જો એલોવેરા જેલનો ઉપયોગ કરતી વખતે રાખશો આ બાબતોનુ ખાસ ધ્યાન, તો થશે અનેક લાભ

સ્વાસ્થ્યને અઢળક લાભ પહોંચાડતા એલોવેરા વિષેની વિસ્તૃત જાણકારી આપતો લેખ

થોડા વર્ષો પહેલાં આપણે એલોવેરાને કુંવાર પાંઠૂ તરીકે ઓળખતાં હતા પણ હવે તેને લોકો એલોવેરા તરીકે પણ સરળતાથી ઓળખી લે છે. એલોવેરા તમારા શરીરને આંતરીક તેમજ બાહ્ય બન્ને રીતે લાભ પોહોંચાડે છે. તે તમારા પાચનને સુધારે છે અને સાથે સાથે જ તમારા ચહેરાની ત્વચાને સ્નિગ્ધ અને કાંતિવાન બનાવે છે તો વળી તમારા વાળને લાંબા – સુંવાળા – મજબુત બનાવે છે. આમ એલોવેરા તમારા માથાના વાળથી લઈને તમારા પગની એડી સુધી તમને લાભ પહોંચાડતી વનસ્પતિ છે.

એલોવેરા શું છે ?

એલોવેરા એક પ્રકારના થોર જેવી વનસ્પતિ છે તેને ઉગાડવી અત્યંત સરળ છે, તેની વધારે પડતી સંભાળ પણ નથી રાખવી પડતી. એલોવેરાની વનસ્પતિનાં લાંબા પાંદડાની કીનારીએ નાના-નાના કાંટા લાગેલા હોય છે. એલોવેરા ખાસ કરીને ગરમ તેમજ સુકી હવાના પ્રદેશમાં મળી આવે છે.

image source

એલોવેરાના પાંદડામાં આવેલું જેલ જેવું દ્રવ્ય સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર હોય છે અને તેનો જ ઉપયોગ સૌંદર્ય તેમજ સ્વાસ્થ્યને વધારવા માટે કરવામા આવે છે. આ દ્રવ્યને એલોવેરાના પાનની વચ્ચે જ ચીરો પાડીને કાપીને બહાર કાઢવામાં આવે છે.

એલોવેરાથી શરીરને થાય છે અઢળક લાભો

– એલોવેરા અઢળક ગુણોથી ભરપૂર છે. તેનો ઉપયોગ દવાઓ તેમજ સૌંદર્ય પ્રસાધનોમાં કરવામાં આવે છે.

– એલોવેરા જેલનો ઉપયોગ હૃદય માટે પણ લાભપ્રદ છે કારણ કે તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

– એલોવેરામાં રહેલા આ ચમત્કારી ગુણોના કારણે તેના પર અવારનવાર સંશોધન કરવામાં આવે છે. તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે તેમાં એક પ્રકારનું અસમાન્ય કેમિકલ હાજર હોય છે જે એચઆઈવી એટલે કે એઇડ્સના રોગની સારવારમાં ઘણું મદદરૂપ સાબિત થઈ શકે છે.

– એલોવેરાની જેલના સેવનથી કબજીયાતની સમસ્યા પણ અંકુશમાં લાવી શકાય છે. આ ઉપરાંત જે લોકોને વાઈના હૂમલા એટલે કે સિઝર્સના એટેક આવતા રહેતા હોય તો તેમાં પણ તે મદદરૂપ સાબિત થઈ શકે છે.

image source

– એલોવેરા જેલનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે પણ કરવામા આવે છે. એલોવેરા જેલને ચહેરા પર લગાવવામાં આવે તો તે ચહેરા પરની બળતરા, ખીલ, લાલ ચકામા, મોઢું સોજી જવું, તેમજ મોઢામાં કે મોઢા આસપાસની બળતરા દૂર કરવામાં પણ મદદરૂપ છે. આ સિવાય નાના બાળકોને ડાયપર પહેરાવ્યા બાદ જે રેશીસ પડે છે અને તેનાથી જે બળતરા ઉદ્ભવે છે તેમાં પણ એલોવેરા જેલનો લેપ રાહત આપે છે.

– ત્વચાને લગતી અગણિત સમસ્યાઓમાં એલોવેરાનો ઉપચાર કરવામાં આવે છે. તો વળી તેનો ઉપયોગ વજન ઘટાડવા તેમજ ડાયાબીટીસને કંટ્રોલમાં લાવવા ઉપરાંત, જુના ઓસ્ટિયોઆર્થરાઇટિસને દૂર કરવા, હેપેટાઇટિસ, પેટના ચાંદા એટલે કે અલ્સરને દૂર કરવા, તાવ, ખજવાળ, સોજા ત્વચા પરના ઘા, આંતરડાના સોજા વિગેરે સમસ્યામાં તેની જેલનો ઉપયોગ કરવામાં આવે છે.

– એન્ટિસેપ્ટિક તરીકે એલોવેરા જેલ તમારી ત્વચાને રક્ષણ આપે છે. તેને ત્વચા પર લગાવવાથી સનબર્ન, બળતરા, ખજવાળ, રુક્ષ ત્વચા વિગેરેની સમસ્યા પણ દૂર થાય છે. આ ઉપરાંત તે ઘાના નિશાન દૂર કરવામાં પણ મદદ કરે છે.

– આ સિવાય અસ્થમા, લોહીનું વહેવું, માસિક ધર્મમાં અસામાન્યતા, શરદી, અવસાદ, મોતિયા બિંદ, મસા તેમજ આંખની નબળાઈ વિગેરેની બિમારીમાં પણ એલોવેરા જેલ અથવા તો તેનો અર્ક મદદરૂપ રહે છે.

એલોવેરા જેલ શરીરને કેવી રીતે લાભ પોહંચાડે છે

image source

એલોવેરા પર થયેલા સંશોધન પ્રમાણે તેની જેલમાં એવા કેટલાક ગુણકારી ઘટકો અસ્તિત્ત્વ ધરાવે છે જે ત્વચા પરના કેટલાક નુકસાનકારક પ્રકારના બેક્ટેરીયા તેમજ જીવાણુઓનો નાશ કરે છે. આ ઉપરાંત તેમાં હાજર કેમિકલ લેક્સેટીવ તરીકે કામ કરે છે.

એલોવેરા જેલનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

– જો તમારી બીજી બિમારીઓને લઈ કોઈ દવાઓ ચાલતી હોય તો તે દરમિયાન તમારે તેની સાથે એલોવેરાનુ સેવન ક્યારેય ન કરવું જોઈએ. અને તેવું કંઈ કરતાં પહેલાં તમારે વૈદ કે પછી તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

– જો તમે એલોવેરાનો જ્યૂસ પિવા માગતા હોવ તો તમારે ગર્ભાવસ્થા દરમિયન કે પછી બાળકને સ્તનપાન કરાવતા હોવ તે સમય દરમિયાન તેનું સેવન ન કરવું જોઈએ. તે ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. અથવા તેવું કરતા પહેલાં કોઈ વૈદની સાહ લેવી યોગ્ય રહેશે.

– આ સિવયા જો તમને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો તેવા સંજોગોમાં પણ તમારે વૈદની સલાહ વગર એલોવેરાનું સેવન ન કરવું જોઈએ. એલર્જીની સમસ્યા વધી શકે છે.

– એલોવેરાનું કાયમી સેવન ન કરવું જોઈએ. તેનો તમે 42 દિવસ સુધી એકધારો ઉપયોગ કરી શકો છો પણ તેનાથી વધારે ન કરવો જોઈએ.

– એલોવેરાનું અમુક ચોક્કસ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તેને તમે દિવસમાં 15 મિલિગ્રામ સુધી લઈ શકો છો. ચાર અઠવાડિયા સુધી અરધો એલોવેરા જ્યૂસ અને અરધું પાણી તે રીતે તમે ચાર અઠવાડિયા સુધી તેનું સેવન કરી શકો છો.

image source

કેવી વ્યક્તિઓએ એલોવેરાનું સેવન કરતી વખતે ધ્યાન રાખવું.

ડાયાબિટીસના દર્દીઓ માટે એલોવેરાનું સેવનઃ

એલોવેરા પર થયેલા સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે. એલોવેરાના સેવનથી બ્લડ શુગર નીચી લાવી શકાય છે. પણ તેનો ઉપયોગ કરતાં પહેલાં તમારે ડોક્ટર કે પછી વૈદની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

પ્રેગ્નન્સી તેમજ સ્તનપાન દરમિયાન એલોવેરાનુ સેવનઃ

એલોવેરા જેલ અથવા તો લેટેક્સનુ સેવન ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય નથી હોતું. તેમ કરવાથી ગર્ભપાત જેવી ગંભીર સમસ્યા પણ ઉભી થઈ શકે છે. આ ઉપરાંત બાળકને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ તે દરમિયાન તેનું સેવન ટાલવું જોઈએ.

આ પ્રકારના રોગમાં એલોવેરાનું સેવન સદંતર ટાળવું જોઈએઃ

અલ્સરેટિવ કોલાઇટિસથી તમને કોઈ પણ સમસ્યા રહેતી હોય તો તમારે એલોવેરા લેટેક્સનો ઉપયોગ જરા પણ ન કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવાથી આંતરડામાં બળતરા થઈ શકે છે.

શસ્ત્ર ક્રિયાઃ

image source

જો તમારા પર કોઈ શસ્ત્રક્રિયા થઈ હોય તો એલોવેરાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી બ્લડ શુગર લેવલ નીચું આવે છે. શસ્ત્રક્રિયા થયા બાદ બે અઠવાડિયા સુધી એલોવારાનો ઉપયોગ ન કરવો જોઈએ.

કીડનીની સમસ્યા તેમજ મસાની સમસ્યામાં એલોવેરાનો ઉપયોગ

જો તમને મસાની સમસ્યા રહેતી હોય તો તમારે એલોવેરા લેટેક્સનું સેવન ન કરવું જોઈએ પરિસ્થિતિ ઓર વધારે બગડી શકે છે. અને કીડનીની વાત કરવા જઈએ તો કીડનીની સમસ્યાવાળી વ્યક્તિએ એલોવેરાનું સેવન ન જ કરવું જોઈએ. તેનાથી કીડની ફેઇલ પણ થઈ શકે છે. આમ તમે તમારા જીવને જોખમમાં મુકી શકો છો.

બાળકો માટે એલોવેરાનુ સેવનઃ

બાળળકની ત્વચા પર તમે એલોવેરા જેલ લગાવી શકો છો પણ 12 વર્ષથી નાના બાળકોને તમારે એલોવેરા જ્યૂસ કે તેનો અર્ક ન પીવડાવવો જોઈએ. તેનાથી તેમને પેટમાં પીડા થઈ શકે છે અને અતિસાર પણ થઈ શકે છે.

એલોવેરાથી થતી આડઅસરો

– એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે એલોવેરાનો ઉપયોગ પેટમાં પીડા ઉભી કરી શકે છે. એલોવેરાનો વધારે પડતો ઉપયોગ લાંબા સમય સુધી કરવાથી ઝાડા, કીડનીની સમસ્યાઓ, પેશાબમાં લોહી, પોટેશિયમની કમી, સ્નાયુઓની નબળાઈ તેમજ વજન ઘટાડો વિગેરેની સમસ્યા થઈ શકે છે.

image source

– તેને કેટલા પ્રમાણમાં લેવું તે વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. તેનું પ્રમાણ તમારી ઉઁમર, તમારું સ્વાસ્થ્ય અને બીજા કેટલાએ સંજોગો પર આધાર રાખે છે.

– રોજ એક ગ્રામ એલોવેરા લેટેક્સ લેવાથી શરીરને ગંભીર નુકસાન પહોંચી શકે છે. એલોવેરાના પાનના અર્કથી કિડનનીની સમસ્યા ઉભી થઈ શકે છે. જો કે આ સમસ્યા સંવેદનશીલ લોકોને જ થઈ શકે છે.

કેટલા પ્રમાણમાં એલોવેરાનું સેવન કરવું જોઈએઃ

કબજીયાત માટેઃ સંશોધન પ્રમાણે કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે રોજ સાંજે 50 મિલી ગ્રામ એલોવેરા એક્સ્ટ્રેક્ટ લેવું જોઈએ. આ ઉપરાંત તમે 500 મિલિગ્રામના પાવર વાળી એલોવેરા કેપ્સૂલનો પણ ઉપયોગ કરી શકો છો.

વજન ઘટાડવા માટેઃ વજન ઘટાડવા માટે એલોવેરાથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ તમને મદદ કરી શકે છે. તેના માટે તમારે એલોવેરાથી બનેલી ક્યૂડીએમ કોમ્પ્લેક્સ, યુનીવેરા ઇંક, સિયોલ વિગેરેથી બનેલી જેલ દિવસમાં બે વાર લેવી જોઈએ. તમે તેનું સેવન બે મહિના સુધી કરી શકો છો.

ચહેરા પર એલોવેરા જેલનો ઉપયોગ

image source

બળતરા દૂર કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગઃ એલોવેરા જેલ સાથે ઓલિવ ઓઈલના તેલની ક્રીમને મિક્સ કરીને તે મિશ્રણને દીવસમાં બે વાર છ અઠવાડિયા સુધી લગાવવાથી રાહત થાય છે. આ ઉપરાંત એલોવેરા ક્રીમનો ઉપયોગ તમે ઘા પર પણ લગાવી શકો છો. અને તેનાથી બળ્યાના ઘા પણ દૂર થાય છે. આ ઉપાય તમારે ત્યાં સુધી ચાલુ રાખવો જ્યાં સુધી ઘાના નિશાન દૂર ન થઈ જાય.

ખીલને દૂર કરવા માટે આ રીતે કરો એલોવેરા જેલનો ઉપયોગઃ તેના માટે તમારે રોજ સવારે તેમજ સાંજે ચહેરો સ્વચ્છ પાણીએ ધોઈ લીધા બાદ ચહેરા પર એલોવેરા જેલ લગાવવી જોઈએ તેનાથી તમને ધીમે ધીમે ખીલની સમસ્યાથી છૂટકારો મળશે.

મોઢા પર પડેલા ચકામાને દૂર કરવા એલોવેરા જેલનો ઉપયોગઃ

જો તમને ત્વચા પર અવારનવાર ખજવાળ આવતી હોય તેમજ તેના કારણે લાલ ચકામા પડી ગયા હોય તો તેના માટે તમે રોજ એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. આ પ્રયોગ તમારે બે મહિના સુધી ચાલુ રાખવે જોઈઅ. રોજ દિવસમાં ચાર વાર બે ચમચી એલોવેરા માઉથવોશનો ઉપયોગ કરવાથી મોઢામાં થતી ખજવાળ પણ દૂર થાય છે અને જો શ્વાસમાં અવારનવાર ગંધ આવતી હોય તો તે પણ દૂર થાય છે.

ખરજવા પર એલોવેરા જેલનો ઉપયોગઃ

image source

તેના માટે તમારે એવી ક્રીમનો ઉપયોગ ખરજવા પર કરવો જોઈએ જેમાં 0.5 ટકા એલોવેરાના એક્સ્ટ્રેક્ટનો ઉપયોગ કર્યો હોય. આ પ્રયોગ તમારે સતત અઠવાડિયાના પાંચ દિવસ સુધી કરવો જોઈએ.

આમ એલોવેરાનો ઉપયોગ તમે તેના પાંદડા તેની જેલ તેમજ તેના અર્ક દ્વારા કરી શકો છો. તમારે કોઈ પણ વસ્તુનો પ્રયોગ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેનો અતિરેક ન કરવો. તેમ કરવાથી તમારા શરીરને નુકસાન થઈ શકે છે. એલોવેરાનો તમારે યોગ્ય પ્રમાણમાં મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી તે તમને નુકસાન નહીં પહોંચાડે પણ લાભ જ પહોંચાડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ