અનામિકા ભાગ 2 – અરીસો માત્ર સામેનું પ્રતિબિંબ જ દેખાડે છે. જિંદગીની હકીકત નહિ, દોસ્ત! લાગણીસભર વળાંક…

પહેલો ભાગ વાંચવા અહીંયા ક્લિક કરો.

અનામિકા ભાગ 2

હું એને મળવા આતુર હતો, તેણે મને ચાર વાગ્યે બોલાવ્યો હતો, પણ હું સાડાત્રણે જ કાંકરિયા પહોંચી ગયો, એમ વિચારીને કે કદાચ મોડું ન થાય. અડધો કલાક વિતાવવો મારા મતે અસહ્ય બની રહ્યો. વળી મુળ ઉપાધી તો એ હતી કે તેને ઓળખવાની, એણે કોઈ નિશાની તો બતાવી જ ન્હોતી. વળી કાંકરિયાની પાળે એકલ-દોકલ માણસ તો હોતા નથી. અને સાંજના સમયે તો મેળા જેવું વાતાવરણ હોય છે. અને નગીનાવાડીમાં પણ ખુબ જ ભીડ હોય છે, આઈસ્ક્રિમવાળા, સીંગ-ચણાવાળા, ફેરીવાળા ઉપરથી પતિ-પત્નિના કપલ, બાળકો, પ્રેમી યુગલો, અને એક ખાસ વર્ગ જેમના માટે ફક્ત “લુખ્ખા” શબ્દ વપરાય છે.

# # # # # #

ચાર વાગી ગયા. બેચેની વધવી સ્વાભાવિક હતી. મેં નગીનાવાડીનાં કાંકરિયાને અડતા દરેક કિનારા પર બે આંટા લગાવ્યા. ઘણાંને ઓળખવાનો પ્રયત્ન કર્યો. પણ, આમાં મારી ગણતરી પણ આવારાગર્દ માં થઈ જવાની સંભાવના પણ હતી. અનેક ખુબસુરત યુવતિઓ નજરમાં આવી પણ, એમાંથી મને કોઈ અનામિકા ન લાગી. નિરાશ થઈ એક બાજુનાં કિનારે બેઠો. રાહ જોવા સિવાય કોઈ કામ તો હતું નહીં, એટલે નાના-નાના કાંકરા લઈ પાણીમાં ફેંકીને મનને મનાવવા લાગ્યો. ચાર વાગીને દશ મિનીટ થઈ એટલે મને લાગ્યુ કે, હવે એ નહીં જ આવે, જરૂર મને બેવકૂફ બનાવ્યો છે.

image source

મને પોતાના પર ગુસ્સો આવ્યો કે એક એવી યુવતિના હાથે બેવકૂફ બન્યો કે, જેને મેં જોઈ પણ નથી. હું બહાર નિકળવા માટે ઉભો થવા જ જતો હતો. ત્યાં જ પાછળથી સૂરિલો અવાજ આવ્યો “એક્ચુસ મી, હું આપની પાસે બેસી શકું ?” ક્ષણભર માટે હું એ મધુર ધ્વનિમાં ખોવાઈ ગયો, મેં પાછું ફરીને જોયું. તે બિલકુલ મારી પાછળ ઉભી હતી. નખશીખ શ્ર્વેત વસ્ત્રપરીધાન, ગળામાં સફેદ મોતીની માળા, કાનમાં સફેદ મોતીના ટોપ્સ, હાથમાં સફેદ કંગન, પગમાં પણ સફેદ મોજડી. એકદમ દેવ-કન્યા જેવી સુંદર અને પવિત્ર.

હું અપલક એને નિહાળતો રહ્યો. મ્હોમાંથી એક શબ્દ સુધ્ધા ન નિકળ્યો. મને આમ જોતો જોઈ એ બોલી “આમ શું જુઓ છો ? હું અનામિકા..” “આવો બેસો, હું તમારી જ રાહ જોતો હતો” મેં સ્વયંને સંભાળતા કહ્યુ. તે મારી પાસે બેસતા બોલી “સોરી, જરા મોડૂં થઈ ગયુ. બસથી આવું છું ને એટલે !” તેના આવવાથી આમ તો તમામ મુંજવણો દુર થઈ ગઈ હતી. હું તેની તરફ જ જોઈ બોલ્યો “એક કલાક મોડા આવ્યા હોત તો પણ હું અહિંયા જ મળત, પણ એ તો જણાવો કે, તમે મને ઓળખ્યો કઈ રીતે ? આટલી બધી ભીડમાં હું તો તમને ના ઓળખી શકત”

“મનની આંખો ખુલી હોય તો કોઈપણ અજાણ્યા અને સર્વથા અપરિચીતને ઓળખવું મુશ્કેલ નથી. મનની આંખોથી જોયુ એટલે ઓળખી ગઈ, અને આમપણ હું મનોવિજ્ઞાનની વિધાર્થીની છું” તે મારી પાસે રાખેલ પીળા ગુલાબની કળીઓ ઉઠાવીને સુંઘતા બોલી “આ મારા માટે જ છે ને ? “તમને મળવા આવ્યો છું તો સ્વાભાવિક છે. તમારા જ માટે હોય, તમને પીળો રંગ પસંદ છે ને ?”

image source

“શુક્રિયા,તમને યાદ રહ્યુ તે માટે” તે એક કાંકરો ઉઠાવી પાણીમાં નાંખતા બોલી “અને કદાચ હું તમોને ના ઓળખત તો પણ તમે મને જરૂર ઓળખી જાત” “જ્યારે તમને ક્યારેય જોયા જ ન્હોતા તો ઓળખત કઈ રીતે ?” મેં મારા મનની મુંજવણ મેં વ્યક્ત કરી તો તેણે પાણીમાં ઉઠેલ જલતરંગ પરથી ધ્યાન હટાવી પોતાના વસ્ત્ર-પરિધાન તરફ ઈશારો કરતા બોલી “આ કફન જોઈને, બધાથી અલગ તરી આવું છું ને ?” “પ્લિઝ અનું, આમ ન બોલો, આ પરિધાનમાં તમે ખરેખર અપ્સરા લાગો છો.”

અનામિકાના અવાઝનો જાદુ તો મારા ઉપર પહેલેથી હાવી હતો. અને તેના સૌંદર્યને જોઈને હું તમામ મર્યાદાઓ ભૂલી ગયો. લાગણીવશ અચાનક બંધાઈ ગયેલ સંબધોનાં ઉંડાણને સમજ્યા વગર જ હું બોલી ગયો હતો, જે કદાચ અનુચિત હતું તે મારા મનોભાવોને ઓળખી અને બોલી “તમારા અને મારા વચ્ચે મન-મેળ સિવાય બીજુ ઘણું બધુ અલગ છે. તમો મારા માટે એક આદર્શ પુરૂષ હશો, પણ એનાથી વિશેષ કઈં નહીં. અનામિકા આપની નવલિકાનું ફક્ત પાત્ર બની શકશે. માટે પ્લિઝ મને અનામિકા જ રહેવા દો, મને અનામિકા બની તમારી કથાનું પાત્ર બનવામાં જે મજા આવશે, તે ‘અનુ’ બનીને નહીં.”

મેં ભૂલ સ્વિકારી લીધી. અને એનું ધ્યાન બીજી તરફ દોરવા કહ્યું “બોલો, મને મળવા કેમ માંગતા હતા ?” “તળાવનાં શાંત જળમાં કાંકરા ફેંકવા માટે, આપ કાંકરા ફેંકો, હું વમળો જોઈશ.” “આ કામ તો તમે પોતે પણ કરી શકો છો, મને શા માટે…..” મેં કહેવા ઈચ્છયુ, પણ તેણે મારી વાત કાપતા માસુમિયતથી કહ્યું “શું તમે મારા ખાતર આટલું પણ ન કરી શકો ? મારા આવ્યા પહેલા પણ તમે આજ તો કરતા હતા ને ?” “મેં ના થોડી કહી છે ” મેં શાંત જળમાં કાંકરો ફેંકતા કહ્યુ. “પણ આનાથી ફાયદો શું ?”

image source

“શું તમે દરેક કામ લાભ માટે જ કરો છો ?” તેની વાતમાં વ્યંગ હતો, મને લાગ્યુ કે આ વાત મારે ન્હોતી કરવી જોઈતી, એટલે અચકાતા સ્વરે જલ્દીમાં બોલ્યો “નહિ તો ? મેં એમ જ પુછી લીધુ હતું”

તે પગ આગળ લંબાવી બેઠી. બેય હાથ બાંધીને ઘુંટણ ઉપર હાથ રાખી દીધા અને હાથ ઉપર અંદાજે સાંઈઠ અંશના ખુણે પોતાનો માસુમ ચહેરો. ઘુંટણ ઉપર ચહેરો કઈંક એ રીતે ગોઠવી રાખ્યો હતો કે હલન-ચલન કર્યા વગર પણ તે તળાવનાં પાણી અને મને આરામથી જોઈ શકે. આ વખતે તેની નજર એ વમળ તરફ હતી જે મારા દ્રારા ફેંકાયેલ કાંકરાથી સર્જાયા હતા.

પાણીમાં કાંકરા નાંખવાની આ રમત ઘણો સમય ચાલુ રહી. આ વચ્ચે તેણે પણ કેટલીય વાર મારી સામે જોયુ અને મેં પણ, પણ કોઈ કઈઁ બોલ્યુ નહિં.

હું એ વિચારીને આવ્યો હતો. કે તે મને મળશે. મારી સાથે વાતો કરશે, પોતાના વિશે કઈંક કહેશે, કઈઁક મારા વિશે પુછશે. પણ તેના હોંઠ પર કોઈ શબ્દ આવવા તૈયાર જ ન હતો. હું પાગલની જેમ પાણીમાં કાંકરા ફેંકી રહ્યો હતો. અને તે એમાંથી ઉભરેલા વમળોને જોતી રહી, મને તેની આ ખામોશી હવે ખટકવા લાગી હતી, તેથી મે કહ્યું “તમારા વિશે કઈં પણ નહિં જણાવો અનામિકા ?”

image source

“શું જાણવા માંગો છો ?” એણે મારી સામે જોયા વગર જ ઉદાસ સ્વરે કહ્યુ તો હું એક કાંકરો તળાવમાં નાંખતા બોલ્યો “એ જ કે તમે કોણ છો ? મને કઈ રીતે ઓળખો છો ? મને કેમ મળવા માંગતા હતા ? વિગેરે વિગેરે…. “તમોએ મને વાયદો કર્યો હતો, કોઈ સવાલ ન કરવાનો, પણ લાગે છે. તમો સવાલ કર્યા વગર નથી રહી શકતા… વિચારૂ છું તમારા અમુક સવાલના જવાબ દઈ જ દઉં”

“જેમ કે તમે જોઈ રહ્યા છો. એક યુવતિ છું. નામ તમે દઈ જ દીધું છે.. અનામિકા. ઉંમર એકવીસ વર્ષ. જુવાન છું, એટલે મનની ભાવનાઓ મચલે એ પણ સ્વાભાવિક છે. એ તળાવમાં નજર નાંખતા બોલી “પણ આ વમળોની જેમ જ, જેમ કે વમળોનું અસ્તિત્વ પાણીનું અત:કરણ નથી, પણ આ કાંકરો છે જે તમે ફેંક્યો” વાત રહી ખુબસુરતીની તો લોકો કહે છે કે હું સુંદર છું. શક્ય છે કદાચ ! મને મળીને તમને પણ એવું જ લાગ્યુ હશે. પણ હું એ સાચુ નથી માનતી. મારી નજરમાં હું દુનિયાની સૌથી કદરૂપી યુવતિ છું”

મને લાગ્યું થોડુંક અજીબ, એટલે મેં વચ્ચે ટોકતા પ્રેમથી કહ્યુ “લાગે છે કે, ક્યારેય અરીસા સામે ઉભા રહીને પોતાને ધ્યાનથી નથી જોયા તમે ?” “ચાર વર્ષની હતી, જ્યારે અરીસાનો ઉદ્દેશ્ય સમજાયો. દરરોજ એ મારી સામે જ રહ્યો છે. મારા જ હજારો રૂપ એમાં મેં જોયા છે. પણ, અરીસો માત્ર સામેનું પ્રતિબિંબ જ દેખાડે છે. જિંદગીની હકીકત નહિ, દોસ્ત !” ખબર નહીં પણ એ કેવા લાગણીના પ્રવાહમાં વહીને મને ‘દોસ્ત’ કહી ગઈ. એ મને ગમ્યું. પણ બિજી જ ક્ષણે તેના શબ્દો પીગળેલા શીશા સમાન કાનમાં ઉતરી ગયા. હું એ શબ્દને નહી, પોતાના અસ્તિત્વને ભૂલી ગયો.

image source

તે એક ઉંડો નિશાસો નાંખતા બોલી “ડાળી ઉપર ઝુલતુ ફુલ દરેક ને ગમે છે, પણ જ્યારે એ જ ફુલની ખુબસુરત પાંખડીઓ ધરતી પર વિખેરાઈ જાય ત્યારે કોઈ એને વિણશે નહીં. અને યાદ રાખજો, કાલે આ જ છોકરી જેને તમે ખુબસુરત કહો છો તે અનામિકા લાશ બનીને તમારી સામે પડી હશે, ત્યારે તમે મારી ખુબસુરતી માપશો ? નહી ને ? એ વખતે ફક્ત બે જ શબ્દ હશે તમારી પાસે ‘અલવિદા-અનામિકા’

તે આવી ફિલોસોફીની વાતો મારી સાથે કરશે, એવો અણસાર સુધ્ધા પણ મને ન્હોતો. છતાંય તેણે જે કહ્યુ એ સાચુ પણ હતું. હું એને પુછવા માંગતો હતો. કે હંમેશા નકારાત્મક વલણ કેમ અપનાવે છે. પણ હિમ્મત ના કરી શક્યો મારી જગ્યાએ તે જ બોલી “તમારો એક મહત્વપુર્ણ પ્રશ્ર્ન રહી ગયો, અને તેનો જવાબ દીધા વગર આપની ઉત્સુકતા પુરી નહી થાય, અને તમે દર વખતે ખલેલ પહોંચાડશો.”

“કઈં ? ” “એ જ કે મેં તમને કઈ રીતે શોધ્યા. અને કેમ મળી ? તો સીધો સાદો જવાબ એ છે કે, મેં પાછલા થોડા મહીનાથી અભ્યાસ બંધ કર્યો છે. ન્યુઝપેપર – પત્રિકાઓ વાંચુ છુ. તમારી નવલિકાઓ પણ વાંચી, સારી લાગી. કઈઁક અલગ, કઈંક તથ્ય ધરાવતી, અને બસ તમારી નવલિકાનું પાત્ર બનવાના કોડ જાગ્યા. મને જોઈને કહો કે હું આપની નવલિકાનું પાત્ર બની શકુ એમ છું કે નહીં ?

“બે શક બની શકો” મેં કહ્યુ “પણ, પાત્રની સાથે કોઈ કથાનક હોવું જરૂરી છે ને ?” “હું અને તમે” તે એક કાંકરો પાણીમાં નાંખતા બોલી “આ કાંકરા, આ શાંત જળમાંથી ઉઠતા વમળો, આ સાંજનો સરોવર કાંઠાનો સુંદર નજારો… શું આ બધુ કથાનક ન બની શકે ?”

“જેમ તમારા આ ટોપ-કંગન, કડા અને ગળાની આ સુંદર માળા તમારા શરીરની શોભા અને શૃંગાર તો બની શકે, પણ તમારા શરીરનું અંગ ન બની શકે, એ જ રીતે, આ કાંકરા, શાંત જળના વમળ, આ શરબતી સાંજ નવલિકાનો શૃંગાર બની શકે, કથાનક નહીં, કથાનક માટે જરૂરી હોય છે પૃષ્ઠભૂમિની, જિંદગીથી અભિન્ન ઘટનાઓની, ભોગવી ગયેલા અથવા ભોગવી રહેલા યથાર્થની, તમારી જિંદગીમાં કોઈ એવી ઘટમાળ ખરી કે, જેને હું શબ્દોમાં પરોવી કથારૂપી માળાનું સર્જન કરી શકું ?”

image source

મારી વાતનો જવાબ દીધા વગર તે તળાવનાં શાંત જળને સુની સુની નજરોથી ફંફોસતી રહી, ત્યારે મને અહેસાસ થયો કે તેની આંખોથી બે મોટા અશ્રૃબિંદુઓ ટપકીને ગાલો ઉપર થરથરી ગયા. એ મારી કોઈ અંગત ન્હોતી, મુલાકાત પણ પહેલી જ હતી. છંતાપણ ન જાણે કેવો સબંધ હતો તેની સાથે કે, તેની ઝરણા સમ ઠરેલ ખામોશ આંખોમાં આંસુ જોઈ મારુ મન થડકારો મારી ગયુ. આગળ કઈઁ પુછવાની હિમ્મત ન કરી શક્યો.

એ ખામોશ હતી, જાણે કે પથ્થરની મુર્તિ સમાન. એને એના ગાલે ઠરેલ આંસુઓનો પણ ખ્યાલ ન્હોતો અને યુવાનીનાં ઉંબરા પર ઉભેલ યુવતિનો મામલો હતો. ઉંમરના આ પડાવ પર મનોભાવના જરા વધારે પડતી વિચલીત થતી હોય છે. શક્ય છે કે એ ક્યાંક ધોખો ખાઈ ચુકી હોય ! અથવા તો મા-બાપ વેરી બન્યા હોય, એ જ વિચારી મેં ગંભિરતાથી પુછ્યુ ” અનામિકા ! કોઈને પ્રેમ કરો છો કે શું ?”

મારા સવાલનો જવાબ આપ્યા વગર તે ચુપચાપ બેસી રહી, મેં ફરી ટોકી “કોઈને પ્રેમ કરો છો કે શું ?” આ વખતે તેણે આંસુ લુંછતા-લુંછતા ચહેરો ઉપર ઉઠાવ્યો, અને હસવાની નાકામ કોશીષ કરતા-કરતા મારી તરફ જોયુ. તેના હોંઠ પર દર્દસભર મુશ્કુરાહટ હતી. અને આંખોમાં લહેરાતો દર્દનો સમંદર. પળભર હસીને તે મારી સામે જોઈ રહી પછી ખડખડાટ જોરથી હસી તો હું આશ્ર્ચર્યભાવે જોતો જ રહી ગયો. થોડો સમય તે આમ જ અવિરત હસતી રહી.

image source

હસતા-હસતા તે અચાનક જ જોર-જોરથી હાંફવા લાગી જાણે કે તેને શ્ર્વાસ લેવામાં તકલિફ પડી રહી હોય, આંખો બહાર નિકળવા મથી રહી હોય અને એનો ચહેરો લાલઘુમ થઈ રહ્યો હતો. મેં તેની પીઠ સહેલાવતા પુછ્યુ ” શું થયુ અનામિકા, આ રીતે અચાનક ??” પણ તેની સ્થિતિમાં કોઈ ફેરફાર ન થયો. ના કોઈ જવાબ દઈ શકી. હું દોડીને પાણીની બોટલ લઈ આવ્યો. પાણીથી ચહેરો ધોઈ થોડું પાણી પીધા પછી એને થોડી રાહત થઈ. તે મારા ખભાનો સહારો લઈ બેહોશ જેવી અશુધ હાલતમાં બેસી રહી.

પાંચ-સાત મિનીટ પછી તે જરા સામાન્ય થઈ તો મને લાગ્યુ કે અચાનક આવેલી આ મુસિબતોની બે ક્ષણોએ તેને મારાથી વધુ નજીક લાવી દીધી છે. મેં તેને સહજતાથી પુછ્યુ “આમ અચાનક શું થઈ ગયુ હતુ તમને ?” “તમે સવાલ ખુબ જ કરો છો” તે માથુ જુકાવીને બોલી “પહેલા સવાલનો જવાબ ન મળ્યો ત્યાં બિજો સવાલ જડી દીધો. જિંદગી છે તો ખુશી પણ હશે ને ગમ પણ, ખુશી હોય કે ગમ તેનાથી શરીર થોડુંઘણુ પ્રભાવિત થયા વગર રહેતુ નથી. હું જરાક નર્વશ શું થઈ, તમે તો એ રીતે હેરાન થઈ ગયા કે જાણે હું તમારી કઈંક હોવ !”

છેલ્લા વાક્યમાં “કઈંક” શબ્દ વધારે વજનદાર મને લાગ્યો, અને ખુંચ્યો પણ ખરા ! “આ દુનિયા આ જિંદગી ખુબજ વિચિત્ર બાબત છે અનામિકા ! અહિં સબંધ નક્કી કરે છે સમાજ કે પછી દિલ, ક્યારેક-ક્યારેક કોઈની સાથે વર્ષો રહ્યા પછીય દિલના સબંઘ નથી બની શકતા, અને ક્યારેક ક્ષણમાત્રમાં એવા સબંધ બંધાય જાય કે, માણસ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી એનો ગુલામ બની જાય છે. અને તમે મને દોસ્ત કહ્યો છે. અને દોસ્તિનો અર્થ તમે ન સમજતા હોવ એટલા નાદાન તો તમે નથી જ !”

થોડીવાર શાંત રહ્યા પછી તે રડમસ અવાજે બોલી “તમોએ મને પુછ્યુ હતુ કે, શું હું કોઈને પ્રેમ કરૂ છું ? તો તેનો જવાબ “હા” તો નથી જ પણ, “ના” કહેવુય મારા વશમાં નથી” “હું કઈં સમજ્યો નહીં” મેં કહ્યુ તો તે ઉંડો નિશાસો નાંખતા બોલી “સમજશો પણ નહીં” “એમ કેમ ?” “કેમકે તે મારા પર નિર્ભર છે, હું તેના પર નહિ. મારી એ મજબુરી છે, ચુપચાપ તેની બાહોંમાં સમેટાઈ જવાની”

image source

“મા-બાપ જબરદસ્તીથી તમારા લગ્ન કરાવવા માંગે છે કે શું ?” “ના, એમનો વશ ચાલે તો, તેઓ તો એને મારી આજુ-બાજુમાં ફરકવા પણ ન દે… પણ, તેઓ પણ મજબૂર છે મારી જેમ જ” જવાન ખુબસુરત છોકરી હતી, ઉપરથી આવો સુમધુર અવાજ, મને લાગ્યુ કદાચ આ કોઈ બ્લેક-મેઈલરના હાથનું રમકડું તો નથી બની ગઈ ને ? એમ વિચારી મેં મારી આશંકા વ્યક્ત કરી “કોઈ બ્લેકમેલ કરે છે શું તમને ?” “હા” તેણે કહ્યુ તો મેં ઉતાવળે પુછ્યુ “કોણ છે એ ?”

તેણે જમણા હાથથી ડાબા હાથનું કાંડુ પકડી હાથ ઉપર કર્યો અને હથેળી પર નજર જમાવીને બોલી “કિસ્મતની રેખાઓ” હું ઘણું બધુ જાણવા માંગતો હતો, તેના વિશે પણ તેણે તે પહેલા જ ઉઠતા કહ્યુ “લગ્ન નક્કી થઈ ગયા છે, વિદાયની વેળાએ આવી શકશો ?” તેણે છુપાવવાની ઘણી કોશીષ કરી, પણ છતાંય તેની પલકોમાં તરતા આંસુ મારાથી છુપાવી ન શકી, મારૂ મન ગમગીન થઈ ગયુ મેં ઉદાસ સ્વરે કહ્યુ” બોલાવશો, તો જરૂર આવીશ”

“કોશીષ તો કરીશ, જો બોલાવી શકી તો…” કહેતા-કહેતા એણે પોતાના કપડા ખંખેર્યા અને મારી સામે ઉદાસ નજરે જોતા બોલી “હવે જાઉં છું. વાતો – વાતોમાં ઘણો સમય થઈ ગયો.” “હું મુકી જાઉં છું તમને” મેં કહ્યુ તો તે બોલી “શુક્રિયા, હું જતી રહીશ” એના ગયા પછી હું ઘણા સમય સુધી તેના વિશે વિચારતા-વિચારતા ત્યાંજ બેસી રહ્યો.

લેખક : ગજેન્દ્રસિંહ જાડેજા “ઉર્વિ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ