પતિ અને પત્ની એક સિક્કા ની બે બાજુ હોય છે, ભલે એ અમીર હોય કે ગરીબ….

“અંધારપટનો ઉત્સવ છે”

‘સ્મિતા, તારા મહાદેવને કહેજે આજે આપણને સાડી ત્રણસો રૂપિયા અપાવી દે,’ પ્રકાશે કહ્યું. ‘કેમ ત્રણસો નહીં ચારસો નહીં અને સાડી ત્રણસો જ?’ સ્મિતાએ પાંઉનો લુખ્ખો બટકો મોંમાં મૂકતા પૂછ્યું.’કાલે ચર્નીરોડ પર અમૃત મળ્યો’તો એ નહોતો કહેતો કે, હમણાં દિવાળીમાં પેલી દોરી ખેંચવાવાળી ચાર ટૂકડાની લાકડી સાડી પાંચસોમાં વેચાય છે. આ વખતે આપણે એ તારા માટે લઈ લઈએ બે દિવસના બચાવેલા રૂપિયામાંથી બસ્સો મારી પાસે છે હવે સાડી ત્રણસો બીજા મળી જાય તો આજે લઈ લેવાય ને!’ કહેતાં પ્રકાશે સ્મિતાનો હાથ પકડ્યો અને પ્લેટફોર્મ પર પ્રવેશેલી ટ્રેનમાં પ્રવેશવા માટે બંને ઊભા થયા.

પણ પ્રકાશની આ વાત સાંભળતા જ સ્મિતાએ તેનો હાથ પાછો ખેંચી લીધો અને પ્રકાશને ટ્રેનમાં ચઢતા અટકાવી લીધો. ‘અરે, શું થયું? ચાલ જલ્દી, ટ્રેન ચાલૂ થઈ જશે.’ સ્મિતાનો છૂટી ગયેલો હાથ ફરી પકડી લેવા પ્રકાશે આમ-તેમ ફાંફાં માર્યા.’ના કંઈ કામ નથી.તમારે આજે મારી લાકડી લેવા માટે પૈસા માગવા હોય તો મારે નથી આવવું’ સ્મિતાએ સ્ત્રીહઠની તૈયારી આદરી. ‘અરે પણ કેમ?’ પ્રકાશે પૂછ્યું. ‘આજે જેટલાં પૈસા જમા થાય એમાં આ બસ્સો રૂપિયા ઉમેરીને તમારા માટે પેન્ટ લઈ લેશું. કેટલાં દિવસથી આ ફાટેલો પેન્ટ પહેરીને ફર્યા કરો છો, મને નથી ગમતું.’ સ્મિતા બોલી. ‘અરે, કેવી ગાંડા જેવી વાત કરે છે, આપણે અંધ માણસ, કપડું ફાટ્યું હોય કે સારું આપણને શું ફર્ક પડે છે. તું થોડી મને જોઈ શકવાની છે?’ પ્રકાશે વ્હાલથી સ્મિતાના માથે ટપલી મારતા કહ્યું. ‘ભલે નહીં જોતીતો નહીં જોતી પણ તમારો નવો પેન્ટ લેવાનો છે બસ, કહીદીધું.’

સ્મિતાએ કોર્ટમાં બેઠલાં જજની જેમ આખરી નિર્ણય સંભળાવી દીધો. ‘સ્મિતા આ તે કેવી ખોટી જીદ્દછે તારી? તારે માટે નવી લાકડી લેવી જરૂરી છે કે મારો પેન્ટ, મારો આ પેન્ટ હજી હમણાં ચાલે એવો છે. મને તારા માટે લાકડી લઈ લેવા દે ને…’ પ્રકાશે જજસાહેબ પાસે એક વધુ ચાન્સમાગ્યો.’ના એટલે ના, બસ એકવાર કહ્યુંને, તમે સાથે આવવાના છો કે હું વાસણવાળા સુરેશ પાસે જઈ આવું?’ સ્મિતા ટસની મસ નહીં થઈ. ‘હા સારું પણ હવે તે માટે પણ પૈસા તો ભેગા કરવા પડશે કે નહીં, ચાલ ઊભી થા, ટ્રેન આવી ગઈ.’

આજીવન અંધારુ પોતાના નસીબમાં લખાવી આવેલા પ્રકાશ અને સ્મિતા બંને પતિ-પત્ની હતાં.દ્રષ્ટિવિહીન એવું આ યુગલ ક્યારેક મુંબઈની સબર્બન ટ્રેનમાં તો ક્યારેક ચર્ચગેટસ્ટેશનની બહાર આવેલા લેકમે સલુન પાસે બેસીને આવતા જતાં લોકો સામે હાથ ફેલાવી પોતાનું ગુજરાન ચલાવી લેતા હતાં. આજે સવાર – સવારમાં આ યુગલ વચ્ચે આ મીઠી તકરાર થઈ અને દલીલોના અંતે પત્ની જીતી ગઈ. ચર્ચગેટ તરફ જતી ટ્રેનમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી બંનેએ આજના દિવસની શરૂઆત કરી.

સાંજના ચાર વાગતામાં તો બીજા દોઢસો રૂપિયા ભેગા થઈ ગયા એટલેસ્મિતાએ ફરી સવારની જીદ્દનો છેડો પકડ્યો.’બસ ચાલો ખાવાના પચાસ સિવાય ત્રણસો ભેગા થઈ ગયા ને, હવે ચાલો સૂરેશ પાસે જઈને એક પેન્ટ લઈ આવીએ.’ પણ પ્રકાશ ને હજી પણ એકાદ કલાક કામ કરી લેવું હતું કારણ કે, તે મનોમન વિચારતો હતો કે આજે ગમે-તેમ કરી સાડી ત્રણસો મળી જાય, તો પછી ભલે સ્મિતાના કહ્યા કરતી પણ તેના માટે એક નવી લાકડી ખરીદી લેવાય. પરંતુ સ્મિતા માને તો પ્રકાશનીએ મનોકામના પૂર્ણ થઈ શકેને! એ તો મંડી પડી બસ સૂરેશ વાસણવાળાને ત્યાં ચાલોને બસચાલો.આખરે સ્ત્રીહઠ સામે પ્રકાશે નમતું જોખવુ પડ્યું અને બંને જૂના કપડાં લઈ વાસણ વેચતા સૂરેશના ઝૂપડે જઈ પહોંચ્યા.પ્રકાશના માપનું એક સરસ પેન્ટ સૂરેશે શોધી આપ્યું.સ્મિતા એ ફરી જીદ્દ પકડી, ‘ના હમણાં જપહેરો અને સૂરેશભાઈને દેખાડો કે તમે કેવા લાગો છો.’ પ્રકાશને સ્મિતાનો હુકમ અનુસરવા સિવાય છૂટકો નહોતો. આખરે બંને તે નવું ખરીદેલું પેન્ટ લઈ રવાના થયા.

‘આ પેન્ટની હમણાં સાચે જ જરૂર નહોતી સ્મિતા, એના કરતાં તેં મને તારા માટે નવી લાકડી લઈ લેવા દીધી હોતતો!’ પ્રકાશે સ્મિતાના ખભે હાથ મૂકતા કહ્યું. સ્મિતા હમણાં ખૂબખુશ જણાતીહતી, તેણે પ્રકાશના ગાલ પર હાથ ફેરવતાં કહ્યું,’તમે મારા માટે નવી લાકડી લઈ લો તો પછી મારે તે પકડીને ચાલવું પડે અને આ હમણાં તમે જે મારો હાથ પકડ્યો છે તે બંધ થઈ જાય. એ મને નહીં ચાલે. મને ચાલવા માટે લાકડીની નહીં તમારા હાથની જરૂર છે, પ્રકાશ.’ સવારના કોઈ કે મીઠાઈનો ટૂકડો ભીખમાં આપ્યો હતો તે સ્મિતાએ તેના થેલાંમાંથી કાઢ્યો અને અડધો પોતાના મોઢામાં અને અડધો પ્રકાશના મોઢાંમાં મૂક્યો. ‘અરે, આ ક્યાં થી લાવી?’પ્રકાશે પૂછ્યું. સ્મિત સાથે સ્મિતા બોલી, ‘મહાદેવે આપ્યો.’

લેખક : આશુતોશ દેસાઈ

ખુબજ લાગણીસભર વાર્તા, શેર કરો તમારા મિત્રો સાથે…. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી