એક વિશિષ્ટ દંપતિ, “રેહાના અને જીતુ”

1795652_10152034317213865_116107632_nમિત્રો , આજે પરિચય કરાવવો છે એક વિશિષ્ટ દંપતિનો, “રેહાના અને જીતુ”

આ યુગલ પોતાના માટે નહી સમાજ માટે જીવે છે. ઝુપડપટ્ટીમાં રહેતા અને પ્રેમ-હુંફના અભાવમાં જીવતા 1000થી વધુ બાળકો માટે રેહાના અને જીતુ મા-બાપ બનીને એમના માટે કામ કરે છે.

ચાની લારીએ કામ કરીને કે કચરો વીણીને થોડા પૈસા કમાઇ લેતા અને પછી ગુનાખોરીના રસ્તે ભટકી જતા આ બાળકો માટે આ દંપતીએ માર્ગદર્શકનું કામ કર્યુ છે. એમણે વિશ્વનીડમ નામની સંસ્થા શરુ કરી અને ઝુપડપટ્ટીના બાળકોને ભણાવવાનું શરુ કર્યુ. શરુઆતમાં સાવ નાના પાયા પર કામગીરી શરુ કરી પણ આજે 1000થી વધુ બાળકોને અભ્યાસની સેવાઓ પુરી પાડે છે. રાજકોટની 7 ઝુપડપટ્ટી ઉપરાંત હવે તો એમની સેવા રાજકોટના સીમાડાઓની બહાર પણ વિસ્તરી છે. અનેક યુવાનો આ સેવાકીય પ્રવૃતિમા જોડાઇને રેહાના-જીતુના હાથ મજબુત કરી રહ્યા છે.

સમાજના આર્થિક રીતે સધ્ધર ઘણા દાતાઓ આર્થિક મદદ પણ કરી રહ્યા છે અને કોલેજના યુવાનો શિક્ષક બનીને આ સેવા યજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યા છે. ઝુપડપટ્ટીના આ બાળકોને શિક્ષણની સાથે સાથે વ્યવસાયિક તાલીમ આપીને એને જુદા જુદા પ્રકારની આર્થિક ઉપાર્જનની પ્રવૃતિમાં જોડવામાં આવે છે જેથી ભણવાની સાથે સાથે થોડી કમાણી પણ કરી શકે. મિત્રો, રેહાના-જીતુએ પોતાના સંતાનને આ દુનિયામાં ન લાવવાનો નિર્ણય પણ કર્યો છે કારણ કે એમના મતે આ બધા જ બાળકો એમના પોતાના બાળકો છે. આ બાળકો માટે હવે તો ‘ હેપીહોમ ‘ નામની હોસ્ટેલ પણ શરુ કરી છે જ્યાં બાળકો કોઇપણ જાતના ચાર્જ વગર રહી શકે છે જાણે કે પોતાનું ઘર હોય એવી રીતે.

imgsize

વિશ્વનીડમની યાત્રા :

============

– ૨૦૦૨માં પાંચ બાળકોના કેન્દ્રથી શરૂઆત

– ૨૦૦૩માં કલરવ નામે સૌ પ્રથમ કેન્દ્ર

– નિર્મલા કોન્વેન્ટ સ્કૂલે સહયોગ આપ્યો, ત્યાં ૪૩૦ બાળકો વિશ્વનીડમના અભ્યાસ કરે છે.

– ૨૦૦૯માં નટરાજનગર, રૈયાધાર વિસ્તારમાં કેન્દ્રો શરૂ થયાં

– ૭ ઝૂંપડપટ્ટી વિસ્તારના ૭૦૦ બાળકોને જ્ઞાનનું અજવાળું મળ્યું

– તેમના પરિવારને પણ નિવ્ર્યસની બનાવાયા

– ઝૂંપડપટ્ટીનો મહેશ નામનો એક છોકરો બીબીએમાં ભણે છે

– વિશ્વનીડમની ઝૂંપડપટ્ટીના કેન્દ્રોમાંથી સ્કૂલે જતા બાળકો વેબડિઝાઈન પણ શિખે છે.

– રાજકોટની નિર્મલા, સેન્ટપોલ, જીવનશાંતિ, પરિશ્રમ, ક્રિશ્ના, ન્યૂએરા, હરિવંદના વગેરે સ્કૂલો ફી લીધા વગર વિશ્વનીડમનાં બાળકોને ભણાવે છે.

અનેક સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ દંપતિએ પોતાની સેવાની જ્યોત જલતી રાખી છે. ક્યારેય કોઇ પ્રસિધ્ધિની ઇચ્છા નહી કે પોતાના કાર્યની કોઇ જાહેરાત નહી. એમના કાર્ય વિષે લખવા બેસીએ તો પાનાઓના પાના પણ ઓછા પડે. આપણે સૌ મિત્રો આ દંપતિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ પ્રકારની મદદ કરીને એમના આ સેવાકાર્યને સાથ આપીએ. સપોર્ટ કરવા ઇરછુક મિત્રો http://www.vishvanidam.org/contact.php અહી વિઝીટ કરી શકે.

ટીપ્પણી