડીથી તમને બંનેને મને પિતા તરીકે ઓળખ આપવામાંથી મુક્ત કરું છું. પુત્રની પાછળ પિતાનું નામ લગાડાય અને પિતાની ચિત્તાને પુત્ર અગ્નિદાહ આપે એના પરિવર્તન રૂપે હું તને આ બંને બાબતે મુક્ત કરું છું. પિતાની તમામ સંપતિ પર તેના સંતાનોનો જ હક્ક હોય એના પરિવર્તન રૂપે હું મારી તમામ સંપતિ અનાથાશ્રમને દાન કરું છું, મારા પી.એફ. સહિત.”

એક ખોંખારો ખાવા અટક્યા બાદ ફરી પાછો હરિયાભાઈએ વાતનો દોર સાધી લીધો. “તું જે ઘરમાં રહે છે તે સામાન્ય રીતે તો પેઢી દર પેઢી તારું જ થાય. પણ શું થાય…. ??? તારે તો પરિવર્તન જોઈએ છીએ ને તો સાંભળ…. એમાં પરિવર્તન રૂપે મેં આ ઘરને ગરીબ બાળકોની શાળા માટે દાનમાં આપી દીધું છે. સો, આવતીકાલથી આપના રહેવાનો બંદોબસ્ત….. અને હાં… સૌથી છેલ્લુ પરિવર્તન….

સામાન્ય રીતે અત્યાર સુધી એક પુત્ર જ પિતાને વૃધ્ધાશ્રમની વાટ દેખાડતો આવ્યો છે એના બદલે હું પોતે જ હમેંશા હમેંશાને માટે મારા પૅન્શન સાથે કોઈ બીજા શહેરમાં અને બીજા માહોલમાં આવેલા વૃધ્ધાશ્રમમાં રહેવા જઈ રહ્યો છું. અને હાં.. અત્યાર સુધી મારી આદત, સ્વભાવ અને સિધ્ધાંતોને કારણે તમને જે તકલીફો પડી છે તેની ભરપાઈ રૂપે મને મળવાની, શોધવાની કે મારી સાથે દુનિયાદારીની દ્રષ્ટિએ કોઈપણ જાતના સંબંધ રાખવાની શિષ્ટતામાંથી પણ તમને સદાયને માટે મુક્ત કરું છું.” આ સાથે જ હરિયાભાઈએ અહોભાવથી પોતે લીધેલ આમોલ પરિવર્તનના નિર્ણયને જાહેર કર્યા બાદ ફોન અને સંતાનો સાથેના તમામ સંબંધોને એકી સાથે અને એકી ઝાટકે કાપી નાખ્યા.

લેખક : આશા શાહ

દરરોજ અલગ અલગ વિષય પર વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી