અંગદાન કોણ કરી શકે અને કોણ મેળવી શકે, એ વિશે ટેકનોલોજીના જમાનામાં પણ જાગૃતિ નહિવત…

આપણે વારતહેવારે કોઈને કોઈ પ્રકારનું દાન કરીએ છીએ. જેમાં વસ્ત્રો, અનાજ કે પૈસાથી સૌને મદદ કરતાં હોઈએ છીએ. સાથે આપણે રક્તદાન, નેત્રદાન અને અંગદાન જેવા દાનના મહત્વ વિશે પણ અવારનવાર સાંભળતાં હોઈએ છીએ. ખરેખર તો તેનાથી એક જિંદગી માત્ર નથી ફરીથી જીવંત થતી, તેનાથી આખા પરિવાનને જીવનદાન મળી રહે છે. બ્લડ કેમ્પ આપણે સામાન્ય રીતે યોજાતા જોઈએ છીએ. જે ખરેખર પ્રસંશનીય કાર્ય છે. પરંતુ આજે પણ આપણાં સમાજના અનેક લોકોને અંગદાન અંગેની જાણકારી બહુ મળતી નથી. આપણાં સમાજમાં હજી પણ અંગદાનની જાગૃતિ જોઇએ તેટલા પ્રમાણમાં પ્રસરી શકતી નથી. જોકે આ વિશેની જાગૃતિનું પ્રમાણ ધીમેધીમે વધી તો રહ્યું જ છે, જે ખરેખર એક સારી બાબત છે. ઘણાને પ્રશ્ન થતો હોય છે કે અંગદાન એટલે શું?
અંગદાનની વિસ્તૃત સમજણઃ અંગદાન વિશેની સમજણ લેવા પહેલાં આપણે સૌથી પહેલાં બ્રેઇન ડેડ અંગેની માહિતી અતિ જરૂરી છે. જે દર્દીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તે દર્દીની ફરીથી ભાનમાં આવવાની અને જાતે શ્વાસ લેવાની શક્યતા રહેતી નથી. તે સમયે તે વ્યક્તિ માત્ર કૃત્રિમ શ્વાસની સુવિધા પર જીવિત રહે એટલે કે તે વેન્ટિલેટર મશીનથી દર્દીની શ્વાસની પ્રક્રિયા ચાલતી હોય તેવા દર્દીને બ્રેઇન ડેડ કહેવામાં આવે છે. આ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરતા પહેલાં એક પ્રક્રિયા હોય છે તેમાં નિષ્ણાંત ડૉક્ટરની એક પેનલ બનાવાય છે અને તેઓ દર્દીની સંપૂર્ણ તપાસ કરે છે. ત્યારબાદ તેઓ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરે છે. હકીકતે આવા દર્દી માત્ર એક જીવિત લાશ સમાન હોય છે.હવે પછીની અંગદાનની પ્રક્રિયા શરૂ થાય છે. જો તેના નિકટનાં સગાંસંબંધી આ બ્રેઇન ડેડ દર્દીના અવયવો સ્વસ્થ હોય તો હાર્ટ, કિડની, લીવર, આંખો દાન આપવાની મહેચ્છા કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે.
કોણ કરે છે અંગદાન અને કોને કામ આવી શકે આ અંગોઃ સામાન્ય રીતે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા દર્દી વધારે બ્રેઇન ડેડ થતાં હોય છે. એ સમયે તેઓ કોમામાં જઈને તેમનું મસ્તિસ્ક બંધ થઈ જતું હોય છે. અને માત્ર તેમના શ્વાસ જ ચાલુ રહે છે. આ વ્યક્તિ સામાન્ય રીતે કોઈ ગંભીર રીતે બીમાર ન હોય અને તેમના અંગો અગાઉથી જ યોગ્ય રીતે કાર્યરત હોય છે. અહીં એ ઉલ્લેખનીય છે કે આ દર્દીના અવયવો ગંભીર બીમારીમાં હોય એવા દર્દીના ઉપયોગમાં આવે છે. એટલે કે હાર્ટ, લીવર, કિડની જેવી બીમારીના દર્દીને ઉપયોગી બને છે. તેમના ખરાબ અને કાર્યબંધ થઈ ગયેલા દરદીઓના એ અંગો કાઢીને સ્વસ્થ અંગોને ઓપરેશન દ્વારા ગોઠવવામાં આવે છે.
અંગદાન વિશેની ગેરસમજણઃ બને એવું છે કે આજે પણ અંગદાન કરવામાં લોકો આજની તારીખે ખચકાટ અનુભવે છે, આપણાં સમાજના અનેક લોકો હજી પણ બ્રેઇન ડેડને મૃત્યુ તરીકે સ્વીકારવા તૈયાર થતા નથી એવું પણ બને છે. જેના લીધે તેઓ યા તો અંગદાન કરવાની એ સમયે ઘસીને ના પાડી દેતા હોય છે અથવા દર્દીના પરિવાર મૃત વ્યક્તિના અંગ સ્વીકારવા નથી ઇચ્છતા.અંગદાન પ્રત્યે જાગૃતિઃ આપણા સમાજે ૨૧મી સદીમાં પહોંચતાં અંગદાન પ્રત્યે જાગ્રત થવું પડશે. ટેકનોલોજી ખૂબ વધી છે ત્યારે બ્રેઇન ડેથ થયેલ જે દર્દીના પરિવાર કે નિકટના સંબંધીઓ તેમના મૃત્યુને સ્વીકારવા તૈયાર થતા નથી તે બાબત ખરેખર તો સ્વાભાવિક છે પરંતુ નક્કર વાસ્તવિકતા એ પણ છે કે ૯૯ % બ્રેઇન ડેડ દર્દી પૂર્નજીવિત થઇ શકતા નથી. અ દર્દીના સંબંધીઓએ માનસિક રીતે તૈયાર થઈ સામાજિક ઉદારતાથી વિચારીને બ્રેઇન ડેડ દર્દીના અંગોને દાનમાં આપવા જોઈએ.અંગદાન મહાપૂણ્યઃ આ મહાપૂણ્ય નિર્ણયથી બીજું એક જીવન જ નહીં સમસ્ત પરિવારને સજીવન કરાય છે. કારણ કે આપણે મનુષ્યદેહે સમસ્ત દુનિયાને મુઠ્ઠીમાં લઈ શકવાની દરેક ટેકનોલોજી વિકસાવી છે પરંતુ એ શારીરિક અંગો જે આપણાં જન્મ સાથે મૃત્યુ સુધી સાથ આપે છે એ ભલે કૃત્રીમ રીતે પણ બને છે છતાંય કુદરતી બાવટને અનુરૂપ તો ક્યારેય બની શકશે નહીં. હાલમાં, એવા કેટલાક કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે જેમાં પરિવાર તેમના સ્વજનના અપમૃત્યુને સ્વીકારીને અંગદાનની અનુમતિ આપે છે. જે ખરેખર બિરદાવવા જેવી બાબત છે. એ પરિવારને સલામ…