અલી એ ….અમી – દવાખાનામાં એ યુવતીની સચ્ચાઈ જાણીને દરેકની આંખમાં ગુસ્સો અને લાગણી દેખાઈ આવી…

ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલ ના “બર્નિંગ -વોર્ડ ” નંબર ત્રણમાં જીવન – મરણ વચ્ચે ઝોલા ખાતી અમીના ઉહ્કારથી હોસ્પિટલની મજબુત દીવાલો પણ આજે રડી રહી હતી. અમીનું અડધું શરીર બળી ને ખાક થઇ ગયું હતું. ફક્ત તેનું કદરૂપું મોં બચી ગયું હતું.

“પણ શું કામ ?? આ મોઢા અને તેના કદરૂપા દેખાવને લીધે જ આજે તે મરણશૈયા પર સુતી હતી. તેનું આક્રંદ, વલોપાત અને અસહ્ય પીડાથી પિલાતી હતી. તેની આવી દયાનીય હાલત થવા પાછળ તેના માતા પિતા પોતાની જાત ને દોષી માનતા હતા. એક વર્ષ પહેલા જ પછી સાસરે ન મોકલી હોત તો આવી સ્થિતિ ન ઉભી થાત !!!!

માતાની અનિમેષ નજર બર્નિગ વોર્ડ ના દરવાજા પર લાગેલા કાચમાંથી નિસહાય અમી ને તાકી રહી હતી. ગોળમટોળ ચહેરો, ઉપસેલું નાક, ગાલ નો કાળો મસો અને લાગેલા માર ના નિશાન …… માની આંખોમાં આંસુની ખારાશ વધતા અમીનો ચહેરો ધૂંધળો દેખાવા લાગ્યો, અને તે નીચે ફસડાઈ પડી … ભાઈએ હાથ પકડીને માને  ઉભી કરી બેંચ પર બેસાડી દીધી.

હોસ્પીટલમાં પોલીસનો કાફલો અમીના પતિ અનીલ, જેઠ અને જેઠાણીની આકરી પુછપરછ કરી રહ્યો હતો. અમીનો પતિ દેખાવમાં સારો પણ ચરિત્રહીન, નશાનો આદી, અને ગુસ્સા વાળો હતો. તેને સુધારવા માટે અનિલના માતાપિતા એ બાજુના ગામની બાર ધોરણ ભણેલી અને દેખાવમાં અતિ સામાન્ય એવી અમી સાથે પરણાવ્યો. તે તો ન સુધર્યો પણ એક કોડભરી કન્યા એ પોતાનો  જીવ જોખમમાં મૂકી દીધો.

“ સાહેબ !!! મારી દીકરી ને આ લોકો એ જ બાળી નાખી છે…સાહેબ !!! તે લોકોને છોડતા નહિ, અમે જે સજા ન આપી શક્યા તે આપી શકશો તો ન્યાય મળ્યો ગણાશે.”

ચોધાર આંસુએ રડતા એક શિક્ષક પિતાએ પોતાની વ્યથા

ભારત સરકારના આ અમલદારો સામે ઠાલવી.

“ડો. ખાન !! જલ્દી કરો પેશન્ટની હાલત બહુ ગંભીર છે !”

જેવો ઉચાટ, ઉતાવળી ચાલે ચાલતા નર્સ ડિસોઝાના શબ્દોમાં હતો .

બધાજ વોર્ડમાં દાખલ થયા. “ ધડામ ! ” ….કરતા જ દરવાજો બંધ થઇ ગયો. થોડીવાર બાદ વોર્ડ બોય પોલીસ કાફલાને લઈને રૂમમાં ગયો.

“ડો . ખાને પોલીસ ઇન્સ્પેકટર ને સુચના આપી

“ સમય બહુ થોડો છે, આપ અમીનું સ્ટેટમેન્ટ જલ્દી થી લઇ લો.

ઇન્સ્પેકટરે અસહ્ય પીડા સહેતી અમીને પૂછ્યું “ તમારા પર કોણે હુમલો કર્યો હતો? કેવી રીતે દાઝી ગયા ?

તે સમયે ઘરમાં કોણ – કોણ હાજર હતું ? ”

 

પુલીસના પ્રશ્નોની વણઝાર લાંબી હતી અને અમી પાસે સમય ટુંકો. પણ ન જાણે કેમ અમીની અંદર એક ઉત્પાત લાવા બની ને ભભૂકતો હતો. પોતે જે ત્રાસ છેલ્લા ત્રણ વર્ષથી ભોગવી રહી હતી તેનો આજે અંતિમ દિવસ હતો.

“ હવે નહિ બોલું તો પછી ક્યારેય નહિ !! મારા જેવી કેટલીય અમી, નિર્ભયા, આસિફા આ સ્વતંત્ર ભારત દેશની બેટી કોઈને કોઈ ના અત્યાચારો ભોગવતી પોતાનો જીવ આપશે !!! સરકારશ્રી ઘણી યોજનાઓ ચલાવે, બેટી પઢાઓ બેટી બચાઓ ”, “ઉજ્જવલા” પણ જ્યાં સુધી આ સમાજ સાક્ષર નહીં થાય, તેમના વિચારોમાં પરિવર્તન નહિ આવે તો આજ હાલત રહેશે આપણા દેશની દીકરીઓની ….”

આજે અમીએ સ્વહિમતે પોતાના મનની વાત આક્રોશ રૂપી ઠાલવી નાંખી. “ સાહેબ હું ઘરના કોઈ પણ સભ્યો ને પસંદ ન હતી, મને ફક્ત એક નોકરાણીની જેમ જ મુલવવામાં આવી, સવારથી ઘરનું કામકાજ, જેઠના બાળકોને શાળા એ લેવા મુકવા જવા, બન્નેની બેગ ઉપાડવી, બંન્ને નું ગૃહકાર્ય કરી આપવું, રસોઈ બનાવવી, કપડા ને ઈસ્ત્રી કરવી, પાણી ભરવું જેવા અસંખ્ય કામો કરવા તે પણ હળહળતા આપમાન સાથે.

“ અલી …..એ ..” એવા નામે જ મને સંબોધવામાં આવતી

તો પણ હું કઈ પણ ન બોલતી, પણ સાહેબ આજે તો મને સવારથી જમવાનું પણ નહતું આપ્યું. રાતના સાત વાગી ગયા. કકડીને ભૂખ લાગી હતી, પણ શું કરું ભાખરીનો લોટ સમયસર નહિ બંધાય તો વળી જેઠાણીના કડવા વેણ સંભાળવા પડશે !! તે બીકે હું કામ કરવા લાગી, મને થયું પાણી પીને મારી ભૂખ ને ભાંગી શકીશ, તેથી પાણી પીવા માટલા પાસે આવી, મારા હાથ અજીઠા હતા અને મેં પાણીનું માટલું અડ્ક્યું તેથી મારી આવી હાલત થઈ.”

મારી જેઠાણીએ મોઢાં પર વેલણ માર્યું અને કડવા વેણ કહ્યા “ નભાય !!! આ એઠાં હાથે માટલાંને અડે છે ? કેટલું પાણી પીવું છે ? તારા બાપને કે’ આવીને  ભરી જાય !! આજે પણ જમવા નહિ મળે ! ત્યાં તો ઉપરથી મારા જેઠ અને પતિ નીચે ઉતર્યા, તેમના હાથમાં ગરમ ઈસ્ત્રી હતી તે મને વાસાંમાં ચિપકાવી દીધી. હું જોરથી બરાડી પણ જેઠે મને કાપડના ડૂચા મોં માં માર્યા અને બાથરૂમ તરફ ધકેલી.

હું કઈ સમજુ એ પહેલા ભાભીએ કેરોસીન મારા પર છાંટી મુક્યું અને મારા પતિએ દીવાસળી ચાંપી, હું બાથરૂમમાં ફસડાઈ પડી. ” અમીની આંખ માંથી લાગેલી જ્વાળા રૂપી શબ્દો આંસુ  દ્વારા વહી રહ્યા હતા.

સાંભળનારા સૌ કોઈના હ્રદય દ્રવી ઉઠ્યા. માતા ધ્રુસકે ને ધ્રસકે રડી પડી. બાપ અને ભાઈના હાથપગ કાંપવા લાગ્યા. અમીનો શ્વાસ રૂંધાવા લાગ્યો “ એક આકરી સજા આપશો ” તેવા તૂટક તૂટક શબ્દો બોલતા જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એક પારવડું સદાયને માટે ફફડતું મોતની નિંદ્રામાં પોઢી ગયું.

મા ના આંસુ બરફ બનીને થીજી ગયા. પોલીસે આ ત્રણેય નિર્દય લોકોને પકડીને જેલ હવાલે કરી દીધા.

તમામ પુરાવા, મા-બાપની જુબાની અને અમીની જુબાનીના આધારે નામદાર કોર્ટે પતિ, જેઠ અને જેઠાણી ને આ જીવન સખ્ત કેદ અને પચાસ પચાસ હજાર રોકડા ભરવાના આદેશ આપી અમીને ન્યાય આપ્યો.

લેખક : અલ્પા પંડ્યા દેસાઈ ..

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી