અક્ષય ત્રિતિયા સર્વશ્રેષ્ઠ મુહુર્ત છે આ દિવસે જે પણ કાર્ય કરશો તે અચૂક શુભ ફળ આપશે.

અક્ષયતૃતિયા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની અલભ્ય કૃપાનો દિવસ. આ તિથિનો મહિમા અને કથા જાણો.
અક્ષય ત્રિતિયા સર્વશ્રેષ્ઠ મુહુર્ત છે આ દિવસે જે પણ કાર્ય કરશો તે અચૂક શુભ ફળ આપશે.

ભગવાન શ્રી વિષ્ણુ એ દેવોમાં સર્વાધિક મહત્વ ધરાવતા અને સર્વોચ્ચ સ્થાન ધરાવતા દેવ છે. ભગવાન શિવ અને ભગવાન બ્રહ્માજી સહિત તેમનું દેવોની મુખ્ય ત્રિમૂર્તિમાં આગવું સ્થાન છે. ભગવાન, વિષ્ણુ બ્રહ્માંડના રક્ષક અને સંચાલક છે જ્યારે ભગવાન શિવ વિનાશક તરીકે ઓળખાય છે અને ભગવાન બ્રહ્મા બ્રહ્માંડના સર્જક કહેવાય છે. જેમને આપણે અંગ્રેજીમાં ગોડ કહીએ છીએ તેનો સ્પેલિંગ થાય છે, જી, ઓ, ડી કહેવાય છે. એટલે કે જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર… આ માર્મિક અર્થ સાથે કહી શકાય કે ઇશ્વર એ સનાતન વિશ્વની વ્યાખ્યામાં બંધ બેસતું એવું તત્વ છે જે સર્વ સ્વીકૃત છે.

અક્ષય ત્રિતિયાનો દિવસ ભગવાન વિષ્ણુ દ્વારા શાસિત છે, જે હિન્દુ ત્રિમૂર્તિઓમાં ભગવાનની વિષ્ણુનો પણ સમાવેશ છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, ત્રેતા યુગ અક્ષય ત્રિતિયાના દિવસે શરૂ થયો હતો. સામાન્ય રીતે અક્ષય ત્રિતિયા અને પરશુરામ જયંતિ, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતારની જન્મજયંતિ તે જ દિવસે પડે છે, પરંતુ ત્રિતિયા તિથિ પરશુરામમ જયંતીના સમયના આધારે અક્ષય ત્રિતાય દિવસે એક દિવસ પહેલાં આવે એવું પણ કહેવાય છે. અક્ષય ત્રિતિયા જે અખા ત્રીજ તરીકે પણ ઓળખાય છે તે હિન્દુ ધાર્મિક સમુદાયો માટે ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ છે. તે વૈશાખ મહિનામાં શુક્લા પક્ષની ત્રીજના દિવસે આવે છે. આજે તારીખ ૭ મંગળવારે વર્ષ ૨૦૧૯ના આ શુભ દિવસની ઉજવણી દેશભરમાં બધા જ મંદિરોમાં થઈ રહી છે. આવતી કાલે બુધવારથી ગ્રહોની દશા રોહિણી નક્ષત્ર તરફ જશે. આજના દિવસે અક્ષય ત્રિતિયાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે કહેવાય છે કે દરેક ચોઘડિયું ખૂબ જ શુભ હોય છે. જેને વણદીઠું મુહૂર્ત પણ કહેવાય છે. અક્ષય શબ્દનો અર્થ થાય છે જેનો ક્યારેય ક્ષય થતો નથી એટલે જે ક્યારે ઘટતું નથી. આથી આજના દિને કોઈ પણ જાપ, યજ્ઞ, પિત્ર-તારપાન, દાન-પુણ્ય કરવાના ફાયદા ક્યારેય ઘટશે નહીં અને હંમેશાં વ્યક્તિ સાથે રહેશે. તેને અગણિત પૂણ્ય મળશે.
અક્ષય ત્રિતિયા સારા નસીબ અને શ્રેષ્ઠ સફળતા લાવવાનું માનવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસે સોનું ખરીદે છે કારણ કે એવું માનવામાં આવે છે કે અક્ષય ત્રિતિયા પર સોનું ખરીદવાથી ભવિષ્યમાં સમૃદ્ધિ વધે છે અને વધુ સંપત્તિ આવે છે. અક્ષય દિવસ હોવાથી એવું માનવામાં આવે છે કે, આ દિવસે ખરીદેલું સોનું ક્યારેય ઘટશે નહીં અને વધશે અને સંપત્તિ અચલ રહેશે.વૈદિક જ્યોતિષીઓ પણ અક્ષય ત્રિતિયાને બધા નૈતિક અસરોથી શુભ દિવસ માને છે. હિન્દુ જ્યોતિષવિદ્યા મુજબ પૂનમનો દિવસ, ગુડી પડવા, અક્ષય ત્રિતિયા અને વિજયા દશમીને કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા અથવા શરૂ કરવા માટે કોઈ મુહુર્તની જરૂર નથી કારણ કે આ બધા દિવસો એવા છે જે બધી ખરાબ અસરોથી મુક્ત છે. આ દિવસે અનેક જોડીઓ લગ્નગ્રંથીએ પણ જોડાતી હોય છે. જેથી તેમનું લગ્ન જીવન અતૂટ રહે.
અક્ષય ત્રિતિયા સાથે જોડાયેલી બે દંતકથાઓ પણ છે જે મહાભારતના યુગ દરમિયાનની છે.

કહેવાય છે કે જ્યારે પાંડવોને ગુપ્તવાસ કરવાનો વારો આવ્યો અને તેમને વનેવન ભટકીને જીવન ગુજારવું પડતું હતું ત્યારે ભગવાન શ્રી વિષ્ણુના કૃષ્ણ અવતારે એ દિવસે તેમને એક એવું પાત્ર આપ્યું હતું જે હંમેશાં ભરેલું રહે. તેમાંથી મળતું ભોજન અખૂટ રહે. તેને અક્ષય પાત્ર કહેવાય છે.
વધુ એક પ્રસંગ જે પૌરાણિક કથાઓમાં ખૂબ જ પ્રચલિત છે. જે ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા સુદામાજી સાથેનો તાદુલ પ્રસંગ. ઋષિ સાંદિપનીના આશ્રમમાં યજ્ઞોપવિતની દિક્ષા લઈને અભ્યાસ અથે જ્યારે કૃષ્ણ ભગવાન ગયા ત્યારે તેમને તેમના બાલસખા સ્વરૂપે બ્રાહ્મણ પુત્ર સુદામાજી મળ્યા. તેઓનો અભ્યાસ પૂરો થયો અને ભગવાન કૃષ્ણ મથુરા કંસવધ અર્થે અને ત્યારબાદ દ્વારિકા નગરીમાં સ્થાયી થયા તે દરમિયાન તેમના પરમ સખા અતિ દરિદ્ર સ્થિતિમાં જીવન ગુજારતા હતા. એ સમયે સુદામાજીને મિત્રને મળવા જવાની ઇચ્છા થઈ અને તેમને માટે ભેંટમાં કંઈ નહીંને પૌંવા તાંદુલ લઈ જવા માટે મળ્યા. અહીં જ્યારે તેઓ પગપાળા પહોંચ્યા દ્વારિકા નગરી ત્યારે ખૂબ ઉમળકા ભેર સ્વાગત કર્યું કૃષ્ણ ભગવાને અને તેમની પત્નીઓએ તેમને માટે અનેક પકવાન મિષ્ઠાન્ન સાથે ભોજનની વ્યવસ્થા કરાવી. ભગવાને મિત્રના પગ ધોયા અને તેમને રેશ્મી વસ્ત્રો આપ્યાં. આ બધું જોઈને તેમને પોતાની તુચ્છ ભેંટ આપવાની ઇચ્છાને દબાવી મૂકી જે ભગવાન જાણી ગયા. તેઓ સૂતી વખતે સુદામાજીના હાથ પાસે રાખેલ તાંદુલની પોટલી ખોલીને મુઠ્ઠી ભરીને ખાધા, ત્યાં તેમની પત્નીઓએ તે જોયું તેમણે પણ ખાવા માટે માગ્યા. તેમને નવાઈ લાગી કે પતિદેવ એવું તે શું પ્રેમથી આરોગી રહ્યા છે અમે પણ તેનો લાભ લઈએ.

આ બાજુ ત્રણ મુઠ્ઠી તાંદુલ આરોગીને ભગવાને સુદામાજીને રુક્સત કર્યા. પોતાને ગામ પહોંચીને જોયું તો ઝૂંપડી મહેલ બની હતી અને પત્ની – બાળકો કિલ્લોલ કરી રહ્યાં હતાં. મોંઘા આભૂષણો અને વસ્ત્રો ધારણ કર્યાં હતાં. આ દિવસે કહેવાય છે કે અક્ષય તૃતિયા હતી. આ દિવસે જે કોઈ પણ મનોકામના કરો તે હંમેશાંને માટે ફળે છે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદાયને માટે રહે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ