અંધ હોવાને લીધે રેલ્વેમાં નોકરી ના મળી, તો બની ગઈ IAS ઓફિસર…

વિજેતા તે નથી હોતો જે ક્યારેય નિષ્ફળ ન થયો હોય પણ વિજેતા તે હોય છે જે ક્યારેય હાર નથી માનતો. આપણી આજની વિરાંગના અંધ છે પણ તેણે પોતાની આ ખામીના કારણે ક્યારેય સપનાં જોવાનું બંધ નથી કર્યું. પણ પોતે જે સ્વપ્ના જુએ છે તેને વાસ્તવિકતામાં ફેરવવાનું જોમ તો તે ચોક્કસ રાખે છે. તેણી ભલે રાણી લક્ષ્મી બાઈની જેમ યુદ્ધમાં ન ઉતરી હોય પણ તેણી જીવના મહાયુદ્ધમાં ચોક્કસ જીતી ગઈ છે.


આપણે ખુબ જ સરળતાથી કહી શકીએ કે અંધ વ્યક્તિ શું ન કરી શકે પણ એવો અંદાજો ક્યારેય નથી લગાવ્યો કે અંધ વ્યક્તિ શું કરી શકે. એવો અંદાજો લગાવવાની હિંમત પણ ન કરતાં કારણ કે આજની આપણી આ યુવતિ તમને તેમાં પણ હરાવી દેશે. આ દિવ્યાંગ યુવતિનું નામ છે પ્રાંજલ પાટિલ, તેણી મહરાષ્ટ્રીયન છે. એક અંધ હોવા છતાં તેણે પોતાની આ સ્થિતિની ફરિયાદ નથી કરી. તે પોતાના અંધાપાને ખુબ જ સામાન્ય માને છે.

તે અભ્યાસમાં નાનપણથી જ નિપૂણ હતી. તે અભ્યાસને માત્ર અભ્યાસની દ્રષ્ટીએ નહોતી જોતી પણ તે અભ્યાસને ખુબ એન્જોય પણ કરતી માટે અભ્યાસ તેના માટે કોઈ મુશ્કેલ બાબત જ નહોતી. “પ્રેમ અને ધીરજથી કશું જ અશક્ય નથી.” દાઇસાકૂ ઇગેડા. દાઇસાકૂ ઇગેડા પ્રાંજલના આદર્શ છે તેણીની સવાર તેમના પુસ્તકો વાંચવાથી જ પડે છે. તેઓ એક જાપાનીઝ બુદ્ધિસ્ટ ફિલોસોફર છે.

પ્રાંજલ કંઈ જન્મજાત અંધ નહોતી. તેણી એક સંપૂર્ણ સ્વસ્થ શરીર સાથે જન્મી હતી પણ તેણી માત્ર છ જ વર્ષની હતી અને શાળાના એક વિદ્યાર્થીએ તેની આંખમાં પેન્સીલ ખૂંચાવી દીધી હતી. અને ત્યાર બાદ ચેપ લાગતા તેણીની બીજી આંખ પણ અંધ થઈ ગઈ હતી. ત્યારથી પ્રાંજલ જીવન સાથે અને જીવનની મુશ્કેલીઓ સાથે લડતી આવી છે અને દર વખતે જીતતી આવી છે. તેના પિતાએ તેને ભણાવવા માટે મુંબઈની શ્રીમતી કમલા મહેતા શાળામાં દાખલ કરી દીધી. અહીં અંધ બાળકોને બ્રેઇલ લિપીનું શિક્ષણ આપવામાં આવે છે.

તેણીએ શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને બારમાં ધોરણમાં તેણીએ 85 ટકા મેળવ્યા. ત્યાર બાદ તેણીએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બીએનો અભ્યાસ કર્યો. તે વખતે તેણી ઉલ્હાસનગરથી મુંબઈ ટ્રેનમાં અપડાઉન કરતી હતી. રસ્તામાં ઘણા લોકો તેની નાની મોટી મદદ કરતા કોઈ ટ્રેનમાં બેસાડવામાં મદદ કરતા તો કોઈ રસ્તો ક્રોસ કરાવવામાં મદદ કરતા. તો વળી કોઈ કૂતુહલ અને દયા ખાતર પુછી પણ લેતા કે તેણી શા માટે આટલી લાંબી મુસાફરી કરે છે. તે કેમ પોતાના ગામમાં નથી ભણી લેથી. પણ તેણીએ સેન્ટ ઝેવિયર્સથી જ ગ્રેજ્યુએશન કરવાનું નક્કી કરી લીધું હતું.


તેણી જ્યારે કોલેજ કરી રહી હતી તે દરમિયાન જ તેને સૌ પ્રથમવાર યુપીએસસીની પરિક્ષા વિષે જાણવા મળ્યું. અને હવે તેણી તે વિષે વધારે જાણવા ઉત્સુક થઈ તેણે ધીમ ધીમે તેની તપાસ કરવા માંડી. અને એક આઈએએસ બનવાનો નિર્ધાર કરી લીધો.

તેણી માત્ર અંધ હોવાથી કોઈના પર ડીપેન્ડ નહોતી રહેવા માગતી. અને હંમેશા તેણીએ પોતાની મુશ્કેલીઓનો રસ્તો જાતે જ શોધ્યો છે. ભણવામાં અત્યંત નિપૂણ હોવાથી તેણીનું સ્વપ્ન હતું કે તે સરકારી પરીક્ષા આપી સરકારી નોકરી મેળવે.

મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાં બી.એ પૂર્ણ કર્યા બાદ તેણી હવે પોતાનું માસ્ટર દિલ્હીની જે.એન.યુમાં કરવા માગતી હતી. એમએના અભ્યાસ દરમિયાન તેણીની જાણમાં એક ખાસ સોફ્ટવેયર આવ્યું જે અંધ લોકોને અભ્યાસમાં મદદરૂપ હતું. જે હતું જોબ એક્સેસ વિથ સ્પીચ. હવે તેણીએ પોતાના માટે એક એવા રાઇટરની શોધ કરવાની હતી જે તેણી બોલે તેટલી ઝડપે લખી શકે. અને તેણીને વિદુષી નામની યુવતિ મળી. તેણી વિદુષીની મદદથી પરીક્ષા આપતી. પરિક્ષા દરમિયાન વિદુષી પ્રાંજલની બોલવાની ઝડપે ઉત્તરો લખતી.

તેણીએ એમએ પૂર્ણ કર્યા બાદ તરત જ યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી જો કે સાથે સાથે તેણી પોતાનું એમફીલ પણ કરી રહી હતી. અને તે દરમિયાન તેના લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા. જો કે તેણીએ લગ્ન કરવા માટે એક શરત રાખી હતી અને તે એ હતી કે તેણી લગ્ન બાદ પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખશે. તેના પતિ એક કેબલ ઓપરેટર છે. તેમણે હોંશે હોંશે પોતાની પત્નિનો આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો અને માત્ર તેટલુ જ નહીં પણ તેણીને તેમાં પૂર્ણ સહકાર પણ આપ્યો.


બધી જ મુશ્કેલીઓ પાર કરીને પ્રાંજલે યુપીએસસીની પરિક્ષા સંપૂર્ણ તૈયારી સાથે આપી. તેણીએ પ્રથમ જ પ્રયાસમાં યુપીએસસીની અત્યંત મુશ્કેલ પરિક્ષા પાસ કરી લીધી અને તે પણ કોઈ પણ જાતના ટ્યૂશન લીધા વગર. તેણીએ 773મો રેંક મેળવ્યો. અને આઇએએસ અધિકારી બનવાનું પ્રથમ પગલું ભર્યું. જો કે પરિક્ષામાં ઉતિર્ણ થયા બાદ પણ તેના માટે આગળનો રસ્તો કંઈ સરળ નહોતો. યુપીએસસીમાં પાસ થયા બાદ તેણીને ભારતીય રેલ્વે વિભાગમાં આઈ.આર.એસની પોસ્ટ પર કામ કરવાનો મોકો આપવામાં આવ્યો. તેણીની ટ્રિનિંગ શરૂ થઈ અને તેણીએ તેમાં મનથી ભાગ લીધો. હવે ટ્રેઇનિંગ પુર્ણ થઈ ગઈ હતી અને સિલેક્શનનો વારો આવવાનો હતો. પસંદ થેલા વિદ્યાર્થિઓની યાદી જાહેર થઈ ગઈ હતી.

પ્રાંજલને પૂર્ણ વિશ્વાસ હતો કે તેણીનું નામ તેમા હશે અને તે પોતાનું કામ પૂર્ણ પ્રામાણિકતાથી નિભાવી સમાજમાં એક નવો દાખલો પુરો પાડશે. પણ અહીં પ્રાંજલને નિરાશા હાથ લાગી. તેણીનું નામ જાહેર કરવામાં આવેલી યાદિમાં નહોતું. તેણીએ ધીરજ રાખી અને રાહ જોઈ પણ રેલ્વે ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ જ જાહેરાત કરવામાં ન આવી. તેણે જ્યારે પોતાને પદ નહીં મળવા બાબતે તપાસ કરી ત્યારે તેણીને ખુબ જ નિરાશાજનક કારણ આપવામાં આવ્યું. તેણીને કારણ આપવામાં આવ્યું કે તેણી સંપૂર્ણ અંધ હોવાથી રેલ્વે વિભાગના આઈ આર એસ પદ માટે યોગ્ય નથી.


શું આ લોકોને એ ખ્યાલ નહીં હોય કે જે સંપૂર્ણરીતે હરીફરી શકતા જોઈ શકતા એટલે કે શરીરમાં કોઈ પણ જાતની ખોડ વગરના લોકો આ અઘરામાં અઘરી યુપીએસસીની પરિક્ષા પાસ નથી કરી શકતા તે પ્રાંજલે પ્રથમ જ પ્રયાસમાં પાસ કરી છે. તેણી વળી શેના માટે લાયક ન હોઈ શકે ! પણ પ્રાંજલ કોઈ સંજોગોમાં હાર નહોતી માનવાની. અહીં સુધી પહોંચવા માટે પણ તેણીએ કંઈ ઓછી મુશ્કેલીઓનો સામનો નહોતો કરવો પડ્યો તેમ છતાં તેણી અહીં સુધી પહોંચી હવે અહીંથી આગળ જતાં પણ તેણીને કોઈ જ નહોતું રોકી શકવાનું.

તેણીએ ફરી એકવાર યુપીએસસીની એક્ઝામ આપી. અને આ વખતના બીજા પ્રયાસમાં તે પહેલાં પ્રયાસ કરતાં પણ વધારે જ્વલંત સાબિત થઈ અને 773ની રેંકથી સીધી જ 124મી રેન્ક પર આવી ગઈ. માત્ર આટલું જ નહીં પણ તેણી દિવ્યાંગ વર્ગમાં પણ ટોચ પર આવી.

રેલ્વે ડિપાર્ટમેન્ટે જેણે તેણીનાં સંપૂર્ણ અંધાપાનું કારણ આગળ ધરી તેણીને નોકરી નહોતી આપી. પણ આ વખતે તેણીને કોઈ જ રોકી શકે તેમ નહોતું. તેણી હવે આઈએએસ બની ગઈ હતી. તેણી પોતાની આ સફળતા પાછળ પોતાની માતાનો મોટો ફાળો હોવાનું જણાવે છે. જો કે તેણી પોતાના પતિ તેમજ કુટુંબીજનો અને મિત્રોનો પણ તેણીને સાથ આપવા બદલ ખૂબ આભાર માને છે.


તેણીના આ સંઘર્ષ દરમિયાન તેણીને ઉત્તમ માનવતાનો એક અનુભવ થયો. 66 વર્ષીય સમર કુમાર દત્તા નામના એક ભલા માણસે પ્રાંજલના જીવન પ્રત્યેના અડગ ઇરાદાથી અંજાઈ ગયા અને તેમણે પોતાની એક આંખ પ્રાંજલને દાનમાં આપવાનું નક્કી કર્યું. તેઓ ખુશી ખુશી પોતાની એક આંખ પ્રાંજલને આપવા માટે તૈયાર થઈ ગયા. પણ પ્રાંજલનું દુર્ભાગ્ય એ હતું કે તેણીની આંખોની સ્થિતિ એવી હતી કે તે ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકે. સમરની આ ભાવનાથી પ્રાંજલની આંખો ભરાઈ આવી.


આમ કૂદરતે પ્રાંજલના જીવનમાં મુશ્કેલીઓના રોડા જ નહીં પણ આખાને આખા પહાડો ઉભા કર્યા તેમ છતાં તે એક બાદ એક પહાડ સર કરતી ગઈ અને પોતાના લક્ષને પામી શકી. પ્રાંજલ એક પ્રેરણા મૂર્તિ છે. તે માત્ર કોઈ એક દિવ્યાંગ વર્ગનું જ પ્રતિનિધિત્વ નથી કરી રહી પણ માનવજાતમાં રહેલી અપાર શક્યતાઓનું પ્રતિનિધિત્વ કરી રહી છે. પ્રાંજલે અશક્ય નામના શબ્દને પોતાના જીવન પૂરતો તો નેસ્તનાબૂદ જ કરી દીધો છે. તેણી અશક્યને શક્યમાં બદલવામાં નિષ્ણાત થઈ ગઈ છે.