અમાનત – અને એ પિતાએ એના ઘરની અનામત થોડા દિવસ માટે ત્યાં સોંપી…

અમાનત

બ્‍લ્‍યુ ડેનિમ જીન્‍સની ઉપર ગુલાબી ટીશર્ટ ચડાવ્‍યું એની ઉપર છાંટ્યુ હનિમૂન સ્‍પ્રે! કાંડે રોલેક્સ બ્રાંડ ઘડિયાળ પહેરી અને પગમાં પહેર્યા વુડલેન્‍ડના અઢી હજારના બૂટ! આંગળીમાં હોન્‍ડા શાઇનની ચાવી ઘૂમાવતો આનંદ બહાર નીકળતો હતો ત્‍યાં જ ચશ્‍માના કાચ ઉપરની ખાલી જગ્‍યામાંથી બાજ જેવી વેધક આંખો દીકરાના દીસદાર ઉપર ફેરવતા અભય કુમાર બોલ્‍યા : ‘‘કઇ બાજુ નીકળ્યા ભાઇ ?‘‘ ‘‘પપ્‍પા… હું… હું…‘‘ આનંદની જીભ લથડી ગઇ : ‘‘અમે… ફ્રેન્‍ડઝ ગૃપમાં ટોપ થ્રી માં પિક્ચર જોવા જઇએ છીએ…‘‘

‘‘માત્ર પિક્ચર જોવા જ કે પછી ?‘‘ Y‘‘ના. ના… પપ્‍પા. પિક્ચર જોવા જ જઇએ છીએ. બીજે ક્યાંય નહીં.‘‘ ‘‘ઓ.કે… હવે એ કહેશો કે ક્યુ પિક્ચર ચાલે છે ?‘‘ ‘‘પીકે… પીકે.‘‘ ‘‘શું દારૂ પીકે ?‘‘

‘‘નહીં ડેડ ! પીકે મીન્‍સ પિક્ચરનું નામ છે.‘‘ ‘‘સાલ્‍લા નામેય કેવા આવે છે હવે?‘‘ અભય કુમાર બબડ્યા. ‘‘તો હું જાઉં ?‘‘ આનંદે સ્‍હેજ ગભરાતા ગભરાતા પૂછ્યું એટલે અભય કુમારે જાણે કોઇ કેદીને બે મિનિટ બેરેકમાંથી બહાર નીકળવાની રજા આપતા હોય એમ બોલ્‍યા: ‘‘જાવ… પણ રાત્રે દસ વાગ્‍યા પહેલા ઘર ભેગીના… બરાબર?‘‘ ‘‘યસ પપ્‍પા… ઓ.કે.‘‘ અને આનંદ ભાગી છૂટ્યો. બહાર નીકળીને પહેલા હાથરૂમાલ વડે કપાળ ઉપરનો પરસેવો લૂછવાનું કામ કર્યુ અને બીજું કામ ગર્લફ્રેન્‍ડ અનોખીને મોબાઇલ કરવાનું !

‘‘ક્યાં છો યાર ?‘‘ ધાર્યા મુજબનો અનોખીનો ઉતાવળો અવાજ સંભળાયો : ‘‘હું ક્યારની વેઇટ કરું છું.‘‘ ‘‘અરે યાર, પપ્‍પાએ અચાનક રીમાન્‍ડ લઇ લીધી. પણ ડોન્‍ટ વરી, વીધીન દસ મિનિટ હું જોગર્સ પાર્કના ‘લવલી ફાસ્‍ટફૂડ‘ વાળા દરવાજે પહોંચું જ છું.‘‘ અને આનંદનું બાઇક ભાવનગરના રસ્‍તા પર દોડવા લાગ્‍યું. થોડીક જ વારમાં બે પ્રેમી પંખીડાનો હાથ એકબીજાના હાથમાં હતો ! ‘‘યાર…‘‘ આનંદના ચહેરા ઉપર ટેન્‍શન તરવરતું હતું. ‘‘પપ્‍પાને ખબર પડી ગઇ લાગે છે…‘‘

‘‘તો ક્યા હુઆ? અનોખી દલીલ કરી રહી : ‘‘એક દિન તો પતા ચલને વાલા હી થા ના ? ઇસમેં ગભરાને કી કોઇ બાત નહીં.‘‘ ‘‘અરે, તને શું વાત કરું?‘‘ આનંદે કહ્યું ‘‘મારા ડેડને ખબર પડી કે હું તને પ્રેમ કરું છું તો એ મને ‘ડેડ‘ કરી નાખે એમ છે…‘‘ ‘‘તો આપણે છૂટા પડી જવાનું ? ઓ.કે. બાબા ઓ.કે.‘‘ અનોખી ઊભી થઇ ગઇ : ‘‘હું જાઉં છું હવે મને ભૂલી જઇને તારા પપ્‍પા કહે ત્‍યાં પરણી જજે… બરાબર ?‘‘

‘‘અરે નહીં અનોખી. પ્‍લીઝ… જસ્‍ટ સાંભળ તો ખરી યાર. હું મારી મુંઝવણ રજુ કરું છું. હું તને ખોવા નથી માંગતો.‘‘ આનંદે અનોખીના હાથ પકડી લીધા. : ‘‘કદાચ મરી જઇશ પણ તારા સિવાય કોઇને હું ચાહીશ નહીં…‘‘ અંતે સ્‍ત્રી હૃદય પીગળી ગયું. એ બોલી : ‘‘તો પછી વાત કરી દે એકવાર ! પછી ભલે જે થવી હોય એ થાય ! તને ખબર છે ને ? મેં મારી મમ્‍મીને બેધડક વાત કરી દીધી છે. અને, મમ્‍મીએ તો તને જોયો પણ નથી. છતાં કહ્યું કે, તને તારી પસંદગીનો પુરૂષ મળે એમાં મને કોઇ ઓબ્‍જેક્શન નથી. અન્‍ડરસ્‍ટેન્‍ડ ?‘‘

‘‘ઓ.કે. બાબા ઓ.કે. હવે એ બધું છોડ અને સેન્‍ડવીચને ન્‍યાય આપ.‘‘ આનંદે પ્રેમીકાને સમજાવતા કહ્યું: અને સામે ડીસમાં રહેલી સેન્‍ડવીચ જોઇને અનોખી બધું ભૂલી ગઇ. રાત્રે સાડાનવે આનંદ ઘરે પાછો ફર્યો ત્‍યારે અભયકુમારે કહ્યું : ‘‘પિ‍ક્ચર કેવું રહ્યું?‘‘ ‘‘સરસ…‘‘ ‘‘તું ટોપ થ્રીમાં ગયો હતો કે ઓપનએર થિયેટરમાં?‘‘ ‘‘ના..ના… પપ્‍પા.. હું ટોપ થ્રીમાં…‘‘ આનંદ તત..પપ.. થઇ ગયો. ‘‘તો પછી જોગર્સ પાર્કમાં જે પિક્ચર શરૂ હતુ એ ક્યુ હતું?‘‘ જાણે વીજળી પડી આનંદ ચોક્ન્નો રહી ગયો. ‘‘બોલ, એ કોણ હતી ?‘‘

‘‘એ મારી ગર્લફે્રેન્‍ડ અનોખી હતી.‘‘ ‘‘અનોખીને હું નોખી કરી દઇશ અને આનંદના હાડકાં ભાંગી નાખીશ. સમજ્યો?‘‘ અભયકુ મારના ગુસ્‍સાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો.: ‘‘મારી સામે તું જુઠ્ઠુ બોલે છે?‘‘ ‘‘સોરી ડેડ ! પણ અનોખી સારી છોકરી છે. અને અમે બન્‍ને લગ્‍ન કરવા માંગીએ છીએ.‘‘ ‘‘ખબરદાર જો ! હવે પછી આ શબ્દ મારી સામે બોલ્‍યો છે તો…‘‘

અભય કુમાર ઊભા થયા. આનંદને થયું હમણાં જ કદાચ વારો પડી જશે પણ અભય કુમારના મતે, આ હજી એટલી ગંભીર ભૂલ નહીં ગણાતી હોય એટલે ઘાંટો પાડીને રૂમમાં જતા રહ્યા : ખબરદાર, જો ફરી વખત એ છોકરીને મળ્યો છે તો, ચામડી ઉતરડીને મીઠું ભરી દઇશ.‘‘ આનંદ ધ્રુજી ગયો. અને મનમાં વિચારી રહ્યો, પપ્‍પા ‘‘પ્રેમ‘‘ નામથી આટલી બધી નફરત શું કામ કરતા હશે? એવું તે ક્યુ કારણ હશે? નહીંતર મમ્‍મી ગુજરી ગયા પછી પપ્‍પાએ જ સ્‍તો એને મોટો કર્યો છે. અને આજે મારે મારી જીંદગીના સુખનો પ્રસંગ આવીને ઊભો છે એ પ્રસંગમાં પપ્‍પા ખુદ વિઘ્ન બનીને ઊભા છે.

એણે અનોખીને છોડવાનો નિર્ણય લઇ લીધો. દિવસતો માંડ બે જ પસાર થયા. ત્રીજે દિવસે સવારે પાંચ વાગ્‍યામાં અનોખીનો ફોન આવ્‍યો: ‘‘યાર ક્યાં છે તું ?‘‘ ‘‘અત્‍યારે તો મારી સૂની પથારીમાં છું. શિયાળાની ગુલાબી ટાઢ અને અફીણી નીંદર માણી રહ્યો છું.‘‘ ‘‘તો પછી એ નીંદરને ભગાડ અને જરાક હિંમત કેળવ.‘‘

‘‘નહીં અનોખી, પપ્‍પાને હવે આપણી બધી ખબર પડી ગઇ છે. અને મેં નિર્ણય પણ લઇ લીધો છે. કે હું તને છોડી દઉં.‘‘ ‘‘તું ભલેને મને છોડ, પણ હું તને એમ રસ્‍તામાં નહીં છોડું આનંદ. કેમકે તું મારો પહેલો પ્‍યાર અને પહેલો સ્‍વપ્‍નપુરૂષ છે. અને હવે હું બીજાનો વિચાર પણ નથી કરી શકતી. એક કામ કર, તું દસ વાગ્‍યે બે જોડી કપડા લઇને સરદારનગર સર્કલે આવી જા. હું ત્‍યાં તારી રાહ જોઉં છું.‘‘ ‘‘પણ… પણ… ‘‘ આનંદ બોલવા ગયો ત્‍યાં અનોખીએ ફોન મૂકી દીધો.

દસ વાગ્‍યે આનંદ બાઇક લઇને સરદારનગર આવ્‍યો ત્‍યારે અનોખી તેને લેવા આવી. ‘‘તારા કપડા?‘‘ અનોખીએ પૂછ્યું. આનંદે કહ્યું: ‘‘હું એમનેમ આવ્‍યો છું. કપડા નથી લાવ્‍યો.‘‘ ‘‘ડોન્‍ટ વરી ચલ…‘‘ અને અનોખીએ તેને કહ્યું: ‘‘આપણે મારા ઘરે જવાનું છે. મમ્‍મી તારી રાહ જુએ છે.‘‘ અને અનોખી તેને ‘લેઇકવ્‍યુ‘ ફ્લેટના ત્રીજા માળે લઇ આવી: ‘‘આ મારું ઘર.‘‘ લેચકીથી દરવાજો ખોલીને આનંદને અંદર લીધો. વૈભવી ફ્લેટને જોઇને આનંદ વિસ્‍ફારીત થઇ ગયો.

‘‘મમ્‍મી..‘‘ અનોખીએ પાણી આપીને સાદ પાડ્યો. થોડીવારે પડખેના રૂમમાંથી અનોખીની મમ્‍મી, તનુજા બહાર આવી. પણ, આનંદ તનુજાને જોઇને ઔર વિસ્‍ફારીત થઇ ગયો. સંગેમરમરમાંથી બનાવી હોય તેવી કોમળ કાયા, રેશમી ગુલાબી ગાઉનમાં કેદ થયેલું ઢળતું પણ ગુલાબી યૌવન, કાશ્‍મીરની જેલમ નદીના વળાંક જેવા શરીરના આકર્ષક વળાંકો… શું નહોતું એ શરીરમાં?

‘‘આવ દીકરા.‘‘ કહી એ આનંદની પાસે બેઠી. અને તનુજાના શરીરમાંથી આવતી પરફ્યુમની સોડમથી વાતાવરણમાં તાજગી ઉમેરાઇ. ‘‘મોમ છે…‘‘ અનોખીએ તેને યાદ અપાવ્‍યું અને એ ઊભો થયો. તનુજાના ચરણસ્‍પર્શ કર્યા. તનુજાએ તેના બન્‍ને હાથ પકડીને પાસે બેસાડ્યો. આંખમાં આંખ પરોવીને કહ્યું: ‘‘તું મારી દીકરીને સાચોસાચ પ્રેમ કરે છે?‘‘ ‘‘હા આન્‍ટી, હું એને દિલથી ચાહું છું. પણ મારા પપ્‍પા એગ્રી નથી.‘‘ ‘‘તારા પપ્‍પા અનોખીને… આઇમીન અમને ઓળખે છે?‘‘

‘‘ના આન્‍ટી, એણે કદાચ અનોખીને જોઇ છે.‘‘ ‘‘તારા પપ્‍પાનું નામ શું છે? એ શું કરે છે?‘‘ ‘‘મારા પપ્‍પાને અલંગના સ્‍ક્રેપનો બિઝનેસ છે. નામ: અભય કુમાર ભોગીલાલ સોનારકા.‘‘ ‘‘અભય સોનારકા?‘‘ એક વીજળી જેવી ચમક તનુજાની આંખમાં આવી. પણ જાત ઉપર સંયમ રાખી એ બોલી: ‘‘બેટા, એક કામ કર..તું મારા ઘરે રોકાઇ જા.‘‘ ‘‘પણ મારા પપ્‍પા મને શોધશે.‘‘

‘‘કશો વાંધો નહીં. તારા પપ્‍પાનો ફોન આવે ત્‍યારે કહેવાનું કે હું અનોખીના ઘરે આવી ગયો છું અને મને લેવા આવવો હોય તો આ સરનામે આવો. પછી ની વાત પછી –‘‘ આાનંદને ગડમથલ થઇ, ડર પણ લાગ્‍યો છતા અનોખીએ તેને હિમત બંધાવી એટલે રોકાઇ ગયો… રાત્રે બાર વાગ્‍યે આનંદનો ફોન રણક્યો. અભય કુમારનો અવાજ સંભળાયો: ‘‘તું ક્યાં છો?‘‘ ‘‘હું અનોખીના ઘરે છું પપ્‍પા! અને હવે અહીં જ રહેવાનો છું.‘‘ તનુજાના નિર્દેશન પ્રમાણે આનંદે કહ્યું.

‘‘ક્યાં? અનોખીના ઘરે? અરે ઘર ભેગો થા. અભય કુમારનો અવાજ ઊંચો થયો એટલે આનંદે કહ્યું: ‘‘મને ઘર ભેગો કરવો હોય તો તમારે જ આવવું પડશે પપ્‍પા… સરનામુ આ છે…‘‘ અને થોડી જ વારમાં ધમ્‍મ ધમ્‍મ કરતા અભય કુમાર આવી પહોંચ્‍યા. આવીને સીધા આનંદ ઉપર વરસી જ પડ્યા: ‘‘બેશરમ… આવારા છોકરા… શરમ આવવી જોઇએ… લફરાબાજ… દેવદાસ…. જીંદગીને ધૂળધાણી કરવી છે? પ્રેમ… પ્રેમ… પ્રેમ… શું દાટ્યું છે પ્રેમમાં?‘‘ ‘‘હું એજ કહું છું કે પ્રેમમાં શું દાટ્યુ હોય છે? ‘‘ પડખેના રૂમમાંથી બહાર આવતા તનુજા બોલી: અભય તનુજાને જોઇને ચોંકી ગયો.

‘‘છતા માણસો આદિકાળથી પ્રેમમાં પડે છે ને?‘‘ તનુજાએ અભય સામે તીર જેવી આંખો નોંધીને કહ્યું: ‘‘આપ પણ પ્રેમમાં જ પડ્યા હતા ને? ત્‍યારે આટલો મોટો અવાજ તમારો નહોતો… આજ તમારો અવાજ સાંભળીને મને ખુશી થઇ કે તમારો અવાજ આટલો મોટો થઇ ગયો છે. પણ તે દિવસે તમારો અવાજ કેમ દબાઇ ગયો હતો? જે દિવસે તમારા અને મારા બાપ સામે બોલવાની જરૂર હતી તે દિવસે આટલી હિમત કરી શક્યા હોત તો? અમસ્‍તા તો મને કહેતા હતા કે તું જ મારી જીંદગી છો, તું જ મારી બંદગી છો… તો છતે હાથે કેમ જીંદગી ખોઇ નાખી? બોલો મિસ્‍ટર અભય કુમાર…! નામ તમારુ અભય, પણ તે દિવસે અભય નહોતા રહી શક્યા અને આજ આ બન્‍ને છોકરા પોતાના સપના સજાવવા બેઠા છે તો એ સપનાના માળાને તોડી નાખવા શા માટે બેઠા છો? અને અનોખી બીજી કોઇ નહીં, પણ તમારી એક વખતની જીંદગી હતી એ જીંદગીના હાડમાંસનો જ પીંડ છે! તમે ક્યા ભવનું વેર તમારા દીકરા સાથે વાળી રહ્યા છો? ખરેખર તો તે દિવસે તમારા પિતા સામે આ રીતે બોલવાની જરૂર હતી… હતી કે નહીં?‘‘

-અભય કુમાર સણસણતા સવાલના તીરથી ભાંગી પડ્યો. બોલ્‍યો: ‘‘હા, તનુજા.. હું મારા પિતા ઉપરની નફરતનો બદલો પુત્ર સામે શા માટે વાળુ છું! અને એ ઊભો થયો અનોખી માથે હાથ ફેરવીને હસીને બોલ્‍યો: ‘‘હવે હું આ ઘરે આવીશ તો અમારા ઘરની ગૃહ લષ્ક્ષ્‍મી લેવા. ત્‍યાં સુધી અમારી અમાનત તને સોપું છું તનુજા…!!

લેખક : યોગેશ પંડ્યા

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો. દરરોજ અવનવી વાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ