અનામિકા ભાગ 3 – ઓહ અનામિકાની આવી વિદાઈ ક્યારેય નહિ વિચારી હોય, અંત ચુકતા નહિ…

પહેલો ભાગ વાંચવા અહીંયા ક્લિક કરો.

બીજો ભાગ વાંચવા અહીંયા ક્લિક કરો.

અનામિકા ભાગ 3

એકાદ અઠવાડીયા પછી ફરી એકવાર તેનો ફોન આવ્યો. સમય એજ અગીયાર વાગ્યે, તે બોલી “ખોટું ન લગાડશો, અમુક લોકો હોય જ છે બિજાને તકલિફ આપવા માટે, અને તે સામેવાળી વ્યક્તિ ઈચ્છવા છંતા તેનું કઈં જ બગાડી શકતા નથી.” હું સમજ્યો કે એ પેલા બ્લેકમેલરની વાત કરી રહી છે. જે એને બ્લેકમેલ કરી રહ્યો છે. એટલે હું બોલ્યો “બગાડી કેમ ન શકાય ? આપણામાં હિમ્મત હોવી જોઈએ, હિમ્મતથી કામ ના લઈએ તો સામેવાળો તો નિચોવવાની જ કોશીષ કરવાનો”

image source

મારી વાત સાંભળી તે ખિલખીલાટ હંસી પડી તેનું આમ હંસવુ મને ગમ્યુ. તે બોલી “એનો મતલબ તમે પણ મારી જેમ જ છો. જરાક હિમ્મત પણ નથી રાખી શકતા ?” “હું સમજ્યો નહીં, અનામિકા !” મેં કહ્યુ તો તે એક નજાકતથી બોલી “હું આપણી વાત કરતી હતી, અને લાગે છે કે, તમે કઈંક બીજુ જ સમજ્યા છો”

“આપણી…? આપણી કઈ વાત ? ” મેં પુછ્યુ તો તે હંસીને બોલી ” હું વગર કારણે તમને તકલીફ આપુ છું ને ? એ વિશે જ વાત કરતી હતી અને તમે મારૂ કઈંજ બગાડી શકતા નથી, બરાબર ને ? પણ ચિંતા ન કરશો. હું બહુ જલ્દી તમારો પીછો છોડવાની છું. એના ઘરે ગયા બાદ આ બધુ ક્યાં સંભવ હશે ?”

image source

“તમે આવું અનુમાન શેના પરથી લગાવ્યુ ?” જરુરત ન હોવા છંતા મેં સફાઈ આપવાની કોશીષ કરી “મારા વ્યહવારમા કોઈ એવી વાત જોઈ કે શું ?” “ના… હું તો ફક્ત મજાક કરતી હતી” તે હસતા-હસતા બોલી “તમો મારી વાત કઈંક વધારે સિરીયસલી લઈ બેઠા” મેં તેની વાતને સમર્થન આપતા પુછ્યુ “લગ્ન તારીખ નક્કી થઈ ગઈ કે શું ?”

“તારીખ તો હજુ નક્કી નથી, પણ બે મહીનામાં બધુ જ પતી જશે” તે ગંભીર સ્વરે બોલી “તમને જરૂર બોલાવીશ, આવશો ને ?” “બોલાવશો, તો જરૂર આવીશ” મેં કહ્યુ તો તે સુસ્ત અવાજમાં બોલી. આવા કજોડા લગ્ન કદી જોયા નહી હોય.આંખોમાં થોડા આંસુ ભેગા કરીને લાવજો, મારી વિદાય માટે”

અંતિમ શબ્દો સાથે તે કદાચ રોઈ પડી હતી, હું એને કહેવા માંગતો હતો કે જ્યારે મન નથી કે નથી મનપસંદ જીવનસાથી તો લગ્ન શું કામ કરે છે. થોડીવારે તે બોલી “એક વાત યાદ રાખી શકશો ?” “હા, શું ?” “શક્ય છે કે, વિદાયની તૈયારીઓમાં, કહેવા-સાંભળવાનો મોકો ન મળે, એટલે પહેલાં જ જણાવી દઉં… યાદ રાખજો, બીજીવાર કહી નહી શકું” “કહો તો ખરા” ” હું લગ્નની ભેટ વિશે વાત કરી રહી હતી. ખાલી હાથે થોડા આવશો ?”

“બોલો શું લાવવાનું છે ?” મેઁ પુછ્યું તો તેણે હસીને કહ્યુ ” સફેદ ફુલોનો ગુલદસ્તો” “લગ્ન પ્રસંગે સફેદ ફુલોનો ગુલદસ્તો ?” મેઁ આશ્ચર્યથી પુછ્યુ તો તે બોલી ” પસંદ અપની-અપની, ખયાલ અપના-અપના, ભેટ તો એવી હોવી જોઈએ, જે લેનારને ગમે” હું અનામિકા સાથે આ સંબંધે ઘણી વાત કરવા માંગતો હતો. પણ તેણે તે ફરી વાત કરશે, એમ કહી ફોન મુકી દીધો.

image source

હું જાણતો હતો કે સમજદાર, ભણેલ-ગણેલ અને ખુબસુરત છે, છંતા તે ના પસંદગીના લગ્ન કરવા શા માટે કે કઈ રીતે મજબુર છે ? અને જો એવી કોઈ મજબુરી હોય તો હું એને પુરેપુરી મદદ કરવા તૈયાર હતો. પણ તેણે મને તક ન આપી કે એની એ રહસ્યમયી હકીકતનાં પાયા સુધી હું પહોંચી શકું, બીજા પંદર દિવસ સુધી ફોન ન આવ્યો. રાહ જોવી મારી પ્રકૃતિ બની ગઈ હતી. હું એના ફોનની દરરોજ રાહ જોતો.

પંદરેક દિવસ પછી તેનો ફોન આવ્યો તે બોલી “સોરી… હું ઈચ્છવા છંતાય તમને ફોન ન કરી શકી” “લગ્ન ક્યારે છે ?” મેઁ પુછ્યુ તો તે સાહજીક સ્વરે બોલી “મારા લગ્નની તમને આટલી બધી ઉતાવળ ? તમને કહ્યુ છે ને ! કે, તમને જરૂર બોલાવીશ” હું એને કઈ રીતે સમજાવું કે મને ઉતાવળ કેમ છે. મેઁ મનની વાત તેને કહેવા ચાહી તો તેણે મને ટોકતા પુછ્યું “તમારો એક દિવસ મારી પાછળ ખરાબ કરી શકશો ?”

image source

“તમને ખુશી મળતી હોય તો, જરૂર…!” તે ખુશ થતા બોલી,”આખો દિવસ મારી સાથે રહેવાનું છે. આવતીકાલે સીદી સૈયદની જાળી, લાલદરવાજા પર ઠીક અગિયાર વાગ્યે મળીશ.” આટલું બોલી તેણે ફોન મુકી દીધો. વાયદા મુજબ સમય અને સ્થળે તે મળી. આજે તેણે આસમાની રંગનો સુટ પહેરેલો હતો.અને તેના જ મેચીંગના લાઈટ-વેઈટ આભુષણ. આ ડ્રેસમાં પણ તે અદભુત લાગતી હતી. મને જોઈને તે સરદારબાગ તરફ ઈશારો કરતા બોલી “આવો, થોડો સમય આ વૃક્ષોની વચ્ચે લોન પર બેસી આરામથી વાતો કરીએ, પછી ક્યાંક જઈશું”

હું કંઈપણ બોલ્યા વગર સરદારબાગ તરફ ચાલવા લાગ્યો. લીલા ઘાસની પથારી પર બેસી, મારા તરફ જોઈ બોલી “બેસો ! આજે મારે તમારી પાસે કઈંક માંગવુ છે” “હા, બોલો” મેં તેની બાજુમાં બેસતા કહ્યું તેણે નજરો જુકાવી એક હાથ વડે ઘાસ તોડતા-તોડતા કહ્યુ “તમારી પાસે આજનો દિવસ તો માંગી જ લીધો છે. બસ, થોડો પ્રેમ જોઈએ છે, આપી શકશો ?” મને તેની પાસેથી આવી માંગણીની કોઈ અપેક્ષા ન્હોતી એટલે મેં ચોંકીને પુછ્યું “હું કઈં સમજ્યો નહીં, અનામિકા ?”

“મેં એવી કોઈ વાત તો નથી કરી જે સમજણ ના પડે,” એ પહેલાની અવસ્થામાં જ નજર જુકાવીને બોલી “તમારી પાસે થોડો પ્રેમ માંગુ છું, અને ફક્ત આજ માટે જ, મને મન અને આત્માથી ફક્ત આજના દિવસ પુરતી તમારી પ્રેમિકા તરીકે સ્વિકાર કરી લો. “અનામિકા..! આવું ક્યાંય હોય છે ? પ્રેમ કરવાનો અર્થ એ નથી જ કે, ઘારો ત્યારે પ્રેમ વરસાવો, અને જ્યારે ઈચ્છો ત્યારે મોં મચકોડીને બેસી જાવ”

image source

“હું જવાન છું. કદાચ તમારા કરતા વધારે દેખાવડી પણ છું. મનમાં આકાંક્ષાઓ મચલે છે. કોઈને પ્રેમ કરવાનું મન થાય છે. કોઈના પ્રેમમાં ડુબી જવાનું મન થાય છે. છંતાય આ સૌભાગ્ય આજ સુધી મને પ્રાપ્ત થયુ નથી, કે થવાનું પણ નથી” તે શાંત સ્વરે બોલી “એટલે વિચાર્યુ કે, વિદાય થતા પહેલાં આ ઈચ્છા પણ પુરી કરી લઉં”

“તેનાથી કોઈ ફાયદો ખરો ?” મેં પુછ્યું, તો તે દુર શુન્યાવકાશમાં તાકતા બોલી “જાણું છું, કદાચ તમને કોઈ લાભ નહી હોય, પણ મારા જીવનની આ અપેક્ષા તો પુરી થશે જ કે, મેં કોઈને પ્રેમ કર્યો. ! ભલે જુઠ્ઠો ! માત્ર નાટક.. પણ મારા માટે આટલુ તો જરૂર કરી શકો.” એની ઈચ્છા શું હતી એ હું કોશીષ કરવા છંતા પણ ના જાણી શક્યો. પુછ્યુ તો ફક્ત એટલુ બોલી “હું કઈંજ ઈચ્છતી નથી, ફક્ત એક અહેસાસ સિવાય, તમારો સાથ લઈ પ્રેમની અનુભુતિને અનુભવવા, માણવા માંગુ છું.”

“તો બોલો, એ માટે મારે શું કરવું પડશે ?” મેઁ પુછ્યુ તો તે મારી સામે જોતા બોલી “એ જ જે એક પ્રેમિએ કરવું જોઈએ, આજના દિવસ હું ફક્ત ને’ ફક્ત આપની જ છું, તમે ઈચ્છો ત્યાં લઈ જઈ શકો છો. તમે જેમ કહેશો એમ કરીશ. આજનો દિવસ.”

image source

“મારા અને એના વચ્ચે ઉંમરનો અંતરાલ બહું મોટો ન્હોતો. મારી જગ્યાએ બીજુ કોઈ હોત તો આ સુંદરીનું સાનિંધ્ય પામવા બેકાબુ બની જાત, પણ મારાથી એ ન થઈ શક્યુ, એના બે કારણો હતા. એક તો મને તેના પ્રત્યે લાગણી હતી પ્રેમ નહીં, બીજુ કે, તે સ્વભાવ કે હાવભાવથી કોઈપણ રીતે રોમેન્ટીક ન્હોતી લાગતી, એને જોઈને મારા હ્યદયમાં જો કંઈ ઉદ્ભવતુ હતુ તો તે માત્ર કરૂણાભાવ જ. અને મને રૂચિ હતી, તો માત્ર તેની જિંદગી વિશે જાણવામાં, તેની હકીકત જાણવા માટે જ મેં તેના પ્રેમ પ્રસ્તાવનો સ્વિકાર કર્યો. મેં તેનો હાથ પ્રેમ પુર્વક પકડીને પુછ્યુ “બોલો, અનુ ! ક્યાં જઈશું ?”

એણે હાથ છોડાવવાનો પ્રયત્ન સુધ્ધા ના કર્યો, ક્ષણભર એ મારી સામે જોઈ રહી “ક્યાંય પણ…. જ્યાં તમે ચાહો” મારી ઈચ્છા તેની સાથે પ્રેમ સબંધો જોડવાની નહી, પરંતુ એ રહસ્ય જાણવાની હતી જે તેને અંદરોઅંદરથી કોરી ખાતુ હતું. હું એને સૌ પ્રથમ પ્રાણીબાગ કાંકરીયા લઈ ગયો. પ્રાણીબાગમાં એ ઘણો સમય મારી સાથે ફરતી રહી. પછી એક શાંત જગ્યાએ બેસતા બોલી “હવે વધારે નહી ચાલી શકું, અને આમ પણ આજનો દિવસ મારા માટે મહત્વપુર્ણ છે. આજે હું ફક્ત પ્રેમનો અહેસાસ ચાહું છું.

હું એને સમજાવવા માંગતો હતો કે, પ્રેમનો અહેસાસ મનની ભાવનાઓમાં હોય છે.વાતોમાં નહીં. છંતા એને સમજાવી ન શક્યો કે, ન કહી શક્યો. કઈં ન સુજતા મેં એને કહ્યુ “ચાલ, પહેલા મહેતામાં જમી લઈએ, પછી ક્યાંક જઈશું.” મારી વાત સાંભળી તેના હોંઠ પર ક્ષણભર માટે સ્મિત ફરક્યું પણ આગલી ક્ષણે તે ગુમ થઈ ગયુ. પ્રાણી સંગ્રહાલયથી મહેતા અને મહેતાથી પરિમલ ગાર્ડન તે એવી રીતે મને ચોંટેલી રહી કે, તે મારા શરીરનું અભિન્ન અંગ હોય.

image source

અનામિકા જે ઈચ્છતી હતી, તે મારા માટે સહેલું ન્હોતું. હું જાણતો હતો. કે જરા જેટલો પણ દંભ તેના વિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે. અને એવી પરિસ્થિતિમાં તેને સાચવવી મુશ્કેલ થઈ પડશે. એટલે મેં તેનો હાથ પકડી ઉભી કરતા કહ્યુ “ચાલ ક્યાંક એવી જગ્યાએ જઈએ. જ્યાં આપણાં બે સિવાય કોઈ ના હોય.”

તે વિના સંકોચે ઉભી થઈ અને મારા સહારે ચાલવા લાગી. હું તેને ત્યાંથી દુર એક બેઠકે લઈ ગયો. ત્યાં ગુલમહોરના એક વૃક્ષની નીચે બેસતા કહ્યુ “આવ, મારા ખોળામાં માથુ મુક, આપણી આ નજદીકીઓ જ પ્રેમનો અહેસાસ સાબિત થશે.” એ વગર બોલ્યે ખુશી-ખુશી મારા ખોળામાં સુઈ ગઈ. આ ક્ષણે તેના હોંઠ પર એવું સ્મિત ફરકી રહ્યુ હતું. જાણે કે, કોઈ કળી હમણાં જ ગુલાબ બની હોય. મને તેના હોંઠ પર મારી આંગળીના ટેરવા વડે સ્પર્શ કરવાની ઈચ્છા જાગી પણ હું હિમ્મત ન કરી શક્યો. જ્યારે પણ હાથ ઉઠાવવાની કોશીષ કરી ત્યારે મનમાં એવું લાગ્યુ કે, જાણે હું કોઈ પાપ કરવા જઈ રહ્યો છું.

મેં ખુબ જ પ્રેમથી તેના રેશમી વાળમાં આંગળીઓ ફેરવવાની શરુઆત કરી. હું ખુબ જ પ્રેમથી એના વાળને સહેલાવતો રહ્યો. અને તે મારા ખોળામાં સુતા-સુતા ક્યારેક ખુલ્લા આકાશમાં ને તો ક્યારેક મારા ચહેરાને નિહાળતી રહી. એને શાંત જોઈ મેં પુછ્યું “કેવું લાગે છે ? અનામિકા..”

“સાચુ કહું ? કહી તેના બન્ને હાથ ઉપર તરફ લાવી, મારા મસ્તકને નમાવતા બોલી “લાગે છે કે, જાણે સ્વર્ગની સીડી ઉપર સુતી હોવ, કાશ ! આ રીતે સુતા-સુતા જ મોત આવી જાય” તેના અંતિમ શબ્દો મને ના ગમ્યા. મેં તેને પ્રેમપુર્વક ધમકાવતા કહ્યુ “હવે જો કોઈ આવો શબ્દ મોંમાથી નિકળ્યો તો અહિં તને એકલી મુકીને જતો રહીશ, પછી એકલી ચાલતી-ચાલતી આવજે.” ક્ષણમાત્ર માટે તેના હોંઠ ઉપર ભાવભીનુ સ્મિત ફરકી ગયું. તે પોતાના હાથ વડે બન્ને કાન પકડી મારી આંખોમાં નિહાળતા બોલી “સોરી ! હવે નહિ બોલું, મને એકલી મુકીને ન જતા પ્લિઝ… મને એકલા ખુબ જ ડર લાગે છે”

“ભલે, નહીં જાઉં” મેં વાયદો કર્યો એટલે તે આકાશ સામે જોતી રહી, અપલક. હું ધીમે ધીમે વહેતી હવાની લહેરખીઓના સ્પર્શના તાલ સાથે તેના વાળ સહેલાવતો રહ્યો. ત્યારે મને એવું લાગ્યુ કે તેની પલકો ઉંઘથી ઘેરાવા લાગી છે. હું ઈચ્છતો તો એને રોકી શકત પણ, જાણી જોઉને એમ ન કર્યુ. અને તે થોડીવારમાં મારા ખોળામાં ઉંઘી ગઈ.

image source

એ ઉંઘતી રહી અને હું તેનુ માથુ મારા ખોળામાં રાખી તેના સુંદર ચહેરાને નિહાળતો રહ્યો, વિચારતો રહ્યો કે, શું તકલીફ છે ? આ શું ઈચ્છે છે મારી પાસે ? ઘણું વિચારવા છંતા પણ કોઈ સ્પષ્ટ તારણ પર ના આવી શક્યો. એકાદવાર એમ થયુ કે તેને ઉઠાડી ને પુછું, પણ તેના ચહેરાની માસુમિયતે એવું કરવાની પરવાનગી ન આપી.

તેની ઉંઘ ઉડી પુરા અઢી કલાક બાદ. આ દરમિયાન કઈં કેટલાય લોકો અમારા ઉપર નજર કરી નિકળી ગયા. પણ મેં તેની પરવા ન કરી. આ સમયે હું ફક્ત તેનો જ હતો એટલે, હું તેનામાં જ ડુબેલો તેને નિહાળતો રહ્યો. અને શક્ય એટલી કોશિષ કરતો રહ્યો કે, તેની ઉઁઘમાં કોઈ ખલેલ ન પહોંચે.

તે ઉઠી ત્યારે સુરજદેવ ક્ષિતિજે આંબી ગયા હતા. વૃક્ષોના લાંબા પડછાયા આખા પરિમલ ગાર્ડનને પોતાની આગોશમાં સમાવી ચુક્યા હતા. તેણે લાંબી આળસ ખાતા ઉઠવાની કોશિષ કરતા કહ્યુ “ઓહ… હું આટલો બધો સમય સુતી રહી ? મને ઉઠાડી કેમ નહીં ?”

મેં વગર જવાબ દીધે ફક્ત સસ્મિત ચહેરે તેના તરફ જોયું, મેં ઉઠવાની કોશિષ કરી. પણ પગ ખુબ જ અકળાઈ ગયા હોવાથી ઉઠી ન શક્યો. તે મારી પરિસ્થિતી પામી મારી નજીક આવીને મારા પગને અડતા બોલી “મારી સાથે તમારા પગ પણ સુઈ ગયા લાગે છે, લાવો માલિશ કરીને ઠીક કરી દઉં”

image source

મેં જલ્દીથી મારા પગ ખેંચી લીધા. તો તે મારા હાથ પકડીને મારી આંખોમાં નિહાળતા બોલી, “આજે મને જે શુકુન મળ્યુ છે, તે કદી નહી ભુલું, કદાપિ નહીં ! કદાચ, આ જ પ્રેમ છે. અને આ જ પ્રેમનો અહેસાસ… પોતે જાતે કષ્ટ વેઠીને પણ પોતાના સાથી માટે ખુશીઓ શોધવી શું એ પ્રેમ નથી ?”

આ સમયે તેના ચહેરા પર ખુશી ફરકી રહી હતી, તેને ખુશ જોઈ હું પણ ખુશ હતો. તેની ઈચ્છા થોડો વધુ સમય રોકાવાની હતી પણ, દિવસ ઢળી ચુક્યો હતો અને વધુ રોકાવુ ઠીક ન હોવાથી હું તેનો હાથ પકડી પરિમલ ગાર્ડનની બહાર આવી ગયો. અંધારુ ઘેરાવવા લાગ્યુ હતું, રસ્તા પર મરક્યુરી બલ્બનો આછો પિળો પ્રકાશ ઝગમગવા લાગ્યો હતો, હું તેને તેના ઘરે મુકવા જવા માંગતો હતો, પણ તે ન માની, મજબુરીવશ મારે તેને લાલ દરવાજા બસ સ્ટોપ પર મુકી વિદાય લેવી પડી.

# # # # # #

આ ઘટના પછી લગભગ એક મહિના સુધી તેનો ફોન ન આવ્યો. એ વાત અલગ છે કે, મને તેના ફોનની રાહ જોવી હવે ગમવા લાગી હતી. એકાદ મહિના બાદ તેનો ફોન આવ્યો, મને તેના અવાજમાં ઉદાસી જણાઈ એટલે મેઁ કારણ પુછ્યું તો એ વિશે જવાબ આપ્યા વગર બોલી “તારીખ નક્કી થઈ ગઈ છે. હવે કદાચ હું ફોન ન પણ કરી શકું. પણ ગમે તે રીતે આમંત્રણ મોકલાવીશ, તમારે ફરજિયાત આવવાનું છે, પ્લિઝ આવજો જરૂર…..”

ક્ષણભર રોકાઈને ફરીથી સવાલ કર્યો “આવશો ને ?” મારા “હા” કહેવા સાથે જ તેણે ફોન મુકી દીધો. એ પણ ન જણાવ્યુ કે તારીખ કઈ નક્કી થઈ છે. આ ઘટના પછી બીજા દશ દિવસ નિકળી ગયા. હું રાહ જોતો રહ્યો કે, તે મને આમંત્રણ મોકલાવે…

# # # # # #

એ દિવસે સોમવાર હતો. હું ઓફિસે થોડો મોડો પહોઁચ્યો હતો. ઓફીસમાં જતાં જ રિસેપ્શનીસ્ટે એક ચિઠ્ઠી આપી એમાં લખ્યુ હતુ “તમને અનામિકાએ બોલાવ્યા છે તુરત જ પહોંચો. નિચે રખિયાલ વિસ્તારનું સરનામું લખ્યુ હતું. પુછ્યુ તો જાણવા મળ્યુ કે “રૂચિ” નામની કોઈક બેબી ચિઠ્ઠી આપી ગઈ હતી.

image source

અનામિકાનો મેસેજ મળ્યા બાદ રોકાવવાનો કે વિચારવાનો તો સવાલ જ ન્હોતો એટલે હું ઓફીસેથી નિકળી ફુલ બજાર પહોંચ્યો. ત્યાંથી ખાસ સફેદ ફુલોનો બુકે તૈયાર કરાવ્યો. અને ચિઠ્ઠીમાં જણાવેલ સરનામે પહોંચ્યો. મને જે ધારણા હતી તેનાથી તદ્દન વિપરિત સ્થિતિ હતી. લગ્નની તૈયારીની જગ્યાએ સ્મશાનવત્ શાંતિ પથરાયેલી હતી. ઘરની બહાર ઉભેલા એક વ્યક્તિને મેં પુછ્યું “અનામિકા ક્યાં મળશે ?”

“અનામિકા ?” તેણે દુ:ખ મિશ્રિત આશ્ચર્યભાવ સાથે પુછ્યું, એટલે મને મારી ભૂલનો અહેસાસ થયો કે, અનામિકા નામ તો મેં તેને આપ્યુ હતું.અચાનક તેની બહેનનું નામ યાદ આવી ગયું, એટલે મેં રૂચિ વિશે પુછ્યુ તો તેમણે અંદરના દરવાજા પાસે ઉભેલી એક પંદર-સતર વર્ષની બેબી તરફ ઈશારો કર્યો. મેં રૂચિ પાસે જઈ મારો પરિચય આપ્યો. તો તે આંસુ લુછતાં બોલી “આવો બહેન તમારી જ રાહ જુએ છે”

હું રૂચિ સાથે અંદર પહોંચ્યો તો, તેને જોઈ મારો આત્મા થરથરી ગયો. અનામિકા સફેદ ચાદર ઓઢીને સુતી હતી. આંખો શુન્યવકાશમાં કઈંક શોધતી હતી, ચહેરો હળદર જેવો પીળો થઈ ગયો હતો, જાણે કે લોહીનું એક-એક ટીંપુ કોઈએ નિચોવીને કાઢી લીધુ હોય એમ. તેની બાજુમાં તેના માતા-પિતા બેઠા હતા.

“અનામિકા… ! ” મારા નિર્જિવ ગળામાંથી સરી પડ્યું. તેણે અવાજની દિશામાં જોવા માથુ ફેરવ્યું, તે થોડીવાર મારી સામે અપલક જોતી રહી. તેની હાલત જોઈ મારી આંખો છલકાઈ ગઈ, મેં સફેદ બુકે એક તરફ મુકી તેનો હાથ પકડ્યો તો એમ લાગ્યુ કે જાણે બરફનું ચોસલુ પકડતો હોઉં, હું વગર બોલ્યે તેને પુછવા મથતો રહ્યો કે, તને શું થયું ? તે પણ વગર કઈં બોલ્યે મને અપલક નિહાળતી જ રહી. આ દરમ્યાન તેના શુષ્ક હોઁઠ પર એકાદવાર ક્ષણભંગુર સ્મિત ફરક્યું. અને બીજી જ ક્ષણે, બધુ જ અંધકારમાં વિલિન થઈ ગયું. તેણે તેની તેજ-વિહીન ખુલ્લી આંખો સાથે વિદાય લીધી મારી અને, આ ફાની દૂનિયાથી…

image source

પુછપરછ કરતાં તેના પિતાએ જણાવ્યુ કે, તેને બ્લડ કેન્સર હતું. માતા-પિતાએ પોતાના સામર્થ્ય મુજબ ઈલાજ પણ કરાવ્યો, પણ ગરીબી અને મોતની લડાઈમાં મોત વિજયી બન્યુ હતું. આજે અનામિકાની વિદાયને બાર વર્ષ ઉપરાંત થઈ ગયુ છે. પણ તેનો અહેસાસ આજે પણ મારી યાદોમાં, શ્વાસોમાં હયાત છે. હવે હું એટલું તો સમજી જ ગયો કે, તે મારા સંપર્ક અને સંસર્ગમાં કેમ આવી ?

લેખક : ગજેન્દ્રસિંહ જાડેજા “ઉર્વિ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ