All Out ને ભુલી જાઓ, ઘરમાં હશે આ પાંચ છોડવા તો મચ્છર ફરકશે પણ નહિ…

ખબર પડી? ચોથા ઘરે ડેંગ્યુનો કેસ નોંધાયો છે. બાજુવાળા બેનને ચિકનગુનિયા થયો છે. ડોક્ટરને ત્યાં આજકાલ બહુ જ ભીડ હોય છે. મેલેરિયા ના કેટલા કેસ આવે છે !

image source

ઉનાળાની પ્રખર ગરમી શરૂ થતા અને ચોમાસામાં વાદળછાયુ વાતાવરણ અને ધોધમાર વરસાદની વચ્ચે ક્યાંક ક્યાંક આ વાક્ય સાંભળવા બહુ મળી જતા હોય છે. કારણ આ ઋતુ જ મચ્છરના ઉપદ્રવની છે.

image source

આ ઋતુમાં સાંજ પડતા તો મચ્છરોના ટોળાં જાણે દરેક ઘરમાં હુમલો જ કરતાં હોય એમ ગણગણ કરતાં પ્રવેશી જાય છે. મચ્છરનો આતંક એટલી હદ સુધી શરૂ થયો છે, કે લોકો મચ્છર થી ડરવા લાગ્યા છે. ડેન્ગ્યુના કેસ અને ડેન્ગ્યુની અસરો જાણ્યાં બાદ તો મચ્છર દેખાય ત્યાંથી મારો ઠારની નીતિ અપનાવી માણસ મચ્છર દૂર કરવાના અવનવા પ્રયાસો કરતો રહે છે.

image source

મચ્છરને ભગાડવા ક્યાંક-ક્યાંક કડવા લીમડાના પાનનો ધુમાડો કરવામાં આવે છે, ક્યાંક હીટ નો ઉપયોગ કરવામાં આવે છે, ક્યાંક મોસ્કિટો રિપેલેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે , ક્યાંક કાચબાછાપ અગરબત્તી તથા કપૂરનો ધુમાડો કરીને પણ મચ્છર ભગાડવાના ઘરગથ્થુ પ્રયાસ કરવામાં આવે છે. વ્યક્તિગત પ્રયાસો ઉપરાંત સરકાર પણ સામૂહિક રીતે મચ્છરોનો ખાતમો બોલાવવા માટે આવા ઉપક્રમ કરે છે.

image source

શેરીઓમાં ડીડીટીનો છંટકાવ કરવા સરકારી ગાડીઓ ફરતી રહે છે. પાણી જમા કરતી જગ્યા – કેનાલ, સરોવર, તળાવ, નદી તથા સરકારી ટાંકીઓ પણ સમયસર સાફ કરાવવામાં આવે છે. તળાવોમાં મચ્છરના ઈંડા ખાઈ જાય તેવી માછલી છોડવામાં આવે છે.મચ્છર નાબૂદ કરવાના અથાગ પ્રયત્નો છતાં મચ્છરનો ઉપદ્રવ નાથવામાં સફળતા મળી નથી શકતી અને મેલેરિયા , ડેન્ગ્યુ,ચિકનગુનિયા જેવા રોગમાં વધારો નોંધાતો રહે છે.

image source

સવાલ એ રહે છે કે મચ્છર મારવા માટે વપરાતા ઉપકરણ -કાચબાછાપ મચ્છર અગરબત્તી, હિટ, ઓલ આઉટ જેવી પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે કેટલી સુરક્ષિત છે? આ એક સંશોધનનો વિષય છે. ઉપરાંત આ બધી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ પણ શક્ય નથી. તો પછી મચ્છરના પ્રકોપથી બચવા માટે શું કરવું?

એનો એક સુંદર ઉપાય સાથે અમે તમારી સમક્ષ આવ્યા છીએ.

image source

અમુક છોડ એવા છે જે ઘરના આંગણામાં ,બાલ્કનીમાં, બગીચામાં રાખવામાં આવે તો મચ્છર એનાથી જોજનો દૂર રહેવાનું પસંદ કરે છે. આ છોડ મચ્છર -માખી સહિત ઝીણી ઝીણી જીવાતો પણ ઘરથી દૂર રાખે છે અને બીમારીઓથી પણ પરિવારને બચાવે છે.

લેમનગ્રાસ.

image source

આપણે સૌ લેમનગ્રાસથી એટલે કે લીલી ચાથી પરિચિત છીએ. લેમનગ્રાસનું વૈજ્ઞાનિક નામ સિમ્બેપોગન સાઇટ્રેટ્સ છે. તેમાંથી આવતી લીંબુની સુગંધ ને કારણે તેને લેમનગ્રાસ કહેવામાં આવે છે. તેનો વ્યાપક રીતે ઉપયોગ થઈ શકે છે. લેમનગ્રાસ બારે માસ ઉગતું ઘાંસ છે. તે ભારત તથા એશિયાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રમાં વિપુલ માત્રામાં મળી આવે છે. લેમનગ્રાસનો ઉપયોગ કરીને બનાવેલી ચા ની લિજ્જત જુદી જ હોય છે.

image source

ઉપરાંત તે ગુણકારી પણ છે. લેમનગ્રાસમાંથી મચ્છર ભગાડવાની દવા પણ બનાવવામાં આવે છે. તેની સુગંધ મચ્છરને દૂર રાખવામાં મદદરૂપ છે . લેમનગ્રાસની તાજગીભરી ખુશ્બુ તણાવ દૂર કરી ખુશી પ્રદાન કરવાનું પણ કામ કરે છે. બાલ્કનીમા લેમનગ્રાસનું કુંડુ મૂકવાથી લિજ્જતદાર ,ખુશ્બુદાર ,ગુણકારી ચાની મજા તો માણવા મળશે પણ સાથે સાથે મચ્છર માટે પણ લેમનગ્રાસ પ્રવેશ નિષેધનું બોર્ડ બની રહેશે.

ગલગોટાના ફૂલ

image source

વર્ષો સુધી ઉગતાં પીળાં ચટ્ટક ગલગોટાના ફૂલ પણ મચ્છરને દૂર ભગાડી મૂકે છે. મંદિર મસ્જિદમાં પૂજામાં વપરાતા ગલગોટા ઘરને સુંદરતા તો પ્રદાન કરે જ છે પણ સાથે સાથે તેની સુગંધથી મચ્છરો અને આસપાસમાં ઉડતાં ઝીણાં કીડા અને જીવાત પણ દૂર ભાગે છે. મચ્છર તો ગલગોટાના છોડથી જ દૂર ભાગે છે કારણ તેના પાંદડામાંથી નીકળતી સુગંધ મચ્છરને બિલકુલ પસંદ પડતી નથી તેથી જ્યાં ગલગોટાના છોડ હોય ત્યાં મચ્છર ફરકતા પણ નથી. ઘર આંગણામાં ,બાલ્કનીમાં, બારીમાં ગલગોટાના છોડ મૂકીને મચ્છરને નો એન્ટ્રી કહી શકાય.

લેવેન્ડરનો છોડ

image source

લવંડર કલર ના અદભુત સુંદરતા ધરાવતાં ફુલ વાળા છોડ પણ મચ્છર તથા ઝીણી જીવાત ને દૂર કરવા બાબતે ગુણકારી છે. ઉપરાંત તેની સુંદરતા, તેની સુગંધ અને તેનું તેલ પણ વ્યક્તિને તણાવમુક્ત રાખે છે, ચામડી સંબંધિત સમસ્યાઓમાં, ખીલમાં, બ્લડ પ્રેશરમાં , તથા શ્વાસની તકલીફમાં પણ લેવેનડરના છોડ ઉપયોગી છે. એરોમા થેરાપીમાં લેવેન્ડરના તેલનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. લેવેન્ડરના છોડમાં કુદરતી રીતેજ અનિંદ્રા દૂર કરવાની શક્તિ રહેલી છે. આપણે મચ્છરોને ભગાડવામાં માટે જે મોસ્કિટો રિપેલેન્ટનો ઉપયોગ કરીએ છીએ તે લેવેન્ડર તેલના ઉપયોગથી બનાવવામાં આવે છે. તો પછી શા માટે લેવેન્ડરનો છોડ ઘરમાં લગાવીને તેની ખુબસુરતી ,તેની તાજગી અને તેના ગુણનો ઉપયોગ ન કરવો?

લસણનો છોડ

image source

દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતું લસણ મચ્છરોને ચપટીમાં દૂર કરે છે. લસણ ખાવાથી શરીરમાંથી આવતી એક પ્રકારની વાસને કારણે મચ્છરો આસપાસ ફરકતા નથી. જો લસણ ખાવાનું પસંદ ન હોય તો ઘરમાં લસણનો છોડ ઉગાડી શકાય છે. તેની સુગંધથી પણ મચ્છર દૂર રહે છે. સરસિયાના તેલમાં લસણ સાંતળવાથી નીકળતા ધુમાડા અને સુગંધથી પણ મચ્છર દૂર ભાગે છે.

તુલસી

image source

ભારતના લગભગ બધા જ ઘરમાં તુલસીનું કુંડુ નજરે પડશે. તુલસી અતિ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીમાં આસપાસની હવાને ચોખ્ખી કરવા સાથે સાથે નાના-મોટા કીડી-મંકોડા તેમજ મચ્છરોને દૂર ભગાડવાનો પણ ગુણ છે. તુલસી પત્તાનો ઉપયોગ કરીને બનાવેલી ચા તથા તેનો ઉકાળો શરદી ,ઉધરસ અને શ્વાસના રોગોમાં ગુણકારી છે. ઘરની આસપાસ તુલસી વાવવાથી મચ્છરોની વિરોધમાં તુલસી ઘરને સુરક્ષા પૂરી પાડશે. તુલસીની તીખી ખુશ્બુ તન-મનને તરબતર કરે છે. તુલસી બહુ સરળતાથી વ્યાપક પ્રમાણમાં ઉગી નીકળે છે.

image source

સામાન્ય રીતે આસપાસમાં ફુલછોડ વધારે પ્રમાણમાં હોય તો જીવાત અને મચ્છર વધી જાય છે પણ આ તમામ છોડ ઘરમાં અને ઘરની આસપાસ વાવવાથી હકારાત્મક ઊર્જા ઉત્પન્ન થવાની સાથે-સાથે આ છોડ મચ્છરને દૂર રાખવામાં પણ મદદરૂપ બનશે.

image source

મચ્છર મારવા માટે વપરાશમાં લેવાતા અન્ય ઉપાયો કરતાં ઉપર દર્શાવેલાં ફુલછોડ વાવવાનાં ઉપાય વધુ ફાયદાકારક અને સ્વાસ્થયની રખેવાળી કરનાર છે.

મચ્છરથી બચવા થોડી વિશેષ જાણકારી પણ મેળવીએ.

image source

તમે જાણો છો કે મચ્છર ડાર્ક કલરને જલ્દી ઓળખી લે છે. એટલે કે નેવી બ્લુ ,બ્લેક, રેડ જેવા ઘેરા રંગો મચ્છરને વધુ આકર્ષિત કરે છે .આ રંગના કપડા પહેરનાર મચ્છરનો શિકાર જલ્દી બને છે. મચ્છરની સિઝનમાં સામાન્ય રીતે આચ્છા કલરના પોશાક પહેરવાથી મચ્છરના આક્રમણથી બચી શકાય છે.

image source

મચ્છર ઓ પોઝિટિવ તથા બી બ્લડ ગ્રુપ ધરાવતા લોહીમાંથી પોતાને જરૂરી પ્રોટીન તત્વ મેળવે છે. સર્વેના તારણ મુજબ માદા મચ્છર પોતાના ઈંડાના પોષણ માટે લોહીમાંથી પ્રોટીન મેળવવા સામાન્ય રીતે ઓ તથા બી બ્લડ ગ્રુપ ધરાવતા માણસોને વધુ પસંદ કરે છે.

image source

મચ્છર ગમે તેટલા દૂરથી પણ કાર્બનડાયોક્સાઇડ ગેસ જલ્દી પારખી જાય છે . મચ્છર કાર્બન ડાયોક્સાઇડ ગેસને પસંદ કરે છે અને એટલે જ તે આપણા નાક , કાન અને મોઢાની આસપાસ વધુ ગણે છે. મચ્છર વાળી જગ્યામાં જવાનું આવે ત્યારે ચહેરાને કપડાંથી કવર કરવાથી મચ્છરોના ત્રાસથી બચી શકાય છે.

image source

કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત મચ્છર પરસેવામાં રહેલા લેક્ટિક એસિડ અને એમોનિયાની વાસને પણ વધુ પસંદ કરે છે .જેથી જે લોકોને વધુ પરસેવો થાય છે તેને પ્રમાણમાં મચ્છર વધુ કરડે છે. ગરમ વાતાવરણમાં પણ મચ્છર વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. માટે ગરમ પ્રદેશમાં રહેતાં લોકો મચ્છરનો વધુ શિકાર બને છે.

image source

રિસર્ચ મુજબ મળતી માહિતી એ પણ દર્શાવે છે કે સામાન્ય વ્યક્તિની સરખામણીએ ગર્ભાવસ્થા દરમિયાન મહિલા વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરે છે જેને કારણે મચ્છર ગર્ભવતી મહિલા તરફ વધુ આકર્ષિત થાય છે. ગર્ભવતી મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન મચ્છરને કારણે આવતો તાવ મહિલાના સ્વાસ્થ્ય માટે જોખમી નીવડી શકે છે.

આટલું જાણ્યા પછી હવે આપણે ઈચ્છીએ તો થોડી તકેદારી દ્વારા સહેલાઇથી મચ્છરને બાય બાય કહી શકીશું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ