અમિતાભે ધીરુભાઈ અંબાણીના વિશાળ હૃદયનું વર્ણન કરતાં મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા…

તાજેતરમાં જ રિલાયન્સ ફાઉન્ડેશનના 40માં સ્થાપના દિવસ નીમીતે સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પણ હાજરી આપી હતી. તેમણે પોતાના ધીરુભાઈ અંબાણી સાથેના અનુભવોનું વર્ણન કર્યું હતું. તેમણે પોતાની સ્પિચમાં ધીરુભાઈ અંબાણીની દરિયાદિલીનું વર્ણન કર્યું હતું. જે સાંભળી કાર્યક્રમમાં હાજર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભાવુક બની ગયા હતા. અમિતાભે જણાવ્યું હતું કે નેવુના દાયકામાં જ્યારે તેમના પર ખુબ દેવુ હતું, તે સમયે ધીરુભાઈ અંબાણીએ તેમની આગળ મદદનો હાથ લંબાવ્યો હતો. જો કે તેમણે તેમના આ પ્રસ્તાવને નમ્રતાથી ટાળી દીધો હતો. આ વાત સાંભળતી વખતે મુકેશ અંબાણી ખુબ જ ભાવુક થઈ ગયા હતા. આ ઉજવણીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના લગભગ 80,000 અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય લોકો પણ હાજર હતા. અમિતાભે જણાવ્યું હતું કે ધીરુભાઈનું માનવું હતું કે લોકોમાં સુખની વહેંચણીની સાથેસાથે જો પોતાનાપણું પણ વહેંચવામાં આવે તો એકબીજા પરનો વિશ્વાસ દ્રઢ બને છે. અને માટે જ તેમણે પોતાની કંપનીનું નામ ‘રિલાયન્સ’ આપ્યું હશે.

અમિતાભે પોતાના કપરા દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેમની કંપની એબીસીએલ ખોટમાં ચાલી રહી હતી ત્યારે તે દેવાદાર બની ગયા હતા. તેમના પર કરોડો રૂપિયાનું દેવું હતું અને કોર્ટમાંથી મિલકત જપ્ત કરી લેવાના આદેશો પણ અપાઈ ગયા હતા. તે સમયે તેમનું બેન્ક બેલેન્સ પણ શૂન્ય થઈ ગયું હતું. લોન આપનારાઓ એકધારી ઉઘરાણી કરી રહ્યા હતા. ધીરુભાઈને જેવી આ વાતની ખબર પડી કે તરત જ તેમણે પોતાના નાના દીકરા અનિલ અંબાણીને મારી પાસે મોકલ્યા અને તેમણે મને કેટલાક રૂપિયાની ઓફર કરી. તેઓ જેટલા રૂપિયા મને આપવા માગતા હતા તેનાથી મારા બધા જ પ્રશ્નો ઉકેલાઈ જવાના હતા. હું તેમની આ ઉદારતાથી તેમનો કાયલ થઈ ગયો. પણ તેમની આ ઓફર સ્વિકારી શક્યો નહીં. ભગવાનની દયાથી ધીમે ધીમે મારી સ્થિતિ સુધરવા લાગી અને મને કામ મળવા લાગ્યું અને હું ધીમે ધીમે આર્થિક સંકટમાંથી બહાર નીકળવા લાગ્યો. આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન ઉપરાંત શાહરુખ ખાન, રણબીર કપૂર અને સોનુ નિગમે પણ હાજરી આપી હતી.

અમિતાભે પોતાનો બીજા અનુભવનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે એક વાર ધીરુભાઈ અંબાણીએ તેમને પોતાના એક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. ધીરુભાઈએ મોટામોટા ઉદ્યોગપતિઓ વચ્ચે મારા વખાણ કરતાં કહ્યું હતું કે આ છોકરો પડી ગયો હતો અને આજે જાતે જ પોતાના પ્રયાસોથી ફરી ઉભો થઈ ગયો છે. માટે હું તેમનું સમ્માન કરું છું. ધીરુભાઈના આ શબ્દો મારા માટે ખુબ જ કિંમતી છે તેમના દ્વારા મને ઓફર કરવામાં આવેલા રૂપિયા કરતાં પણ વધારે કિંમતી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અલગ અલગ વિષય પર વાર્તા અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી