હેરિટેજ સિટી અમદાવાદના હાર્દ સમા ઈન્કમટેક્ષ વિસ્તારમાં તડકા સાથે પીગળતા રસ્તા – તંત્ર બેદરકાર

તમે રસ્તા ઉપર ચાલતા હો અને અચાનક તમારો પગ રસ્તા સાથે ચોંટી જાય અને તમારો પગ બળબળતી બપોરે બૂટમાંથી બહાર નીકળી જાય એવું તમારી સાથે થયું છે? હા, રસ્તો બનતો હોય અને ડામર હજુ સુકાઈ ના ગયો હોય તો કદાચ એવું બની શકે. પરંતુ, બની ગયેલા રસ્તાનો ડામર ફક્ત ૩૮-૪૦ ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં જ ઓગળી જાય અને આવું થાય તો?

જી, હા. હેરિટેજ સિટી અમદાવાદના હાર્દ સમા ઈન્કમટેક્ષ વિસ્તારમાં રોજ એક કૌતુક જોવા મળે છે. ગુજરાત વિદ્યાપીઠની બાજુની ગલીમાંથી સી યુ શાહ કોલેજ તરફ જવાનો જે રસ્તો છે તે કોઈ જાદુઈ રસ્તાથી ઓછો નથી. રોજ બપોરે ડામર ઓગળતા રસ્તા પર પ્રવાહી ડામર આવી જાય છે અને તેની ઉપર ચાલતા લોકો ને અત્યંત અગવડ પડે છે. જે પણ વાહનો કે રાહદારી તેના ઉપરથી ચાલે તેવી તે જગ્યા એ છાપ પડી જાય છે.

સાંજ પડે અને થોડી ગરમી ઘટે ત્યારે ડામર પાછો સૂકાઈ જાય છે અને જે છાપ પડી હોય તેવો રસ્તો થઈ જાય છે. વળી પાછો બીજો દિવસ ઊગે અને નવી ઘોડી નવો દાવ! ૧ દિવસ માટે રસ્તા ઉપર તમારા પગલાની છાપ પાડવાની ઈચ્છા હોય તો આ રસ્તાની મુલાકાત જરૂર લેજો!

એક જગ્યા એ રસ્તો એટલો બધો પીગળી ગયો કે એક બહેનનું સ્લીપર તેમાં ખૂંચી ગયું અને તેઓએ ઘરે ઊઘાડા પગે જ જવું પડ્યું. આસપાસની દરેક વ્યક્તિ પરેશાન છે. જ્યારે વાત કરી ત્યારે આવા પ્રતિભાવ મળ્યા, મોબાઈલ એક્સેસરીઝની લારી વાળા ભાઈએ જણાવ્યું કે હું આવા રસ્તાથી ખૂબ જ હેરાન છું એક વાર એક સાઈકલસવાર શાળાની વિદ્યાર્થી આ રસ્તાથી બપોરે પસાર થઈ હતી ત્યારે ભીના ડામરને લીધે એની સાયકલ સ્લીપ થઈ ગઈ અને તે પડી ગઈ હતી. રોજ લાર લાવવા-લઈ જવામાં પણ મને તકલીફ પડે છે.

સી યુ શાહ કોલેજની વિદ્યાર્થિનીઓ ના ગૃપે પણ જણાવ્યું કે, ભારતમાં તો આવું જ રહેવાનું. અને, એટલે જ અમે કેનેડા જવા ઈચ્છીએ છીએ. અહીં તમે ગમે તે કરી લો…કંઈ જ સુધરશે નહીં.

એક બિઝનેસમેન એ હસતા હસતા જણાવ્યું કે, હું આજે ઓફિસે ગયો છું કે નહીં તે મારી પત્ની મારા બૂટ જોઈને નક્કી કરે છે. જો ડામર ચોંટ્યો હોય તો ગયો છું નહીં તો નથી ગયો!

નજીકમાં કામ કરતા બે યુવાનો એ જણાવ્યું કે સિમેન્ટ અને રેતી મિક્સ કરીને થોડા દિવસ પહેલા પાથરવામાં આવી હતી પણ તેનો પણ કોઈ જ ફાયદો થયો નથી. બધુ બોગસ છે અને પૈસા ખાવાના ધંધા છે.

હવે, હસવામાં વાત કાઢી નાંખવી કે એની ઉપર પગલા લેવા અને ભ્રષ્ટાચાર રોકવો તે તંત્રના હાથમાં છે. જોઈએ તંત્ર શું કરે છે. આપણી જવાબદારી તંત્રને માહિતગાર કરવાની છે. આગળની જવાબદારી તંત્રની. આવો, આ પોસ્ટને એટલી શેર કરીએ કે સરકાર અને કોર્પોરેશન સુધી આ વાત પહોંચે.

જયહિંદ,
ટીમ જેંતીલાલ

ટીપ્પણી