અનોખું વ્રતઃ જ્યાં પુરુષો કરે છે સ્ત્રીઓ જેવો શણગાર અને મનવાંચિત પત્ની પામવાની કરે છે કામના…

ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને કથાઓનું ચલન ખૂબ જ પ્રમાણમાં છે. જયા – પાર્વતીનું વ્રત સૌથી વધુ પ્રચલિત છે જેમાં નાની વયથી બાળાઓ શણગાર કરીને ભગવાન શંકરને પૂજવા જાય છે. મોળું ખાય છે અને જાગરણ પણ કરે છે. તે મોટી થાય ત્યાં સુધી અને પરણી જાય ત્યાં સુધી આ વ્રત કરે છે. કેવડા ત્રીજ, કરવા ચોથ અને એવા કેટલાંય વ્રતોનો મહિમા ગવાતો હોય છે જેમાં સ્રીઓ સારો પતિ પ્રાપ્ત થાય એવું વરદાન ઇચ્છતી હોય છે અને લગ્ન બાદ કરતાં વ્રતોમાં પતિની આવરદા વધે એવું માગતી હોય છે. પરંતુ ક્યાંય એવું સાંભળ્યું છે કે પુરુષોએ કોઈ વ્રત કર્યું જેનાથી તેને મનગમતી પત્ની મળી? તો હા, એવું એક સ્થળ છે ત્યાં આવો રિવાજ પણ છે.

ભારતમાં એક એવું મંદિર છે જ્યાં પુરુષોએ મહિલાઓની જેમ સોળ શણગાર કરીને ભગવાનના મંદિરમાં જઈને પૂજન – અર્ચન કરે છે. તો સાંભળીને થોડૂંક અટપટું લાગશે. પરંતુ આ વાત એકદમ સાચું છે. અહીં આવનાર દરેક પુરુષનો એક ખાસ હેતુ હોય છે. એક મહત્વકાંક્ષા, મનોરથ જે પરિપૂર્ણ થાય છે અહીંના એક ચોક્કસ વિધિવિધાનથી પૂજા કરીને. અહીં આવતો પુરુષ તેની બે સૌથી મહત્વપૂર્ણ માનતા લઈને પહોંચે છે. એક છે લગ્ન વિષયક અને બીજી આજીવિકા અંગેની.

પુરુષોથી જોડાયેલ આ ગજબના રિવાજની પ્રથા દક્ષિણ ભારતના કુદરતી સૌંદર્યના સામ્રારાજ્ય સમા રાજ્ય કેરલમાં છે. અહીં પૂજા અર્થે મનોકામનાની પૂર્તી કરનારા પુરૂષોને સારી પત્ની અને નોકરી માટે મહિલાઓની જેમ શણગાર કરીને ખાસ કરીને સુંદર રીતે સાડી પણ પહેરીને વિધિ કરવી પડે છે.

આવું દુનિયાદારીથી જુદી રીતરિવાજવાળી પ્રથાનું મંદિર આવેલ છે કેરલના કોલ્લમ જિલ્લાના કોટ્ટુનકુલંગરામાં. જ્યાં શ્રીદેવી નામના મંદિરમાં પુરુષોને મહિલાઓની જેમ સોળ શ્રૃંગાર કરીને પૂજા કરવાની રહે છે. એવી માન્યતા છે કે જ્યારે પુરુષ મહિલાઓની જેમ સંપૂર્ણ સોળ શણગાર કરે છે ત્યારે તેમની મનોકામનાની પૂર્તિ થાય છે.

સ્થાનિક લોકોના કહેવા અનુસાર તેમની વાતાને માનીએ તો આ મંદિરમાં માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઇ હતી. વર્ષો પહેલા ઘેંટા ચરાવનારાઓએ માતાની આ મૂર્તિની પૂજા મહિલાઓના વસ્ત્ર પહેરીને કરી હતી. ત્યારબાદ એ પ્રથા પડી ગઈ કે અહીં આવનાર દરેક પુરૂષને આ મંદિરમાં પ્રવેશ કરવા માટે મહિલાઓ જેવાં શણગાર અને વસ્ત્રો પહેરવાના રહે. એવું નથી કે આ મંદિરમાં સ્ત્રોનો પ્રવેશ નિષેધ છે. આ મંદિરમાં પુરૂષોની સાથે મહિલાઓ પણ દર્શન કરી શકે છે. એક ખાસ સમય છે જે દર વર્ષે 23 અને 24 માર્ચે આ શ્રીદેવી મંદિરમાં ચામ્યાવિલક્કુ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન પુરુષો મહિલાઓના વેશમાં જ પ્રવેશી શકે છે.

આપણે અત્યાર સુધી સાંભળતાં આવીએ છીએ કે યુવતીઓ મનગમતો પતિ મેળવવા સોળ સોમવારના વ્રત કરે છે. પરંતુ કેરલના આ મંદિરમાં એવું છે કે જ્યાં પુરૂષ સારી પત્ની મેળવવા માટે માતાજીને ખુશ કરવાની કોશિશ કરે છે. આ ખાસ પ્રથાથી થતી પૂજા માટે આ મંદિર જગવિખ્યાત છે.