અમદાવાદ ખાતેની આકૃતિ રંગોલી ઇન્સ્ટીટ્યૂટે રંગોળીને આપી આંતરરાષ્ટ્રિય ઓળખ. સ્પેનથી આવ્યું આમંત્રણ…

ભારતની રંગોળી સ્પેનમાં…

અત્યાર સુધીમાં બે-બે વાર સ્પેનમાં ભારતની સાંસ્કૃતિક રંગોળી કળાનું કરી ચુક્યા છે પ્રતિનિધિત્વ

વિશ્વમાં બે પ્રકારની કળા હોય છે એક હોય છે અસ્થાયી અને એક હોય છે કાયમી. જ્યારે કેનવાસ કે ભીંતો નહોતા ત્યારે લોકો પોતાની કળા જમીન પર એટલે કે ફરસ પર બનાવતા હતા. આ કળા તેઓ પોતાના સ્થાનીક વિસ્તારો તેમજ દેશમાં મળતી વસ્તુઓમાંથી બનાવતા. આ કળાને એફેમેરાલ કળા એટલે કે ફ્લોર આર્ટ અથવા તો આપણી ભાષામાં રંગોળી કહેવાય છે.

અમદાવાદ માટે એક ગર્વની વાત છે કે અમદાવાદ સ્થિત આકૃતિ સંગોળી સંસ્થાના કલાકારો કે જેમને વિવિધ જાતની સુંદર સુંદર રંગોળીઓ બનાવવી ખુબ ગમે છે તેમણે તેને સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. અત્યાર સુધીમાં આકૃતિ રંગોળીમાંથી દિવ્યેશ વારા, દિપ્તી વારા અને રાકેશ હિરાણી એ રંગોળી કળાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.

ગયા વર્ષે 2018માં આ સંસ્થાને સ્પેનમાં સાતમા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એફેમેરાલ આર્ટમાં પોતાની કળાની રજૂઆત કરવા માટે આમંત્રણ આપવામા આવ્યું હતું. જે સ્પેનના એલકે ડી લા સિએરા, આલબેસેટા શહેરમાં ચાર દિવસ માટે યોજાયી હતી. તે વખતે પણ આકૃતિ રંગોળી તરફથી દિવ્યેષ વારા અને રાકેશ હિરાણીએ ભારતની આ સાંસ્કૃતિક કળા એટલે કે રંગોળી કળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સમગ્ર વિશ્વમાંના 26 દેશોમાંથી કુલ 150 જેટલા એફર્મલ આર્ટીસ્ટો તે વખતે આવ્યા હતા.

 

આ વર્ષની ફોર્થ ઇન્ટરનેશન મિટિંગ, Bueu, Spain ખાતે યોજાયેલ હતી જેમાં સ્પેન, પોર્ટુગલ જર્મની જેવા વિવિધ દેશના 50 ડેલીગેશનોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત સ્પેનના સ્થાનિક કલાકારોના વિવિધ ગૃપે પણ તેમાં ભાગ લીધો હતો. જેમાં 9 ગૃપ અને 70 કલાકારોએ 14 રંગોળી બનાવીને સ્પેનમાં ઇતિહાસ રચજ્યો હતો.

આ સ્પેશિયલ રંગોળી 8 બાય 4 મીટર એટલે કે લગભગ 24 બાય 16 ફૂટ જેટલી વિશાળ હતી જેમાં એક વિશાળ કળશ બનાવવામાં આવ્યો હતો અને તેમાં નાના-નાના ભાગ પાડીને દરેક ડેલીગેશને પોતાના વિચારો અને પોતાના દેશની પ્રાંતિય કળા તેમજ સંસ્કૃતિની રજુઆત કરી હતી.

2018માં ભારતીય રંગોળી કળાનું કર્યું હતું સ્પેનમાં પ્રતિનિધિત્વ

2018માં પ્રથમવાર ભારતીય સાંસ્કૃતિક કળા, રંગોળીને તેમના પોતાની પોતાની પરંપરાગત કળામાં સમાવી હતી. અને તેમણે ભારત તરફથી આકૃતિ રંગોળી સંસ્થાને ભારતીય સાંસ્કૃતિક કળા રંગોળીનું પ્રતિનિધિત્વ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. દુનિયાના વિવિધ દેશોમાંથી આવેલા કલાકારો પોતાના જ થીમ પર પોતાની સ્થાનિક એફર્મલ કળા એટલે કે ફ્લોર આર્ટ પ્રદર્શિત કરવાના હતા.

જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા આકૃતિ રંગોલીના આ બે કલાકારોએ “સાત ચક્રો – શરીર અને મનનું સામંજસ્ય”ને રંગોળીનું સ્વરૂપ આપવાના હતા કારણકે ત્યાર પછીના દીવસોમાં જ ઇન્ટરનેશનલ યોગા ડે આવવાનો હતો.

2019માં થીમ રાખ્યું “દુર્ગા-શક્તિમય બ્રહ્માંડ”

તો વળી આ વર્ષે એટલે કે 2019માં તેમનું થીમ હતું “દુર્ગા-શક્તિમય બ્રહ્માંડ”. જેમાં તેમણે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે મોટે ભાગે દુનિયાની બધી જ સંસ્કૃતિમાં પુરુષને જ ભગવાન બતાવવામાં આવે છે જ્યારે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને પણ ભગવાન તરીકે એટલે કે દેવી તરીકે સ્વિકારવામાં આવેલી છે.
મા દુર્ગાના થીમ વાળી તેમની આ રંગોળી એક મોટા કળશ એટલે કે એમ્ફોરા દોરીને તેને બે ભાગમાં વિભાજીત કરીને તેમાં એકમાં દીવસ અને બીજામાં રાત બતાવીને હકારાત્મક તેમજ નકારાત્મક ઉર્જા તેમજ સુર્ય અને ચંદ્રના તત્વ તરીકે દર્શાવવામાં આવેલી.

સૌથી વચ્ચે બાર પાંખડીવાળુ કમળ બનાવવામાં આવ્યું હતું જેમાં સૌથી વચ્ચે દુર્ગામાં તેમજ બાર પાંખડીઓમાં બાર રાશી ચિહ્નો દર્શાવ્યા હતા. આ રાશિ ચિહ્નો પૃથ્વી પરના માનવજીવનને પ્રદર્શિત કરે છે અને દરેક વ્યક્તિ કોઈ રાશીથી જોડાયેલી હોય છે.

આ દરેક જીવનું મા દુર્ગા પોષણ કરે છે તો બીજી બાજુ મા દુર્ગા સુર્ય, ચંદ્ર અને તારાઓને એક લયમાં રાખીને સૃષ્ટીની એક માતા તરીકે સંભાળ કરે છે. તેવું આ રંગોળીમાં સમજાવવામાં આવ્યું છે.

આ રંગોળી માત્ર ત્રણ જ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં સ્થાનીક યુવતિ આનાએ વોલેન્ટીયર તરીકે ભાગ લીધો હતો. આ રંગોળી પાંચ કલાકમાં બનાવવામાં આવી હતી. પણ દુર્ભાગ્યપુર્ણ રીતે વરસાદ આવતા રંગોળી બગડી જ જવાની હતી પણ બધા ડેલીગેટ્સ રંગોળી પર મોટું પ્લાસ્ટિક પકડીને તેનું રક્ષણ કરવા ઉભા રહી ગયા અને રંગોળી બચી ગઈ.

રંગોળીને સ્થાનીક ન્યુઝ પેપરમાં ખુબ વખાણવામાં આવી હતી અને સ્થાનિકો માટે યોજવામા આવેલું રંગોળી વર્કશોપ પણ ખુબ સફળ રહ્યો હતો. અને ભારતની કલાનું પ્રદર્શન કરવા લોકોએ તેમનો ખુબ આભાર માન્યો હતો.

આ કોન્ફરન્સમાં દરેક ડીઝાઈનના કદની એક મર્યાદા બાંધી દેવામાં આવી હોય છે. 2018માં આ કદ હતું 7.50 મીટર બાય 2.70 મીટરનું. 2018માં બીજા દેશમાંથી આવેલા કલાકારોએ પોતાની કળા ફુલ, લાકડાની ધૂળ, કુદરતી સામગ્રીઓ, રંગીન રેતી, સિરિયલ્સ, મીઠુ વિગેરે દ્વારા રજૂ કરી હતી.

જ્યારે ભારતીય ડેલીગેટ્સે પોતાની રંગોળી ભાત ભાતના રંગોવાળી રેતીથી કરે હતી પણ તેમની ડીઝાઈન ખુબ જ આકર્ષક, રંગીન અને અદ્ભુત હતી.
2018માં સાત ચક્રોના કોન્સેપ્ટને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. તેમણે રંગોળી દોરી હતી તેના કોન્સેપ્ટ વિષે લોકો પ્રશ્નો પુછતા હતા – તે વખતે તેમણે તેમને ચક્ર તેમજ ભારતના આધ્યાત્મિક વારસા વિષે માહિતી આપી હતી. લોકો એ જોઈને ચકિત હતાં કે માત્ર બે જ વ્યક્તિ આટલી વિશાળ રંગોળીને બનાવી રહ્યા હતા.

આ આખી કોન્ફરન્સમાં ભારત તરફથી ગયેલા આ બે પ્રતિનિધિઓ જ વેજીટેરિયન હતાં. જ્યારે જ્યારે પણ જમવાનો સમય થતો ત્યારે ત્યારે તેઓ માત્ર સલાડ, ફ્રૂટ અથવા ફ્રેન્ચફ્રયા જ ખાઈ શકતાં બહુ બહુ તો સ્થાનીક કેટલીક વેજીટેબલ વાનગીઓ તેમને ખાવા મળતી.

અંતિમ દિવસે ભારતના ઝંડા સાથે પરેડ કરવાનો ગર્વ

કોન્ફરન્સના છેલ્લા દિવસે જેટલા પણ દેશમાંથી પ્રતિનિધિઓ આવેલા હતા તેમણે પોતાના દેશનો ઝંડો લઈને પરેડ કરવાની રહેતી. જ્યારે આકૃતિ રંગેલીમાંથી ગયેલા આ બે પ્રતિનિધિઓ ભારતનો તીરંગો લઈને પરેડ કરી રહ્યા હતા ત્યારે લોકો તેમની સાથે સેલ્ફી લેવા માગતા હતા અને તેમને ખુબ જ ચીયર કરતા હતા. તેમાના મોટા ભાગના લોકો એવા હતા જેમણે ક્યારેય ભારતની મુલાકાત નહોતી લીધી પણ તેઓ ભારતની મુલાકાત લેવા માગતા હતા કારણ કે તેમને આપણા દેશની સંસ્કૃતિએ ખુબ આકર્ષ્યા હતા.

તેમની સાથે કોન્ફરન્સમાં ભાગ લેનારા સ્થાનીક કલાકાર અને બીજા કેટલાક વીદેશી કલાકારોએ તો ભારતનો સાંસ્કૃતિક પ્રવાસ ખેડવાનું પણ આયોજન કરી લીધું. અને ત્યાર બાદ તેમણે ભારતની મુલાકાત પણ લીધી હતી.

તેમની રંગોળી એટલી સુંદર હતી કે છેલ્લા દિવસે તેમને અન્ય દેશોમાંથી આવેલા કલાકારો માટે રંગોળી બનાવવાનું પણ કહેવામાં આવ્યું કારણ કે તે લોકો પણ રંગોળી કળાની ટેક્નિક શીખી શકે. તેમાં તેમણે તેમને રંગ પુરણી, શેડીંગ, લાઈનીંગ, હાથની સ્થિતિ, રંગોળી બનાવવામાં વપરાતા સાધનો અને તેને ઓછા સમયમાં બનાવવાની ટેક્નિકો શીખવી. તેઓ તેમને રંગોળી પુરતા જોઈ જ રહ્યા અને ચકિત થઈ ગયા. અને ભારતીય રંગોળી કળાના ખુબ વખાણ કર્યા.

આકૃતિ રંગોળીમાંથી ભારતની રંગોળી કળાને દર્શાવવા ગયેલા આ બે પ્રતિનિધિઓ કોઈ પણ રીતે ત્યાં ભારતની છાપ છોડવા માગતા હતા તેમણે કોન્ફરન્સ પુરી થઈ તેના બીજા જ દિવસે સુર્ય નમસ્કાર સાથેનું યોગા અને પ્રાણાયામ સેશનનું આયોજન કર્યું જ્યાં તેમણે રોકાઈ રહેલા કલાકારો અને સમગ્ર નગરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જો કે ખુબ વહેલી સવાર હોવાથી વધારે લોકો હાજર નહોતા રહી શક્યા પણ હાલ તેઓ રોજ સવારે યોગાભ્યાસ કરે છે. અને આ વર્ષે 2019માં પણ આકૃતિ રંગોલી સંસ્થાના સભ્યોએ યોગ શિબિરનું આયોજન કર્યું હતું.

આ ઉપરાંત ગયા વર્ષે તેમણે શહેરની યજમાનગતી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા શહેરના ટાઉન હોલમાં કે જ્યાં મેયરની ઓફિસ પણ આવેલી હતી ત્યાં સુંદર રંગોળી બનાવી હતી. તેમના માટે એ સૌભાગ્યની વાત હતી કે એલ્ચે દી લા સિયેરાના મેયર કેસ્ટિલા લા માન્ચા એ પોતના ફેસબુક અકાઉન્ટ પર તેમની સાથેની તસ્વીર શેયર કરી હતી.

જો કે 2018 કરતાં આ વખતે આકૃતિ રંગોળીના ડેલીગેટ્સે સ્થાનીક લોકોને યોગ તો શીખવ્યા જ પણ સાતેસાથે ગુજરાતી ગરબાનો ચસ્કો પણ લગાડી જ દીધો. માત્ર તહેવારોમાં જ દેખાતી રંગોળી કળાને દિવ્યેશ વારાએ આંતરરાષ્ટ્રિય ઓળખ આપીને તેને સદા જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ