શરદ પૂર્ણિમા – અને અચાનક શરદ અલગ થઇ ગયો પૂર્ણિમાથી…

શરદ પૂર્ણિમા

શરદ અને પૂર્ણિમા એક એવી જોડી કે તેના પ્રેમ માટે કોઈ સંદેહ કરી જ ન શકે. શરદ એક શિક્ષિત માતા પિતાનું એક જ સંતાન અને બે લાડલી બહેનો નો વ્હાલસોયો ભાઈ. મુંબઈ જેવા મહાનગરમાં તેનો જન્મ અને તેનો ઉછેર, મુંબઈ ની સારી અને પ્રખ્યાત કોલેજમાં તેનું સ્નાતક થવું અને સારામાં સારો બિઝનેસ, બોરીવલી જેવા ગુજરાતી પરામાં ઘરનો ફ્લેટ. કોઈ જાતની ચિંતા ન હતી. આનંદ ઉત્સાહ માં દિવસો વિતતા હતા.

પૂર્ણિમા ના સગા શરદ નું માંગું લઇ ને આવ્યા. પૂર્ણિમા ના મમ્મી સ્વભાવે બહુ સારા, પપ્પા એકદમ શાંત અને બહેન ના લગ્ન થઇ ગયા હતા. તેથી તેના પપ્પા એ કહ્યું હજુ તેનો અભ્યાસ ચાલુ છે પછી જણાવશું …
આજે પૂર્ણિમા ની કોલેજમાં “ગરબા કોમ્પીટેશન ” હતી. તે વહેલી કોલેજે જવા નીકળી ગઈ. મમ્મી એ બાલ્કની માંથી કહ્યું વહેલી ઘરે આવજે, અગત્ય નું કામ છે.

પૂર્ણિમા લાંબી, સપ્રમાણ બાંધો, ગોરી અને ખુબ માયાળુ. મમ્મી ના કહેવાથી તે આજે વહેલી ઘરે આવી ગઈ. કોલેજ માં ફોટો સેશન હતું તેમાં પણ ન રોકાઈ, બહેનપણીના ખુબ કહેવા છતાં તે બોલી “ના ! યાર, મમ્મી ને જરૂર કઈ અગત્ય નું કામ હશે!! બાકી મારા મમ્મી મને કહે નહિ. સોરી ! આજે હું નીકળું છું કહેતી તે ચાલવા લાગી. ઘરે પોહોચી તો પપ્પા ના જુના મિત્ર દોલતભાઈ અંગ્રેજી માધ્યમ ની શાળા માં નોકરી ની વાત લાવેલા અને કહ્યું “બેટા ! તને કાર્યાલય નું કામ ફાવશે? સારા ઘરની અને ભણેલી છોકરીઓ ની જરૂર છે. તું નોકરી પર ચઢી જશે તો ઘરમાં પણ મદદરૂપ થઇ શકીશ અને સારી જગ્યા એ થી તારા મંગા પણ આવશે !!” પૂર્ણિમા બોલી “ કાકા મારે હજુ ભણવું છે પણ સારી નોકરી હોય તો સાથો સાથ હું ભણી પણ શકીશ. કયારે મળવા જવાનું છે ?” “ કાલે સવારે દસ વાગ્યે નવયુગ વિધાલય ના ગેટ પાસે આવી જજે હું પણ ત્યાં વહેલો આવી પુગીશ. ”અને થોડીવાર માં ચા પી અને તેઓ ગયા.
પૂર્ણિમા નો ઇન્ટરવ્યુ સારો ગયો અને થોડા દિવસો માં કાયમી ઓડર્ર પણ આવી ગયો. થોડા દિવસો બાદ ફરી શરદ ને ત્યાંથી માંગું આવ્યું હવે મહેમાનો ને બોલાવવા જ રહ્યા, પૂર્ણિમા ની એક જીદ ન ચાલી.

શરદ પણ ઉંચો, ગોરો અને એકનો એક દીકરો જોતા જ ગમી જાય તેવો. પૂર્ણિમા ના પણ ન પાડી શકી, કારણકે તેના સસરાજી એ આગળ ભણવાની પણ છૂટ આપી હતી, પૂર્ણિમા ના સૌ સપના સાકાર થયા.
સારું મુહુર્ત જોઇને બન્ને કુટુંબો એ વાત પાક્કી કરી ને લગ્ન પણ લઇ લીધા. લગ્નમાં સારો એવો કરિયાવર અને જર જવેરાત આપીને તેના પિતા બોલ્યા “દીકરા!! જરા પણ ઓછું ન આંકીશ, અમારી તાકત પ્રમાણે અમે તને, ભણતર, સુસંસ્કાર ની સાથે સાથે વિવેક અને મર્યાદા નો ટોપલો પણ આપેલો છે. કયારેય કોઈને દુખ પોહોચ્ડતી નહિ, અને બેટા!! સૌ ને તારા કામ થી રાજી રાખજે…” આટલું બોલતા જ એક દીકરી ના બાપે પોતાની વ્હાલી દીકરીને પારકા ઘરને પોતીકું બનાવવા વિદાય કરી. સૌની આંખો ભીની બની ગઈ…
પોતાના ઘરના લોકો ના સ્નેહ અને પતિદેવના પ્રેમ માં ગળાડૂબ પૂર્ણિમા સ્નેહવર્ષા માં ભીંજાઈ ગઈ હતી. શરદ પૂર્ણિમા નો પ્રેમ જોઈ ને સૌને લાગતું કે પ્રેમ વિવાહ કરીને આવ્યા છે.

હરવું, ફરવું, મુવી, હોટલ થોડા જ દિવસો માં વર્ષો નું સુખ તેને મળી ગયું હોય તેવું લાગતું હતું ….

થોડા દિવસો માં પૂર્ણિમા મા બની. ભગવાને બબ્બે દીકરાની મા બનાવી ને કૈક વધારે જ કૃપા વરસાવી.. પણ કહેવાય છે ને કે એટલું બધું સુખ ક્યારેક કોઈ થી નજરાઈ જતું હોય છે. શરદ તેની બીઝનેસ ટુર, મીટીંગ, કોન્ફરેન્સ માં ગળાડૂબ રહેવા લાગ્યો તેનાથી ઘરની જવાબદારીઓ છૂટતી ગઈ. મા-બાપ, પત્ની અને બાળકો ની દુનિયાથી જાણે અજાણે દુર થતો ગયો. તેની મહત્વકાંક્ષા એટલી પ્રબળ બનતી ગઈ કે તે પોતાના ગામના ઈલેકશનમાં પણ હારવા છતાં તેના મળતિયા લોકો તેનો જ લાભ લેવા લાગ્યા. પૈસા ની સાથે સાથે તેનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગ્યું.

બધાની સમજાવટ, પ્રેમ અને મમતા તેની મહ્ત્વકાંક્ષા સામે હારી ચુકી હતી. રીટાયર્ડ માતા પિતા ની કાળજી,પત્ની ની એકલતા, વ્હાલા બાળકો પ્રત્યે નો સ્નેહ ક્યારે છૂટી ગયા તેની ખબર જ ન રહી.

અચાનક એક દિવસ સાંજે શરદ ના ડ્રાઈવર નો ફોન આવ્યો …

ઘરમાં ફક્ત પૂર્ણિમા અને તેના મમ્મી જ હતા “હેલ્લો ! કોણ ભાભી, મેં રવિ બોલ રહા હું .આપ જલ્દી સે જલ્દી ડો .અજમેરા કી હોસ્પિટલ મેં પોહોચીયે, મેં સાબ કો લેકર આયા હું, ઉસકી તબિયત અચ્છી નહિ હૈ.”
અને પૂર્ણિમા ના હાથમાંથી રીસીવર પડી ગયું, મમ્મી આ જોઇને બોલ્યા

“શું થયું ? મને તો કહે ?” પૂર્ણિમા એ આંસુ સારતાં સારતા સઘળી હકીકત જણાવી. તે અને મમ્મી તુરંત હોસ્પીટલે પોહોચ્યા.આઈ .સી .યુ ના ઠંડાગાર ઓરડામાં મમ્મી નો હાથ પકડી અને ધડકતા હ્રદયે એક અજાણ્યા ભય સાથે પૂર્ણિમા એ પ્રવેશ કર્યો. ચૂપચાપ સફેદ કપડા માં ફરતી નર્સો, બ્લુ રંગના પડદા પાછળ થી દર્દી ઓ ના ઉહ્કારા, તેને ઘેરી વળ્યા. મમ્મીજી ને બહાર બેસાડી તેણે નર્સ ને પૂછ્યું “મી . શરદ દેસાઈ? કોન્સે કમરે મેં હૈ ?” તેને પણ પૂછ્યું “ આપ કૌન ?”
પૂર્ણિમાએ પરશેવો લૂછતાં પોતાનો પરિચય આપ્યો. નર્સે બેડ નંબર ૧૨ પર સુતેલા શરદ સામે ઈશારો કર્યો. પૂર્ણિમાં ની છાતી માં અસંખ્ય પતંગિયા અચાનક ઉડતા હોય તેવો અનુભવ થયો. તે બેડ ની નજીક પોહોચી ગઈ. તે શરદ ના હાથમાં અનેક નળીઓ, બાજુમાં મોનીટર, તોતિંગ મશીન અને છાતી પર કાચનો કપ એટલે કે ઓક્સીજન માસ્ક હતો. નિસ્તેજ શરદ ની હાલત ખરાબ હતી. ત્યાં જ ડો. રાઉન્ડ માં આવ્યા અને પૂર્ણિમા ને તેની ચેમ્બર માં બોલાવી અને કહ્યું “મીસીસ દેસાઈ ! તમારા પતિ ની બન્ને કીડની પર અસર છે, હેવી ડાયાબીટીસ પણ છે. તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે, વેઇટ એન્ડ વોચ ! આપણે બનતા બધા જ પ્રયત્નો કરીશું. ઇન્ટરનલ ઓર્ગન લીવર પણ વીક થઈ ગયું છે, તમારા કોઈ વડીલ ને બોલાવી લેશો .”

પૂર્ણિમા આંખો ના ખૂણા લુછતી બહાર આવી ત્યાં ઘરના સર્વે આવી ગયા. અને સૌ કોઈ દુઃખી જણાતાં હતા. પૂર્ણિમા એ બહાર આવીને બધી વિગત જણાવી. આ સાંભળીને બન્ને બહેનો ની આંખો માંથી દડદડ આંસુ પાડવા લાગ્યા. એક જુવાન દીકરા ની મા ના હ્રદય ની વ્યથા કોણ સમજે ? તે પોતાની જાત ને દોષી માનવા લાગ્યા, તેને આજે દીકરાને કરેલ લાડ પ્રેમ યાદ આવવા લાગ્યા. વધુ પડતા લાડ બાળક માટે દુઃખદાયક સાબિત થાય છે. પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું. પૈસા અને સ્વજન બન્ને ગુમાવવા નો સમય આવી ગયો હતો.

સૌ કોઈ આજે દુખી હતું, એક આનંદ કિલ્લોલ કરતુ કુટુંબ વિખરાઈ રહ્યું હતું . હોસ્પીટલમાં સૌ કોઈ દર્દી ના સ્વજન ગમગીન, શોક મગ્ન, પૈસા ની સગવડ, મૃત્યુ નો ભય ના ઓછાયા હેઠળ રહેલા હોય છે.રાતના બરાબર બાર વાગ્યે પૂર્ણિમા ના જીવનમાં અમાસ નું ગ્રહણ લાગી ગયુ.ફક્ત અડતાલીસ વર્ષની નાની આયુ માં શરદ તેની પૂર્ણિમા, બાળકો અને માતા પિતા ને કલ્પાંત કરતા મૂકી ભગવાન ના શરણે થયો. શરદ ની પૈસા માટે ની આંધળી દોટ, વધુ પડતી મહત્વાકાંક્ષાએ

આટલી યુવાન વયે પૂર્ણિમા ના જીવનમાં અમાસ નો અંધકાર ભરી ગયો …

લેખક : અલ્પા પંડ્યા દેસાઈ ..

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાંજણાવો, દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી