જલ્સા કરોને જેંતીલાલ

અક્ષય કુમાર અને PM મોદીજીએ વિતાવ્યો સાથે સમય, જાણો શું વાતો થઇ એ બંને વચ્ચે…

જેમના પર આખા દેશની જ નહીં દુનિયાની નજર છે એવા પ્રધાન મંત્રી નરેદ્ર મોદી સાહેબ સાથે અક્ષય કુમારે કરી છે રસપ્રદ ગોષ્ઠી…

બે દિવસ પહેલાં જ અક્ષય કુમારે તેમના સોશિયલ પ્રોફાઈલ પર એક ટ્વીટ કર્યું હતું કે તેઓ એક નવું કામ કરવા જઈ રહ્યા છે અને તેઓ આ બાબતે ખૂબ જ નર્વસ પણ છે. ચૂંટણીની ગરમાગરમીના માહોલમાં એવો અંદાજો લગાવાઈ રહ્યો હતો કે તે કદાચ રાજકારણમાં આવવાનું એલાન કરશે. પરંતુ આજે ૨૪ એપ્રિલે જાહેર થયેલા એક સમાચાર મુજબ ખીલાડી એક્ટર અક્ષય કુમારે જેમના પર આખા દેશની જ નહીં દુનિયાની નજર છે એવા પ્રધાન મંત્રી નરેદ્ર મોદી સાહેબ સાથે તેમના અંગત જીવન વિશેની હળવીશૈલીમાં વાતો જાણવા એક્સક્યુઝીવ ઇન્ટરવ્યૂ કર્યો છે.

કહેવાય છે કે આ ઇન્ટરવ્યૂમાં મોદીજીના જીવનના એવા પાસા છે જે કદાચ આજ સુધી આપણે નથી જાણતાં. અક્ષય કુમારે એક મિત્રની જેમ એમની સાથે મજાક મસ્તી કરતા હોય એ રીતે પ્રશ્નો પૂછ્યા છે અને જવાબો પણ મોદી સાહેબે પ્રધાનમંત્રીના હોદ્દે રહીને ગંભીરતાથી નહીં પણ હળવાશની પળોમાં આપ્યા છે. વાંચવાની મજા આવે એવી ઝલક જોઈએ એ ઇન્ટર્વ્યૂની જે એ.એન.આઈ.ના માધ્યમથી આજે સવારે ૯ વાગ્યે પ્રસારિત કરાયો છે.
અક્ષય કુમારે તેમના અંગત વેરિફાઈડ ટ્વીટર હેન્ડ્લ પર આ ઇન્ટરવ્યૂનો ટીઝર શેર કર્યો હતો. જેમાં મોદી સાહેબ અને તેઓ હસીને વાતો કરે છે આવો જોઈએ શું રહી ખાસ વાતો આ ઇન્ટરવ્યૂમાં;

પ્રધાનમંત્રી બનવાનું સપનું

અક્ષય કુમારે પૂછ્યું કે તમે પહેલાંથી નક્કી કરી લીધું હતું કે તમે પ્રધાનમંત્રી બનશો? મોદીજીએ હસીને કહ્યું, મારો પરિવાર ખૂબ જ સાધારણ છે. આવો વિચાર એમને આવે કે જેમના પરિવારની પૃષ્ઠભૂમિ એવી હોય, મારા પરિવારની પૃષ્ઠભૂમિ એવી નહોતી. હું સફરમાં ચાલતો ગયો અને બધું થતું ગયું એવું એમણે વિચાર્યું.

સન્યાસી કે સૈનિક

અક્ષયે કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમે એક સમયે સન્યાસી બનવા ઇચ્છતા હતા અને એક વખત સૈનિક થવા ઇચ્છતા હતા. તે શું સાચું છે?

મોદી સાહેબે બહુ જ સહજતાથી એમના નાનપણની વાત કરી. એમણે કહ્યું કે હું દેશને માટે કંઈ કરવાની ઇચ્છા ધરાવતો હતો. એ સમયે ખૂબ નાનો હતો જ્યારે ૧૯૬૨ની લડાઈ થઈ. અમારા ગામની સરહદે પણ સૈનિકોની ટૂકડી આવી હતી. અને અમે લોકો તેમને ચા – પાણી અને બીજી વસ્તુઓ આપવા જતા ત્યારે મેં પિતાજીને કહ્યું કે મારે મિલિટરીમાં ભણવા જવાની ઇચ્છા છે. એ સમયે માત્ર જામનગરમાં સૈનિક શાળા હતી અને પિતાજીએ કહ્યું કે આપણી આર્થિક સ્થિતિ એવી નથી કે હું ત્યાં ભણવા મોકલી શકું.

બીજું, કે મને નાનપણથી યુવાની સુધી કોઈ જ માર્ગદર્શક ન મળ્યા કે જે મને સાચા / ખોટાની સમજ આપે. મારા પ્રશ્નોના જવાબ મારે જાતે જ શોધવાના રહેતા. મેં હિમાલય સુધી પ્રવાસ કર્યો છે. એકલા જ ખૂબ મુસાફરી કરી છે, બહુ ભટ્ક્યો છું. એટલે કહી શકો કે સંન્યાસી થઈ જાત એવું બની શક્યું હોય.

રામકૃષ્ણ મિશન

અક્ષયે જ્યારે પૂછ્યું કે રામક્રૃષ્ણ મિશન પ્રત્યે તમને ખૂબ લગાવ છે અને સ્વામિ વિવેકાનંદને આદર્શ માનો છો તે સાચું?

મોદી સાહેબ એ જણાવ્યું કે એક સમય હતો કે હું કલાકો સુધી રામકૃષ્ણ મિશનના પ્રાર્થના ખંડમાં બેસી રહેતો. એ સમયે સ્વામિજીના વિચારોથી પ્રભાવિત થયો હતો. મને પુસ્તકો વાંચવાનો બહુ જ શોખ હતો હું ખૂબ જ વાંચતો હતો.

કેરી ખાવ છો?


એવું અચાનક જ્યારે અક્ષયે પૂછ્યું ત્યારે મોદીજી ખડખડાટ હસી પડ્યા! ત્યારે તરત જ અક્ષયે પૂછ્યું, કેમ તમે ગુજરાતી નથી? એ સાંભળીને મોદીજી વધારે હસ્યા.

તદ્દન હળવીશૈલીમાં થતી વાતચીતમાં અંગત જીવન સાથે રાજનૈતિક મુદ્દાઓ પણ ચર્ચાયા અને મોદીજીએ તેના નિખાલસ જવાબો પણ આપ્યા.

ઓછી ઊંઘ

મોદી સાહેબ તેમની ઓછી ઊંઘને લીધે ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. એ વિશે એમણે જણાવ્યું કે એક સમયે સંન્યાસી થવું કે સૈનિક એવું વિચારતો ત્યારથી ઊંઘ ઓછી જ રહી છે. આ બાબતે અમેરિકાના ભૂતપ્રૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ પણ તેમને ઘણીવાર મિત્ર ભાવે ટકોર કરી છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઓબામાએ પણ બહુ વખત કહ્યું છે કે ઓછામાં ઓછા સાત કલાક જેવું તો ઊંઘવું જ જોઈએ પણ તમે ૫ કલાકથી પણ ઓછી ઊંઘ કરો એ સારું નહીં!

અન્ય રાજકારણીઓથી પ્રભાવિત

તેમણે જણાવ્યું કે હું જ્યારે માત્ર સંઘનો એક સામાન્ય કાર્યકર હતો ત્યારે ગુલામ નબી આઝાદ વિશે એક જૂનો પ્રસંગ યાક કરતાં જણાવ્યું હતું કે તે દિવસોમાં જ્યારે ગુજરાતના તેઓ મુખ્યમંત્રી નહોતા ત્યારે કોઈ કામથી તેઓ એકવાર સંસદમાં પહોંચ્યા, જ્યાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સાથે તેઓ વાતચીત કરતા હતા. એવામાં, જ્યારે તેઓ મીડિયા બહાર નીકળ્યા તો મીડિયાએ ગુલામ નબી આઝાદને આરએસએસના હોવા છતાં મોદી સહેબ સાથેના સંબંધ પર સવાલ કર્યો. વડા પ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસના એ નેતાએ આના પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે તમામ પક્ષોના લોકો પરિવાર તરીકે જોડાયેલા છે, જે બહારના લોકોની કલ્પના પણ કરી શકતા નથી.

તેઓ મીઠાઈના શોખીન છે એવું જાણવા મળ્યું ત્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાજી તેમને દરવર્ષે ત્યાંની નવી મીઠાઈઓ મોકલે છે. આની ખબર પડતાં મમતા દીદી પણ મને બંગાળી મીઠાઈઓ વર્ષમાં એક બે વખત જરૂર મોકલે છે. મમતા દીદી તો મને વર્ષે બે કૂર્તા પણ ભેટ કરે છે.

કપડાંનો શોખ

તેમની ડ્રેસિંગ સ્ટાઈલ વિશે પૂછવા જતાં મોદીજીએ કહ્યું કે તેમને નાનપણથી જ સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવા ગમે છે. આ તેમની પ્રકૃતિ છે. તેમણે એક સરસ વાત જણાવી કે પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે ઇસ્ત્રી કરાવે બહારથી. તેમણે કહ્યું કે સ્ટીલના લોટામાં ગરમ કોલસો રાખીને તેને કપડાં પકડી રાખીને ઇસ્ત્રીની જેમ સળ કાઢેલા કપડાં તેઓ પહેરતા.

ઇન્ટરનેટ વિશે

ઇન્ટરનેટ વિશે જ્યારે એમને પૂછ્યું ત્યારે એમણે કહ્યું; હું મારું ટ્વીટર જોવું છું. તેમાંથી બહુ જાણવા મળે છે. દુનિયાથી સંપર્કમાં રહેવાય છે. મોદી સાહેબે તો વધુમાં કહ્યું કે તમારા પત્નીનું ટ્વીટર પણ જોવું છું તેઓ ઘણી સારી માહિતીઓ શેર કરે છે સાથે રાજનૈતિક આક્રોશ પણ ઠાલવે છે! મોદીજીએ રમૂજ અંદાજમાં કહ્યું આ ટેવને લીધે ઘર પરિવારમાં શાંતિ રહેતી હશે ને? કેમ કે બધી ભડાશ ઓનલાઈન નીકળી જતી હોય છે!

ટ્વીન્કલ ખનાનો પરિવાર

ટ્વીન્કલના ટ્વીટર વિશે વાત નીકળતાં મોદીજીએ કહ્યું કે તેઓ ટ્વીન્કલના નાનાજીને મળી ચૂક્યા છે. એ વિશે એમણે રસપ્રદ કિસ્સો કહ્યો. તેમણે કહ્યું કે એકવાર ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ હતી ત્યારે તેમના નાના ચીનુભાઈને મળ્યા હતા. એ સમયે એમણે મુંબઈના એક મીઠાના વેપારીને સુરેન્દ્રનગર લઈને આવ્યા હતા. તેમના નાનીને પણ મળ્યા હતા અને ખૂબ વાતો કરી હતી એ પ્રસંગને પણ તેમણે આજે યાદ કર્યો.

મોદીજી ઉપર બનતા જોક્સ અને મીમ્સ

મોદી સાહેબે હસીને કહ્યું કે મને એ ગમે છે. એન્જોય કરું છું હું માનું છું કે કોમન મેનને સોશિયલ મીડિયા સાથે પોતાની ક્રિએટીવીટી મૂકવાથી એમની કળાનું એનાલિસીસ પણ થાય છે. લોકોના વિચારો સમજવાની મજા આવે છે.

આખો ઇન્ટરવ્યૂ નોન પોલિટિકલ એંગલથી જ લેવાયો ત્યારે ચૂંટણીની દોડધામ બાદ મોદીજી ખૂબ જ રિલેક્સ અને આનંદિત લાગતા હતા. દર્શકોને આ ગોષ્ઠી ખૂબ જ પસંદ આવી રહી છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version