જલ્સા કરોને જેંતીલાલ

અનંત પ્રતિક્ષા – બે દીકરાઓ છે વિદેશમાં સેટલ તો પછી કેમ એક માતા આવું પગલું ભરવા તૈયાર થઇ…

“ બેટા! તું આવીશ ને ? આવતા મહિને ? વહુ બેટા ને પણ સાથે લેતો આવીશ ને ? ને મારી નાની દ્રવ્યા ? બેટા આંખો તરસી ગઈ તમને બધા ને જોવા.” મીરાબેન નો ઉત્સાહ સમાતો નહોતો. “ હા! મમ્મી! અમે બધા આવતા મહિને આવીશું. દ્રવ્યા તો દાદી પાસે જવાનું છે બસ, એ વાત થી આખો દિવસ તારી વાતો કરે છે,ને મમ્મી હા મારા માટે તીખી પૂરી તળી રાખજે.” નિનાદ સામે છેડે યુકે થી એટલા જ ઉત્સાહ સાથે પોતાની વ્હાલી મમ્મી મળવા માટે અધીરો જણાતો હતો.

મીરાબહેન હજુ તો મહિના ની વાર હતી ને પોતાના નાના દીકરા ના આગમન ની તૈયારીઓ કરવા લાગ્યા. પોતાના ત્યાં કામ કરવા આવતા કૈલાશ બહેન ને કહી દીધું કે આખા ઘર સાફ સફાઈ કરવાની છે. “ મેડમ, હજુ તો આપણે દિવાળી માં જ આખું ઘર સાફ કર્યું છે.” કૈલાશ ના સૂર માં નવાઈ હતી.

image source

“ના, મારી નાની વહુ કલગી ને ઘર માં જરાય ધૂળ હોય એ ગમતું નથી. ચાલ હું પણ તને મદદ કરાવું.” ને મીરાબહેન કૈલાશ સાથે ઘર માં સાફ સફાઈ માં લાગી ગયા. ઘર માં જેટલા પણ બેડરૂમ હતા, એ બધા ની પથારી માં નવી ચાદરો લગાવી દીધી. ઘર એકદમ ચોખ્ખું ને ચણાક કરી દીધું. હજુ તો નિનાદ ને આવાની એક મહિના જેટલી વાર હતી ને મીરા બહેન કૈલાશ સાથે એમના નાના લાડકા નિનાદ ની જ આખો દિવસ વાતો કરવા લાગી જતાં. મન માં ને મન માં એક હરખ હતો, પોતાના નાના દીકરા ને આટલા બધા સમય પછી જોવાનો.

પૂરીઓ તળતા તળતા મીરાબહેન ની નજર તળાઈ રહેલી પૂરીઓ પર સ્થિર થઈ ગઈ ને એ પોતાના દીકરા ની યાદો માં ખોવાઈ ગયા, જ્યારે પણ પૂરીઓ તળતા, નાનો નિનાદ સ્ટૂલ લઈ ને મીરાબહેન જોડે આવી જતો અને કહેતો, “ મમ્મી, હું પણ પૂરીઓ તળાવીશ.” “ જો જે, બેટા તેલ થી દાઝી ના જાય.” મીરાબહેન થી બોલાઈ ગયું ને લાગ્યું કે નિનાદ અત્યારે બાજુ માં જ છે એવો ભાસ થઈ ગયો. ને ફરી મીરાબહેન પૂરીઓ તળવામાં મશગુલ થઈ ગયા.

રોજ સવારે મીરાબહેન કેલેંડર માં એક એક દિવસ ઓછો થાય એની નિશાની કરતાં, જેમ જેમ નિનાદ ના આવવાની તારીખ નજીક આવતી એમ એમ મીરાબહેન ને એક એક દિવસ એક એક મહિના જોવો લાગતો. હવે બસ એક જ અઠવાડીયા ની વાર હતી ત્યાં તો નિનાદ નો કોલ આવ્યો. “ મમ્મી ! મજા માં! મમ્મી મારાથી નહીં અવાય, મમ્મી થોડું કામ આવી ગયું છે, પણ મમ્મી હું જલ્દી આવીશ!” નિનાદ ની વાતો માં પોતાની મમ્મી ને નહીં મળવાનો અફસોસ વર્તાઇ રહ્યો હતો.

“ બેટા! તું નહીં આવે ? સારું, બેટા, પછી આવજે, જેવી તારી ઈચ્છા. બેટા દ્ર્વ્યા ને મારી યાદ આપજે.” ને થોડી વાતો પછી જેવો નિનાદ એ ફોન મૂક્યો કે મીરાબહેન ની આંખો ના ખુણાઓ ભીના થઈ ગયા. છાતી માં ભારે ડૂમો ભરાઈ રહ્યો હતો, ને થોડીવાર માં તો મીરાબહેન ની આંખો માંથી અશ્રુઓ એ રસ્તો શોધી લીધો.

image source

મીરાબહેન ને બે દીકરા સાદ અને નિનાદ વચ્ચે પાંચ વર્ષ નું અંતર હતું, સાદ મોટો હતો ને એ જલ્દી મોટો થઈ ગયો. સાદ ની બધી વાતો માં પુખ્તતા હતી. પોતાની જવાબદારી સારી રીતે સમજતો હતો. ને ભણી ગણી ને ડોક્ટર બની ને તો એ પણ અમેરિકા સેટ થઈ ગયો હતો, જ્યારે નિનાદ નાનો હતો ને હમેશા નાનો જ રહ્યો. ઘર માં સહુ કોઈ નો લાડકો નિનાદ હંમેશા તોફાન મસ્તી કર્યા કરતો. પોતાની મમ્મી ને આવી ને જાત જાત ની વાતો કહી પરેશાન કર્યા કરતો, મમ્મી ને ખીજાવતો, મીરાબહેન જ્યારે એને લડતાં, એ રિસાઈ જતો, ને પ્રેમ થી મીરાબહેન નિનાદ ને મનાવતાં, ને નિનાદ માની જતો. નિનાદ આમ પોતાના મમ્મી અને પપ્પા ના બહુ લાડકોડ માં ઉછરેલો હોવાથી જ્યારે એ યુકે ગયો ત્યારે સૌથી વધુ દુખ મીરાબહેન ને હતું. પોતાના આંખ ના તારા સમાન દીકરા ને આમ આટલી દૂર મોકલતા જીવ નહોતો ચાલતો. પણ બંને દીકરાંઓ ના સારા ભવિષ્ય માટે મીરાબહેન ઝૂકી જતાં.

પોતાના બંને દીકરાંઓ ના ગયા પછી બંને ની યાદ તો સતાવતી પણ હમણાં આઠ મહિના પહેલા જ મીરાબહેન ના પતિ ના અવસાન પછી વધુ એકલતા સતાવતી. આખું ઘર જાણે ખાવા દોડતું. ઘર ના ખૂણા ખૂણા માં પોતાના દીકરાં અને પતિ ને યાદો હતી. બંને દીકરાઓ ના ગયા પછી પોતાના દીકરાં ઓ ના રૂમ માં જઈ ને મીરાબહેન રડી લેતા. દીકરો આવવાનો હતો એ વાતે ખુશ મીરાબહેન હવે ઉદાસી ના સાગર માં ધકેલાતાં જતાં હતા.

image source

“ સાદ, બેટા, નિનાદ ના બુટ જોતો, આવી ને આ છોકરો ક્યાં બુટ કાઢે છે એની એને ય ખબર નથી હોતી. હું એ ને નવડાવી ને આવી, સ્કૂલ બસ આવે તો ઊભી રાખજે.” “મમ્મી, મમ્મી, ક્યારે બાથરૂમ માં આવીશ?” “ એ આવી બેટા, આવી બેટા” ને મીરાબહેન પથારી માં થી ઊભા થઈ ગયા, થોડા વર્ષો પહેલાં ની યાદો માં એમનું મન જતું રહ્યું હતું. પોતાના બંને દીકરાં અને પતિ થી હર્યુંભર્યું ઘર હવે સાવ ખાલીખમ હતું. દિવસ ઊગતો ને આથમતો પણ મીરાબહેન ના હ્રદય માં ઉદાસી નો કદી અસ્ત જ નહોતો થતો. કોઈ વાર જ્યારે ફ્રિજ માંથી દહી લઈ ને ડાઇનિંગ ટેબલ પર આવતાં તો થોડીવાર થોભી જતાં

“ મમ્મી, પહેલા દહી માં ચમચી હું નાખીશ” “ ના મમ્મી, હું પહેલા ચમચી નાખીશ.” મીરાબહેન ની આંખ સમક્ષ પોતાના બંને દીકરાઓ દહી માટે ઝગડી રહ્યાં છે, એ દ્રશ્ય તરવરતું. ને એ દહી ને જોઈ રહેતા. ફ્રિજ માંથી લીધેલું દહી ફરી પાછું એમને ફ્રિજ માં જ મૂકી દીધું. કેટલીય વાર જમવાનું મન થતું જ નહીં.

તળેલી પૂરીઓ, ચોખ્ખું ચણાક ઘર આ બધુ જ હવે વ્યર્થ લાગતુ. કોઈ વાર કૈલાશ પોતાના પાંચ વર્ષ ના દીકરા ને લઈ ને આવતી. મીરાબહેન ને કૈલાશ ના દીકરા માં પોતાના નિનાદ ની છબી દેખાતી ને મીરાબહેન નો થોડો સમય એને રમાડવા ને વ્હાલ કરવા માં પસાર થઈ જતો. તળેલી બધી જ પૂરીઓ કૈલાશ ને આપી દીધી. હાથ માં પૂરી લઈ ને જતો કૈલાશ ના નાના દીકરા ને મીરાબહેને નિનાદ ને યાદ કરી ચૂમી લીધો. કૈલાશ જ્યારે કામ કરી ને ઘરે જતી ને ઘર ફરી સૂનું થઈ જતું.

મીરાબહેન ને હવે નિરાશા ને ઉદાસીનતા-ડિપ્રેશન ઘેરી વળ્યા હતા. જીવવું તો પણ કોના માટે જીવવું એ સમજાતું નહોતું. કેટલીક વાર હીંચકા પર બેઠા બેઠા એ સૂનમૂન થઈ જતાં, કલાકો પસાર થઈ જતાં પણ એમને ખબર જ નહોતી પડતી. જ્યારે એ પથારી માં આવતાં ત્યારે એવું લાગતું કે ધીમે ધીમે એક એક અંધારા કૂવા માં ઊંડે જઈ રહ્યા છે, ને કૂવા નું દ્વાર નાનું નાનું થતું જાય છે. કોઈ વાર એવું લાગતું કે આકાશ માં ઊંચે ને ઊંચે જઈ રહ્યાં છે, જ્યાં એમના પતિ એમની રાહ જોઈ રહ્યા છે.

છાતી માં ભરાઈ રહેલો ડૂમો એટલો બધો હતો કે બસ હવે એમને એક જ રસ્તો દેખાતો હતો કે મૃત્યુ પછી તો એમના પતિ જોડે જવાશે તો આ બધુ દુખ દૂર થઈ જશે. મન માં નક્કી જ કરી લીધું કે હવે આ દુનિયા માં નથી રહેવું. પોતાના પતિ ના ફોટા પાસે આવી અગરબત્તી કરી ને મીરાબહેન રડી પડતાં.

image source

“ મને એકલા મૂકી ને જતાં રહ્યાં, હું પણ આવું જ છું, હવે મારાથી અહી એકલું નથી રહેવાતું.” ને બાજુ માં ફરી પાછો પોતાના બંને દીકરાઓ નો ફોટો જોઈ આત્મહત્યા નો વિચાર માંડી વાળતાં. પણ મન ને ક્યાં સુધી મનાવે ? મૃત્યુ નો દિવસ અને સમય નક્કી કરી લીધો, વહેલી સવારે ઉઠી ને નાહી ધોઈ ને ભગવાન આગળ દિવાબત્તી કરી ને પુજા પાઠ કરી લીધા. મન મક્કમ હતું હવે આ દુનિયા ને છોડવા માટે. ઘર માં પોતાની પાસે રહેલી બધી હાઇપરટેન્શન અને ડાયાબિટિશ ની ગોળીઓ લઈ ને એ જેવા ગળવા જતાં હતાં કે ડોર બેલ રણકી.

દરવાજો ખોલ્યો ને જોયું તો એમનો મોટો દીકરો સાદ હતો. “ બેટા, સાદ, આમ અચાનક ?” મીરાબહેન મન માં ખુશી સાથે અચરજ ની મિશ્રિત લાગણી અનુભવી રહ્યાં હતાં.

“ હા, મમ્મી, હું ગઈ કલ થી તને ફોન કરું છું. પણ તારો ફોન જ ઓફ આવે છે, મમ્મી અમેરિકા ગયો હતો ત્યારથી બસ એક જ સપનું હતું કે નિનાદ ને મમ્મી-પપ્પા બધા સાથે રહીએ, એટ્લે ત્યાં જઈ ખુબજ મહેનત માં લાગી ગાયો. ગયા મહિને જ નિનાદ ને કહ્યું કે તું યુકે થી અમેરિકા આવી જા, કેમકે અમેરિકા માં મારા ક્લિનિક સાથે એનું ક્લિનિક પણ સેટ કરી દીધું છે, ને એ રાજી થઈ ગયો. એટ્લે ગયા મહિને એ અહી આવાનો હતો એટ્લે મેં જ એને ના પાડી કહ્યું કે શિફ્ટ થવાનું છે તો યુકે માં બધી ફોર્માલિટી પૂરી કરી દે મમ્મી ને હું લઈ આવું છું.

image source

મમ્મી જો પપ્પા ના અવસાન પછી છેલ્લા 8 મહિના થી તારા વિઝા ની પ્રોસેસ કરી રહ્યો છું,ને ફાઇનલી બધુ જ સેટ થઈ ગયું. બસ હવે બધો સમાન પૅક કરી લઈએ ને જલ્દી હવે આપણે બધા સાથે રહી એ. જો નિનાદ પણ અમેરિકા આવી ગયો છે, એ ફોન પર જ છે. મને કહ્યું હતું ક ભાઈ તું જેવો મમ્મી જોડે જાય કે મારી વાત કરાવજે. લે મમ્મી પહેલા એની જોડે વાત કરી લે. “ મમ્મી, બસ જલ્દી અહી આવી જા, અમે બધા તારી રાહ જોઈએ છે, ને હા મમ્મી અહી આવી ને પૂરી બનાવજે, હું પણ તારી બાજુ માં ઊભો રહી ને પૂરીઓ તળાવીશ.” નિનાદ પોતાની મમ્મી ને મળવા અધિરો બન્યો હતો. મીરાબહેન ની અનંત પ્રતિક્ષા નો એક જ ક્ષણ માં આમ અંત આવી ગયો.

( મીરાબહેન ની જેમ સહુ કોઈ નસીબદાર નથી હોતું, હાલ માં 60 વર્ષ થી વધુ ઉંમર ના 13 લાખ થી વધુ લોકો ડિપ્રેશન થી પીડાઈ રહ્યાં છે, હાલ પોતના ઘર માં બધા હોવા છ્તાં ઘર માં એમની જોડે કોઈ વાત કરવા વાળું હોતુ જ નથી. તો જરા પોતાના મોબાઇલ માંથી જરા નજર ઊંચી કરો ને ઘર માં રહેલા તમારા દાદા દાદી જોડે થોડો સમય પસાર કરો, થોડી વાતચીત કરો, એમની પાસે ઘણું અનુભવ નું ભાથું છે તમને આપવા માટે, તમારા પપ્પા ની ને તમારી નાનપણ ની ઘણી યાદો છે તમારી જોડે વહેંચવા માટે!)

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version