અક્ષય કુમારનો દિવાનો આ ગુજરાતી ફેન તેને મળવા 900 કી.મી ચાલીને આવ્યો ! અક્ષયે પોતે શેર કરી વિડિયો

તાજેતરમાં ધી કપીલ શર્મા શોમાં કંગના રનૌત આવી હતી તેને જ્યારે પુછવામાં આવ્યું કે તેણી કયા સ્ટારને હેલ્થ મિનિસ્ટર બનાવશે ત્યારે તેણીએ જરા પણ વિચાર કર્યા વગર અક્ષય કુમારનું નામ લીધું હતું. જેને બધાએ તાળીઓથી વધાવી લીધું હતું. આ વાતમાં કોઈ જ શંકા નથી કે અક્ષય કુમાર આજના યુવા ધન માટે ફીટનેસ આઇડલ છે.

અક્ષય જેટલો ફિટનેસ ફ્રીક છે તેટલા જ તેના કેટલાક ફેન્સ પણ છે માટે જ અક્ષયના આ ફેને ટ્રેન, બસ, પ્લેન, સાઇકલ, કે કાર આ બધામાંથી કોઈ જ વાહન પસંદ નહીં કરીને ચાલીને જ પોતાના ફેવરીટ સ્ટારને મળવાનું પસંદ કર્યું. હા, અક્ષય કુમારનો આ ફેન 900 કી.મી. ચાલીને તેને મળવા આવ્યો હતો જેની પ્રેરણાત્મક વિડિયો અક્ષયે શેયર કરી હતી.

આ ફીટનેસ ફ્રીક ફેનનું નામ છે પરબત, તે અક્ષય કુમારનો દિવાનો છે. તેણે ગુજરાતના દ્વારકાથી છેક મુંબઈ સુધીનું 900 કી.મીનું અંતર 18 દિવસની પગપાળા યાત્રા કરીને પૂરું કર્યું હતું. લોકો માતાજી કે પછી દેવતાના મંદીરે પગપાળા યાત્રા કરીને જતાં હોય છે પણ આ ભાઈ તો પોતાના પ્રિય અભિનેતાને મળવા પગપાળા ગયા. અને તેમના આ પ્રિય અભિનેતા પણ તેમના આ પરિશ્રમથી રીઝી ગયા અને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર વિડિયો તેમજ ફોટોઝ પણ શેયર કર્યા.

અક્ષય કુમારે સોશિયલ મિડિયા પર ફોટોઝ અને વિડિયો તો શેયર કર્યા જ હતા સાથે સાથે કેપ્શનમાં કંઈક આમ લખ્યું હતું, “પરબતને આજે મળ્યો, તે દ્વારકાથી 900 કી.મી ચાલીને અહીં આવ્યો છે. તેણે એવું આયોજન કર્યું કે તે 18 દિવસમાં મુંબઈ પહોંચી ગયો અને આજે રવિવારે મને મળ્યો. આપણા યુવાધને આ જ પ્રકારનું આયોજન અને સમર્પણતા પોતાના લક્ષ્યો પામવા માટે વાપવું જોઈએ, ત્યાર બાદ તેમને કોઈ જ નહીં રોકી શકે# સંડેમોટીવેશન”
આ વિડિયોમાં પરબત જણાવે છે કે તે રોજ 50-55 કીલો મીટર ચાલતો હતો. અને આ રીતે તેણે 18 દિવસમાં દ્વારકાથી મુંબઈનું અંતર કાપ્યું. તેને ખબર હતી કે તેને પ્રિય અભિનેતા તેને બીજા કોઈ દિવસ નહીં પણ રવિવારે તો મળી જ જશે માટે તેણે પોતાનુ લક્ષ પામવા માટે વરસાદમાં પણ ચાલવાનું ચાલુ જ રાખ્યું અને તે શનિવારે તો મુંબઈ શહેરમાં પહોંચી પણ ગયો.

બીજા એક ટ્વીટમાં તેણે આ ફેન સાથે ફોટો શેયર કર્યો છે અને ટ્વીટ કર્યું છે, “જ્યારે જ્યારે પણ તમને બધાને મળું છું ત્યારે સારું લાગે છે અને તમે મને જે પ્રેમ આપો છો તેના માટે હું કૃતજ્ઞતા અનુભવું છું, પણ મારી એક અરજ છે કે મહેરબાની કરીને આવું ન કરો… તમારા સમય, ઉર્જા અને સ્રોતને તમારા જીવનને ઓર વધારે સુંદર બનાવવા પર કેન્દ્રીત કરો, અને તે જ બધું મને વધારે આનંદ આપશે. પરબતને મારી શુભેચ્છાઓ.”

અક્ષયની વાત જરા પણ ખોટી નથી. આજના યુવાધને પોતાની બધી જ ક્ષમતાઓને પોતાના સુંદર ભવિષ્ય ઘડતર માટે વાપરવી જોઈએ અને જો તેમ થશે તો સમુળગા દેશનું ભવિષ્ય ઉજવળ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ