અકસ્માત – એક અકસ્માત કેવીરીતે વ્યક્તિનું જીવન બદલી નાખે છે એ તમને જણાવશે…

“બને તો ધા નવા મારા ઉપર કરશો નહીં કોઇ,

હજી જુના પ્રહારોથી જ પીડાઇ રહ્યો છું..”

નીધીના હાથમાંથી રીસીવર પડી ગયું. ફાટી આંખે તે ફોન સામે જોઇ રહી. પછી ધડામ લઇને નીચે પડી ગઇ. અવાજ સાંભળીને તેની મોટીબેન વૈશાલી રસોડામાંથી દોડતી આવી. બેભાન પડેલી નિધી અને લટકતા રીસીવર પરથી તેને સમજાયું કે નીધીને બેભાન કરનાર કારણ રીસીવરમાંથી આવ્યું છે. તેણે રીસીવર હાથમાં લીઘું, સામા છેડે કોઇ પોલીસ ઇન્સ્પેકટર હતાં. સમાચાર હતા કે નીધીના પતિ ધવલનો અકસિડન્ટ થયો હતો અને ત્યાં જ તેનું મૃત્યું થઇ ગયું હતું.

image source

ધવલના મૃત્યુને એક વર્ષ થઇ ગયું. નીધી હજી આધાતમાંથી બહાર આવી ન હતી. ધવલના ફોટા સામે કલાકો બેસી રહેતી વૈશાલી તેને સમજાવતી, પણ નીધી હજી આધાતમાંથી બહાર આવી ન હતી. અકસ્માતના સ્થળે કેટલીવાર જઇ આવી હતી. પોલીસની થિયરી કહેતી હતી કે ધવલની બાઇકને કોઇક કારની ટકકર વાગી હતી અને બાઇક સ્લીપ થઇ હતી. અને ધવલનું મૃત્યુ થયું હતું. પણ કાર કોની હતી તે શોધી શકાયું ન હતું. નીધી ધવલના કાતિલને સજા આપવા માંગતી હતી. પણ પોલીસને કંઇ મળ્યું ન હતું.

નીધીની સફેદ જિંદગીમાં અચાનક આવ્યો ગૌતમ… આમ તો ગૌતમને પહેલેથી જ ઓળખતી હતી પણ તે માત્ર ઓળખાણ જ હતી. એક જ શહેરમાં હોવા છતાં વર્ષોથી એકબીજાને મળ્યા ન હતા. અને અચાનક ગૌતમ તેની જિંદગીમાં વાવાઝોડાની જેમ આવ્યો. નીધી સાથે લગ્ન કરવા માંગતો હતો. કહેતો હતો કે નીધીને પહેલેથી પસંદ કરે છે, પણ કહી શકયો ન હતો. નીધીએ ના જ પાડી દીધી.

image source

પણ કેટલાય મહિનાઓ સુઘીની ગૌતમની આજીજી, માબાપથીઈ સમજાવટ પછી તે એકવાર ગૌતમને મળવા તૈયાર થઇ, તે પણ ધવલની વિધવા તરીખે જ.. ગૌતમને મળવા પણ તે સફેદ સાડીમાં જ ગઇ. ગૌતમને તેણે કહ્યું, “ગૌતમ આપણને એકબીજાને અછડતા ઓળખતા હતા, દોસ્તી પણ ન હતી, ત્યાં પ્રેમની વાત તો દુરની છે, તું મારા પર દયા કરવા કેમ તૈયાર થયો છે..?”

ગૌતમ ભાવુક થઇને બોલ્યો, “નીધી, મને ખબર છે કે તારા જીવનમાં ધવલનું સ્થાન કોઇ ન લઇ શકે, મારે તે સ્થાન જોઇતું પણ નથી. બસ હું તને ચાહતો હતો, પણ કહેવાની હિંમત ન થઇ. કયાંક મારી ગરીબી તો કયાંક મારા ઘરની જવાબદારી નડી ગઇ. અને તારા લાયક બન્યો ત્યાં સુઘી તું ધવલની થઇ ગઇ હતી. એટલે તને કહ્યું નહી. પણ હવે કુદરતે તક આપી છે. હવે હિંમત કરીને તને કહી શકું છું. એવું નથી કે તારા પર દયા રાખું છું, બસ તું મને હા પાડી દે, એટલી મારા પર દયા કર… એકવાર તને ગુમાવી ચૂકયો છું, હવે તને ગુમાવવા નથી માંગતો અને તને પ્રોમીસ કરું છું કે જયાં સુઘી તારા દિલમાં મારા પ્રત્યે ખેંચાણ નહીં આવે ત્યાં સુઘી હું પતિ તરીખેનો હકક નહીં માંગું.

image source

ગૌતમની વાતોથી નીધીનું દિલ જરા પિગળ્યું અને તેણે કેટલાય સમય પછી હા પાડી દીધી. અને કશી જ ધામધૂમ વગર ગૌતમને પરણીને તેના ઘરે આવી ગઇ. ગૌતમ તેને બહુ સાચવતો. કયારેય તેની લાગણી દુભાઇ તેવું વર્તન ન કરતો. દિલથી નજીક પણ શરીરથી દુર જ રહેતો. ધીમેધીમે નીધીના દિલમાં પણ લાગણી વહેવા લાગી. આઠ મહિનામાં તે ગૌતમના વર્તનથી પૂરેપૂરી જીતાઇ ગઇ, અને તેની બાહોંમાં સમાઇ ગઇ. ગૌતમના ભરપૂર પ્રેમને લીધે નીધીનું જીવન બદલાઇ ગયું અને ખુશ રહેવા લાગી.

દિવસો ખુશનુમા અને રાતો રંગીન બનીને વહેવા લાગી. બન્ને ખુશ હતાં. એક દિવસ ગૌતમ ઓફિસેથી આવ્યો ત્યારે સાથે તેનો મિત્ર અતુલ હતો. ગૌતમે ઓળખાણ કરાવી કે તેનો જુનો મિત્ર છે. બે-ત્રણ વર્ષથી મળ્યા નથી પણ ઇન્ટરનેટથી જોડાયેલા હતાં. નીધીએ અતુલનું સારી રીતે સ્વાગત કર્યું. ત્રણેયે રાતે મોડે સુઘી વાતો કરી.

image source

બીજા દિવસે ગૌતમ ઓફિસે ગયો અને અતુલનો હવાલો નીધીને સોંપતો ગયો. નીધીએ વાતવાતમાં કહ્યું કે ગૌતમ તેને પહેલેથી પસંદ કરતો હતો. પણ કહી ન શકયો. જયારે ધવલનું મૃત્યુ થયું ત્યારે હું સાવ ભાંગી ગઇ હતી. ગૌતમે મારી જિંદગીને નવો વળાંક આપ્યો. મેં તો દિલના દરવાજા સખત રીતે બંધ કરી દીધા હતા. પણ ગૌતમ કેવી રીતે તેમાં સમાય ગયો તે ખબર જ ન પડી. તેને પ્રેમ મેળવીને હું મારી જાતને નસીબદાર માનું છું.”

નીધી હરખથી બોલતી હતી. ગૌતમના વખાણ કરતી હતી. પણ અતુલનું જાણે ધ્યાન ન હતું. તે કંઇક વિચારતો હતો… નીધીએ પુછયું તો ‘કંઇ નહી’ કહીને વાત ઉડાડી દીધી. સાંજે ગૌતમ આવ્યો. ત્રણેય જમીને વાતો કરતા બેઠા હતાં.નીધી થોડીવાર પછી ગુડનાઇટ કહીને રૂમમાં ગઇ અને અતુલે ગૌતમને બેસાડી રાખ્યો. થોડીવાર આડીઅવળી વાત કર્યા પછી અતુલે પૂછયું, “યાર… આપણે તો બઘી જ વાત થાય છે કયારેય તે નથી કહ્યું કે તું નીધીને પસંદ કરતો હતો, અચાનક તેની સાથે લગ્ન કેમ કર્યા ??”

image source

નીધી સુઇ ગઇ એમ વિચારીને ગૌતમે કહ્યું, “આ લગ્ન નથી અતુલ, આ મારૂં પ્રાયશ્ર્ચિત છે. ધવલની બાઇકનો એક્સિડન્ટ મારી કાર સાથે જ થયો હતો. મારી કારની ટકકરને કારણે તે ઉછળીને પડયચ અને ડિવાઇડર સાથે માથું અથડાતાં મૃત્યુ પામ્યો. થોડો સમય હું પોલીસના ડરથી ચૂપ રહ્યો. પણ મારા મનમાં પસ્તાવો હતો. પછી ખફર પડી કે તે નીધીનો પતિ હતો.

નીધી સાથે અછડતી ઓળખાણ હતી એટલે પ્રેમની વાત કરવામાં વાંધો ન આવ્યો. મારા કારણે તેનું જીવન ઉજડી ગયું હતું, એટલે મેં મારી ભુલ સુઘારવા તેની સાથે લગ્ન કર્યા હું તેને બઘી ખુશી આપવા માંગુ છુ. હું તેને એટલો પ્રેમ આપીશ કે તેને આ વાત કહીશ ત્યારે તે મને માફ કરી દેશે… હું તેને ખુશ રાખવા માંગુ છું…” ધડામ…. અવાજથી બન્નેએ પાછળ જોયું, તો નીધી બેડરૂમના બારણા વચ્ચે પડી હતી.

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ