મૂક સંવેદના – સારસ બેલડી ની પ્રેમ કથા તો તમે જાણતા હશો, આજે વાંચો એક ગાય અને બળદની સત્ય પ્રેમકહાની…

મૂક સંવેદના

ભગવાને જીવ માત્રમાં સંવેદના મુકેલી હોય છે. આવી સંવેદના એક પિતા – પુત્રી, માં – દીકરા, પ્રેમી – પ્રેમિકા વચ્ચેની ગણી શકાય. આજે આપણી આ સત્ય ઘટના માં એવી જ સંવેદના ની વાત કરવાના છીએ… આ વેદના એક અબોલ છે, તેની ભીતર શું શું ચાલી રહ્યું છે તેનો તાદ્રશ દાખલો આ વાત દ્વારા આજે આપને કરવાનો છે. આપણા ઈતિહાસમાં સારસ બેલડી ની પ્રેમ કથા ખુબ પ્રચલિત છે તેમ ગોંડલ ગામે ઘટેલ એક ગાય અને બળદની જોડી તેના પ્રેમ માટે ક્યાં સુધી નો સંઘર્ષ કરે છે તેનો ચિતાર અહી રજુ કર્યો છે…

ગોંડલમાં મામા ના ઘરની બાજુમાં જ અમારો જ જમીન નો ખાલી પ્લોટ પડેલો છે, મે માસ ની ગરમી, મસાલા, અથાણાં અને કેરી ની સીઝન થી આખું સૌરાષ્ટ્ર મઘમઘતું હોય, અને બળબળતા તાપમાં પણ આ ઉનાળામાં મામા ના ઘરની મજા લેતું હોય આવા આંનદમાં એક દિવસ એક વાત બની, ખાલી પ્લોટમાં લગભગ એકાદ વર્ષ થી એક ગાય અને બળદની જોડી ત્યાં આવી ને બેસે. થોડીવાર ત્યાં બેસી અને બળદ ત્યાંથી ગાય ને મૂકી ને જતો રહે. શેરી વાળા લોકો ગાયને રોટલી, ગૌગરાસ, કોઈ અજીઠું, કેરીની છાલ અને ગોટલા એમ ખવડાવી જાય.
ત્યાં ઊગેલ અવાવરું ઝાડ ને છાંયડે ગાય આખો દિવસ બેસીને આરામ કરે. સમી સાંજના બળદ આવે ગાય ને પોતાની જીભ વડે ચાટે અને બન્ને એક બીજાને થોડો સમય વિખુટા પડ્યા નો પ્ર્રેમ કરી અને વિરહ ને દુર કરી ત્યાંથી ચાલી નીકળે.. ગાય ની આંખો ખુબ નિર્મળ,અને ભાવવાળી, તેનું સોનેરી ચમકતું શરીર, મરોડદાર કાન અને લાંબી પુંછ. તેની સામે જોતા જ તે સૌને પ્યારી લાગે.. આમ જોવા જાવ તો બળદ પણ કઈ ઉણો ઉતરે તેવો ન હતો!!!… સફેદ ચામડીના રુષ્ટપૃષ્ટ દેહપર શોભતી લાંબી કાળી પૂંછ, ખમીરવંતી ચાલ, અણીદાર તેના કાન અને પ્રેમનો પુજારી હજુ સુધી તેના જેવો ક્યાંય જોવા નથી મળ્યો..
નિત્યક્રમ મુજબ આજે પણ આ જોડી આવી. થોડી વાર ગાયનો સથવારો
બની બળદ તેને પ્રેમની હૂફ આપી ત્યાંથી ચાલ્યો ગયો.. શેરી ના લોકો ગાયને અજીઠું, ગૌગરાસ આપીને તાપમાં ઘર બંધ કરી ને બેસી ગયા હતા. આખો દહાડો પસાર થયો સાંજના પાંચેક વાગ્યા હશે, કોઈએ મામીને બુમ મારી “અરે!! ઓ, ઇન્દુબેન જલ્દી થી બહાર આવો!! આ ગાય ની તબિયત સારી નથી લાગતી!! સૌ બહાર આવી ને જોવા લાગ્યા. સાચેજ ગાય આજે કૈક અલગ વર્તન કરી રહી હતી, થોડી થોડી વારે ઉભી થતી અને મોટે થી ભામભરતી હતી. તેના જીવને વલોપાત થતો હતો, તે ખુબ પીડા અનુભવી રહી હોય તેમ તેનું માથું પછાડતી હતી… તેની પાણીદાર આંખો નિસ્તેજ ભાષતી હતી.. કોઈએ પાણી નું વાસણ ભરી ને આપ્યું. ગાય લગભગ બધું જ પાણી પી ગઈ…
સાંજ પડતા બળદ ત્યાં આવ્યો, ગાય ને ચાટવા લાગ્યો.. પ્રેમ કરવા લાગ્યો, પણ ગાય ને આજે અસુખ થતું હતું.. તે વળતો પ્રત્યુતર આપી શકતી ન હતી તેની આંખો માંથી આંસુ વહેતા હતા બળદ તેની પાસે મોડે સુધી બેસી રહ્યો પણ ગાય સાથે જવા તૈયાર ન થઇ.. આખરે તે ત્યાંથી હાલી નીકળ્યો…. ગાય તેને તાકતી જ રહી, કશુક કહેવાની કોશિશ કરતી રહી…. પણ ઉભી ન થઈ શકી……

બળદ ના ગયા બાદ ગાય ની હાલત બહુ ખરાબ થઇ ગઈ તેના મોં પર સફેદ ફીણ વળવા લાગ્યા, તે જોર થી ભાભરવા લાગી… સૌ લોકો એકઠા થઇ ગયા… કોઈભલા માણસે પ્રાણીઓ ના ડોક્ટર ને બોલાવ્યા, તેમને નિદાન કર્યું કે ગાય કોઈ રાસાયણિક પદાર્થ ખાઈ ગઈ છે, કોઈ એ ભૂલ થી કેરી પકાવવા માટે વપરાતો કાર્બન નામનો રાસાયણિક પદાર્થ કેરી ના કચરા સાથે ખવડાવી દીધો છે… હવે ક્યારે ખાઈ ચુકી છે તેનું અનુમાન બાંધવું અશક્ય છે… ગાય ખુબ વલોપાત કરતી હતી તેનું માથું એક બાજુ ઢળી ચુક્યું હતું તે લગભગ મરણમુખ માં ધકેલાઈ ગઈ હતી .
થોડી જ વારમાં ગાયનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સૌ કોઈ ની આંખ માંથી આંસુ સરતા હતા, થોડી નાની અમથી ભૂલ કે બેદરકારી નું આટલું ભયંકર પરિણામ આવી શકે તે કોઈ એ વિચાર્યું ન હતું… થોડી વારમાં
નગરપાલિકા વાળા માણસો ટ્રેકટર લઈને આવી ગયા. ગાય ને બાંધી અને લઇ ગયા. સૌ કોઈએ ગાય પછવાડે એક વર્ષ સુધી એકાદશી કરીશું તેવું પ્રણ લીધું ….

બીજો દિવસ થયો, સવારે પેલો બળદ આવ્યો ગાય ને શોધવા લાગ્યો… ગાયની રાહ બે કલાક સુધી જોઈ કોઈએ આપેલ ખાવાનું પણ તે ન અડક્યો. હવે તેને કૈક અજુગતું બન્યું છે તેમ અણસાર આવી ગયો. તે ગાય બેઠી હતી તે જગ્યા પર ચક્કર મારવા લાગ્યો તેની સુવાસ લેવા લાગ્યો અને પછી એક માણસ જેમ મરણ પોંક મુકે તેમ મોટા અવાજ સાથે આક્રંદ કરવા લાગ્યો… તે એક દીવાલમાં થી બીજી દીવાલ પાસે જઈ અને માથા પછાડવા લાગ્યો… તેનું માથું લોહી થી ખરડાઈ ગયું તેનું કલ્પાંત ભલભલા પાષણ હ્રદય ના માણસને પણ પીગળાવી નાખે તેવું હતું… આ વિરહ વેદના બરાબર એક મહિનો ચાલી, એક માસ પછી ગાય ની યાદ માં ઝૂરતો તે ગાયની જ જગ્યા પર આવી અને પોતાનો જીવ કાઢી ને જ રહ્યો…

આખા પરિસરમાં આ વાત શોક ફેલાવી ને રહી, એક અબોલ જીવે એક બીજાના પ્રેમ પાછળ પોતાનો જીવ આપ્યો. આ અમર પ્રેમ ની યાદમાં પિતૃઓ ના મહિનામાં ભાગવત સપ્તાહ પણ બેસાડવામાં આવી અને સૌએ તેમાંથી એકઠી થયેલ રકમ પાંજરાપોળમાં દાન કરી પોતાના થી થયેલ ભૂલ નું પ્રાયશ્ચિત પણ કર્યું…
તો આવી હતી એક મૂક સંવેદના. એક અબોલ પ્રાણીના પ્રેમ ને ઉજાગર કરતી એક સત્ય ઘટના …

લેખક : અલ્પા પંડ્યા દેસાઈ

વાત તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં તમારા અભિપ્રાય આપો, દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી