‘ગબ્બર’ એક દિવસમાં ૩૦ કપ ચા પી નાખતો! વાંચો ગબ્બર વિશે વધુ ……….

લેજન્ડરી એક્ટર જયંતના પુત્ર અમજદ ખાનનો જન્મ પેશાવરમાં થયો હતો. તેણે ચાર વર્ષની ઉંમરમાં બાળ-કલાકાર તરીકે પહેલો રોલ તેના કાકાની ફિલ્મ ‘ચાર પૈસા’માં કર્યો. કહી શકાય કે ખલનાયકી અમજદ ખાનને વિરાસતમાં મળી હતી. અમજદના પિતા જયંત ૫૦-૬૦ના દાયકામાં ટોપના વિલન હતા.

જોકે, અભિનયની દુનિયામાં આવતા પહેલા અમજદે લવ એન્ડ ગૉડ ફિલ્મ માટે  કે. આસિફ સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. પરંતુ તે ફિલ્મના શૂટિંગ દરમિયાન જ કે. આસિફનું મૃત્યુ થયું ને ફિલ્મ અધૂરી રહી ગઇ. વર્ષ ૧૯૫૧માં અમજદની નાઝનીન ફિલ્મ આવી હતી. અમજદ ખાનને જબરજસ્ત સફળતા અપાવનાર ફિલ્મ શોલે આવી એ પહેલા તેણે અબ દિલ્હી દૂર નહીં, માયા અને હિન્દુસ્તાન કી કસમ જેવી ફિલ્મો કરેલી. અમજદ ખાનનો જન્મ તારિખ ૧૨ નવેમ્બર, ૧૯૪૦ના રોજ થયેલો.

જ્યારે ફિલ્મ શોલેના પાત્રોનું સિલેક્શન થઇ રહ્યું હતું એ સમયે અમજદ ખાન ગબ્બરના રોલ માટે મેકર્સની પહેલી પસંદ ન હતા. આ ફિલ્મ જાવેદ અખ્તર અને સલીમ ખાને મળીને લખી હતી. એ દરમિયાન તેમણે ગબ્બરના પાત્ર માટે અમજદ ખાન બરાબર નહોતા લાગતા. તેમને બેઉને અમજદ ખાનનો અવાજ પાત્રના હિસાબની દમદાર ન લાગ્યો. બેઉ ઇચ્છતા હતા કે ફિલ્મમાં ગબ્બરનું પાત્ર ડેની ભજવે. પરંતુ તે વખતે ડેની ધર્માત્માના શૂટિંગમાં વ્યસ્ત હતા. માટે તે રોલ અમજદને જ મળ્યો. શૂટિંગ શરૂ થયું ત્યારે પણ લોકોએ કહ્યું કે અમજદ ખાનનો  અવાજ ઘણો નબળો છે. કોઇ અન્ય એક્ટર પાસે તે ડબ કરાવવાની જરૂર પડશે. લોકો એમ પણ કહી રહ્યા હતા ક્યાં સંજીવ કુમાર, બચ્ચન, ધર્મેન્દ્ર અને ક્યાં આ એકલો નવો નિશાળીયો અમજદ ખાન! વાત ત્યાં સુધી પહોંચી ગઇ હતી કે કદાચ અમજદ ખાન આ ફિલ્મમાં એક્ટિંગ ન પણ કરે. કેમ કે પહેલો સિન શૂટ કરવામાં જ ઘણો સમય લાગી ગયો હતો..

સૌ જાણે છે તેમ શોલે ફિલ્મ રિલીઝ થયા બાદ તરત જ સુપરહિટ નહોતી નીવળી. ક્યાંક ને ક્યાંક તેની આળ અમજદ ખાન પર લાગી રહી હતી, કે તેના અવાજના કારણે જ ફિલ્મ નથી ચાલી રહી. પરંતુ બાદમાં ફિલ્મ ચાલવા લાગી ત્યારે સૌથી વધારે ફેમસ ગબ્બર સિંહનું પાત્ર જ થયું! ગબ્બરનો રોલ ભજવ્યા બાદ અમજદ ખાને હિન્દી સિનેમાને એક આઇકૉનિક પાત્ર આપ્યું. નસીરુદ્દીન શાહે પોતાના પુસ્તક ‘એન્ડ ધેન વન ડે: અ મેમૉયર ’માં લખ્યું છે: મારા હિસાબે અમજદ ખાન ગબ્બરના રોલમાં અદભૂત હતા. પરંતુ આખી ઇન્ડસ્ટ્રી શરૂઆતી નિષ્ફળતાનું કારણ એમને માની રહી હતી. તેની પર્સનાલિટી, તેનો અવાજ, વગેરે બધું જ ક્રિટિસાઇઝ થઇ રહ્યું હતું. ડેનીએ પણ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, જો મેં શોલે કરી હોત તો ભારતીય સિનેમા અમજદ ખાન જેવા એક અદભૂત કલાકારને ખોઇ બેશત!

આજે શોલેની કલ્પના ડાકૂ ગબ્બર સિંહ વગર અને ગબ્બરની કલ્પના તેની ખાકી વર્દી વિના થઇ શકે એમ નથી. તે ખાકી વર્દીનો આઇડિયા કોઇ કોસ્ટ્યૂમ ડિઝાઇનરનો નહીં, બલ્કે ખુદ અમજદ ખાનનો હતો! અમજદ તે મુંબઇના ચોર બજારમાંથી ખરીદીને લાવ્યો હતો!

ઘણા લોકોને ખ્યાલ હશે કે અમજદ ખાન ચાનો ખૂબ જ શોખિન હતો. તે ચેન સ્મોકરની જેમ ચેન ટી ડ્રિંકર હતો! તેને ચા એટલી પસંદ હતી કે તે એક દિવસમાં ૩૦ કપ ચા પી નાખતો! ચા તેની નબળાઇ હતી. કહેવાય છે કે એક વખત અમજદ રિહર્સલ માટે પૃથ્વી થિએટર પહોંચ્યો ત્યારે પોતાનું કામ શરૂ કરતા પહેલા ચા મંગાવી. પરંતુ ત્યાં જોયું કે ચા માટે દુધનો જ બન્દોબસ્ત નથી. તે દિવસ દરમિયાન કામ ન કરી શક્યો. બીજા દિવસે ફરી રિહર્સલ માટે અમજદ આવ્યો. એ વખતે તે પોતાની સાથે બે ભેંસ લઇ આવ્યો હતો! તેણે ચાવાળાને પણ કહ્યું કે ચા બનાવવામાં કોઇ વિધ્ન ન આવવું જોઇએ!

અમજદ ખાને પોતાના કરિયરમાં આશરે ૨૦૦ જેટલી ફિલ્મો કરી. તેણે એક અંગ્રેજી ફિલ્મ ધ પરફેક્ટ મર્ડરમાં સેઠનો રોલ પણ ભજવ્યો હતો. શોલે બાદ અમજદ ખાને સત્યજીત રેની શતરંજ કે ખિલાડીમાં વાજિદ અલી શાહનું દમદાર પાત્ર ભજવ્યું હતું. બીજી બાજુ યારાના અને લાવારીસ જેવી ફિલ્મોમાં અમજદે પોઝિટીવ પાત્રો પણ ભજવ્યા હતા. ફિલ્મ ઉત્સવમાં તેની કૉમેડી ટાઇમિંગે કમાલ કરી હતી. કૂરબાનીમાં પણ તેણે લોકોને હસાવ્યા હતા. ૧૯૭૨માં અમજદ ખાને શેલ્હા ખાન સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ સંતાનો છે: શાદાબ ખાન, અહ્લામ ખાન અને સીમાબ ખાન. એક ઇન્ટરવ્યુમાં અમજદ ખાને હસતા હસતા કહેલું કે, અલ્લાહ સારી અને નેક ઉંમર આપે. લાંબી ઉંમરનું શું કરવાનું છે?! ઉંમર ટૂંકી ભલે હોય પણ લોકો માટે સારી હોવી જોઇએ. આમીન! જાણે આ વાત સાચી ઠેરવતો હોય તેમ અમજદ ખાન માત્ર ૫૧ વર્ષની ઉંમરે ૨૭ જુલાઇ, ૧૯૯૨ના રોજ દુનિયા છોડી જતો રહ્યો. તેના મૃત્યુ બાદ સાતેક જેટલી ફિલ્મો રિલીઝ થઇ હતી. જેમાં રુદાલી, દો ફંટૂશ, આતંક, સૌતેલા ભાઇ વગેરેનો સમાવેશ થાય છે.

લેખન.સંકલન : પાર્થ દવે 

બોલીવુડના સીને સ્ટાર વિશે અવનવું જાણવા માંગતા હોય તો લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી