અપમાન – માતા પિતા ની લાગણીઓ ને માતાપિતા બન્યા પછીજ સમજી શકાય…

અપમાન

પોતાનો પર્સ ચકાસી એણે એક તરફ મુક્યો. ટિફિન નો ડબ્બો ઉઠાવી પર્સ માં નાખ્યો. પાસે ના ટેબલ ઉપર થી કાંડા ઘડિયાળ લઇ હાથ માં અતિ ઉતાવળે ચઢાવી. સાડી નો ફોલ ઝડપ થી સરખો કર્યો. છુટ્ટા વાળ ને એક રોલ કરી ઉપર બાંધી દીધા. ઘડિયાળ ઉપર એક છુટ્ટી દ્રષ્ટિ ફેંકી ને તરતજ ખેંચી લીધી. સાડા અગિયાર થઇ ગયા હતા. બાર વાગ્યે શાળા એ પહોંચી જવાનું હતું.

આજથી વિદ્યાર્થીઓ ની પરીક્ષા ઓ શરૂ થવાની હતી. સમયસર પહોંચી જ રહેવું પડશે એ વિચારે ઝડપ થી નિશા એ સ્કૂટી ની ચાવી હાથ માં લીધી. દરવાજા તરફ ડોટ મુકીજ કે એની નજર નજીક ના ટેબલ ઉપર ગોઠવાયેલી લાલ રંગ ની ફાઈલ ઉપર પડી. અચાનક એનું સ્ફૂર્તિલું શરીર સ્થિર થયું. મન માં ચિંતા ને તાણ ના ભાવો ઉભરાઈ આવ્યા :

‘ અરે, આ ફાઈલ તો અનુજ અહીંજ ભૂલી ગયો ! ‘

પોતાના પુત્ર અનુજ ના ભુલકણા સ્વભાવ થી એ સારી રીતે પરિચિત હતી. કેટલીવાર મોબાઈલ ગુમાવ્યા છે, ચાવીઓ ગમે ત્યાં છોડી ને આવ્યો છે, ક્યારેક હેલ્મેટ તો ક્યારેક પૈસા થી ભરેલો પર્સ ક્યાંક મૂકી ને ભૂલી આવ્યો છે , ટિફિન નો ડબ્બો પણ કેટલીવાર ઓફિસ માંજ રાત પસાર કરી આવ્યો છે ! દીકરા ની ભૂલી જવાની ટેવ એક યાદી બની આંખો સામે ઉઘડી પડી. અને જુઓ આજે આ ફાઈલ. આ ફાઈલ સાથે અનુજે છેલ્લી ઘણી રાત્રિઓ પસાર કરી હતી.

નોકરી ની શરૂઆત નું વર્ષ એટલે મહેનત અને ધગશ દ્વારા પોતાની આગવી આકર્ષક છબી ઓફિસ માં ઉભી કરવીજ રહી અને એ માટે અનુજે દિવસ રાત એક કરી નાખ્યા હતા. આજે ઓફિસ માં યોજાનારી પ્રેઝન્ટેશન માટે એણે એક મહિના અગાઉ થીજ તૈયારીઓ આદરી દીધી હતી. પોતાની કમ્પની દ્વારા ઉત્પાદન કરાયેલ પ્રોડક્ટ બજાર માં હાજર એવાજ અન્ય ઉત્પાદનો કરતા કઈ રીતે વધુ ગુણવત્તાયુક્ત , ફાયદાકારક , આર્થિક રીતે સ્પર્ધાત્મક અને ગ્રાહકો ની તમામ જરૂરિયાતો અને અપેક્ષાઓ ને આવરી લેનાર બની રહે છે , એ અંગે અનુજે ખુબજ ઊંડું સંશોધન કરી અનેક વિગતો અને આંકડાઓ ભેગા કર્યા હતા.

એક મહિના સુધી પરસેવો પાડી હાથ ધરેલ એ તમામ સંશોધનો ની સૂક્ષ્મ માં સૂક્ષ્મ વિગતો આ લાલ રંગ ની ફાઈલ માં અનુજે ખુબજ વિગતવાર સંગ્રહી હતી. એક મહિના થી અનુજ ને આ લાલ રંગ ની ફાઈલ જોડેજ નિશા અને દર્શને જોયો હતો. દર્શન તો ઓફિસ ના કામ અર્થે અન્ય શહેર માં હતો . પતિ ની ગેરહાજરી માં આ લાલ રંગ ની મહત્વ ની ફાઈલ અનુજ સુધી ગમે તેમ કરી જાતે જ પહોંચાડવી પડશે એ વિકલ્પવિહીન પરિસ્થિતિ નો સામનો કરવા અને અનુજ ને કોલ કરી એના આ મહત્વ ના દિવસે એને નકામી ચિંતા માં ન નાખવા નિશાએ તદ્દન ઝડપથી ફાઈલ ઉઠાવી . ત્રીસ મિનિટ ના મર્યાદિત સમય માં આ ફાઈલ અનુજ સુધી પહોંચાડી શાળાએ સમયસર પહોંચવાના પડકાર ને સ્વીકારતી નિશાએ પોતાની સ્કૂટી પૂર જોશ માં શહેર ના રસ્તા ઉપર ભગાડી મૂકી.

અનુજ ના કાર્ય સ્થળે પહોંચેલી નિશા તરતજ એ મલ્ટીનેશનલ કમ્પની ના મુખ્ય દ્વારે પહોંચી. ઉતાવળ ને ઘભરાટ માં ફાઈલ ડીકી માંજ રહી ગઈ. મોડા ન પડવાની ઝડપ માં માનવી પોતાની અફરાતફરી માં એટલોજ વધુ મોડો પડતો હોય છે ! ફરી થી પાર્કિંગ વિસ્તાર તરફ ભાગતી જઈ એ ફાઈલ લઇ આવી. પૂછતાછ વિભાગ માં સેવા બજાવી રહેલ સ્ત્રી ને અનુજ અંગે પુછપરછ કરી.

સ્ત્રી એ આપેલ માહિતી ને અનુસરતી લિફ્ટ લઇ એ સીધીજ અગિયાર માં માળે પહોંચી . અનુજ ની મિટિંગ શરૂ પણ થઇ ગઈ હશે . કાંડા ઘડિયાળ તરફ નજર ફેરવી . પોણા બાર થઇ ગયા હતા . પંદર મિનિટ માં શાળા એ પહોંચવાનું હતું . પરંતુ આ ફાઈલ અનુજ ના હાથ સુધી પહોંચાડવું પણ એટલુંજ જરૂરી હતું . આખરે પોતાના પુત્ર ના ભવિષ્ય નો પ્રશ્ન હતો .


એની એક મહિના ની અથાક મહેનત અને પરિશ્રમ ને સફ્ળતા નો સ્પર્શ મળવામાં કોઈ કમી ન રહી જાય , એજ એના માતૃ હૃદય નો ઉદ્દેશ હતો . લિફ્ટ અગિયાર માં માળે આવી થમ્ભી . એક પણ ક્ષણ વેડફ્યા વિના એ સીધીજ અનુજ ની કેબીન સુધી પહોંચી . અનુજ કેબીન માં ન હતો . મિટિંગ શરૂ થઇ ચુકી હતી , એ જાણતાજ એના ડગલાં કોન્ફ્રન્સ હોલ તરફ ઝડપભેર ઉઠ્યા . હોલ ની બહાર ના ડેસ્ક ઉપર કાર્ય સંભાળતી સેક્રેટરી એ એને ત્યાંજ અટકાવી :

” સોરી મેમ , બહાર ની કોઈ પણ વ્યક્તિ ને કોન્ફ્રન્સ હોલ માં જવાની પરવાનગી નથી .” ” તો આપ મિસ્ટર અનુજ શાહ ને આ ફાઈલ પહોંચાડી દો , પ્લીઝ . ” પોતાના હાથ માની લાલ ફાઈલ એણે સેક્રેટરી આગળ ધરી .

ચાલુ મીટીંગે કોઈ પણ પ્રકાર ના હસ્તક્ષેપ ન થાય એ અંગે આગળ થી મળેલ સખત સૂચનો નું અનુસરણ કરતી સેક્રેટરી એ નિશા ની આજીજી સ્પષ્ટ શબ્દો માં નકારી દીધી . ” સોરી મેમ , એ માટે મિટિંગ સમાપ્ત થવા ની રાહ જોવી પડશે .” મિટિંગ સમાપ્ત થવા સુધી ની રાહ એક માતૃ હૃદય જોઈ ન શક્યું . સેક્રેટરી ના નિષેધ ને અવગણતી એ સીધીજ કોન્ફ્રન્સ હોલ નું બારણું ઉઘાડી રહી . પીછો કરતી પાછળ દોડી આવી રહેલ સેક્રેટરી એને પકડી શકે એ પહેલાજ નિશા ના પગલાં કોન્ફ્રન્સ હોલ ની અંદર હતા.

વર્તુળ આકાર ના મોટા ટેબલ પર ગોઠવાયેલા સૂટ માં સજ્જ દરેક વ્યક્તિઓ ની નજર વિસ્મય ના હાવભાવ જોડે એની ઉપર મન્ડાઈ . એક વ્યવસાયિક મિટિંગ વચ્ચે ચઢી આવેલ એક હાંફળી ફાંફળી સ્ત્રી બધા ના ધ્યાન નું કેન્દ્ર બની રહી . પ્રોજેક્ટર પાસે ઉભેલા અનુજે પોતાની પ્રેઝન્ટેશન વચ્ચે આવી ઉભેલી અને પોતાના વક્તવ્ય ને અધ વચ્ચે અટકાવી હસ્તક્ષેપ કરનારી એ સ્ત્રી ને જોવા નજર ઉઠાવી.

પોતાની મા ને જોતાજ અનુજ ઝંખવાળો પડી ગયો . અનુજ ને જોતાજ નિશા હાથમાંની લાલ ફાઈલ અનુજ સુધી પહોંચાડવા શીઘ્ર આગળ વધી . ફ્લોર ઉપર થી પસાર થતા વાયર થી અજાણ નિશા નો પગ વાયર માં ભેરવાયો અને શરીર નું સઁતોલન ગુમાવતા હાથ માની ફાઈલ વર્તુળાકાર ટેબલ પર પછડાઈ . ફાઈલ માં પરોવાયેલા કાગળો ટેબલ પર ફેલાઈ દરેક વ્યક્તિ ની આંખે ચઢ્યા . એકજ ક્ષણ માં અનુજ ના સંશોધન સ્ત્રોતો , એના વ્યવસાયિક કાર્ય ની શૈલી અને કાર્ય નીતિ બધાની સામે ઉઘાડી પડી ગઈ.

” ઓહ , આમ સોરી ! ” પોતાની ભૂલ થી પોતાના પુત્ર ની પ્રતિષ્ઠા પર નકારાત્મક પ્રભાવ ન પડે એ ભયે ધ્રૂજતાં હાથે નિશા કાગળો ને સમેટવા લાગી . ” આ તુ શું કરી રહી છે મા ?” ધીમા છતાં ચીઢ થી ભરેલ સ્વર માં અનુજ નિશા ના પ્રયત્ન ને અટકાવી રહ્યો .

“આ ફાઈલ તુ ઘરેજ ભૂલી ગયો હતો. મને થયું કે તારા મહત્વ ના કાગળિયા વિના ….” કાગળ ભેગા કરી રહેલી માં ના શબ્દો વચ્ચે થીજ અટકાવી ,એને કોણીએ થી પકડી અનુજ કોન્ફ્રન્સ હોલ ની બહાર ઘસડી ગયો . ” માં તું અહીં શા માટે આવી ? આ બધો તમાશો કરવાની શી જરૂર હતી ?મારા બધાજ મહત્વ ના કાગળ સ્કેન કરી મારા લેપ્ટોપ માં હું રાખું છું .” અનુજ ના અવાજ માં ક્રોધ નો રણકાર હતો. ” પણ હું તો તારી મદદ …..”

માં ને આગળ બોલવાનો અવસર આપ્યા વિનાજ અનુજે પોતાના હાથ ની પકડ વધુ મજબૂત કરી : ” થેન્ક્સ ફોર યોર હેલ્પ…મારી મહિના ની મહેનત ઉપર એક જ ક્ષણ માં પાણી ફેરવી નાખ્યું…” અનુજ ના શબ્દો કટાક્ષ થી છલકાઈ રહ્યા હતા. ” મને દુઃખે છે અનુજ …” પોતાનો હાથ અનુજ ના હાથમાંથી છોડાવતા નિશા નો સ્વર અત્યંત રડમસ બની રહ્યો. ” હવે આગળ કોઈ પણ નાટક કર્યા વિના જતી રહેજે…પ્લીઝ….આ આપણું ઘર નથી…મારી ઓફિસ છે….” અનુજ ના પગ પૂર ઝડપે કોન્ફ્રન્સ હોલ તરફ પરત થયા. ધ્રુસકે ધ્રુસકે રડતી નિશા ઓફિસ માંથી બહાર નીકળી આવી.

સ્કૂટી માં ચાવી ફેરવી રહેલ નિશા ની નજર હાથ ઉપર પડી. અનુજ ની આંગળીઓ ના નિશાન ગાઢ લાલ છપાઈ ગયા હતા. બળતરા ખુબજ થઇ રહી હતી , હાથ માં પણ અને હૃદય માં પણ. આખો દિવસ શાળા માં એની નજર મોબાઈલ પર જ મન્ડાઈ રહી.એનું શરીર ભલે શાળા માં હતું પણ હૃદય અને વિચારો અનુજ ના કોન્ફ્રન્સ હોલ માંજ જાણે છોડી આવી હતી.અનુજ ના કોલ ની અપેક્ષા માં આખો દિવસ નીકળી ગયો. પણ અનુજ નો કોલ આવ્યો નહીં.

ઘરે પરત થઇ રહેલ નિશા ની આંખો અને મન બન્ને ભીના હતા. અનુજે કરેલ અપમાન થી હ્ય્યુ વલોવાય રહ્યું હતું. મન ખુબજ ભારે થઇ ગયું હતું. ઘરે જવા પગ ઉપડી રહ્યા ન હતા .માતા પિતા બાળકો ની ચિંતા પાછળ જાત ને ભુલાવી નાખે ને એજ બાળકો ….?????

અચાનક નિશા એ સ્કૂટી ને બ્રેક મારી અટકાવી. મોસંબી ના જ્યુસ વાળી એક થેલી સ્મૃતિ તટ પર તરી આવી. આંખો પાણી થી ઉભરાઈ ગઈ. શીઘ્ર ખુબજ જરૂરી કોઈ બાબત યાદ આવી ગઈ હોય એ રીતે યુ ટર્ન લઇ એણે સ્કૂટી અન્ય દિશા માં ફેરવી. થોડાજ સમય માં એનું સ્કૂટી પોતાના માતા પિતા ના ઘર ની આગળ આવી અટક્યું. રસોડા માં થી પ્રસરી રહેલી સુવાસ થી પોતાની માં ની હાજરી નું ત્યાંજ અનુમાન લગાવતી એ સીધીજ રસોડા માં પ્રવેશી…

” અરે ,નિશા તુ અહીં ? આ સમયે ? સૌ ઠીક તો છે ? એક કોલ કર્યો હોત તો તારી ગમતી કોઈ વાનગી….” માં નું વાક્ય સમાપ્ત થાય એ પહેલાજ એ લપાઈ ને માં ને વળગી પડી. ધડ ધડ વહેતા અશ્રુઓ સાથે માં ને વધુ આવેગ માં ભેટી રહી : ” આમ સોરી માં , મને માફ કરી દે! ” દીકરી ને આ રીતે લાગણીઓ ના આવેશ માં ભીંજાયેલી નિહાળતા માં ના હૃદય માં ધ્રુજારો અનુભવાયો.

” અરે ,પણ શું થયું એ તો કહે …ને આ માફી કઈ વાત ની ? ” માં ના ખભા છોડવા નહીં હોય એ રીતે બાળક ની જેમ રડમસ સ્વર મા નિશા એ ઉત્તર આપ્યો : ” યાદ છે તું મારી શાળા માં આવી હતી , મોસંબી નું જ્યુસ લઇ અને હું…..” અધૂરા છોડેલા વાક્ય ને નિશાએ પોતાના રુદન થીજ સમાપ્ત કર્યું. એ અધૂરા વાક્ય થીજ ભૂતકાળ ની એ વાત માં ની સ્મૃતિ માં સંપૂર્ણ જીવંત થઇ ઉઠી.

નિશા ની શાળા ની નોકરી ના શરૂઆત ના એ દિવસો હતા. લગ્ન હજી થયા ન હતા.પોતાની મહેનત અને લગન થી કાર્ય સ્થળે પોતાની આગવી છાપ ઉપસાવવા નિશા સતત પ્રયત્નશીલ હતી. એ દિવસે શાળા માં વર્ગ શણગાર સ્પર્ધા હતી. બધાજ શિક્ષકો પોતપોતાના વર્ગ ને સ્વચ્છ , સુંદર ને સુઘડ બનાવવા મંડી પડ્યા હતા. નિશા એ આખી રાત જાગી વર્ગ ની દીવાલો શણગારવા ભાત ભાત ના અને માહિતી થી સભર એવા અનેક ભીંત ચિત્રો ને પોસ્ટર તૈયાર કર્યા હતા.


બાળકો વર્ગ ને શણગારી શકે એ માટે હજી દુકાન માંથી ફુગ્ગાઓ , રીબીન ને તોરણો ખરીદવાના બાકી હતા . એટલે દરરોજ કરતા ઘરે થી એ ખુબજ જલ્દી નીકળી ગઈ હતી. માં ની લાખ આજીજીઓ છતાં કઈ પણ જમ્યા વિનાજ એ શાળા એ જવા નીકળી પડી હતી . ઉતાવળ માં ખાલી પેટ થી નીકળેલી નિશા ના સ્વાસ્થ્ય ની ચિંતા કરતું માં નું હૃદય પણ આખરે નજ માન્યું . નિશા ને ગમતું મોસંબી નું જ્યુસ પાર્સલ કરાવી એ સીધા નિશા ની શાળા એ પહોંચ્યા . આચાર્ય ની પરવાનગી લઇ સીધાજ એના વર્ગ આગળ આવી ઉભા થયા :

” માં શું થયું તુ આમ અહીં ?” અચાનક માં ના આગમન થી વિસ્મય પામતી નિશા વર્ગ ના બારણે આવી પહોંચી . ” તુ આમ જમ્યા વિનાજ નીકળી આવી એટલે ….” નિશા ના સામે મોસંબી ના જ્યુસ ની કોથળી ધરતા એમણે પોતાના આગમન નું કારણ જણાવ્યું . વિદ્યાર્થીઓ નું વ્યંગ સમૂહ હાસ્ય નિશા ના કાને પડ્યું . ” માં આ આપણું ઘર નથી . હું અહીં તારું નાનું બાળક નહીં એક શિક્ષક છું . ” નિશા એ ક્રોધ અને ચીઢ થી મિશ્રિત સ્વર મા પોતાની માં ને ખખડાવી .

” પણ આમ ભૂખ્યા શરીરે દોડાદોડી થતી હશે ?” કહેતા એમણે સાથે લઇ આવેલ સ્ટ્રો નો પાઇપ જ્યુસ ની કોથળી માં ભેરવ્યો . વિદ્યાર્થીઓ ના વ્યંગ સમૂહ હાસ્ય એ ઉંચો સ્વર પકડ્યો. છોભીલી પડેલી નિશા એ માં નો હાથ પકડી, તદ્દન દ્રેષ યુક્ત શબ્દો મા વર્ગ મા થી એને બહાર તરફ ખેંચી : ” તુ અહીં થી જતી રહે તો ….”

એ જ ક્ષણે એક માતૃ હૃદય સંતાન નું અપમાન વેઠતું ભારે મન સાથે ત્યાંથી જતું રહ્યું હતું . એ રાત્રે માં કશું પણ જમ્યા વિનાજ ઊંઘવા જતી રહી હતી . નિશા ને એ વર્તન ને વલણ તદ્દન નાટકીય અને બિનજરૂરી ભાસ્યા હતા . પરંતુ આજે આટલા વર્ષો પછી એ હય્યા ની પીડા આખરે સમજાઈ . એ વલણ અને વર્તન પાછળ નું તર્ક સમજ મા આવ્યું . દીકરી ને પાણી નું ગ્લાસ આપતા માં ના ચ્હેરા ઉપર મન્દ મન્દ હાસ્ય લહેરાયું . ” પણ આ બધું આટલા વર્ષો પછી અચાનક કેમ યાદ આવ્યું ?” અનુજ સાથે ના આજના સમગ્ર પ્રસંગ ની વાત શબ્દેશબ્દ નિશા એ માં ને જણાવી : ” આજે સમજ માં આવ્યું કે એ દિવસે મારા વર્તણુક થી તમારા હૃદય ને કેવી ચોટ પહોંચી હશે !”

દીકરી નો હાથ થામી પંપાળતી માં નું મન્દ મન્દ હાસ્ય યથાવત હતું : ” માતા પિતા ની લાગણીઓ ને માતાપિતા બન્યા પછીજ સમજી શકાય . એમની ચિંતાઓ , હઠાગ્રહ , ક્રોધ , સખ્તી બધુજ બાળકો ના હિત માંજ હોય છે . યુવાની ના જોશ અને આવેગ માં એ ભાવો સમજવાની ક્ષમતા ખુબજ મર્યાદિત હોય છે . માતા પિતા ની અનુભવાતી દરેક નકામી ચિંતાઓ ને પ્રયત્નો માતાપિતા બન્યા પછી પોતાના બાળકો માટે અત્યંન્ત સાર્થક લાગવાં માંડે છે . માં નો પ્રેમ બાળકો ની માફી ની રાહ જોતો બેસી રહે એટલો સંકુચિત નથી હોતો . એ તો સ્નેહ નો વિશાળ સાગર જેની દરેક બુંદ પોતાના બાળક ની ફક્ત હિત ઇચ્છુક …..”

માં ના શબ્દો થી નિશા ના મન નો ભાર હળવો થયો . અનુજ ના કોલ ની પ્રતીક્ષા આખરે કેટલી વાજબી હતી ? પોતે માફી માંગવા વર્ષો લગાવી દીધા હતા તો અનુજ ને ફક્ત અમુકજ કલાકો માં લાગણીઓ નો અહેસાસ થઇ જવાની અપેક્ષા કેટલી ન્યાયયુક્ત ? બાળકો માફી માંગે કે નહીં એનાથી માતૃ પ્રેમ ની ગુણવત્તા ને કોઈ અસર થતીજ ક્યાં હોય છે ?


બાળકો ના હિત મા પોતાની દરેક ફરજ ને દિલોજાન થી નિભાવતા માતાપિતા ની લાગણીઓ ને સમજ્યા વિનાજ જયારે સંતાન એમની સંવેદનાઓ ને દુભાવતા હોય છે ત્યારે એ પીડા ને ઠંડે કલેજે વેઠી, હસતા હોઠે પોતાનું કર્તવ્ય બજાવતા રહેતાં એ હય્યાઓ આટલી સહનશીલતા ક્યાંથી લાવતા હોય છે ?

માં ને મળ્યા પછી નિશા નું કલેજું પણ એટલુંજ ઠંડુ થઇ રહ્યું . પોતાની ફરજ સ્મિત યુક્ત ચ્હેરા સાથે નિભાવવા એ સહનશીલ હૃદય ઘરે જવા ઉપડ્યું . સ્કૂટી ને કિક જ મારી કે મોબાઈલ રણક્યો : ” માં , આમ સોરી …આઈ ડિડન્ટ મીન ધેટ યુ નો ?” મન્દ મન્દ હાસ્ય સાથે નિશાએ ઉત્તર આપ્યો : ” માં નો પ્રેમ સંતાન ની માફી ની રાહ જોતો બેસી રહે એટલો સંકુચિત નથી હોતો . એતો સ્નેહ નો વિશાળ સાગર જેની દરેક બુંદ પોતાના બાળક ની ફક્ત હિત ઇચ્છુક ….”

લેખક : મરિયમ ધુપલી

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર આજે જ લાઇક કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ