અક્ષય કુમારનાં ફિટનેસ ફંડા તમે પણ જાણી લો….

બોલીવૂડમાં અક્ષય કુમારની ઓળખ સૌથી ફિટ અભિનેતામાંની એકની છે. મિસ્ટર ખિલાડી ફિલ્મો ઉપરાંત સ્વાસ્થ્યની બાબતે પણ ખુબ જ જાગરુક છે. આ જ કારણ છે કે આજે 50 ની ઉંમર હોવા છત્તા તેનું શરીર આજનાં યુવાનોને ટક્કર આપે એવું છે. અક્ષયનું માનવું છે કે સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન કરવા અને આ બાબતે હંમેશા સભાન રહેવું જરુરી છે. આજીવન તંદુરસ્ત રહેવા અને ફિટ રહેવા નિયમિત કસરતની આવશ્યક્તા પર તે ભાર મૂકે છે.

બોલીવૂડમાં મોટાભાગની પાર્ટી અને  ફંક્શન મોડી રાત સુધી ચાલે  છે પણ અક્ષયને  મોડી રાત સુધી જાગવાનું  પસંદ નથી, એટલા માટે અક્ષય મોટે ભાગે પાર્ટીમાં જવાનું ટાળે છે. મિસ્ટર  ખિલાડીનો ફિટનેસ ફંડા એક જ છે અને તે ‘અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઈઝ’ છે. અક્ષયનું કહેવું છે કે ફિટ રહેવા માટે વહેલી સવારે જાગી જવું આવશ્યક છે. આગળ એ શું કહે છે અને તેમની દિનચર્યા અને કઈ કસરત કરે છે તે વિશે વિગતમાં જાણો….

 

અક્ષયની દિનચર્યા

કોઈ પણ દિવસ કેમ ન હોય અક્ષય રોજ સવારે ૪ વાગે જાગી જતો હોય છે. ત્યાર બાદ ફ્રેશ થઈને સ્વીમિંગ, માર્શલ આર્ટ, સ્ટ્રેચિંગ અથવા યોગા જેવી કસરત કરે છે. છેલ્લે થોડો સમય મેડિટેશન અવશ્ય કરે છે. અક્ષયનું માનવું છે કે યોગા અને માર્શલ આર્ટ્સ શરીરને ફિટનેસ તો પ્રદાન કરે છે અને સાથે સાથે મનને પણ સારી રીતે બેલેન્સ કરે છે. નેચરલ થેરાપી તરફ તેમની ઈચ્છા તેમને ફિટ રાખે છે.

ડાયટ પ્લાન

નાસ્તામાં પરોઠા અને એક ગ્લાસ દૂધ

બપોરે વાટકો ભરીને ફળ

લંચમાં રોટલી, દાળ, લીલા શાકભાજી, ચિકન અને એક વાટકી દહીં

સાંજે એક ગ્લાસ ખાંડ વગરનું ફ્રૂટ જ્યુસ

રાત્રે હળવા ભોજનમાં સૂપ, સલાડ અને વેજિટેબલ

ખિલાડી સ્ટાર હંમેશા ઉપર જણાવેલ ડાયેટ પ્લાન જ ફોલો કરે છે. તેમનું માનવું છે કે તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે હંમેશા ઘરે બનાવેલ જ ભોજન લેવું જોઈએ. એક ઈન્ટવ્યૂમાં અક્ષયએ જણાવ્યું હતું કે ‘ફિટ રહેવા માટે હું ઘરે બનાવેલ જ વાનગીઓ ખાઉ છું. એટલું જ નહીં ૮ વાગ્યા સુધીમાં તો મારો ઊંઘવાનો સમય થઈ જાય છે એટલે સાંજે ૬ વાગે જમી લેતો હોઉ છું. દારુ, સિગારેટ અને પાર્ટીઓથી દૂર જ રહું છું. કોઈને વિશ્વાસ નહીં થાય કે મેં ક્યારેય ચા કે કૉફી ચાખ્યા પણ નથી. હું મારી દિનચર્યામાં કોઈ પણ હિસાબે બદલાવ નથી લાવતો, તેમાં પણ ખાસ તો ડાયટ પ્લાનમાં કોઈ ફેરફાર નથી કરતો, જેથી તંદુરસ્તી જળવાઈ રહે. જ્યારે મુંબઈમાં શૂટીંગ ચાલતી હોય છે ત્યારે મારું ટિફિન બોક્સ અને નાસ્તાનું બોક્સ હમેશા સાથે જ રાખું છું. મારા મત મુજબ તો ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે બિલકુલ પણ  હેલ્થી નથી.’

 

અક્ષયની શિસ્તબદ્ધ જીવન

રોજ સવારે ૪ વાગે જાગીને કસરત કરવી, સમય પ્રમાણે જમી લેવું અને સમયે સુઈ જવું, આ પ્રમાણે નાનપણથી જ અક્ષય શિષ્ટાચારનું પાલન કરે છે. તેમનું માનવું છે કે જે લોકો જલદી ઊંઘી જાય અને સવારે જલદી ઊથતા હોય છે તેઓ શારીર્રિક અને માનસિક રીતે તંદુરસ્ત અને જ્ઞાની બને છે. માર્શલ આર્ટ્સ, યોગા, મેડિટેશન, ટ્રેકિંગ, બાસ્કેટબોલ, કિક બોક્સિંગ, સ્વીંમિંગ જેવી કસરત શરીરને ફિટ અને મગજને રિલેક્સ રાખે છે. અક્ષયનું જીમમાં જઈ કલાકો કસરત કરીને સિક્સ કે એઈટ પેક્સ બનાવવામાં ઓછું માનવું છે.

અક્ષય કહે છે કે મારા બીજે ક્યાંય મંદિરમાં જવાની જરૂર નથી, હું મારા શરીરને જ મંદિર સમજીને એની તકેદારી રાખું છું. યોગ્ય ખાન પાન, પૂરતી ઊંઘ, નિયમિત વ્યાયામ અને યોજના પૂર્વકના કામ દ્વારા હું મારી ફિટનેસ જાળવી રાખું છું. સિક્સ પેક કે એઇટ પેક બનાવીને દુનિયાને દેખાડવામાં મને રસ નથી. એના કરતાં શરીર ચુસ્ત અને સ્ફૂર્તિલું રહેવું જોઇએ. હું રોજ ફક્ત પોણો કલાકથી એક કલાક વ્યાયામ કરું છું. હું માનું છું કે આરોગ્ય માટે તમે ચોવીસ કલાકમાં એક કલાક ન ફાળવો તો બહેતર છે કે મરી જવું. તમારા શરીરની અવગણના કરવાનો તમને અધિકાર નથી. ભગવાને આપેલ આ શરીરને તમે જીવો ત્યાં સુધી ફિટ રાખવાની તમારી જવાબદારી છે.

મિત્રો, જો આપણે અક્ષયનાં જીવનથી પઅમુક પ્રેરણા લઈએ તો આપણે પણ ફિટ રહી શકીએ છીએ. તો આજથી વહેલા સવારે ઉઠીને કસરત કરવાની ટેવ પાળોને તંદુરસ્તી અપનાવો અને અન્ય સાથે શેર પણ કરો.

લેખક – જ્યોતિ નૈનાણી