આપણે કેટલું સાચૂકલું જીવીએ છીએ?

‘ફોલો યોર ઇન્સ્ટિંક્ટ. આપણું સઘળું તેજ, સઘળું ડહાપણ તો જ બહાર આવશે જો આપણે દિલનું સાંભળીને તે પ્રમાણે વર્તતા હોઈશું. પેશન એક એનર્જી છે, જેમાં સૌથી વધારે જલસો પડતો હોય તે કામ કરીશું ત્યારે જ ખરી તાકાતનો અનુભવ થતો હોય છે.”

Oprah-Winfrey-thumsઅમેરિકાના કોઈ ગામડાના સાવ ગરીબ ઘરમાં જન્મેલી એક નીગ્રો છોકરી. ખરેખર તો એને જન્મેલી કહેવા કરતાં આકસ્મિક રીતે પેદા થઈ ગયેલી કહેવી જોઈએ, કારણ કે એની મા તરુણાવસ્થામાં પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. માનો પ્રેમી ખાણમાં કામ કરનારો મજૂર હતો, જે પછી કેશકર્તનકાર અને ત્યાર બાદ આર્મીનો જવાન બન્યો. દાયકાઓ પછી એકાએક બીજો એક આદમી ફૂટી નીકળ્યો હતો અને દાવો કર્યો કે આ છોકરીનો અસલી બાયોલોજિકલ બાપ તો હું છું! ખેર, છોકરી જન્મી ત્યારે એના હાલચાલ જાણવા એકેય બાપ ફરક્યો નહોતો. મા કોઈના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. છોકરીને બીજા કોઈ ગામમાં રહેતી એની નાનીએ ઉછેરી. ગરીબી એટલી ભીષણ હતી કે છોકરીનું અંગ ઢાંકવા નાનીમાએ શણના કોથળા ફાડી ફાડીને ફ્રોક સીવવાં પડતાં.

Oprah-Winfrey kidમા અલગ-અલગ પુરુષોથી બચ્ચાં જણતી રહી. છોકરી માંડ નવ વર્ષની થઈ ત્યારે એનું પહેલી વાર જાતીય શોષણ થયું,માસિયાઈ ભાઈ દ્વારા. સિલસિલો શરૂ થઈ ગયો. માસિયાઈ ભાઈ પછી કોઈ અંકલ, પછી પરિવારનો કોઈ પરિચિત પુરુષ. સેક્સ્યુઅલ અબ્યુઝથી ત્રાસી ગયેલી છોકરી તેર વર્ષની ઉંમરે ઘરેથી નાસી ગઈ. પરિસ્થિતિ કહો કે મા તરફથી વારસામાં મળેલી ચંચળતા કહો, પણ ૧૪ વર્ષની ઉંમરે છોકરી પણ પ્રેગ્નન્ટ થઈને એક દીકરાની મા બની. બચ્ચું ફક્ત બે જ મહિના જીવ્યું. આવા કંગાળ અને સ્ફોટક બેકગ્રાઉન્ડમાંથી આવેલી છોકરીનું કેવું ભવિષ્ય કલ્પી શકો છો? આ રહ્યો જવાબઃ ૩૨ વર્ષની ઉંમર સુધીમાં તે અત્યંત લોકપ્રિય સેલિબ્રિટી તરીકે ઊભરે છે. અમેરિકાના ઇતિહાસની સૌથી ધનિક આફ્રિકન-અમેરિકન બિલિયોનેર મહિલા તરીકે તેનું નામ નોંધાય છે. આંખ ચાર થઈ જાય એવા મહેલ જેવા એના વિરાટ બંગલા છે. ખુદના પ્રાઇવેટ જેટમાં દુનિયાભરમાં ઊડાઊડ કરે છે.

આ સ્ત્રી એટલે ઓપ્રા વિન્ફ્રે. લાગલગાટ પચ્ચીસ વર્ષ સુધી સુપરહિટ ‘ધ ઓપ્રા વિન્ફ્રે શો’ નામનો ચેટ-શો હોસ્ટ અને પ્રોડયુસ કરીને ભારત સહિત દુનિયાભરના દેશોના ડ્રોઇંગરૂમમાં પહોંચી ગયેલી જાડુડી-પાડુડી-વહાલુડી સ્ત્રી. થોડા દિવસો પહેલાં એણે સાઠમો બર્થડે સેલિબ્રેટ કર્યો.

oprahકોણ કહે છે બાળપણ સોલિડ હોય તો જ જીવનમાં આગળ આવી શકાય? ઘણા લોકો પોતાની નિષ્ફળતાઓ અને અધૂરપને ઢાંકવા માટે બાળપણને આગળ ધરી દેતા હોય છે. શું થાય, પાયો જ કાચો રહી ગયો. મા-બાપે સારી સ્કૂલમાં ભણાવ્યો હોત તો આજે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. નાનપણમાં મારી સાથે ફલાણી ફલાણી ઘટના થઈ એમાં પર્સનાલિટી કાચી રહી ગઈ, નહીં તો શુંનું શું કરી નાખત વગેરે. આવા લોકો માટે ઓપ્રાનું જીવન ખાસ ઉદાહરણરૂપ છે.

“મને બહુ નાની ઉંમરે સમજાઈ ગયું હતું કે મારી જાત માટે જો કોઈ જવાબદાર હોય તો એ હું પોતે જ છું,” ઓપ્રા કહે છે, “મને એ પણ સમજાઈ ગયું હતું કે જીવનમાં મારે ખૂબ કરવાનું છે. કોઈ પણ જાતના ભેદભાવનો સામનો કરવાનું સૌથી મોટું સાધન એક જ છે- શ્રેષ્ઠતા. જો હું મારા કામમાં બેસ્ટ હોઈશ તો મને કોઈ જ રોકી શકવાનું નથી. આખી જિંદગી હું આ જ એટિટયૂડ સાથે જીવી છું.”

oprah teenઓપ્રા નાની હતી ત્યારથી બહુ વાતોડિયણ હતી. એને ઇન્ટરવ્યૂ-ઇન્ટરવ્યૂ રમવાની બહુ મજા આવતી. સ્કૂલ-કોલેજમાં રેડિયો પર ન્યૂઝ વાંચવાની પાર્ટટાઇમ જોબ કરતી. લોકો સાથે જોડાવામાં, તેમની સાથે કમ્યુનિકેટ કરવામાં એને જબરી મજા પડતી. પોતાના આ જ શોખને એણે કરિયર બનાવ્યો. એ કહે છે, “ફોલો યોર ઇન્સ્ટિંક્ટ. આપણું સઘળું તેજ, સઘળું ડહાપણ તો જ બહાર આવશે જો આપણે દિલનું સાંભળીને તે પ્રમાણે વર્તતા હોઈશું. પેશન એક એનર્જી છે, જેમાં સૌથી વધારે જલસો પડતો હોય તે કામ કરીશું ત્યારે જ ખરી તાકાતનો અનુભવ થતો હોય છે.”

પોતે નાનપણમાં વર્ષો સુધી સેક્સ્યુઅલી અબ્યુઝ થઈ હતી અને તરુણાવસ્થામાં મા બની ગઈ હતી તે વાત ઓપ્રાએ હિંમતપૂર્વક પોતાના શો દરમિયાન આખી દુનિયાને કહી હતી. એણે પોતાની કોઈ હકીકત છુપાવી નથી. અંગત વાતો શેર કરતી વખતે એનો ઇરાદો સનસનાટી ફેલાવવાનો નહીં, પણ પોતાના શોમાં આવતા લોકો સાથે એક આત્મીય સંધાન કરવાનો, એક પ્રકારનો ભરોસો ઊભો કરવાનો રહેતો. આ જ કારણ હતું કે ઓપ્રાના ચેટ-શોમાં લોકો પોતાના અત્યંત અંગત ઘા ખુલ્લા કરી શકતા. માનસ ચિકિત્સક સાથે પણ કર્યા ન હોય તેવા એકરાર લોકો ઓપ્રાની સામે નેશનલ ટીવી પર કરતા. જાણે ગ્રૂપ થેરાપી ચાલી રહી હોય તેવો માહોલ બની જતો.

ખુલ્લી કિતાબ જેવું જીવન જીવવું આસાન નથી હોતું, જરૂરી પણ નથી હોતું. બધી વાતો બધાને કરવાની ન હોય, પણ આપણે જ્યારે અમુક મહત્ત્વની બાબત સ્વજનોથી કે દુનિયાથી છુપાવીએ છીએ ત્યારે તેનો અદૃશ્ય ભાર મન પર લદાઈ જતો હોય છે. ધીમે ધીમે જમા થતો બોજ એક તબક્કે એટલો વધી જાય કે વ્યક્તિત્વ કચડાવા માંડે. આપણે ખરેખર જેવા છીએ તેવા બની રહેવા જેવી બીજી કોઈ કળા નથી. ઓપ્રા કહે છે, “મને ખરેખર કલ્પના નહોતી કે દંભ દેખાડા કર્યા વગર ઓથેન્ટિક બનીને જીવવાથી આટલાં અદ્ભુત પરિણામ મળતાં હશે. જીવતા હોવાનો આ જ મતલબ છે- તમે જે હોવા માટે સર્જાયા છો તે તરફ ગતિ કરતા રહેવું.”

oprah timesઓપ્રાની સિદ્ધિઓનું લિસ્ટ એટલું લાંબું છે કે એને ગણાવવા બેસીએ તો આખું પાનું ભરાઈ જાય, પણ આ બે બાબતોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ૧૯૯૩માં અમેરિકામાં નેશનલ ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ બન્યો તેની પાછળ ઓપ્રાએ પોતાના શો દ્વારા પેદા કરેલા રાષ્ટ્રવ્યાપી માહોલનું યોગદાન એટલું તગડું હતું કે તેને આજે પણ ‘ઓપ્રા બિલ’ તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૦૮માં અમેરિકામાં એક ઓર ખરડો કાનૂન બન્યો- કોમ્બેટિંગ ચાઇલ્ડ એક્સપ્લોટેશન બિલ. આના માટે પણ ઓપ્રાએ જનજાગૃતિ ફેલાવવાનું મોટું કામ કર્યું હતું. ઓપ્રાનું નામ અમસ્તા જ મોસ્ટ પાવરફુલ પીપલના લિસ્ટમાં નથી મુકાતું.

ઓપ્રા માત્ર સારી એન્કર જ નથી, પણ અભિનેત્રી, રાઇટર અને પ્રોડ્યુસર તરીકે પણ જાણીતી છે. તે પાંચ પુસ્તકો લખી ચૂકી છે. તેની મેગેઝીન ‘ઓ’ની સફળતા વિશે દુનિયા જાણે છે. હોલિવૂડની ઘણી ફિલ્મમાં ઓપ્રા અભિનય કરતાં જોવા મળી છે. આ સિવાય તેની વેબસાઇટ oprah.com એ ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ નામના મેળવી છે. ઓપ્રા વિનફ્રે લગ્ન નથી કર્યાં. 1986થી તે સ્ટેડમેન ગ્રાહમ સાથે રહે છે. જોકે, છ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 1992માં ગ્રાહમે ઓપ્રાને પ્રયોઝ કર્યું હતું. ઓપ્રા ઘણીવાર સંકેત આપી ચૂકી છે કે તે લગ્ન કરી લેશે, પણ અત્યાર સુધી તેણે લગ્ન કર્યાં નથી.

“મારી સૌથી મોટી સિદ્ધિ તો આ છે- સતત પોઝિટિવ રહી શકવાની ક્ષમતા!” ઓપ્રા કહે છે, “એક જીવતાજાગતા માણસ સાથે જે કંઈ ખરાબ થઈ શકે તે બધું જ મારી સાથે થઈ ચૂક્યું છે, પણ મેં ક્યારેય મારા હૃદયના દરવાજા બંધ કર્યા નથી, ક્યારેય આશા ખોઈ નથી. સામેની વ્યક્તિએ મારી સાથે ખરાબમાં ખરાબ વર્તન કર્યું હોય તોપણ મેં હંમેશાં એનામાં સારું શું છે એ જ જોવાનો પ્રયત્ન કર્યો છે.”

અઘરું છે, પણ અજમાવવા જેવું જરૂર છે.

સૌજન્ય : શિશિર રામાવત

ટીપ્પણી