ઓનલાઈન અંગત વાતો, અંગત ફોટા, અને અંગત વિડિયો શેર કરવાનું ભારે પડ્યું આ ગુજરાતી ધનાઢ્ય યુવતિને

તમારી અંગત પળો બીજા સાથે શેયર કરતા લાખ વખત વિચાર કરો. તેના પરિણામોનો વિચાર કરો. નહીંતર આ યુવતિ જેવી દશા થઈ શકે છે.

મુંબઈ હોય કે બેંગલોર હોય કે અમદાવાદ હોય દેશના મહાનગરોમાં પ્રેમી પંખીડાઓ હાથમાં હાથ નાખીને પ્રેમ ગોષ્ટી કરતાં કરતાં ક્યાંક કોઈ ગાર્ડનમાં તો ક્યાંક કોઈ તળાવના કાંઠે જોવા મળવા તે હવે શહેરી જનો માટે સાવ જ સામાન્ય અને સહજ વાત થઈ ગઈ છે.

પણ જો આ જ દ્રશ્યમાં થોડો ટ્વીસ્ટ આવે તો ! એટલે કે આવી જગ્યાએ કોઈ લવબર્ડ હાથાપાઈ કરતા જોવા મળી જાય તો ! તો તો ન હોય ત્યાંથી લોકોના ટોળા આવી જાય.

હા, અમદાવાદના જ એક જાણીતા ઔડા ગાર્ડનમાં આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું. એક યુવક યુવતિને બેફામ મારી રહ્યો હતો. અને પેલી યુવતિ હીબકા ભરતી તેને કરગરી રહી હતી.

ધીમે ધીમે લોકો ભેગા થવા લાગ્યા. અને કેટલાક લોકોએ છોકરાને તેમ નહીં કરવાનું કહ્યું અને તેને પોલીસ ભેગો કરી દેવાની હૂલ પણ આપી. ભયના માર્યા છોકરાએ મારવાનું બંધ કર્યું. અને લોકો તરત જ તે યુવતિને તેનું કારણ પુછવા લાગ્યા. પણ ત્યાં સુધીમાં તો છોકરો ત્યાંથી ભાગી ગયો.

છોકરી સતત રડી રહી હતી, કોણ જાણે બીચારીની શું મજબુરી હતી તો તેણીએ ચુપચાપ આટલો માર ખાધો હશે. પણ જ્યારે લોકોને તે યુવક-યુવતિ વચ્ચેના ઝઘડાનું કારણ ખબર પડી ત્યારે જાણે બધાના શ્વાસ થંભી ગયા.

યુવતિનું નામ હતું રુચિતા તે વલસાડના એક ધનાડ્ય કુટુંબમાંથી અમદાવાદ અભ્યાસઅર્થે આવી હતી. માતાપિતાએ પુર્ણ વિશ્વાસ સાથે યુવતિને સ્વતંત્ર રીતે અમદાવાદમાં અભ્યાસ કરવા માટે મોકલી હતી. પણ યુવતિ તે ભરોસાને વધારે લાંબો સમય ટકાવી ન શકી. તે સીટીલાઈફની ચકાચોંધથી અંજાઈ ગઈ હતી. શું યોગ્ય શું અયોગ્ય તેનું તેને ભાન નહોતું રહ્યું અને આ જ અંધાપામાં તેણી એક ભયાનક ભૂલ કરી બેઠી.

પોતાની સાથે અભ્યાસ કરતા રોનક નામના છોકરાની તે નજીક આવી ગઈ. ધીમે ધીમે મિત્રતા થઈ અને પછી પ્રેમ થયો. તેમના પ્રેમમાં કોઈ જ બાધાઓ નહોતી. છોકરી અહીં એકલી પીજીમાં રહેતી હતી. માતાપિતાની વોચ હતી નહીં. અને છોકરાઓને તો જાણે છૂટ જ મળી જાય છે જેમ ફાવે તેમ ફરવાની – વર્તવાની. બસ બન્નેનો પ્રેમ પરવાન ચડ્યો.

અવારનવાર મળવાનું શરૂ થઈ ગયું. દીવસ રાત ચેટીંગ, કોલીંગ અને વિડિયો ચેટિંગ શરૂં થઈ ગયું. પ્રેમમાં આંધળી રુચિતાને કોઈ જ ભાન ન રહ્યું . હવે તેણી પોતાની અંગત પળો પણ રોનક સાથે વિડિયો પર શેયર કરવા લાગી. બસ દગાખોર રોનકને તો આ જ જોઈતું હતું.

રુચિતા પાસેથી થોડીક છૂટ મળતા હવે રોનકે તેના અત્યંત અંગત ફોટોગ્રાફ્સ કહેવાય તેની ડીમાંડ કરવા માંડી. રુચિતા પણ પ્રેમાંધ થઈ ગઈ હતી. તેને તો હવે રોનકમાં જ પોતાનો ભગવાન દેખાતો હતો.

તેણે પણ રોનક કહે તેમ કરવા માંડ્યું અને ધીમે ધીમે બન્ને એકબીજા સાથે માણેલી અંગત પળોનો વિડિયો બનાવવા લાગ્યા. રુચિતા માટે ભલે આ બધું એક ગંભીર પ્રેમનો પુરાવો હોય પણ. રોનક માટે તો આ બધી રમત વાતો જ હતી.

રોનકે હવે રુચિતામાં રસ લેવાનો ઓછો કરી દીધો હતો. અને હવે તે તેણી સાથે પ્રેમથી નહીં પણ તોછડાઈથી વર્તવા લાગ્યો હતો. ધીમે ધીમે રુચિતાને વાસ્તવિકતાનું ભાન થઈ રહ્યું હતું. સ્વપ્નનો કાચનો મહેલ ચકનાચુર થઈ રહ્યો હતો. પણ બહુ મોડું થઈ ગયું હતું.

રોનકે પોતાના રંગ બતાવવાના શરૂ કરી દીધા. તે હવે રુચિતાને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. બિચારી રુચિતાએ જે પ્રેમની અંગત ક્ષણો રેકોર્ડ કરી હતી તેનો રોનકે જાણે ધંધો શરૂ કરી દીધો હતો. તે હવે જો રુચિતા રૂપિયા ન આપે તો વિડિયોને વાયરલ કરી દેવાની ધમકી આપવા લાગ્યો હતો.

રુચિતાની સ્થિતિ કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી. તે એક એવી જગ્યાએ ઉભી હતી કે ન પાછળ ખસી શકાય ન આગળ વધી શકાય. તે મદદ માટે માતાપિતાનો સહારો લઈ શકે તેમ નહોતી. આ બધાથી ડરીને તેણે મજબુરીથી રોનકને અવારનવાર રુપિયા આપવા જ પડતા.

તેણી હવે ઉંડા ડીપ્રેશનમાં જતી રહી હતી. બીજી બાજુ નફ્ફટ રોનકને કોઈ જ અસર નહોતી થતી. જોકે રોનક માટે રુચિતા એ કંઈ પહેલી છોકરી નહોતી તેણે આ પહેલાં પણ બીજી અસંખ્ય છોકરીઓ સાથે આ નફ્ફટાઈ કરી હતી. આ એનો વ્યવસાય થઈ ગયો હતો.

રુચિતા પોતાનું હૃદય કોઈની પણ સામે ખોલી શકે તેમ નહોતી. તેને સતત પોતાના માતાપિતાની આબરુની ચિંતા સતાવ્યા કરતી હતી અને બીજી બાજુ રોનક રૂપિયા એંઠતો રહેતો હતો.

છેવટે તેણે પોતાની બહેનપણીઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું. અને તેણે વાત કરી પણ ખરી અને બહેનપણીઓએ પણ તેણીને હિમ્મત અપાવી કે હવે તેણીએ રોનક સામે ઝુકવું નહીં તેની કોઈ જ માંગણી સ્વિકારવી નહીં.

અને આ જ વાતની ચોખવટ કરવા રુચિતાએ રોનકને અમદાવાદના જાણિતા ઔડા ગાર્ડનમાં બોલાવ્યો. તેણીએ રોનકને વિનંતી કરી કે તેની પાસે તેની જેટલી વિડિયો, જેટલા ફોટોઝ છે તે બધું જ તે ડીલીટ કરી દે. પણ રોનકનો તો આ વ્યવસાય હતો. છોકરીઓને ભોળવી, પટાવવી અને ફસાવવી આ એનો પ્રોફેશન હતો. એમ કંઈ થોડી ઇઝીલી તે માની જવાનો હતો.

તેણે વાત ન માની છેવટે રુચિતાએ તેની સાથે ઝઘડો કર્યો અને તેને ધોકેબાજ, દગાખોર કહ્યું. હવે તે બધાને સંભળાય તેમ જોર જોરથી રોનકને ધમકાવવા લાગી. આમ થવાથી રોનકનું અહમ ઘવાયું તેણે રચનાને લાફા ઝીકવા માંડ્યા અને ત્યાં જ લોકો દોડી આવ્યા અને તે ત્યાંથી ભાગી ગયો.

લોકોએ તરત જ રુચિતાને પોલીસ સ્ટેશને જઈ રોનકની ફરિયાદ નોંધાવવા કહ્યું. પણ રોનક ત્યાંથી ભાગતી વખતે એક ચાલાકી કરતો ગયો હતો તે ત્યાંથી રુચિતાનો ફોન પણ ઉઠાવતો ગયો હતો. રુચિતા રોનકથી ત્રસ્ત થઈ ગઈ હતી, બીચારી તે પણ ચોક્કસ પોલીસમાં તેની ફરિયાદ કરાવવા માગતી જ હશે. પણ બીજી ક્ષણે તેને પોતાના માતાપિતાનો પણ વિચાર આવતો હશે.

એ માતાપિતાને તેણી શું કહેશે ? જેમણે તેને આટલી મોટી કરી, તેના પર વિશ્વાસ કરી પરગામ ભણવા મોકલી. તે દીકરીએ તેમની આબરુની પણ ચિંતા ન કરી ?

મિત્રો અહીં મારું કહેવાનું એટલું છે કે જીવનમાં તમારી સાથે ભલે ગમે તેટલું ખરાબ થઈ જાય તેમાં તમારો વાંક હોય કે ન હોય. પણ એવું ન સમજવું કે દુનિયાનો અંત આવી ગયો છે. ભગવાન ભલે બધા દરવાજા બંધ કરી દે પણ એક બારી ક્યાંકને ક્યાંક તો ખોલી જ રાખે છે. તમારે બસ હીંમત રાખી ત્યાં પહોંચવાનું રહે છે.

પણ શહેરમાં ઉત્સાહ સાથે પોતાની કેરિયર બનાવવાના ઉદ્દેશથી આવતી યુવતિઓને એટલી ચોક્કસ સલાહ છે કે તેઓ આવી નકલી ચકાચોંધથી અંજાઈ ન જાય. પોતાના પર સંયમ રાખે અને પોતાના માતાપિતાએ આપેલા સંસ્કારોને માન આપે. બાકી દુનિયામાં એક નહીંને બીજા પગલે આવા છેલ બટાઉ, તકભોગી, નઘરોળ, વિકૃત રોનકો મળતા જ રહેશે. તમારે જ તમારી જાતને બચાવવાની છે.

(અહીં ગોપનિયતાના ઉદ્દેશથી સ્થળ અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ