અમોલ પાલેકરને માત્ર કોમન-મેન તરીકે ના જોવો, વાંચો એનો ઈતિહાસ એટલે એ રીયલમાં શું છે એનો પણ ખ્યાલ આવશે.

બોલિવૂડના ટિપીકલ અભિનેતાઓથી હટીને અમોલ પાલેકર એવો હીરો હતો જેની ઇમેજ એક સીધા-સરળ આમ આદમીની હતી. ફિલ્મમાં તેના રોલ અને સ્ટાઇલ એક સામાન્ય માણસના રહેતા જેની પોતાની ઊણપ, ખામી, મજબૂરી અને સપનાઓ હોય. બહુ ઓછી ફિલ્મોમાં અમોલે એક્શન કે પછી થ્રિલર રોલ ભજવ્યા હશે. તેની એક્ટિંગમાં તાજગી, સાદાઇ અને વાસ્તવિકતા અનુભવાતી હતી અને એટલે જ તેની ગોલમાલ હોય કે બાતોં બાતોં મેં, છોટી સી બાત હોય કે ચિતચોર, આજે પણ આપણને વારંવાર જોવાનું મન થયા કરે છે.

અમોલ પાલેકરનો જન્મ કમલાકર અને સુહાસીની પાલેકરને ત્યાં તેની ફિલ્મોની જેમ સિમ્પલ મિડલ-ક્લાસ ફેમિલીમાં થયો હતો. અમોલની ત્રણ બહેનો છે: નિલમ, રેખા અને ઉન્નતી. અમોલ પાલેકરે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા થોડો સમય બેંક ઑફ ઇન્ડિયામાં પણ કામ કર્યું છે. તેણે ૧૯૬૫માં જે. જે. સ્કૂલ ઑફ પરફૉર્મિંગ આર્ટ્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. અમોલને પેઇન્ટિંગ્સનો શોખ શરૂઆતથી જ હતો. ૧૯૬૭માં તેમણે પોતાનું ફર્સ્ટ સોલો એક્ઝિબિશન ૧૯૬૭માં તાજ આર્ટ ગેલેરી ખાતે ગોઠવ્યું હતું. પછીના વર્ષો તેમના થિએટર અને ફિલ્મોમાં પસાર થયા. આજકાલ તે ફરી પોતાના જૂના શોખ તરફ પાછા વળ્યા છે. થોડા સમય પહેલા જ તેઓ અમદાવાદ ખાતે એક પેઇન્ટિગ એક્ઝિબિશમાં આવ્યા હતા.

24 નવેમ્બર, ૧૯૪૪ના રોજ મુંબઇમાં જન્મેલા અમોલ પાલેકરે અલગ-અલગ ૫ ભાષાઓમાં કુલ ૫૦ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે ૬ હિન્દી, ૮ મરાઠી અને ૨ અંગ્રેજી ફિલ્મ ડિરેક્ટ કરી છે.

આજે અમોલ પાલેકર પ્રકારની એટલે કે સામાન્ય માણસની સાફ-સૂથરી ફિલ્મો બને તો ચાલે કે નહીં, લોકો સ્વીકારે કે નહીં? અને ત્યારે આ પ્રકારની ફિલ્મો કઇ રીતે કાઠું કાઢી શક્તી હતી?: આવો પ્રશ્ન આપણને સહજ થાય. એક ઇન્ટરવ્યુમાં અમોલ આ વિશે વાત કરતા કહે છે કે, ‘તે બાસુ ચેટર્જી અને ઋષિકેશ મુખર્જી જેવા મહાન દિગ્દર્શકોનું વિઝન હતું. હું તે તેનો એક મામૂલી ભાગ માત્ર હતો. મેં તેમની ફિલ્મોમાંથી ઘણું મેળવ્યું છે. એ વખતે વિવિધ પ્રકારની ફિલ્મો બનતી હતી. બચ્ચને આપણને એન્ગ્રી યંગ મેન આપ્યો, જીતેન્દ્ર એનર્જીથી ભરપૂર ડાન્સ લાવ્યો. રાજેશ ખન્ના કિંગ ઑફ રોમાન્સ તરીકે ઉભર્યો તો બીજી બાજુ ધર્મેન્દ્રએ માચો મેનનું પ્રતિનિધિત્વ કર્યું. તે દારા સિંઘ-મુમતાઝની ફિલ્મોની જાણે આવૃત્તિ હતો! આ બધા લાર્જર-ધેન-લાઇફ સિનેમાના અલગ-અલગ વર્ઝન્સ માત્ર હતા. સમયાંતરે અમે એટલે કે અમોલ પાલેકર-બાસુ ચેટર્જીની જોડી કે પછી મારી અને ઋષિકેશ મુખર્જીની જોડી, અમે સામાન્ય માનવી અને સામાન્ય ફિલ્મો લાવ્યા. અને આ બધા વચ્ચે પણ લોકોએ અમને સ્વીકાર્યા. એટલું જ નહીં, લોકોએ અમને ભરપૂર પ્રેમ આપ્યો. એટલે આજે પણ ઓડિયન્સ તો એ પ્રકારની ફિલ્મો માટે તૈયાર જ છે. આપણે તે આપવામાં નિષ્ફળ જઇએ છીએ. આજકાલ બધું ૧૦૦-૨૦૦ કરોડના ગણિતની આસપાસ ચાલે છે.’

આમ જનતા, મીડિયા અને ઇવન ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અમોલ પાલેકરમાં એક પ્રેમાળ કોમન-મેન તરીકે જોવા ટેવાયેલી છે. પરંતુ બધા ભૂલી જાય છે કે પ્રારંભિક સફળતા બાદ અમોલ પાલેકરે ‘અગર’, ‘ભૂમિકા’ અને ‘ઘરોંદા’ જેવી ફિલ્મો પણ કરી છે. જેમાં નેગેટિવીટીના લેયર્સ હતા જ. અમોલ પાલેકર એક ઇન્ટરવ્યુમાં આ સંદર્ભે કહે છે કે, ‘તમને માત્ર ગોલમાલ તરફ જોવું છે તો તમારી મરજી! મારે કશું જ નથી કહેવું. પણ મે મારી કરિયરની શરૂઆત ત્રણ સુપરહિટ ફિલ્મોથી કરી હતી: રજનીગંધા, છોટી સી બાત અને ચિતચોર. અને ચોથી ફિલ્મ હતી: ભૂમિકા. મારી પાત્ર માટેની પસંદગી સ્પષ્ટ રહી છે. જ્યારે શ્યામ બેનેગલે મને ચોઇસ આપી હતી કે હું અનંત નાગ દ્વારા રચિત હિરોનું કેરેક્ટર પ્લે કરું, પરંતુ મેં તેની સામેની બાજુ પસંદ કરી. અને ઘંરોદા ફિલ્મનું મારું તે પાત્ર લોકોએ સ્વીકાર્યું, તે સંપૂર્ણ રીતે ગ્રે કેરેક્ટર હતું. મને કોઇ અલગ પાત્ર કનવિન્સિંગ રીતે ભજવવું હતું માટે મેં તે પસંદ કર્યું હતું.’ ઉલ્લેખનીય છે કે ઘંરોદા ફિલ્મ કોમર્શિયલી સક્સેસફૂલ ફિલ્મ રહી હતી.

અમોલ આગળ કહે છે, ‘લોકો પસંદ કરે કે ન કરે, કે તેમના નૈતિકતાના ત્રાજવામાં ફિટ બેસે છે કે નહીં તે જોઇને હું ફિલ્મો પસંદ નથી કરતો. હું એવું કશું વિચારતો જ નથી. મેં ઘરોંદા ફિલ્મ કરી કારણ કે એક અભિનેતા તરીકે તેમાં ઘણા પડકારો હતા. અને હા, મેં એક્ટિંગ કરવાનું છોડી દીધું એ પહેલા મેં વિધુ વિનોદ ચોપરાની એક ફિલ્મ કરી હતી, ખામોશ. તેમાં હું મર્ડરર છું!’

અમોલ પાલેકરને ગોલમાલ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેણે થિએટર આર્ટિસ્ટ ચિત્રા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ચિત્રા સાથેના ડિવોર્સ બાદ અમોલે બીજા લગ્ન તેની અમુક ફિલ્મોની જ સ્ક્રિનપ્લે-રાઇટર રહી ચૂકેલી સંધ્યા ગોખલે સાથે કર્યા.

લેખન.સંકલન : પાર્થ દવે 

બોલીવુડની હરેક માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ” 

 

ટીપ્પણી