અનામિકા ભાગ 1 – અનામિકા, દૂ:ખ વહેંચવાથી ઘટે છે. અને સુખ વહેંચવાથી વધે છે, પણ એવું તો શું હતું કે એ આમ…

અનામિકા ભાગ 1

“મારી ઈચ્છા તેની સાથે પ્રેમ-સબંધો જોડવાની નહીં, પરંતુ એ રહસ્ય જાણવાની હતી જે એને અંદર-અંદરથી કોરી ખાતુ હતું”

# # # # # #

એ અનામ યુવતીથી ન મારો કોઈ સબંધ હતો, ન પરિચય. છતાં એ મારી જિંદગીમાં આવી અને એવી રીતે આવી કે જ્યારે મેં એને જોઈ ત્યારે તે… મારા વિચાર, મારા દિલો-દિમાગ અને જીવનના હરક્ષણ પર હાવી થઈ ગઈ. ઘણીવાર વિચાર્યુ કે, એના વિશે લખું. પણ જ્યારે પણ લખવા માટે પેન ઉપાડી, કાગળ શાહીની જગ્યાએ આંસુઓથી પલળી જતાં.

image source

માર્ચ મહીનો હતો, હોળી થી અમુક દિવસ પહેલાનો, હું વિચારમાં મારા નવા લેખની પ્રસ્તાવના ઘડી રહ્યો હતો. ફોનની ઘંટડી વાગતા મારુ ધ્યાનભંગ થયું. મેં અનિચ્છાએ રિસીવર ઉપાડ્યું. “હેલો” “હેલો !” કોઈક યુવતીનો રણકતો મધુર સ્વર મારા કાને પડ્યો. “કેમ છો તમે ?” અવાજ મારા માટે સવર્થા અપરિચીત હતો. એટલે, મેં કોઈપણ પ્રતિભાવ આપ્યા વગર જ પુછ્યું “તમે કોણ ?”

“એક યુવતીનો અવાજ નથી ઓળખતા ?” એણે નામ જણાવવાની જગ્યાએ હસતા-હસતા કહ્યુ હતું. મને થયું કે રોંગ નંબર છે, એકવાર તો એમ પણ થયું કે, “રોંગ નંબર” કહી ફોન કાપી નાંખુ. પણ એ યુવતીના બોલવામાં કંઈક તો એવું હતું કે ‘રોંગ નંબર’ કહેવાનું મન ન થયું, એટલે મેં પુછ્યું. ” કોની સાથે વાત કરવી છે તમારે ?”

“તમારી સાથે” સામેથી તેણે કહ્યું ત્યારે મને લાગ્યુ કે, તે જે હોય એ, પણ છે મજાકનાં મુડમાં. મેં પુછ્યું “તમે ક્યાંથી બોલો છો ?” “અત્યારે તો પબ્લિક ટેલિફોન પરથી બોલી રહી છું” થોડું અટકીને,”ઘરે આવવું હોય તો, સરનામું લખાવું ” મને થોડો કંટાળો જરૂર આવ્યો પણ વિણાનાં મધુર સ્વર જેવો તેના અવાજનો જાદુ મારા કંટાળાને પી ગયો.મેં ખુબજ સહજતાથી કહ્યું. “મને ખબર નથી, પણ આપનો પરિચય આપો તો વાતચીત કરવામા સરળતા રહે.”

image source

“ઓહ..! સોરી, હું પરિચય આપવાનું તો ભૂલી જ ગઈ, ખરેખર તો હું આપની એક ફેન બોલુ છું” તેણે સરળ અને મૃદુ સ્વરે કહ્યું. તો મને થોડું અચરજ થયું. કેમકે, મારા વ્યક્તિત્વમાં એવી કોઈ ખાસ વાત છે જ નહી કે જે, પ્રસંશનીય હોય, અને નથી એવું કોઈ પ્રસંશનીય કામ કર્યુ કે જે પ્રસંશાને પાત્ર હોય. એટલે મેઁ પણ મજાકીયા અંદાજમાં કહ્યુ.”મેં સબંધ નહીં, નામ પુછ્યુ છે.

“નામ ? એ ખડખડાટ હસી, એ જાણે કોઈ દુરનાં મંદિરમાં થતા ઘંટારવ સમી, પછી ગંભીર સ્વરમાં બોલી, ” તમે તો લેખક છો. વાર્તાના દરેક પાત્રોને નિત નવા નામ આપો છો. મને પણ કોઈક નામ આપી દો, તમારી પસંદ મને ખબર છે. જે નામ તમે મને આપશો, એ મને જરૂર પસંદ આવશે અને એજ નામથી હું વાતચીત કરીશ.”

હું સમજી ગયો હતો કે, આ યુવતી મને ઓળખે છે. અને તેણે જાણી-જોઈને મને ફોન કર્યો છે, મારી સ્થિતી અસમંજસ ભરી હતી. હવે તો સવાલ કરવાના પણ દરેક રસ્તા બંધ હતા. મને ચુપ જોઈ તે બોલી.”હું પબ્લિક ટેલિફોન પરથી વાત કરી રહી છું. તેથી વધારે રાહ ન જોઈ શકું, બહાર કેટલાય લોકો લાઈન લગાવીને ઉભા છે. પ્લિઝ જલ્દી જણાવોને મારૂ નામ ?”

image source

જલ્દીમાં કઈં સુજ્યું નહી, તો મેં એમ જ કહ્યું. “અનામિકા… ! કેવું રહેશે ? “ઠીક છે, નામ તો માત્ર ખોળીયાની ઓળખ માટે જ હોય છે ને ! કોઈપણ નામથી શું ફર્ક પડે છે ?” એ પોતાના આગવા અંદાજમાં બોલી ” અને, આમ પણ તમારુ આપેલું નામ માત્ર તમારા માટે જ છે ને ?” હું કઈંપણ કહી શકું એ પહેલા તેણે ફોન મુકતા કહ્યું. “બાય… ફોન મુકું છું”

# # # # # #

એ અનામ યુવતિને મેં જોઈ પણ ન્હોતી. પણ તે છતાં ખબર નહિં, એની વાત કરવાના અંદાજમાં શું જાદુ હતો કે, એના અવાજમાં, કે આવનારા કેટલાય દિવસ સુધી તે મારી જિંદગીમાં હરક્ષણ પર છવાયેલી રહી. હું એના વિશે સતત વિચારતો રહ્યો, મને આશા હતી કે, તે ફરીથી ફોન જરૂર કરશે. હું રાહ જોતો રહ્યો તેના ફોનની, પણ ફોન ન આવ્યો.

એકાદ અઠવાડીયુ વીતી ગયું, ત્યારે ફરીથી તેણે શાંત મનનાં તળાવમાં કાંકરો ફેંકી ફરીથી વમળો સર્જી દીધા. અઠવાડીયા પહેલા પણ તેણે અગીયાર વાગ્યે ફોન કર્યો હતો. આજે પણ તેના “હેલો” કહેવાની સાથે જ હું ઓળખી ગયો. “હેલો અનામિકા,” મેં અધિરાઈથી કહ્યું, તો એ ઉદાસ અને શાંત સ્વરે બોલી “ઓળખી લીધી….? શું રાહ જોતા હતા, મારા ફોનની ?” હું “હા” કહેવા જતો હતો, પણ મનોભાવનાઓ દબાવી ફક્ત એટલું જ કહ્યું “એમ જ સમજી લો”

image source

“ઈન્તઝારની વેદના ખુબ જ આઘાતજનક હોય છે” તે રડમસ અવાજે બોલી “ભગવાનને પ્રાર્થના કરજો કે, “જિંદગીમાં બધું જ કરાવે, પણ ઈન્ઝાર નહીં પળભર માટે તેના રોવાનો અવાજ આવ્યો અને પછી ફોન કપાઈ ગયો, હું રિસીવર હાથમાં પકડી સુન્ન બેસી રહ્યો, તેનું આમ અચાનક રડવાનું રહસ્ય હું સમજી ના શક્યો. એ આખો દિવસ હું એના ફોનની રાહ જોવામાં બેચેન રહ્યો. ફોનની ઘંટડી વાગે એટલે તેનો ફોન સમજી ઉતાવળે ફોન ઉપાડતો. પણ, જ્યારે સામેથી બીજા કોઈનો અવાજ સાંભળતો ત્યારે અનિચ્છાએ પણ વાત કરવા મજબુર થઈ જતો.

# # # # # #

બીજા દિવસે અગીયાર વાગ્યે તેનો ફોન આવ્યો એટલે મેં ઉતાવળે પુછ્યું “ગઈકાલે આપને શું થયુ હતું ? રોતા-રોતા ફોન કાપી નાખ્યો, વાત પણ ન કરી. બીજીવાર ફોન કરશો એમ વિચારી આખો દિવસ રાહ જોતો રહ્યો” “લાગે છે કે, તમે મારા શબ્દો પર ધ્યાન નથી દીધું, મેં કહ્યુ હતુ ને કે, બધુ જ કરજો, ઈન્તઝાર નહી” તે શાંત સ્વરે બોલી “ઈન્તઝારમાં ખુબ જ દર્દ હોય છે. હોય છે ને ?” “હા” મેં કહ્યુ તો તે વાત બદલતા બોલી.

“વિતેલી ક્ષણો ન તો વર્તમાન બની શકે છે, અને ન તો ભવિષ્ય, તો શું ફાયદો ? એ યાદ કરવાથી, ગઈકાલની વાત હું ભૂલી ગઈ તમે પણ ભૂલી જાઓ. આજે હું ખૂબ જ ખુશ છું, ખૂબ જ ખુશ. આજે ખૂબ વાતો કરીશ.”

image source

“તમે ખુશ છો એ વાત જાણીને સારુ લાગ્યું, પણ એક વાત હું ખુબ જ સારી રીતે સમજી ગયો કે ક્યાંક, કોઈ દૂ:ખ જરૂર છે જે તમારા મનને સાલે છે” મેં તેને સમજાવતા કહ્યું “મારી એક વાત યાદ રાખજો અનામિકા, દૂ:ખ વહેંચવાથી ઘટે છે. અને સુખ વહેંચવાથી વધે છે. ઘર, કુટુંબ, મિત્રો, સબંધો અને સમાજ હોય જ છે, સુખ-દૂ:ખની વહેંચણી કરવા માટે…”

“તમે લેખક છો, મારાથી વધારે સમજદાર” અને તે ઉદાસ સ્વરમાં બોલી “શક્ય છે, તમારી વાત પોતાની જગ્યાએ સત્ય હોય, પણ મારો વિચાર આ બાબતમાં કઈંક બીજુ જ કહે છે.” “જેમ કે…!” “એ જ કે, અમુક દૂ:ખ અને સુખ એવા હોય છે, જેને માનવી ધારે તેમ છતાં પણ વહેંચી નથી શકતો” “દાખલા તરીકે…?” “દાખલા તરીકે, ભય, મોત. જેમકે આનંદમય કલ્પનાઓની ઉર્મીઓ” મને તેની વાત કઈંક અજીબ લાગી, પણ તેની વાતનો મારી પાસે કોઈ નક્કર જવાબ ન હતો, એટલે મેં પોતે વાત બદલતા કહ્યુ ” ખોટું ન લગાડો તો એક વાત પુછું ?”

image source

“ના બિલકૂલ નહી” એણે સમજ્યા-વિચાર્યા વગર જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ “મને સવાલોથી અનહદ નફરત છે. તો પ્લિઝ આજ પછી તમે મને કોઈ સવાલ ન પૂછતા” “એમ કેમ ?” “એટલા માટે કે ઘણીવાર ઈચ્છા ન હોવા છતાં જવાબ માટે જૂઠનો સહારો લેવો પડે છે. અને હું ખોટૂં બોલવા માંગતી નથી, કોઈકવાર બોલું છું તો પણ મજબૂરીવશ અથવા બીજાના હિત માટે” તેની આ વાત મને અચરજમય લાગી, તે ક્ષણભર રોકાઈ અને ફરીથી માસૂમીયતથી બોલી “એક નાનો એવો વાયદો કરશો ?” “બોલો”

“નિભાવવાનો વાયદો કરો તો બોલું ?” હું અસમંજસમાં પડી ગયો. શુ ખબર શેનો વાયદો કરાવે, પણ તેના માસુમીયત ભર્યા અવાજને લક્ષમાં લઈ નિભાવવો કે ન નિભાવવો તે તો આપણા જ હાથમા છે ને ? આમ વિચારી મેં “હા” કહી. “વાયદો કર્યો છે તો તોડતા નહી” તે બોલી “આજ પછી તમે કદી કોઈ સવાલ નહી કરો”

તેની વાત સાંભળી હું હૈરાન થઈ ગયો. જે માણસનું કામ જ સવાલોના જંગલમાં જવાબો શોધવાનું હોય તે સવાલો વગર કેવી રીતે રહી શકે ? હું કઈઁ કહી શકું તે પહેલા તે બોલી “સવાલ કરવો માનવીની પ્રકૃતિમાં જ છે. એ જાણું છું કે, વાયદો કરવા છતાં તમો સવાલ જરૂર પુછશો. પણ, સવાલનો જવાબ દેવો કે ન દેવો તે તો મારા વશમાં છે ને ? એટલે હું નિશ્ર્ચિંત છું.”

image source

“આપ નિશ્ર્ચિંત રહો, હું તમોને કોઈ સવાલ નહીં પુછું” મેં સ્વાભાવિક રીતે કહ્યુ ” અને આમ પણ સવાલ-જવાબની ચર્ચાઓ તો ત્યાં હોય, જ્યાં સબંધ હોય, મારો અને તમારો સબંધ કેટલો…? માત્ર ત્રણ ફોનનો, અને આ સ્થિતીમા મને સવાલ કરવાની જરૂર છે પણ નહી” “તમે એ કેવી રીતે માની લીધું કે, આપણો સબંધ માત્ર ફોન સુધી જ સિમીત રહેશે ? આ તો શરુઆત છે. હું તમને મળીશ પણ ખરી. અને વાત પણ કરીશ. શરુઆત છે તો, શક્ય છે કે, આપણા સબંધ માત્ર ફોન સુધી સિમીત ના પણ રહે” તેણે આમ કહ્યુ તો હું આશ્ર્ચર્યચક્તિ રહી ગયો. સુખદ પણ લાગ્યુ.

એ કોણ છે ? કેવી છે ? મારી પાસેથી શું અપેક્ષા છે. ફોન કેમ કરે છે ? એ હું કઈઁ જ જાણતો ન હતો. મને સારો લાગતો હતો તો માત્ર, એના વાત કરવાનો ઢંગ અને કોઈ પાયલનાં છન-છન જેવો સુમધુર અવાજ. હું તેની એક ઝલક જોવા બૈચેન હતો. એટલે તેને ખુશ કરવા બોલ્યો “નિશ્ર્ચિંત રહો અનામિકા, સબંધ વધે ન વધે હું તમને ક્યારેય સવાલ નહી કરુ.”

મારી વાત સાંભળી તે ખડખડાટ હસી પડી, તેનું આમ હસવું મને સારુ લાગ્યું. બે ક્ષણ હસ્યા પછી ખુશ થતા તે બોલી “જોયું હુ જીતી ગઈ, યાદ રાખજો તમો મને કોઈ સવાલ નહીં પુછો, હું તમને ગમે તે સવાલ પુછી શકું છું.” એ દિવસે એણે લાંબા સમય સુધી સામાન્ય વાતો કરી, તેની વાતોમાં છોકરમત હતી. આ પછી કેટલાય દિવસ સુધી તેનો ફોન ન આવ્યો.

# # # # # #

હોળીના બે દિવસ પહેલાની વાત છે. સૌ કોઈ હોળીના તહેવાર ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત હતા. એ વખતે તેનો ફોન આવ્યો. તો મારાથી સ્વભાવગત પુછાઈ ગયુ.”આટલા દિવસ પછી ? હોળીની તૈયારી કેવી’ક ચાલે છે ?” “હું હોળી નથી રમતી” તે ઉદાસ સ્વરે બોલી “તો તૈયારી કેવી ?”

“ઓહ ! છોડો એ જણાવો કે કેમ છો ?” મેં પુછ્યું તો તે થોડીક કડવાહટ સાથે બોલી “વાયદો ભૂલી ગયા ? મેં કહ્યુ હતું ને કે, તમે કોઈ સવાલ નહીં પુછો” “સોરી ! અનામિકા, ભૂલ થઈ ગઈ, ખરેખર વાતોની શરુઆત જ સવાલોથી થાય છે. એટલે સવાલ પુછવો તે માનવીની પ્રકૃતિ સમાન છે.” મારી વાતો પર ધ્યાન દીધા વગર જ તે બોલી “એક જરૂરી કામ હતુ એટલે ફોન કર્યો” “બોલો” “હોળી રમવી છે. તમારી સાથે… રમશો ?” “મજાક કરો છો ? હમણાં તો તમે મને કહ્યું હતુ કે, મને હોળી…” “મજાક નથી કરતી, આ વખતે મુડ છે. હોળી રમવાનો”

image source

કદાચ એક હાથમાં રીસીવર ન હોત તો બેય હાથોથી હું તાળીઓ પાડત. આ ખુશીમાં, મેં હસતા-હસતા કહ્યુ “રંગ-રંગીલા આ મૌસમમાં મળવાની મજા કઈંક અલગ જ હોય છે” “મેં મળવાની તો વાત જ નથી કરી” એણે તરત જ કહ્યું તો મને ઝટકો લાગ્યો. એટલે પુછ્યું “હમણા તો તમે મને હોળી રમવાની વાત કરી. તો હોળી સામે આવ્યા કે મળ્યા વગર કઈ રીતે રમી શકાય ?” “કેમ નહી, માન્યુ કે હકીકત બહું મોટી વાત છે. પણ, કલ્પનાનું પણ પોતાનું એક અલગ અસ્તિત્વ હોય છે” વાત મારી સમજ બહાર હતી, એટલે જવાબમાં કઈં કહું કે ચુપ રહું. ક્ષણભરની ચુપકિદી પછી એ બોલી ” પાંચ રૂપિયા ઉધાર આપશો ?”

“આનાથી સારી મજાક શું હોઈ શકે ?” મારી વાત સાંભળી તે ગંભીર સ્વરે બોલી “કોઈની પાસે કોઈ ચીજ માંગવી, તે મજાક હોય છે શું ?” “મજાક નથી તો પાંચ રૂપીયા શું કામ માંગો છો ?” “સવાલ પુછવાની મનાઈ છે. એક નાનો અમથો વાયદો પણ નિભાવી શકતા નથી ? જવાબ ફક્ત “હા” અથવા “ના” માં આપો” “તમને શું લાગે છે કે, હું “ના” પાડી શકું એમ છું ?” મેં કહ્યુ એટલે તે બોલી “સવાલની આદત નહી જાય. “હા” ના જવાબ ઉપર પણ સવાલ જડી દીધો ? ખૈર ! મેં જે પાંચ રૂપીયા ઉધાર માંગ્યા છે તેમાથી રંગ લાવજો, લીલો, પીળો અથવા સફેદ… લાલ નહીં, લાલ રંગ મને પસંદ નથી, હોળીમાં લોકો મોટાભાગે લાલ રંગ લગાવે છે એટલે જ હું હોળી નથી રમતી”

“જ્યારે તમે હાજર નહી હોવ, તો રંગનું શું કરીશ ?” “શરીર નહી, મારૂં મન તો તમારી પાસે જ હશે ને ? આયના સામે ઉભા રહી, પહેલા એક રંગનું પડીકુ ખોલજો પછી આંખો બંધ કરી કલ્પના કરજો કે હું તમારી સામે ઉભી છું મને ખબર છે કે, વગર જોએ કોઈની છવિ મનમાં ઉતારવી કે એ વ્યક્તિ વીશે કલ્પના કરવી સહેલી નથી, પણ મને વિશ્ર્વાસ છે કે, તમે એવું કરી શકશો. લેખકોની કલ્પનાશક્તિ ઘણી તિવ્ર હોય છે. મને તમારી કલ્પનાઓમાં ઢાળવી તમારા માટે કોઈ મોટી વાત નહી કહેવાય”

image source

થોડીવાર રોકાયા બાદ તે ફરી બોલી ” પુરુષોનું ડાબુ અંગ સ્ત્રીનું મનાય છે. તમારા ડાબા હાથેથી રંગ લઈ જમણા ગાલ ઉપર લગાવજો અને એમ કલ્પના કરજો કે, હું તમને રંગ લગાવી રહી છું. પછી બીજું પડીકુ ખોલી, જમણા હાથે રંગ લઈ તમારા ડાબા ગાલે લગાવજો એવી કલ્પના કરજો કે, તમે મને રંગ લગાવી રહ્યા છો”

“હોળી રમવી જ છે. તો મળવામાં શું વાંધો છે ?” મેં કહ્યુ તો તે તરત જ ગુસ્સામાં બોલી “સવાલ કરવાની ના પાડી ને ? પાંચ રૂપીયા આપી દઈશ. વિશ્ર્વાસ રાખજો, પણ હોળી જરૂર રમજો, મારુ મન આખો દિવસ તમારી પાસે જ રહેશે. બોલો, પ્રોમિસ ?” “પ્રોમિસ,” મારા કહેવાની સાથે જ એણે ફોન કાપી નાંખ્યો.

# # # # # #

તેની વાત બિલકુલ છોકરમત જેવી હતી. પણ અંદાજ ગંભીર હતો. બે દિવસ પછી હોળી હતી. ઘરે આવેલા બે-ચાર મિત્રોના ગળે મળ્યા સિવાય મેં એવું કંઈ જ ન્હોતુ કર્યુ કે, જેને ‘હોળી રમ્યા’ એમ કહી શકાય. અલબત્ત એ બધુ જ જરૂર કર્યુ જે અનામિકાએ કહ્યુ હતુ. અને એ બધુ કરવું ખરેખર મને ગમ્યું.

હોળીના બિજા દિવસે તેનો ફોન આવ્યો તો તે ખુશમિજાજમાં હતી.”હોળી રમવા માટે શુક્રિયા, મને વિશ્ર્વાસ હતો કે, તમે મારી વાત નહીં જ ટાળો” “તમને કેવી રીતે ખબર ?” મેં કહ્યુ તો એ બોલી “મને બધુ જ ખબર છે, તમે મારી સાથે ખુબ જ પ્રેમથી હોળી રમ્યા હતા” તેની વાત સાચી હતી એટલે મેં મુકસંમતિ આપી. આ પછી તેના બીજા બે-ત્રણ ફોન આવ્યા, પણ એવી જ ઠેકાણા વગરની ઢંગધડા વગરની વાતો. જ્યારે પણ કઈંક પુછવા જતો તો એ વાત બદલી નાંખતી, વાયદો યાદ કરાવતી, અથવા ફોન કાપી નાંખતી. એક સમય એવો પણ આવ્યો કે, ઘણા દિવસો સુધી તેનો ફોન ન આવ્યો. એટલે કેટલીય આશંકાઓ મનમાં ઘર કરી ગઈ.

# # # # # #

image source

દોઢેક મહિના પછી આખરે ફોન આવ્યો. “સોરી ! એક પ્રોબ્લમ હતો. એટલેફોન ન કરી શકી. કેમ છો તમે ?” “ઠીક છું, તમે કઈંક સંભળાવો” મારી વાતનો કોઈ જવાબ ન દીધો. થોડીવારે ગંભીર સ્વરે બોલી “મળવા માંગુ છું તમને, એટલે જ ફોન કર્યો હતો, થોડો સમય કાઢી શકશો મારા માટે ?” “હા, કેમ નહિ ? તમે કહો તો ખરા !” “ક્યારે મળશો ?” “અત્યારે જ, આ જ ક્ષણે મળી શકું છું” મેં ઉતાવળે કહ્યુ, તો તે ગંભીર સ્વરે બોલી.”આટલી તત્પરતા ઠીક નથી, હું એક સર્વ સામાન્ય યુવતિ છું. મારામાં કોઈ એવું આકર્ષણ નથી. જે બધાને પ્રભાવિત કરી શકે, મને મળીને કોઈ ખુશ નહિ થાય અને કદાચ તમે પણ નહિ !”

“છંતાય તમને મળવા માંગીશ, બોલો ક્યારે મળશો ?” “આજ સાંજે ચાર વાગ્યે ?” “ઓફિસમાં આવી જાવ” મેં કહ્યુ તો તે તરત જ બોલી.”ના, હું ત્યા નહીં આવું. તમારે જ આવવું પડશે” “ક્યાં ?” “કાંકરિયા” “કઈ જગ્યાએ ?” “નગીના વાડીએ, મને ઠરેલ પાણી ખુબ જ ગમે છે, તળાવના કાંઠે બેસીને વાતો કરીશું” “બધાને વહેતું પાણી ગમે, અને તમને ઠરેલ પાણી ? એનું કોઈ ખાસ કારણ ?”

image source

“વહેતા પાણીમાં કાંકરા ફેંકવાથી વમળ ઉદ્ભવતા નથી, જ્યારે ઠરેલા પાણીમાં કાંકરા ફેંકવાથી વમળ ઉત્પન્ન થાય છે. એ જળતરંગ જોઈ મને ખુબ સારૂ લાગે છે. એવી જગ્યાએ કલાકોનાં કલાકો એકલી બેસી શકું છું. બસ, આજુબાજુમાં કાંકરા હોવા જોઈએ” “આપણે એકબીજાને ઓળખીશું કઈ રીતે ?” મેં પુછ્યું તો તે હસતાં-હસતાં બોલી, “આ જવાબદારી આમ તો તમારા પર હોવી જોઈએ. પણ, તમારો આત્મવિશ્ર્વાસ ડગમગતો લાગી રહ્યો છે. એટલે, એ કામ મારી ઉપર છોડી દો” હું એને વધુ કઈઁ બોલું કે પુછું એ પહેલા જ તે ફોન મુકતા બોલી “ઓકે.. બાય !, ઠીક ચાર વાગ્યે પહોંચી જજો”

લેખક : ગજેન્દ્રસિંહ જાડેજા “ઉર્વિ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ