ઘણી ખમ્મા આનાંદલયને, આજની શિક્ષણ વ્યવસ્થાને પડકારીને બાળકો માટે પાયાની કેળવણીનું કરે છે કામ, જાણો સમગ્ર માહિતી

આપણે સૌ એવા વિશ્વમાં જીવી રહ્યા છીએ જ્યાં આપણે ન જોઈતી કેટલી બધી માહિતીઓને પચાવવામાં આપણો સમય વ્યતીત કરતા હોઈએ છીએ. માનવ એ સામાજિક પ્રાણી છે એવું બધા ભણ્યા હશે પણ આજના માનવની સામાજિકતા ફક્ત સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત રહી ગઈ છે. આપણે વર્તમાનમાં જોઈએ છે કે વિશ્વની ઉત્તમ વિશ્વવિદ્યાલયોમાં અને શાળાઓમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ મોટા મોટા ગુના, મોટા મોટા ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા, સંડોવાયેલા જોવા મળે છે.

જો સૌથી મોટી ડીગ્રી મેળવીને સૌથી મોટા ભ્રષ્ટચારો જ આચરવાના હોય તો શિક્ષણનો અર્થ શો? જેમકે ગૌતમ દોશી, વિજય માલ્યા, નીરવ મોદી, મોટા અધિકારીઓ. આજની શિક્ષણ પદ્ધતિ એવા ‘ક્રીમ’ લોકોની પ્રોડક્ટ તૈયાર કરે છે જે તેમના હિત આગળ રાષ્ટ્ર હિતને પણ ઠુકરાવી દે છે.આજના અભિભાવકો પોતાના બાળકોને સરકારી નોકરીનું પ્રોત્સાહન એટલા માટે આપે છે ખરાં કે એ રાષ્ટ્ર સેવા કરે? આપણા રાષ્ટ્રમાં માનવભંડોળની કમી નથી, કમી તો છે ચારિત્ર્યવાન લોકોની. આ પીડાને ધ્યાનમાં રાખી, આ પીડા પર કામ કરવા માટે જ આનંદાલયનું નિર્માણ થયું છે.

આનંદાલય શું છે?

આનંદાલય ચરિત્ર વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરતું અનૌપચારિક સંસ્થાન છે. જે શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ આયામો દ્વારા વ્યક્તિનું ચરિત્ર ઘડતર કરી સમાજ અને રાષ્ટ્રને કર્તવ્યનિષ્ઠ સાધકો અર્પણ કરતી સાધનાપીઠ છે. સાચી કેળવણી દ્વારા પ્રત્યેક માણસને પોતાની સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરાવી મહામાનવ બનાવીને વિશ્વ કલ્યાણકારી કાર્યોમાં સમર્પિત કરતું મહાલય છે. ભારતવર્ષને ફરીથી વિશ્વગુરુ બનાવવા માટે ચરિત્ર, જ્ઞાન અને વિજ્ઞાનથી ઓતપ્રોત દૃષ્ટિ સંપન્ન ગુરુઓ દ્વારા શિક્ષાન્વિતોનું વિદ્યાધામ છે.

આનંદાલયની વર્તમાન પ્રવૃત્તિઓ

આનંદાલય પોતાના ધ્યેય પ્રત્યે કટિબદ્ધ છે એથી જ ‘આનંદાલય’ નો ધ્યેયમંત્ર ‘सर्वं शीलवता जितम् ‘ છે.

આનંદાલય શિક્ષણ જગતમાં નવતર પ્રયોગો માટે વિખ્યાત છે. અનૌપચારિક રીતે આનંદાલયના ગુણવત્તા સભર કાર્યક્રમો કાર્યરત છે. આનંદાલય “બુધસભા” દર બુધવારે યોજાતો એક ઓનલાઈન મંચ છે. આ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર કરવામાં આવે છે.

જેમાં પ્રથમ બુધવારે – “પુસ્તક સમીક્ષા મંચ” જેમાં શ્રેષ્ઠ પુસ્તકો પર અધ્યયન અને અનુશીલન વાર્તાલાપ હોય છે. બાળકો અને યુવાનોમાં ફરી વાંચન અભિરૂચિ જન્મે તે માટેનો નવતર પ્રયોગ છે. જેમાં ‘આખરે આઝાદ’, ‘દિવાસ્વપ્ન’, ‘રખડું ટોળી’, ‘તોત્તોચાન’ જેવા પુસ્તક પર વાર્તાલાપ થયા છે. આ વાર્તાલાપ એ રીતે થાય છે કે ચર્ચા વાર્તાલાપ પુરતી મર્યાદિત ન રહે પરંતુ એનું વાસ્તવિક જીવન સાથે જોડાણ થાય. જેમકે એક બહેનની ‘તોત્તોચાન’ પુસ્તકના વાર્તાલાપ પછી પોતાના બાળકને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ.

જ્યારે દ્વિતીય બુધવારે – “વિચાર મંચ” જેમાં કોઈ એક કેળવણી વિષય પર પરસ્પર ચર્ચા અને વિમર્શ થતો હોય છે. આમાં બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો, આચાર્યો, અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, અભિભાવકો હોંશભેર ભાગ લે છે અને સંવાદ દ્વારા ખરેખર જે તે વિષયના સાચા અર્થને પામવાની અને એને કેવી રીતે અપનાવી શકાય એના પ્રયત્નો થાય છે. જેમકે આ સંવાદમાં દરેક વાત એ જ રીતે કરવાની હોય છે કે, ‘હું આમાં શું કરી શકું?’ અહીં ‘આપણે’ શબ્દને અવકાશ હોતો નથી. જેથી દરેક વ્યક્તિ પોતાની વ્યક્તિગત જવાબદારીનું ભાન કરે છે.

તૃતીય બુધવારે – “વાર્તાલાપ મંચ” જેમાં શિક્ષણવિદો અને કેળવણીકારો સાથે સહભાગીઓનો વાર્તાલાપ હોય છે. જેમાં એવા કેળવણીકારોને બોલાવવામાં આવે છે જે શિક્ષણક્ષેત્રે નવાચાર કરી રહ્યા હોય જેમની પાસે એવા અનુભવોનું ભાથું હોય જે અન્યો માટે પ્રેરણારૂપ બની શકે.

ચતુર્થ બુધવારે – “અનુભવ મંચ” જેમાં આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના હ્રદયસ્પર્શી અનુભવ કથનનો કાર્યક્રમ હોય છે. આ ખૂબ જ નવતર પ્રયોગ છે, કારણ આમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, અભિભાવકો બધા એક સાથે ભાગ લે છે એટલે પરસ્પર સમસ્યાઓથી અવગત થાય છે, એકબીજાને સાંભળે છે અને પરસ્પર પ્રેરણા લે છે.

આ ઉપરાંત “આનંદાલય” જીવનશિક્ષણ કાર્યશાળા ચલાવે છે. જેમાં આજના યુવાનોને તેમના ધ્યેય તરફ, તેમની આ રાષ્ટ્ર પ્રત્યે જે જવાબદારીઓ છે તે તરફ, અને તેઓ અત્યારથી નાના મોટા સામાજિક દાયિત્વો લેતા થાય એ માટે વિવિધ આયામો દ્વારા આ શિબિરને ચલાવવામાં આવે છે.

આનંદાલયને શરૂઆતથી જ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આનંદાલયની સાથે જોડાનાર વ્યક્તિ પોતાના વિવિધ અનુભવો દ્વારા વ્યક્ત કરતો રહે છે કે આનંદાલય એમના જીવનમાં કેવા પરિવર્તનો લાવે છે અને આવા પ્રતિભાવો જ આનંદાલયના પુરસ્કાર છે. જેમકે એક બેન જીવનશિક્ષણ કાર્યશાળા દરમિયાન રડી પડ્યા હતા, એમને એ અનુભૂતિ થઈ ગઈ હતી કે એમણે જીવનના આટલા વર્ષો બગાડ્યા છે અને હવે એ કઈક સારું કરવા માંગે છે પોતાના માટે. આમ, આનંદાલય કોઈપણ યુવા, બાળક કે અભિભાવક પર કોઈ કામ થોપતું નથી પરંતુ જે તે વ્યક્તિની પીડા શું છે એ વિવિધ પ્રકલ્પો દ્વારા બહાર લાવે છે અને એ પીડા પર એ વ્યક્તિ કામ કરતો થાય એના માટે આનંદાલય પ્રેરણા પૂરી પાડે છે.

આનંદાલય ભવિષ્યમાં પણ એવા અનેક કાર્યક્રમો કરશે જેથી એ તેના ધ્યેય શિક્ષણ થકી ચારિત્ર્યનિર્માણને પામી શકે.

આનંદાલયની સ્થાપના :-

આનંદાલય શિક્ષણ જગત સાથે જોડાયેલા શિક્ષણ ચિંતકો દ્વારા સંચાલિત એક અનૌપચારિક મંચ છે.’ આનંદાલય’ ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. અતુલ ઉનાગરની પીડા, પ્રેરણા અભ્યાસ અને ચિંતનમાંથી ઉદ્ભવેલું બીજ છે. જેની સ્થાપના 1 જાન્યુઆરી, 2021 ના રોજ થઈ હતી, પરંતુ ટૂંક જ સમયમાં ‘આનંદાલય’ શિક્ષણ જગતમાં એવા વ્યક્તિઓનું આશ્રયસ્થાન બની ગયું છે જે ખરાં અર્થમાં કેળવણી અને શિક્ષણને પામ્યા છે અને એ દિશામાં આગળ વધવા માંગે છે. ડૉ. અતુલ ઉનાગર એવું દ્રઢપણે માને છે કે ‘શિક્ષણનું પ્રયોજન ચારિત્ર્યનિર્માણથી વધારે બીજું કશું ન હોઈ શકે.’ તેથી જ તેઓ હંમેશા એ પ્રશ્ન કરતા હોય છે કે, “શું આજની વિદ્યાલયો એવી ગેરંટી આપી શકે કે તેમાં અભ્યાસ કરનારું બાળક ચોરી નહિ કરે કે ભ્રષ્ટાચાર નહિ કરે કે બેઈમાની નહિ કરે? તો ખરેખર બાળક વિદ્યાલયમાં કેમ જાય છે?”

https://www.facebook.com/anandalaya01/

આનંદાલયમાં કોણ જોડાઈ શકે?

આનંદાલય સમાનતા અને સંપૂર્ણ લોકશાહીમાં માને છે એથી જ આબાલ વૃદ્ધ જેમને ખરેખર આ વિષયમાં પીડા છે અને જેઓ કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન આપવા માંગે છે એ બધા જ વ્યક્તિઓને આનંદાલય આવકારે છે. આ ઉપરાંત જેઓ સાચા વિચારોને અપનાવવા માંગે છે, જેઓ વિકસવા અને શીખવા માંગે છે એ બધા જ વ્યક્તિઓને આનંદાલય આવકારે છે. આનંદાલય સૌને વિકસવાની, પોતાની મર્યાદા પર કામ કરવાની અને ચારિત્ર્યસંપન્ન બનવાની તક આપે છે. આનંદાલયમાં જોડાવા માટે contactanandalaya@gmail.com પર ઈમેઈલ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ